Archive for December, 2006
અનામિકાને પત્ર: 9 Anamika: 9
.
પ્રિય અનામિકા,
તમારો અચાનક ફોન આવતાં આશ્ચર્ય જરૂર થયું હતું. અમરે “લગે રહો મુન્નાભાઈ”ની વાત કરી તો આનંદ થયો.
તમે તમારા ભારતીય મિત્રો સાથે “લગે રહો મુન્નાભાઈ” માણી. સૌએ જોવી જોઈએ. મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત આ ફિલ્મ બધાને સ્પર્શવી જ જોઈએ.
ગાંધીજીના આદર્શો રમૂજ સાથે વ્યક્ત કરવામાં વિધૂ વિનોદ ચોપરા તથા હીરાણી સફળ થયા છે. સ્ક્રીપ્ટ અને ડાયલોગ સામાન્ય પ્રેક્ષકને ગળે ઊતરે તેવા. તારી ચકોર આંખોએ અભિજાત જોશીનું નામ પકડી પાડ્યું તે સરસ! અભિજાત જોશી જેવા આપણા ગુજરાતી મિત્રોના સિનેમા ક્ષેત્રે પ્રદાન માટે આપણને જરૂર ગર્વ થાય!
તું તારા દેશી-વિદેશી મિત્રો સાથે ભારતીય ફિલ્મો પર ચર્ચાનું આયોજન કરવા વિચારે છે. એક આવકારદાયક પ્રવૃત્તિ. હું મારી નોટ્સ – ડાયરીઓ – કટીંગ્સનો ખજાનો ફેંદી વળીશ. તને ઢગલો માહિતી મોકલીશ.
તું જાણે છે ફિલ્મ ક્ષેત્રે ભારતનું સ્થાન નોંધપાત્ર છે. પરંતુ તું એ જાણે છે કે ગુજરાતનો ફાળો કેટલો મોટો છે?
સૌ પ્રથમ, એક લગભગ અજાણી પણ ખૂબ જ રસપ્રદ માહિતી.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાલકે ગુજરાતમાં રહ્યા હતા તે હકીકત આપણામાંથી કેટલા જાણે છે?
ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં દાદાસાહેબ ફાલકે વડોદરા આવ્યા. સંસ્કારધામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત કલા ભવન તે સમયે વિશ્વવિખ્યાત હતું. અહીં દાદાસાહેબે ફોટોગ્રાફી, પેઈંટિંગ અને મેજિક વિદ્યાનો અભ્યાસ કર્યો. થોડો સમય ગોધરા જઈને રહ્યા. ત્યાં ફોટોગ્રાફી શરૂ કરી. અહીં લેંડસ્કેપ અને પોર્ટ્રેટમાં તેમણે કુશળતા મેળવી.. આ અરસામાં તેમણે પ્લેગના ભયાનક રોગચાળામાં પોતાની પ્રિય પત્ની તથા બાળકને ગુમાવ્યાં! તેમણે ગુજરાત છોડ્યું. તે પછી દાદાસાહેબ ચલચિત્રો તરફ વળ્યા અને ઈતિહાસ રચ્યો તે તો સૌ કોઈ જાણે છે.
આપણે ગર્વ લેવો જોઈએ કે દાદાસાહેબ ફાલકેની કારકિર્દીના ઘડતરમાં ગુજરાતનો ફાળો છે.
દાદાસાહેબની પ્રથમ ફિલ્મ (ચલચિત્ર) “રાજા હરિશ્ચંદ્ર”. મુંબઈમાં આ ચલચિત્ર રજૂ થયું 1913માં.
ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રારંભ સાથે જ અનેક ગુજરાતીઓએ આ ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાં શારદા ફિલ્મ કંપનીના ભોગીલાલ દવે, મોહન પિક્ચર્સના મોહનલાલ દવે, સાગર મુવિટોનના ચિમનલાલ દેસાઈ, કૃષ્ણ મુવિટોનના માણેકલાલ પટેલ, ગુજરાતી લેખક-રાજકારણી ઈન્દુલાલ યાજ્ઞિક, રણજીત ફિલ્મ્સના સરદાર ચંદુલાલ શાહ …. હજી બીજાં કેટલાં નામ ઉમેરી શકાય! આ સૌ ગુજરાતીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો.
આપણે મુંબઈના બોલિવુડની આધુનિક ઝાકમઝાળમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતીઓની અનોખી સિદ્ધિઓ ભૂલી ગયા છીએ. પરંતુ તું તારા ભારતીય-અમેરિકન પરિચિતોને આ વાત જણાવજે અને સૌને તેનો પ્રચાર કરવા કહેજે. તારા દેશી- વિદેશી મિત્રોને મેઈલ કરે ત્યારે આ વાત જરૂર ઉમેરજે.
સપ્રેમ …. શુભાશિષ.
——————
અનામિકાને પત્ર: 8 Anamika: 8
.
પ્રિય અનામિકા,
તારી જીવનધારા નિર્વિઘ્ને વહી રહી છે, તે આનંદની વાત છે. જીવનની વ્યસ્તતામાં પણ તું વિવિધ પ્રવૃત્તિઓ માટે યત્કિંચિત્ સમય ફાળવવા પ્રયત્ન કરે છે તે તો ઓર ખુશીની વાત્!
તેં શ્રી રામકૃષ્ણ પરમહંસનો જીવન પ્રસંગ લખ્યો તે મનનીય છે. પરમહંસની વાત નીકળે અને જો શ્રી “મ” તથા રોમાં રોલાંને ન સ્મરીએ તો અન્યાય જ કહેવાય. ક્યારેક શ્રી ”મ” વિષે જરૂર લખીશ. આજે રોમાં રોલાંની વાત કરું?
