Archive for December, 2007
અનામિકાને પત્ર: 34
.
પ્રિય અનામિકા,
શ્રી અરવિંદની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની જીવનયાત્રા પર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ.
બારેક વર્ષની ઉંમરે શ્રી અરવિંદ લંડન પહોંચ્યા અને તેમણે સેંટ પૉલ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં શ્રી અરવિંદનો અભ્યાસ અંગ્રેજી, ફ્રેંચ, લેટિન ઉપરાંત ગ્રીક, ઇટાલિયન અને જર્મન ભાષામાં પણ વિસ્તર્યો. આ વર્ષોમાં પિતા તરફથી આર્થિક સહાય જરા અનિયમિત થતાં તેમને ભારે હાડમારીઓ ભોગવવી પડી. ક્યારેક કડકડતી ઠંડીથી બચવા તેમની પાસે ઓવરકોટ ન હોય તો ક્યારેક એક ટંકનું ભોજન પણ જતું કરવું પડે તેવી સ્થિતિ આવી જતી.
અનામિકા! આવા સંજોગોમાં શ્રી અરવિંદને ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજની સ્કોલરશીપ મળી.
કિંગ્સ કોલેજમાં ભણતાં શ્રી અરવિંદની આંખોમાં ઇટાલીનો મેઝિની તથા ફ્રાંસની જોન ઓફ આર્ક વસતાં! યુવાન અરવિંદની સમક્ષ ફ્રેંચ અને અમેરિકન ક્રાંતિના દ્રશ્યો તરવરતાં રહેતાં!
પોતાની માતૃભૂમિ – હિંદુસ્તાનની ધરતીની સ્વતંત્રતા માટે શ્રી અરવિંદનું મન વિચારોથી ઊભરાઈ જાતું!
લંડન-નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા. અનામિકા! ગુજરાતના પ્રતિષ્ઠિત વડોદરા રાજ્યની સેવામાં જોડાવાનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું આમંત્રણ શ્રી અરવિંદને રુચિકર લાગ્યું અને તેમણે સ્વીકાર્યું પણ ખરું.
શ્રી અરવિંદ 1893ના ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડથી હિંદુસ્તાન જવા સ્ટીમર દ્વારા નીકળ્યા. દુર્ભાગ્યવશ સમાચારની આપલેમાં ગેરસમજના લીધે તેમની સ્ટીમર રસ્તામાં ડૂબી ગઈ હોવાના ખોટા સમાચાર તેમના પિતાને મળ્યા. શ્રી અરવિંદના પિતા આઘાત સહન ન કરી શક્યા અને પુત્રના સ્વદેશાગમન પહેલાં જ મૃત્યુ પામ્યા.
નસીબની બીજી કરુણતા એ કે શ્રી અરવિંદના માતાની માનસિક સ્થિતિ ઠીક રહેતી ન હતી. ક્યારેક સ્નેહી-પરિચિતોને ઓળખવા જેટલી સુધબુધ પણ તેમનામાં ન રહેતી!!
અનામિકા! શ્રી અરવિંદ સ્વદેશ આવ્યા તો ખરા. પરંતુ બાળપણમાં ખોયેલા માતા-પિતાને શ્રી અરવિંદ ફરી ક્યારે ય અસલ સ્વરૂપમાં પામી ન શક્યા! આ કેવી વિધિની વક્રતા!
સ્ટીમરથી સમુદ્રમાર્ગે મુંબઈ આવેલા શ્રી અરવિંદ ટ્રેઇન દ્વારા સીધા જ વડોદરા (ગુજરાત) પહોંચ્યા.
આમ, ઇંગ્લેંડથી માતૃભૂમિ હિંદુસ્તાન આવેલા મહાયોગી શ્રી અરવિંદનું પ્રથમ કાર્યક્ષેત્ર ગુજરાત બન્યું. અનામિકા! આ પત્રો વાંચીને શ્રી અરવિંદના જીવન ઘડતર વિશે તારી જિજ્ઞાસા જરૂર સંતોષાશે. અહીં-ત્યાં સર્વત્ર ઠંડી કાતિલ છે. સાચવજો.
સસ્નેહ આશીર્વાદ.
* * ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સર્વપ્રથમ પત્રશ્રેણી ‘અનામિકાને પત્રો’ આપ હરીશ દવે દ્વારા પ્રકાશિત “અનામિકા” બ્લોગ (http://gujarat2.wordpress.com) પર વાંચી રહ્યાછો. આપ “અનામિકા” બ્લોગનું યુઆરએલ/ વેબએડ્રેસ ચકાસી લેશો? ધન્યવાદ. * * * *
* * * *
અનામિકાને પત્ર: 33
.
પ્રિય અનામિકા,
મહાયોગી શ્રી અરવિંદની જીવનકથા વિશે તારા પ્રશ્નો મળ્યા. મારા ગયા પત્રના કેટલાક મુદ્દાઓ પર વિગતો તું ઇચ્છે છે. તેથી તે સંદર્ભે વાત આજે આગળ ચલાવું છું.
