અનામિકાને પત્ર: 53
September 13, 2009
.
પ્રિય અનામિકા,
ગયા પત્રમાં મેં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, મોનિકાદેવી તથા રોનાલ્ડ નિકસનનો પરિચય આપ્યો. વાત આગળ ચલાવીશું?
સમય જતાં મોનિકાદેવી ભક્તિમાર્ગ પ્રતિ વળ્યાં. તેમના ભક્તિરંગનો પ્રભાવ નિકસન પર પણ પડતો ગયો. નિકસન મોનિકાદેવીને પૂજ્યભાવથી ગુરુમા લેખતા. મોનિકાદેવીનો વૈરાગ્યભાવ એવો તીવ્ર બન્યો કે પતિની મંજૂરીથી 1928માં તેમણે સંન્યાસ લીધો. ટૂંક સમયમાં રોનાલ્ડ નિકસને પણ સંસાર છોડી સંન્યાસ અપનાવ્યો.
અનામિકા! સંન્યસ્ત-દીક્ષા પછી ગુરુમા મોનિકાદેવી “શ્રી યશોદા મા” અને શિષ્ય રોનાલ્ડ નિકસન “શ્રી કૃષ્ણપ્રેમ”નાં નામે ઓળખાયાં. 1930માં તેમણે ઉત્તર ભારતમાં અલમોડા (હાલ ઉત્તરાંચલ) થી પચ્ચીસેક કિમી દૂર મીરતોલા ગામે “ઉત્તર વૃંદાવન આશ્રમ”ની સ્થાપના કરી. આશ્રમની સ્થાપનામાં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી અને તેમના મિત્રોનો સહયોગ મળ્યો. 1943માં મા આનંદમયીમાએ પણ ઉત્તર વૃંદાવન આશ્રમનું આતિથ્ય માણ્યું હતું.
તું અમેરિકાના વિખ્યાત દાર્શનિક ચિંતક ઇમર્સનનું નામ જાણે છે, અનામિકા? અમેરિકન ફિલોસોફર રાલ્ફ વાડો ઈમર્સનનાં એક પુત્રી અલમોડા પાસે પોતાના ભારતીય પતિ શ્રી સેન સાથે રહેતાં. અમેરિકન ફિલોસોફર ઈમર્સનને ભારતીય તત્વચિંતન – ખાસ કરીને વેદ-વેદાંત અને અદ્વૈતવાદ – માં રસ હતો. અલમોડા-સ્થિત સેન દંપતિને શ્રી કૃષ્ણપ્રેમ પ્રતિ ભારે આસ્થા હતી.
“ઉત્તર વૃંદાવન આશ્રમ” વિશે થોડી વધુ વાતો આવતા પત્રમાં.. . . . સસ્નેહ આશીર્વાદ.
Entry Filed under: અનામિકાને પત્રો, વિષય: ચિંતન/ફિલોસોફી, વિષય: પરિચય. Tags: Anamikaa, અનામિકા, ગુજરાત, ગુજરાતી, ગુજરાતી નેટ જગત, ગુજરાતી બ્લોગ, પત્રલેખન, પત્રશ્રેણી, સપ્ટેમ્બર 2009, હરીશ દવે, Gujarat, Gujarati, Gujarati blog, Gujarati Net Jagat, Harish Dave, September 2009.
Trackback this post | Subscribe to the comments via RSS Feed