વિશ્વસાહિત્યમાં ફ્રેંચ સર્જક રોમાં રોલાં(1866-1944)નું નામ સુવર્ણ અક્ષરે લખાયેલ છે. તેમનો ફ્રાંસમાં જન્મ. પેરિસમાં રહી ઈતિહાસમાં વિશારદ થયા. રોમમાં કલા તથા શિલ્પશાસ્ત્રમાં તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું. નાટક તથા સંગીતનો ઊંડો અભ્યાસ કર્યો. જીવન અધ્યાપન અને લેખનને સમર્પિત કર્યું.
અનામિકા! રોમાં રોલાંને મહામાનવ જ કહેવાય! સાચા અર્થમાં માનવપ્રેમી મહાપુરુષ! પ્રથમ વિશ્વયુદ્ધમાં રેડ ક્રોસ સાથે રહી ઘાયલ સૈનિકોની તેમણે સ્વયં સેવા કરી. ફ્રાંસ છોડી સ્વિટ્ઝર્લેંડમાં સ્થાયી થયા. “સિદ્ધાર્થ”ના લેખક હેરમાન હેસ તેમના પાકા ચાહક-મિત્ર.
રોલાં ટોલ્સ્ટોય, ગાંધીજી અને અન્ય ઘણા મહાનુભાવોના સંપર્કમાં રહ્યા. ગાંધીજી તો બીજી ગોળમેજી પરિષદ(1931)માંથી પાછા ફરતાં ચારેક દિવસ રોલાંના મહેમાન બનીને તેમની સાથે રહ્યા હતા. આલ્પ્સની બર્ફીલી પહાડીઓ વચ્ચે, રમણીય સરોવરને તીરે, પ્રકૃતિની ગોદમાં વિલ્યનોવ(વિલ્નોવ) ગામે આ બે વિશ્વવિભૂતિઓનો સત્સંગ કેવો અનોખો હશે!
રોમાં રોલાં બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. જીવનમાં કલા અને સૌંદર્યદ્રષ્ટિના ઉપાસક હતા. જીવનના એક એક ક્ષેત્રમાં કલાત્મક સર્જકતા ખીલવવાની તેમનામાં અદભુત શક્તિ હતી. શેક્સપિયરના પ્રશંસક. બિથોવનના આશિક. સ્વયં સંગીતના ઊંડા અભ્યાસી. તેમણે બિથોવન, ચિત્રકાર માઈકલ એંજેલો, લિયો ટોલ્સ્ટોય વગેરેનાં રસપ્રદ જીવન ચરિત્રો લખ્યાં છે.
રોલાં પ્રખર અધ્યાત્મવાદી હતા. ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય દર્શનમાં તેમને અખૂટ શ્રદ્ધા હતી. ભારતીય તત્ત્વજ્ઞાનનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કરેલો. તેમણે રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ તથા ગાંધીજીના ચિંતનીય જીવનચરિત્રો લખ્યાં છે.
તને યાદ હશે, અનામિકા! તારી સાથે મહર્ષિ અરવિંદના પ્રબુદ્ધ શિષ્ય દિલીપકુમાર રાય વિષે ઘણી વાર ચર્ચા કરી હતી. રોમાં રોલાં પ્રત્યે મોકળા મને આદરનાં પુષ્પ વરસાવ્યાં હોય તો દિલીપ કુમાર રાયે. દિલીપ કુમાર તેમને સ્વિટ્ઝરલેંડમાં છ વખત મળેલા. આ મુલાકાતોનું ભાવવાહી વર્ણન તેમનાં પુસ્તકોમાં છે. “જાઁ ક્રિસ્તોફ”થી તો દિલીપકુમાર ભારે પ્રભાવિત હતા. આ બધા વિષે ફરી ક્યારેક વાતો કરીશું?
સંભાળીને, જીવનના ઘટનાક્રમને સમજીને રહેશો …. સપ્રેમ આશીર્વાદ.
અનામિકાને પત્ર: 7 Anamika: 7
.
પ્રિય અનામિકા,
તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે પસંદ પામી છે.
તારા યુવાન અમેરિકન મિત્રો આ કૃતિ પર શા માટે વારી ગયા છે? હકીકત એ છે કે અશ્વેતોને થયેલા અમાનવીય અન્યાયને સમજદાર અમેરિકનો ક્યારેય ભૂલી શક્યા નથી. તેથી જ તો દાયકાઓ પછી પણ આવા વિષય પર રચાયેલી કૃતિ સફળ થતી રહે છે. અશ્વેતોના અન્યાયની વાત આવે તો તેમના તારણહાર અબ્રાહમ લિંકનને કેમ ભૂલાય? અમેરિકાના આંગણે ખેલાયેલા એક માત્ર આંતરવિગ્રહ (1861-1865)ને કેમ ભૂલાય?
સાચું પૂછો તો, તે સમયે ગુલામીપ્રથા વિરુદ્ધ સમાજમાં જનમત જગાવવામાં એક પુસ્તકે મોટો ફાળો આપેલો હતો. હેરિયેટ બીચર સ્ટો(સ્ટોવ) દ્વારા લખાયેલ “અંકલ ટોમ્સ કેબિન”. (Uncle Tom’s Cabin by Harriet Beechar Stowe). હું મારા અમેરિકન મિત્રોને આ પુસ્તક વાંચવા આગ્રહ કરતો રહું છું.