મહાયોગીની બાલ્યાવસ્થાથી યુવાવસ્થાના જીવનઘડતર વિશે સાધકોને તારી માફક જ ઘણી ઉત્કંઠા રહે છે. શ્રી અરવિંદની ફિલોસોફીના અભ્યાસીઓને તેમના પૂર્વાશ્રમ વિશે જિજ્ઞાસા રહે છે.
અનામિકા! આગલા પત્રમાં મેં મહાયોગી શ્રી અરવિંદના ઇંગ્લેન્ડ-નિવાસની રૂપરેખા આપી હતી. આજે તેના પર થોડો વિશેષ પ્રકાશ પાડીએ.
મારી દ્રષ્ટિએ શ્રી અરવિંદના જીવનમાં શરૂઆતનાં વીસ વર્ષોનું આગવું મહત્વ છે. કેવી રીતે? સમજાવું.
સૌ પહેલાં શ્રી અરવિંદના હિંદમાં બાળપણનાં છ-સાત વર્ષની વાત કરીએ. અનામિકા! પાશ્ચાત્ય સભ્યતામાં મોહાંધ પિતા ડો. કૃષ્ણધન ઘોષ પોતાનાં બાળકોને ઇંગ્લિશ રીતભાતમાં પલોટવા ઇચ્છતા હતા. હદ તો એ કે સૌથી નાના બાળક અરવિંદનું અંગ્રેજી નામ તેમણે ‘Akroyd’ રાખ્યું. તેમણે બાળકો માટે ઇંગ્લિશ ગવર્નેસ (Miss Pagett) રાખી.
ડોકટર પિતાએ વિદેશી ઢબે શિક્ષણ માટે પાંચ વર્ષના અરવિંદને દાર્જિલિંગની આઇરિશ કોન્વેન્ટ સ્કૂલમાં મૂક્યા. બે વર્ષમાં તો ડો. કૃષ્ણધન ઘોષે પોતાનાં ત્રણે મોટાં બાળકોનો સંપૂર્ણ ઉછેર ઇંગ્લેન્ડમાં કરવા નિર્ધાર કર્યો.
તું જાણે છે, અનામિકા! સાત વર્ષની ઉંમરે બાળક અરવિંદ બે મોટા ભાઈઓ સાથે હિંદુસ્તાન છોડી ઇંગ્લેન્ડ આવ્યા. યુરોપ ખંડનું પાશ્ચાત્ય વાતાવરણ. અજાણ્યો દેશ, અજાણી રહેણીકરણી. ઇંગ્લિશ શિસ્તના ચોકઠામાં અંગ્રેજી ક્રિશ્ચિયન પાદરી (clergyman) કુટુંબમાં ઉછેર.
ઇંગ્લેન્ડમાં શ્રી અરવિંદ પર દેશ, જાતિ, સમાજ, ધર્મ, રૂઢિ, કુટુંબ – કોઈ પરિબળનો પ્રભાવ ન હતો; તેમને કોઈ બંધન ન હતાં.
અનામિકા! કદાચ અહીં જ તેમને અંતર્નાદ સંભળાયા હશે, કદાચ અહીં જ તેમના આત્મદર્શનની પૂર્વભૂમિકા બંધાઈ હશે.
ન કુટુંબની હૂંફ, ન પિતાની છત્રછાયા, ન માતાનો પ્રેમ. જ્યાં સર્વત્ર સર્વ કાંઈ ‘અ-પોતીકું’, ત્યાં ‘સ્વત્વ’ની મહત્તા પારખવી અને તેને વિકસિત કરવી તે બાળ અરવિંદની મહાન સિદ્ધિ હતી. અંતરનો અવાજ સાંભળીને તેમણે મુક્ત આત્માના નિર્બંધપણાની અનુભૂતિ કરી હશે. પરતંત્રપણાના ફંદામાં સ્વાતંત્ર્યની અહેમિયત તેમણે પારખી હશે.
હિંદુસ્તાનને આઝાદ જોવાનું શ્રી અરવિંદનું સ્વપ્ન ઇંગ્લેન્ડમાં અંકુરિત થયું હશે તેવો મને વિશ્વાસ છે.
અનામિકા! તું જાણે છે કે બાળ અરવિંદ ઇંગ્લેન્ડના માંચેસ્ટરમાં અંગ્રેજી ખ્રિસ્તી કુટુંબમાં ઉછર્યા. આમ છતાં પિતા ઉદાર મતવાદી અને દૂરદર્શી હોવાથી તેમના પર કોઈ ધાર્મિક આચાર-વિચાર થોપાયા ન હતા. અભ્યાસ દરમ્યાન અંગ્રેજી ભાષામાં પારંગત બનવા સાથે સાથે તેમણે ફ્રેંચ અને લેટિન ભાષામાં હથોટી મેળવી. બાર વર્ષની ઉંમરે શ્રી અરવિંદ માંચેસ્ટર છોડી લંડન આવ્યા.
શ્રી અરવિંદના જીવનની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની યાત્રા હવે પછીના પત્રમાં.
અનામિકા! તમારે ત્યાં બરફવર્ષા સાથે ઠંડી વધી છે, તો સંભાળીને રહેશો. સસ્નેહ આશીર્વાદ.
.
આપના પ્રતિભાવ