Archive for October, 2008
અનામિકાને પત્ર: 47
.
પ્રિય અનામિકા,
તમારા મિત્રવર્તુળમાં વિજ્ઞાન અને ધર્મના મુદ્દે વિખવાદ થયો તે મને જરાયે ન ગમ્યું.
મિત્રોમાં કે ગ્રુપના સભ્યોમાં દ્રષ્ટિબિંદુ ભિન્ન હોઈ શકે, મતમતાંતર હોઈ શકે; હોવા જોઈએ, પરંતુ તેના ફળરૂપે અસહિષ્ણુતા જન્મે, દુર્ભેદ્ય વાડા સર્જાય અને સંવાદ જ શક્ય ન બને તે સમાજના હિતમાં નથી. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિચારોની અર્થપૂર્ણ આપ-લે સમષ્ટિ માટે લાભદાયી છે. માનવજાતના વિકાસ માટે સંયમપૂર્ણ અને વિવેકપૂર્ણ વિચારવિનિમય અનિવાર્ય છે.
માત્ર ધર્મ અને વિજ્ઞાન જ નહીં, કોઇ પણ વિષય પર એકાંતી દ્રષ્ટિ, ઉપલકિયું જ્ઞાન, અજ્ઞાન, મમત્વ કે અહંકારમાંથી જન્મેલ ‘મારો મત જ સાચો’ તેવો દુરાગ્રહ સભ્યતાને રૂંધે છે.
ધર્મ અને વિજ્ઞાન બંને જીવનનાં અપરિત્યાજ્ય આયામો છે જે સમાજને આધાર આપે છે. જે વ્યક્તિ બંને આયામોને જ્યાં સુધી તેના અંતરંગ સ્વરૂપમાં સમજી ન શકે, ત્યાં સુધી તેના વિશે વિવાદ ન છેડે તે સમાજ માટે ઇષ્ટ છે.
અનામિકા! ધર્મ તથા વિજ્ઞાન બંને, તેમના શુદ્ધ સ્વરૂપમાં, સત્યની ખોજમાં મદદરૂપ છે. કહેવાતા ધર્મના ઠેકેદાર સમા ગણ્યાગાંઠ્યા ‘ધર્મરક્ષકો’ની બુદ્ધિવિહિન ધર્માંધતા તથા વિજ્ઞાનના ચશ્મા પહેર્યાનો ભ્રમ સેવતા કેટલાક રેશનાલિસ્ટોની બુદ્ધિ-પરિમિત દ્રષ્ટિ – બંને ખતરનાક છે – સમાજ માટે, અને માનવજાત માટે પણ. નર્યા બુદ્ધિવાદને સહારે વિકસતા વિજ્ઞાનને કેટલાં અચલ સત્ય લાધ્યાં છે? એકાંગી દ્રષ્ટિમાં કદી પૂર્ણતા, સમગ્રતા સમાઈ શકે કરી? અસંયમિત ધર્માંધતા કે અપરિપક્વ રેશનાલિઝમ કદી સમાજનું ભલું કરી શક્યા નથી.
તમને જણાતા તમારા કહેવાતા ‘સત્ય’ને સમાજ પર શોર-શરાબાથી કે તાકાતથી ઠોકવું તેમાં મને તો સભ્યતાની અવગતિ જણાય છે. અન્યની દ્રષ્ટિને, ભાવનાને, જીવનકલાને યથોચિત આદર આપવામાં ધર્મનું ગૌરવ છે. તે જ રીતે અન્યના મત કે અભિપ્રાયને, વિચારને, સિદ્ધાંતને ગ્રંથિ-મુક્ત થઈ સહિષ્ણુતાથી અવલોકવો, બુદ્ધિથી ઉપર ઊઠીને વિશિષ્ટ દ્રષ્ટિકોણથી પરખવો અને ત્યાર પછી જ પોતાને સત્ય જણાતા અવલોકન કે વિચારને ઘોષિત કરવું તે સાચા રેશનાલિસ્ટનું લક્ષણ છે.