આજની પેઢીને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે કે સુસંસ્કૃત દેખાતા અમેરિકામાં દોઢસો વર્ષ પહેલાં આવી જંગાલિયતભરી ગુલામીપ્રથા અસ્તિત્વમાં હતી. (આ જ પ્રથા યુરોપમાં, ખાસ તો ઈંગ્લેંડમાં પણ હતી!!)
અઢારમી સદીના ઉદય સાથે, વિવિધ યંત્રોના સહારે અમેરિકા અમાપ વિકાસના પંથે દોડવા લાગ્યું. પરિણામે અસંખ્ય શ્રમિકોની જરૂર ઊભી થઈ. પછાત દેશોની પ્રજા શોષણનો ભોગ બની. યુરોપિયન વેપારીઓ આફ્રિકાના અંધારા ખૂણાઓમાંથી નીગ્રો-હબસીઓને પકડી લાવતા. સાંકળોથી બંધાયેલા હબસીઓના જહાજો અમેરિકાના બંદરે આવતાં. અમેરિકાના શહેરોમાં તે હબસીઓ ગુલામ તરીકે વેચાતા.
હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” શરમજનક ગુલામીપ્રથા તેમજ ગુલામોની હ્રદયદ્રાવક દશાનો કરૂણ ચિતાર આપે છે. કથાનો નાયક ટોમ નામનો ખૂબ જ ભલો અને નીતિવાન હબસી છે. તે વેચાતો રહે છે; તેના માલિકો બદલાતા રહે છે. ટોમ કોઈ પણ ફરિયાદ વિના, ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના ગોરા માલિકોની વફાદારીથી સેવા કરતો જાય છે. અન્ય ગુલામ સાથીઓને મદદ કરતો રહે છે; તેમના દુ:ખમાં હિસ્સો લઈ તેમને હિંમત આપતો રહે છે. આવા નેકદિલ, ફરિશ્તા સમા ટોમનું મૃત્યુ વાચકને હચમચાવી દે છે! રડાવી દે છે!
નવલકથાના અન્ય પાત્રોમાં પાકો વેપારી હેલિ છે; દેવદૂત સમા પત્રો સેંટ ક્લેર અને તેમની નાનકડી પુત્રી ઈવા છે, તો શયતાન સમો માલિક લેગ્રી પણ છે. કમનસીબ ગુલામો પ્રૂ, ટોપ્સી અને રોઝા છે. દર્દનાક કથા ગૂંથાતી રહે છે.
નવલકથામાં નીગ્રો ગુલામો પરના પાશવી અત્યાચારોનું વર્ણન વાચકને કંપાવી દે છે. ભરબજારે બેડીઓથી જકડાયેલ અર્ધનગ્ન સ્ત્રી-પુરુષો-બાળકો! તેમની કિંમત નક્કી કરવા બેશરમીથી તેમના અંગ-ઉપાંગ તપાસતા ખરીદદારો! ગોરા માલિકો પર ઘૃણા થઈ આવે છે. બજારમાં પતિથી વિખૂટી પડતી હબસી સ્ત્રી અને માતાથી છૂટા પડતાં બાળકોનાં આક્રંદ આપણું કાળજું કંપાવી દે છે. માલિકોને ત્યાં રાત-દિવસ તનતોડ મહેનત કરતા ગુલામોની વ્યથા; તેમાંયે જો જરા સી ચૂક થઈ તો ખુલ્લા દેહ પર પડતા ચાબૂકના સટાકા અને તેમની દર્દનાક ચીસો તમારા કાનમાં દિવસો સુધી ગૂંજ્યા કરે છે.
હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” એક ધારાવાહિક તરીકે વોશિંગ્ટનના “નેશનલ એરા” માં પ્રસિદ્ધ થવી શરૂ થઈ (1851) અને પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. હેરિયેટે લખ્યું છે કે તેને પુસ્તક્ના વેચાણમાંથી કાંઈ નહીં તો, એક સિલ્ક ડ્રેસ ખરીદી શકાશે તેટલી કમાણીની આશા હતી. આવા વિવાદાસ્પદ વિષય પર પુસ્તક ખરીદનારા કેટલા? ચમત્કાર થયો! પ્રથમ વર્ષમાં જ ત્રણ લાખ નકલો વેચાઈ ગઈ! વેચાણ ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. સાથે ગુલામીપ્રથા વિરુદ્ધ જનમત જાગૃત થતો ગયો. ગુલામીના મુદ્દા પર અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયું; દક્ષિણના રાજ્યોને ગુલામીની પ્રથા ચાલુ રાખવી હતી, ઉત્તરના રાજ્યોને તે જંગલી પ્રથા ખપતી ન હતી. અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન પાસે વિકલ્પ ન હતો. અમેરિકાના ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ થયો (1861-65). ઉત્તરના હજારો વીર સિપાઈઓએ ઉમદા ધ્યેય કાજે શહાદત વહોરી તે ફળી. ઉત્તરના રાજ્યોની જીત થઈ. ગુલામીપ્રથા નાબૂદ થઈ.
કરૂણતા એ કે યુદ્ધસમાપ્તિ ટાંકણે જ લિંકનની હત્યા થઈ!
ગુલામીપ્રથાનો અંત આવ્યો. માનવસંસ્કૃતિની રક્ષા થઈ. શ્રેય કોને આપશું?
“Beloved”ની કહાણી જુદી છે. પરંતુ, અનામિકા! હવે તું તારી આગવી દ્રષ્ટિથી તેને મૂલવી શકીશ. વિચારજે અને તારા મિત્રો સાથે ચર્ચા કરજે. … સસ્નેહ આશીર્વાદ.
અનામિકાને પત્ર: 6 Letters to Anamika: 6
.
પ્રિય અનામિકા,
તેં બ્લોગ-પોસ્ટ્સ પરની ચર્ચા વાંચી. મુક્ત ચર્ચાની તક મળે તે કેવું સરસ.
ચિ. નેહાએ પ્રશ્નો ઉઠાવ્યા અને પોતાના વિચારો વિના સંકોચે રજૂ કર્યા, તે તને ગમ્યું ને? જીવન દ્રષ્ટિના વિકાસ માટે આમ વિચારવું ઉપયોગી છે.
નેહા કર્તવ્યશીલતા અને સમાજના વલણ વિશે ચિંતનીય વાત કરે છે. ઘણાના મનમાં આ પ્રકારના અન્ય પ્રશ્નો થતા હોય છે: સમાજ અમારી કર્તવ્યશીલતાને નહીં સમજે તો? કોઈ અમારા કાર્યોને નહીં મૂલવે તો?
આ સંદર્ભમાં તેં તારા બાળપણની સ્ટોરી યાદ કરી છે: વૃદ્ધ માણસના આંબા વાવવાની વાર્તા. પ્રેરણાદાયક વાર્તા છે.
તેં મેગેલનને પણ યાદ કર્યો તેથી મને સાનંદાશ્ચર્ય થયું. વર્ષો પહેલાં રેનેસાં ભણાવતી વેળા મેં તને મેગેલનની વાત કરી હતી … તને યાદ રહી ગઈ! મને ખુશી થઈ.
મેગેલનની સાહસવૃત્તિને કેવી રીતે બિરદાવીશું? આફતો સામે ઝઝૂમતાં રહીને ધ્યેયસિદ્ધિ માટે ખપી જવાની તેની કહાણીને કેમ ભૂલાય? અદભૂત કમિટમેન્ટ!
મારે મન તો મેગેલન જેટલું જ મહત્વ તેના લગભગ અણજાણ ઈટાલિયન સહ-પ્રવાસીનું છે. જાનને મુઠ્ઠીમાં લઈ તે ઈટાલિયન મેગેલન સાથે પ્રવાસ કરતો રહ્યો; એક એક ઘટનાની, દરેક વિગતની સૂક્ષ્મ નોંધ કરતો રહ્યો! તેના વિના દુનિયાને મેગેલનની સાહસગાથાનો પરિચય ક્યાંથી મળત? તે ઈટાલિયન જાંબાજની કથાને કેટલા જાણે છે? સમાજથી કોઈ અપેક્ષા વિના, કશું પણ પામ્યા સિવાય, ભૂખ-તરસ વેઠીને, હંમેશા માથા પર કફન બાંધીને તેણે કર્તવ્યશીલતા દીપાવી! ધન્ય છે તેને! આવા જાણ્યા-અજાણ્યા વિરલાઓથી તો સંસાર ચાલે છે.
શા માટે સમાજની મૂલવણીની ચિંતા કરવાની? જો તમે તમારા કાર્યો વિષે સ્પષ્ટ છો, તમને તમારા વિચારોમાં શ્રદ્ધા છે, ધ્યેયમાં નિષ્ઠા છે, તો તમે આગે બઢો! કોઈ સાથે છે કે નહીં તેની ચિંતા છોડો! કોઈ તમારી કદર કરે છે કે નહીં, તેની ફિકર ન કરો. તમારા આત્મસંતોષ માટે પણ કાર્ય કરતાં શીખો. તમને જીવન જીવવામાં આનંદ મળશે!
સસ્નેહ આશીર્વાદ.
અનામિકાને પત્ર: 5
.
પ્રિય અનામિકા,
ટોલ્સ્ટોયની કહાણી વાંચી તારી સ્ત્રીસહજ સંવેદનાઓ જાગી ઊઠી લાગી છે. તેં “અન્ના કેરેનિના” વિષે પૃચ્છા કરી છે. ચાલ, આજે અન્નાની વાત.
વર્ષો વીતી ગયાં છે અન્ના વાંચ્યે. વાર્તાના નોંધેલા મુદ્દા તથા આછી-પાતળી સ્મૃતિના આધારે તને અન્નાની વાર્તા કહીશ. પહેલાં વાર્તાની પૂર્વભૂમિકા……
1872નું વર્ષ. રશિયાનું એક રેલ્વે સ્ટેશન.
મેદની એકઠી થયેલી છે. સંયોગવશ ટોલ્સ્ટોય ત્યાંથી પસાર થઈ રહ્યાં હોય છે. કૂતુહલવશ ટોસ્ટોય પણ ભીડ પાસે પહોંચે છે. આઘાત પામે છે. એક સ્વરૂપવાન યૌવનાનો મૃતદેહ પડેલો છે. યુવતી ટ્રેઈન નીચે કૂદીને કપાઈ ગઈ છે. પોલિસ પૂછપરછ કરી રહી છે.
ટોલ્સ્ટોય હચમચી જાય છે. ભીની આંખે તેઓ યૌવનાના મૃતદેહને નિહાળ્યા કરે છે. ક્ષત-વિક્ષત દેહમાંથી યે ખૂબસૂરતી છલકાઈ રહી છે. અપ્રતિમ દેહસૌંદર્યનો આવો અંજામ? શું જીવનની કરૂણતા આ રીતે પણ પ્રગટ થઈ શકે? ટોલ્સ્ટોય તે યુવતી વિષે માહિતી એકત્ર કરે છે.