પરિશુદ્ધ ધર્મ હૃદયમાં, જીવનમાં વણાઇ જાય છે. તે જીવનમૂલ્યોને ઉજાગર કરી માનવજીવનને સૌંદર્ય બક્ષે છે, જ્યારે મૂળભૂત ધર્મમાંથી ફલિત ધર્મસ્વરૂપો કે આધારવિહોણા સંપ્રદાયો માનવજાતને વાડાઓમાં ધકેલી જીવનને બદસૂરત કરે છે.
પસંદગી આપણે કરવાની છે. આપણે આપણા જીવનમાં ધર્મને કયા સ્વરૂપે અપનાવીશું?
ધર્મ અને વિજ્ઞાનની પરિભાષાને ઊંડા મંથન પછી જ સમજી શકાય છે. સાચો બુદ્ધિવાદી, વિવેકશીલ માનવી તો મતમતાંતરોની વ્યર્થ ચર્ચાથી પર રહી, ધર્મ અને વિજ્ઞાનનાં વિશિષ્ટ પ્રયોજનોને સ્વીકારી, બંનેનાં વિવેકપૂર્ણ સમન્વયથી જીવનપથ દીપાવશે. તે પોતાની જીવન યાત્રા સત્યની ખોજમાં ઉચિત માર્ગે નિશ્ચલતાથી આગળ ધપાવશે.
અનામિકા! તું તારા મિત્રોને આ સમજાવજે. ક્ષુલ્લક, અર્થવિહોણા મતભેદોને વળગી સંબંધ તોડવા કે પોતાના દ્રષ્ટિબિંદુને અંતિમ સત્ય માની વાડામાં પૂરાઈ જવામાં બુદ્ધિવાદની હાર છે. તેમના વચ્ચે સંવાદ પુનઃ સ્થાપિત કરજે.
આવો નિખાલસ સંવાદ તમારા મિત્રવર્તુળના જ નહીં, સમાજના અને માનવજાતના હિતમાં છે.
સ્વાસ્થ્ય સંભાળશો. … સસ્નેહ આશીર્વાદ.
.
6 comments October 22, 2008
અનામિકાને પત્ર: 46
.
પ્રિય અનામિકા,
આઇન્સ્ટાઇનના જીવન વિશે ગયા પત્રના અનુસંધાને આગળ લખું?
1905માં આઇન્સ્ટાઇનના જીવનમાં નવો વળાંક આવ્યો. 26 વર્ષના આઇન્સ્ટાઇનનું રીસર્ચ પેપર એક જર્મન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું. ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોને સ્પર્શતા તેમના સંશોધનથી દુનિયાના વૈજ્ઞાનિકો દંગ થઈ ગયા.
હવે આઇન્સ્ટાઇન પહેલાં યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)માં તથા પછી 1911માં પ્રાગ (ઝેકોસ્લોવાકિયા) ની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક નીમાયા. અનામિકા! આ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનો સમયગાળો હતો. ત્યારે પણ પ્રાગમાં યહૂદીઓ ઉપેક્ષિત, અપમાનજનક સ્થિતિમાં જીવતા. આઇન્સ્ટાઇનને પોતાના જાતભાઈઓ માટે અનુકંપા થઈ.
તે પછી તેમને ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)ના પોલિટેકનીકમાં નિમણૂક મળી. 1913માં આઇન્સ્ટાઇનને જર્મની તરફથી ખાસ ઓફર મળી – બર્લિનના કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટરપદની. મિલેવાએ જર્મની જવા અનિચ્છા બતાવતાં આઇન્સ્ટાઇન એકલા જ બર્લિન ગયા. તેમનું લગ્નજીવન ખંડિત થયું.