તે સુંદર યુવતી હતી અન્ના. પરિણીત હતી. યુવાનીની સ્વચ્છંદતાનો અને દુ:ખી દાંપત્યજીવનનો ભોગ બનીને તેણે આત્મહત્યા કરી હતી. ટોલ્સ્ટોયના મનમાં વાર્તા ઘુમરાવા લાગે છે અને સર્જન પામે છે નવલકથા: “અન્ના કેરેનિના”.
ચાલો, આપણે “અન્ના કેરેનિના”નાં પૃષ્ઠો ઉથલાવીએ.
અન્નાના લગ્ન થયા છે એલેક્સી સાથે. પતિ-પત્ની પિટર્સબર્ગમાં રહે છે.
એલેક્સી ઉંમરમાં અન્ના કરતાં વીસેક વર્ષ મોટો છે. ઊંચી પદવી પર ઓફિસર છે. માન-મરતબો છે. નામ છે. તે પ્રેમાળ છે, પરંતુ કારકિર્દી બનાવવામાં એવો વ્યસ્ત છે કે તેનું અંગત જીવન ખાડે જતું જાય છે. ઉષ્માવિહીન દાંપત્યજીવનથી અન્ના દુ:ખી છે. સાત વર્ષના પુત્રના સહારે તે આશા રાખીને જીવન પસાર કરતી રહે છે.
અન્નાનો ભાઈ ઓબ્લોન્સ્કી વૈભવી પાટનગર મોસ્કોમાં રહે છે. ઓબ્લોન્સ્કીને વગદાર શ્રીમંતો સાથે ઘરોબો છે. કિટ્ટી તેની યુવાન સાળી છે, જે પોતાનું મિત્ર-વર્તુળ વધારી રહી છે. કિટ્ટી બે શ્રીમંતોથી આકર્ષાઈ છે, પરંતુ તેને સમજાતું નથી કે તે કોના પ્રેમમાં છે…..એક છે ઉમરાવ કાઉન્ટ વ્રોન્સ્કી; બીજો છે જમીનદાર લેવિન. રંગીન મિજાજ વ્રોન્સ્કી ભ્રમરવૃત્તિનો છે. લેવિન વિચારશીલ, ઠરેલ પ્રકૃતિનો છે.
એક વાર અન્ના મોસ્કો પોતાના ભાઈ ઓબ્લોન્સ્કીને ત્યાં આવે છે. બસ, પાર્ટી અને મોજશોખમાં તે ડૂબી જાય છે. તેના શુષ્ક જીવનમાં કૂંપળો ફૂટવા લાગે છે. એક ડાન્સ પાર્ટીમાં વ્રોન્સ્કી કિટ્ટીને પડતી મૂકી અન્નાને પોતાની પાર્ટનર બનાવે છે.
બસ, આ ટર્નિગ પોઈંટ છે. અન્ના વ્રોન્સ્કીના મોહક ઈશ્કમાં પાગલ બની બેસે છે. ભારે હૈયે પતિગૃહે પાછી તો ફરે છે, પણ ઘણું બધું ખોઈને … તેની પાછળ પાછળ વ્રોન્સ્કી પણ પિટર્સબર્ગ પહોંચે છે. અન્નાના દાંપત્યજીવનમાં તોફાન જાગે છે. પતિ સમજાવે છે; અન્ના અંધ થતી જાય છે. સમાજમાં બદનામીના ડરથી એલેક્સી પત્નીને તલાક આપવા તૈયાર નથી. મજબૂર થઈ લાચાર એલેક્સી અન્નાની બેવફાઈ નિભાવ્યે જાય છે.
મોસ્કોમાં કિટ્ટી સમજદારીથી જીવન સંભાળી લે છે. તે ધીર, ગંભીર લેવિન સાથે પોતાનો સંસાર સજાવી લે છે. તેમનું દાંપત્ય જીવન સુખી બને છે.
અન્ના તમામ મર્યાદાઓ તોડીને વ્રોન્સ્કીને સર્વસ્વ અર્પણ કરે છે અને વ્રોન્સ્કીની પુત્રીને જન્મ આપે છે. પરંતુ લગ્નવિચ્છેદ સિવાય અન્ના વ્રોન્સ્કીનો સંસાર સજાવે કેવી રીતે? એલેક્સી તલ્લાક માટે તૈયાર નથી. પતિ અને પ્રેમી વચ્ચે અન્ના પિસાતી રહે છે….. રિબાતી રહે છે. છેવટે ધસમસતી ગુડ્ઝ ટ્રેઈન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવે છે.
ટોલ્સ્ટોયની આ કરૂણાંતિકા “અન્ના કેરેનિના” ઘણી પ્રસિદ્ધિ પામી છે.
વર્તમાન સમયમાં ગુજરાતી યુવાન-યુવતીઓ વિશ્વના ‘ક્લાસિક’ સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોવાનું ઘણી વખત કહેવાય છે. તેઓ ઘણી વાર પ્રશ્નો કરે છે: સર, અમે શું વાંચીએ? કદાચ ગદ્ય કરતાં પદ્ય તરફ ઝોક વધ્યો છે. ભલે; તેમાં ખોટું કાંઈ નથી. પણ ‘ક્લાસિક’ ગદ્યનો રિશ્તો પણ રહેવો જોઈએ. દોસ્તો! મુનશી અને દર્શક વાંચો; શરદબાબુ અને પ્રેમચંદ વાંચો …. રોમાં રોલાં કે દોસ્તોએવ્સ્કી પણ વાંચો ….. જો બધાની કૃતિઓ વાંચવી શક્ય ન હોય તો તેમના વિષે જાણવાનું તો ન જ ચૂકો. કૃતિઓ અને કૃતિકારનો સાધારણ પરિચય તો અવશ્ય મેળવો જ. તે તમારા જીવનમાં રંગ પૂરશે! બસ, મારે આટલું જ જોઈએ છે!
સસ્નેહ આશીર્વાદ .
અનામિકાને પત્ર: 4
.
પ્રિય અનામિકા,
તને જગતમાં નવો ચીલો ચાતરનારા, દુનિયાને દોરનારા પથપ્રદર્શકોની વાતમાં રસ પડ્યો તે મે જાણ્યું. આવા વિરલાઓ તથા દુનિયાને પલટાવનારી ઘટનાઓ અને તેમનાં પ્રેરક પરિબળો વિષે જાણવાની કેવી મજા આવે!
તારા નવા પાડોશી રશિયન છે અને તમારે સારો ઘરોબો કેળવાતો જાય છે તે સરસ વાત.
તારે ટોલ્સ્ટોય વિષે જાણવું છે ને? તેમની જીવનકથા તો લાંબી થઈ જાય. પણ આપણે તેમની જીવનકહાણીનો સ્કેચ – ટૂંક પરિચય તો મેળવવો જ રહ્યો; તેમના સર્જન અને કાર્યોને અસર કરતાં ઘટકો-પરિબળોને તો સમજવાં જ જોઈએ!
કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય. વિશ્વવિખ્યાત રશિયન લેખક.
ટોલ્સ્ટોયનું નામ વાંચતાં જ તેમનાં અમર પાત્રો આસપાસ ઘૂમરાવા લાગે છે. અનામિકા! તને યાદ હશે … મિડલ સ્કૂલમાં મેં તને આકુલ્યા-માલાશાની સ્ટોરી ભણાવી હતી. લેસનનું નામ હતું: “Little girls wiser than man.” મેં મારા અન્ય સ્ટુડન્ટ્સને ટોલ્સ્ટોયની બીજી કેટલીક મઝાની વાર્તાઓ ભણાવી છે: “A grain as big as a hen’s egg”; “How much land does a man need”; “What man lives by” વગેરે …
ટોલ્સ્ટોયની જીવન કહાણી રસપ્રદ છે.
ટોલ્સ્ટોયનો જન્મ 1818માં રશિયાના એક અતિ શ્રીમંત ઉમરાવ પરિવારમાં થયો હતો. નવેક વર્ષની ઉંમર સુધીમાં ટોલ્સ્ટોયે માતાપિતાની છત્રછાયા ગુમાવી.
પિતાનો ધનવૈભવનો ભવ્ય વારસો ટોલ્સ્ટોયના હાથમાં આવ્યો. 42 આલીશાન ખંડોનો ભવ્ય આવાસ; વિશાળ જાગીરદારી, સેંકડો ખેતમજૂરો પર આધિપત્ય. યુવાન ટોલ્સ્ટોય કુસંગે ચડી ગયા. પરંતુ જન્મજાત સંસ્કારને પ્રતાપે તેમના મનમાં ભલા-બૂરા પર મનોમંથન ચાલ્યા કરતું.
તે સમયે રશિયામાં આપખુદ શાસક ઝારનું રાજ્ય હતું. અન્યાયી, જુલ્મી શાસન. પ્રજા અવાજ ઉઠાવતી તો ઝારની સેના નિર્દયતાથી વિરોધને કચડી નાખતી. એક ઉમરાવ-પુત્રના નાતે ટોલ્સ્ટોય ઝારની સેનામાં જોડાયા. યુદ્ધમોરચા પરની ભીષણતા તેમણે નજરે નિહાળી. યુદ્ધની વિનાશકતા અને માનવીની બર્બરતાથી દ્રવિત થઈ તેમણે સેના છોડી દીધી.
1851-62 દરમ્યાન બે વખત તેમણે યુરોપનો પ્રવાસ કર્યો. મુક્ત વિચારધારાનો અનુભવ કર્યો. 1862માં 34 વર્ષની ઉંમરે ટોલ્સ્ટોયે સોફિયા નામની સુશીલ, સંસ્કારસંપન્ન યુવતી સાથે પ્રેમવિવાહ કર્યો. જીવનમાં પ્રેમ-રસ રેડાતાં જ ટોલ્સ્ટોયની સર્જનશક્તિ ખીલી ઊઠી.
તેમણે યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં જીવનનું ચિત્રણ કરતી મહાનવલ “વોર એન્ડ પીસ” લખી જે વિશ્વ પ્રસિદ્ધ નવલકથા બની. ત્યાર પછી તેમણે માનવસ્વભાવની સંવેદનાઓનું સૂક્ષ્મ રેખાંકન કરતી ભાવવાહી નવલકથા “અન્ના કેરેનીના” લખી, જે લોકપ્રિય બની.