બર્લિનમાં આ મહાન વૈજ્ઞાનિકે એલ્સા નામક એક પ્રેમાળ વિધવા સાથે બીજાં લગ્ન કર્યાં. 1913થી 1933 સુધી વીસ વર્ષો માટે બર્લિનમાં રહી આઇન્સ્ટાઇને ભૌતિકશાસ્ત્રના વિકાસમાં અદ્વિતીય ફાળો આપ્યો. 1905 થી 1915 સુધી તેમણે સંશોધન કરી થિયરી ઓફ રિલેટીવિટી (Theory of Relativity સાપેક્ષવાદનો સિદ્ધાંત ) રજૂ કરી વિજ્ઞાનજગતમાં અભૂતપૂર્વ હલચલ મચાવી દીધી. તેમણે સ્પેસ-ટાઈમ અને મેટર-એનર્જી વિશેના ખ્યાલો ધરમૂળથી બદલી નાખ્યા. તેમના વિખ્યાત સમીકરણ “E equals mC2″ને કારણે ભૌતિકશાસ્ત્રના અભ્યાસમાં નવી દિશાઓ ખુલી ગઈ.
અફસોસની વાત એ કે આઇન્સ્ટાઇનનાં સંશોધનો એટમબોંબના સર્જનમાં નિમિત્ત બન્યાં. અનામિકા! એક સમય એવો હતો કે તેમની રિલેટીવિટી થિયરીને વિશ્વના માત્ર દસ-બાર અતિ બુદ્ધિમાન ગણિતજ્ઞ વિજ્ઞાનીઓ જ સમજી શકતા હતા!!! 1921માં માત્ર 42 વર્ષની યુવાન વયે આઇન્સ્ટાઇનને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) નું નોબેલ પ્રાઈઝ એનાયત થયું.
થોડાં વર્ષોમાં જર્મનીનું રાજકારણ ડહોળાવા લાગ્યું હતું. નાઝીવાદના ઉદય સમયે જર્મનીના વાતાવરણમાં આઇન્સ્ટાઇનને ગૂંગળામણ થતી હતી.
હિટલર સત્તા પર આવે તે પહેલાં 1933માં આઇન્સ્ટાઇન જર્મનીને અલવિદા કહી અમેરિકા ચાલ્યા ગયા. અમેરિકામાં ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટન (Princeton, New Jersey, USA) ખાતે ઇંસ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડિઝમાં અધ્યાપન-સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. 1936માં તેમનાં પ્રેમાળ પત્ની એલ્સાનું મૃત્યુ થયું. આઇન્સ્ટાઇન ભગ્ન હૃદયે જીવનમાંથી, બહારની દુનિયામાંથી રસ ઓછો કરતા ગયા.
તેમણે અમેરિકન નાગરિકત્વ અપનાવ્યું, પણ તેમનું જીવન ખૂબ સાદગીભર્યું અને એકાકી બનતું ચાલ્યું. પ્રિન્સ્ટનમાં તેમનું રહેઠાણ તદ્દન સાદું હતું. નાનકડા રૂમમાં લાકડાના સાદા ખુરશી-ટેબલ પર આ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કાર્ય કરતા. પગમાં મોજાં ભાગ્યે જ પહેરતાં. નાહવા માટે અને દાઢી કરવા માટે એક જ સાબુનો ઉપયોગ કરતા. અનામિકા! આઇન્સ્ટાઇનની મહાનતા એ કે જ્યારે કોઇ મુલાકાતીને મળતા ત્યારે ભારોભાર સૌજન્યપૂર્વક મળતા. કોઇને અણસાર સરખો ન આવે કે તેની સમક્ષ વીસમી સદીનો અસાધારણ મેધાવી વૈજ્ઞાનિક છે.
1954ના એપ્રિલની 18મી તારીખે મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનું અવસાન થયું. અનામિકા! આવા મહામાનવોની સરળ જીવન કથામાં પણ કેટકેટલી રસપ્રદ વાતો છૂપાયેલી હોય છે!
સસ્નેહ આશીર્વાદ.
2 comments October 17, 2008
અનામિકાને પત્ર: 45
.
પ્રિય અનામિકા,
તમારા જર્મન મિત્ર સાથેની તમારી ચર્ચાના મુદ્દા મેં વાંચ્યા. સરસ.
બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યોને ઉકેલવા થઈ રહેલા બિગ બેંગ પ્રયોગની વાતો અને જીનિવા-સ્થિત અણુ સંશોધન સંસ્થા સર્ન (CERN) થી શરૂ થયેલી તમારી વાતો મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન સુધી પહોંચી તે જાણ્યું. આઇન્સ્ટાઇન વિશેના તારા પ્રશ્નો હું આવકારું છું.
અનામિકા! આલ્બર્ટ આઇન્સ્ટાઇન (Albert Einstein)ની બુદ્ધિ-પ્રતિભા અને વિચારશીલતાથી હું પ્રભાવિત છું. સામાન્ય પરિવારના સાધારણ સંયોગોમાંથી ઊભા થઈ આઇન્સ્ટાઇન કેવી અસાધારણ ઊંચાઈ પર પહોંચ્યા!
આઇન્સ્ટાઇનનો જન્મ 14 માર્ચ, 1879ના રોજ જર્મનીના એક નાનકડા ગામમાં યહૂદી (Jew) પરિવારમાં થયો હતો. નાનપણમાં તેમનો પરિવાર મ્યુનિચ શહેરના એક પરગણામાં રહેવા ગયો. ત્યાં તેમના પિતા પોતાના ભાઈની સાથે વ્યવસાયમાં જોડાયા.
જન્મે જ્યુ એવા આ મહાન વૈજ્ઞાનિકનો અભ્યાસ ક્રિશ્ચિયન કેથોલિક શાળામાં થયો. ઘરમાં આછાપાતળા યહૂદી સંસ્કાર, શાળામાં ખ્રિસ્તી ધર્મનું વાતાવરણ. તું કલ્પી શકીશ, અનામિકા, કે કુમળા બાળમાનસ પર આની શું અસર થાય! વિરોધાભાસ વચ્ચે રીબાતા બાળ આઇન્સ્ટાઇનના હૃદયમાં પ્રણાલિકાગત ધર્મની કોઇ ભાવના ન જાગી, તેમને રૂઢિગત ધર્મ પ્રત્યે અશ્રદ્ધા જ રહી.
આઇન્સ્ટાઇનના કાકાને ઇલેક્ટ્રો-કેમિકલ ફેક્ટરી હતી. કાકાથી પ્રભાવિત થયેલા આઇન્સ્ટાઇનને ગણિતમાં ભારે રુચિ જાગી, સાથે વિજ્ઞાનમાં. તેમનાં સંગીતજ્ઞ માતાએ આઇન્સ્ટાઇનને સંગીતનો શોખ લગાડ્યો. મોડું બોલતા શીખેલા આઇન્સ્ટાઇનના બાળપણની કરુણતા એ કે તે ક્યારે પણ અભ્યાસમાં ન ઝળકી શક્યા! શાળાની લશ્કરી શિસ્ત તો તેમને ભારે અકારી લાગતી. બાળપણથી આઇન્સ્ટાઇન અમાનવીય દમનના વિરોધી બન્યા.
યુવાનવયે આઇન્સ્ટાઇન સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ શહેરના પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટમાં જોડાયા. યુરોપની આ પ્રસિદ્ધ શિક્ષણસંસ્થામાં અભ્યાસ દરમ્યાન આઇન્સ્ટાઇન ફિઝિક્સનો અભ્યાસ કરતાં કરતાં હંગેરિયન સહાધ્યાયી મિલેવાને દિલ દઈ બેઠા. અભ્યાસ પૂરો થતાં આઇન્સ્ટાઇન સ્વિસ નાગરિકત્વ અપનાવી સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી થયા. સરકારી પેટંટ ઓફિસમાં તેમને નોકરી મળી; તેમણે મિલેવા સાથે લગ્ન પણ કર્યાં. જો કે તેમનું દાંપત્યજીવન ઉષ્માભર્યું ન નીવડ્યું છતાં બે પુત્રો માતા-પિતાને સાંકળતી કડી બની રહ્યા.
અહીં વિરામ લઉં, અનામિકા? આઇન્સ્ટાઇનની જીવનકહાણી બીજા પત્રમાં આગળ લખીશ… સસ્નેહ આશીર્વાદ.
.
1 comment October 12, 2008