વધતી ઉંમર સાથે ટોલ્સ્ટોયના વિચારો તથા જીવનપદ્ધતિમાં પરિવર્તન આવતાં ગયાં. અમીરીનો ઠાઠ છોડી તેમણે જીવનમાં સાદગી અપનાવી. સામાન્ય ખેડૂતની માફક ખેતરમાં કામ કરવા લાગ્યા. સોફિયા આ પરિવર્તન ન સ્વીકારી શકી. દાંપત્યજીવનમાં ખટરાગ વધતો ચાલ્યો. ટોલ્સ્ટોયની આંતરવ્યથા વધતી ચાલી. ભારે માનસિક સંઘર્ષ વચ્ચે માનવજીવનના એક એક પહેલૂને તેઓ પોતાની કૃતિઓમાં ઉતારતા ગયા.
1910 નું વર્ષ. 82 વર્ષની ઉંમર. હવે ટોલ્સ્ટોય ભાંગી પડ્યા હતા. તેમણે કોઈને કહ્યા વિના, ચૂપચાપ ઘર છોડ્યું. વિશ્વભરમાં સનસની મચી ગઈ. થોડા દિવસો પછી, રશિયાના એક નાનકડા રેલ્વે સ્ટેશન પર, એક રેલ કર્મચારીના નાનકડા ઘરમાં વિશ્વવિખ્યાત મહાન સર્જક, ચિંતક સંત ટોલ્સ્ટોયે દેહત્યાગ કર્યો!
એક મહાન વિભૂતિનો કેવો કરૂણ અંત!
પથપ્રદર્શક વિરલા આમ જ નિરાળું જીવન જીવી જતા હોય છે. ….. સસ્નેહ આશીર્વાદ.
અનામિકાને પત્ર: 3
.
.
પ્રિય અનામિકા,
તારી આસપાસનો ગુજરાતી સમાજ તારી વાતોમાં રસ લે છે તે જાણીને ખુશી થઈ. તમે પ્રસંગોપાત મળતા રહો છો અને બૌદ્ધિક ચર્ચા-વિચારણા પણ કરો છો તે કેવું સરસ!
આપણે અમેરિકાની વાત પરથી માનવસંસ્કૃતિ પર આવીએ.
તારો પ્રશ્ન મને ગમ્યો: સંસ્કૃતિનો વિકાસ શી રીતે થાય? વિશ્વવ્યવસ્થા ચાલે છે કોના આધારે? ફિલોસોફિકલ, આધ્યાત્મિક દ્રષ્ટિબિંદુ ઘડીભર છોડીએ, અને વિચારીએ; આ વ્યવસ્થા સર્જાય છે વિચારશીલતાથી, કર્તવ્યશીલતાથી, સર્જનશીલતાથી.
વિશ્વવ્યવસ્થાનાં કેટલાંક પરિબળો છે, પરંતુ સાચું પૂછો તો દુનિયાને દોરવે છે થોડા મૂઠી ઊંચેરા માનવી. નોખી ભાત પાડતા અસાધારણ ચરિત્રો.
આ વિરલા એક તેજ લિસોટા સમાન જીવન જીવી જાય છે; સમાજમાં તરંગો જગાવી જાય છે; સદીઓને ઝળાંહળાં કરી જાય છે.આ વિરલાઓ વિચારક હોય છે, સર્જક હોય છે, પથ-પ્રદર્શક હોય છે. તેમનાં વિચારો, તેમનાં કાર્યો, તેમની કૃતિઓ ઈતિહાસનાં નવાં પૃષ્ઠો રચે છે. ફલત: સંસ્કૃતિનું આલેખન થતું રહે છે, જતન પણ થતું રહે છે.
પ્રાચીન કાળથી આજ સુધી વિભિન્ન પ્રદેશોમાં પથપ્રદર્શક જન્મતા જ રહ્યા છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાં આ વિરલાઓનું અદભુત યોગદાન રહ્યું છે. તેમની સપૂર્ણ યાદી કઈ રીતે બનાવી શકાય? અસંભવ!
આપણા અતિપ્રાચીન વૈદિક કાળના ઋષિ-મુનિઓથી લઈ મહર્ષિ અરવિંદ, સોક્રેટિસ થી નિત્શે, વાલ્મિકીથી કાલિદાસ, એરિસ્ટોટલથી આઈન્સ્ટાઈન, હોમર, શેક્સપિયર, ચંદ્રગુપ્ત-ચાણક્ય, ઓગસ્ટસ સિઝર, લિયોનાર્ડો દ વિંચિ (વિંશિ), રાફેલ અને રેમ્બ્રાં, બિથોવન અને મોઝાર્ટ ….. કોને યાદ કરો? કોને નહીં? વિવાદ થતા રહેશે અને યાદી લંબાતી જ રહેશે. પરંતુ તે સૌના જીવન અને વિચારો-કાર્યો વિશે જાણવું તે સંસ્કૃત મનુષ્યનું લક્ષણ છે.
આવા અસંખ્ય નામી-અનામી વિરલાઓએ આપણા માનવ-અસ્તિત્વને અર્થ આપ્યો છે. આપણે આ સત્ય કદી ન ભૂલીએ! ….. સસ્નેહ આશીર્વાદ.
અનામિકાને પત્ર: 2
પ્રિય અનામિકા,
અમેરિકન સમાજ વિશે તેં મારો અભિપ્રાય માગ્યો છે.
અમેરિકા અર્વાચીન માનવસંસ્કૃતિના વિશિષ્ટ પ્રતિનિધિરૂપ દેશ છે.
પ્રથમ પ્રશ્ન એ ઉઠે : સંસ્કૃતિ એટલે શું? માનવ-સભ્યતાનાં લક્ષણો કયાં?
પ્રથમ લક્ષણ તો સર્જનશીલતા. સુંદર કૃતિઓનું સર્જન કરવું. જીવનમાં સૌંદર્યદ્રષ્ટિ ખીલવવી.બીજું લક્ષણ, સ્વતંત્ર વિચારધારા અને તેની અભિવ્યક્તિ. મુક્ત વાતાવરણમાં વ્યક્તિ તથા સમષ્ટિનો વિકાસ. નૂતન વિચારોથી, કાર્યોથી, નવીન આવિષ્કારોથી જીવન તથા સમાજને સમૃદ્ધ કરવાં.એક વિશેષ મહત્ત્વનું લક્ષણ : સમાજ પ્રત્યેની જવાબદારીઓ સ્વીકારવી તથા નિભાવવી તથા. સમાજના સૌ ઘટકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવો.
જો કે હું અમેરિકન સમાજ તેમજ સંસ્કૃતિંને પૂર્ણતયા આદર્શ નથી ગણતો, છતાં અમેરિકાને આધુનિક સંસ્કૃતિના વિશિષ્ટ ઉદાહરણ તરીકે ખુલ્લા મનથી સ્વીકારું છું.
અમેરિકા એક સુંદર દેશ છે. પ્રાકૃતિક સૌંદર્ય ભરપૂર છે, સચવાયું પણ છે. અમાપ સાગરતટ, સુંદર સરોવરો – સરિતાઓ, લીલીછમ વનરાજિ. માનવ સર્જિત સૌંદર્ય પણ કમ નથી. વિશાળ શહેરો, તેમાં અદ્યતન સુવિધાઓ; સુખ, સલામતિ અને શાંતિ બક્ષતું વ્યવસ્થાતંત્ર જે વ્યક્તિસ્વાતંત્ર્યનું પોષક બની રહે છે. સાથે પ્રત્યેક વ્યક્તિમાં કર્તવ્યશીલતા. ફરજ પ્રત્યે સભાનતા. નિરંતર પ્રગતિશીલ સમાજ. નવીન આવિષ્કારો, ઉપકરણો, સેવાઓ, વ્યવસ્થાઓનું સર્જન, આમ છતાં સમાજનાં કોઈ ઘટકો વચ્ચે વિસંવાદિતા ન ટકે; પરસ્પર સમન્વય દ્વારા દ્વારા સમાજની નિરંતર આગેકૂચ થતી રહે. સંસ્કૃત માનવજીવનની આવી સમૃદ્ધિ કેટલા દેશોમાં જોવા મળશે?
પણ આ જ સિક્કાની બીજી બાજુ ક્યારેક ઝંખવાતી લાગે છે.
અમેરિકન સમાજ અતિ ઝડપી ભૌતિક વિકાસની સાથે જન્મતાં દૂષણોનો ભોગ બનેલ છે અને તેની કિમત ચૂકવી રહ્યો છે તે દુ:ખદ હકીકત છે. …. સસ્નેહ આશીર્વાદ.
અનામિકાને પત્ર: 1
પ્રિય અનામિકા,
બેટા! વિદેશની ધરતી પર તારે તારા પ્રિય પતિથી દૂર રહેવું પડશે! વિચાર આવતાં અમે ધ્રૂજી જઈએ છીએ. અનામિકા- અમર છૂટા પડશે?
તમારા લગ્ન-જીવનનું ત્રીજું જ વર્ષ. તમે કેવા વિચિત્ર મોડ પર પહોંચ્યા છો.
તમે ફોન પર વાત કરી ત્યારે પળભર તો આંચકો લાગ્યો હતો. પરંતુ મને તરત સમજાઈ ગયેલું કે અમરની કારકિર્દી મહત્વની છે. અમરને નાની ઉંમરમાં, વિશ્વ-વિખ્યાત કંપનીમાં ઉચ્ચ હોદ્દો મળી રહ્યો છે તે નાની સૂની વાત નથી. ફોન પર મેં સમજી વિચારીને જ આશીર્વાદસહ સંમતિ આપી છે.
આમેય, તમારો જુદા રહેવાનો સમયગાળો ટૂંકો છે;દોઢ જ વર્ષનો સવાલ છે. આટલા માટે તું તારી વિકસતી કારકિર્દીને અધવચ્ચે રઝળાવી બીજા શહેરમાં ન જઈ શકે. વળી તમારાં બેનાં શહેરો વચ્ચે માંડ દોઢ કલાકની ફ્લાઈટ છે. તમે અવારનવાર વિક-એન્ડમાં મળી તો શકશો.
આજે તારો ઈ-મેલ ધ્યાનથી વાંચ્યો. બોલ્ડ ટાઈપમાં અંડરલાઈન કરેલી તારી “પ્રેમભરી પ્રાર્થના” વાંચી. તેં આદરથી, હ્રદયસ્પર્શી આત્મીયતાથી મારા પત્રોની કંપનીની માગણી કરી છે. એક નાનકડી વિદ્યાર્થિનીની શ્રદ્ધાભરી પ્રાર્થના ગુરુ કેવી રીતે અવગણી શકે?
તારી જ્ઞાન-પિપાસા સંતોષાતી હોય, તારી બુદ્ધિપ્રતિભા વિકસિત થતી હોય તો પત્રો દ્વારા કંપની આપવામાં મને ખુશી થશે. તું પણ જાતજાતના વિષયો પર પ્રશ્નો મૂકતી રહીશ, તો મને ચર્ચા કરવામાં આનંદ થશે.
મારા પત્રો તારા જીવનને રસસભર કરે તે જ અભ્યર્થના. …. આશીર્વાદ.
આપના પ્રતિભાવ