Posts filed under 'અનામિકાને પત્રો'

અનામિકાને પત્ર: 54

.

પ્રિય અનામિકા,

 આગલા પત્રના અનુસંધાને મીરતોલાના આશ્રમની વાત આગળ કરીએ. ઉત્તર ભારતમાં અલમોડા પાસે મીરતોલામાં “ઉત્તર વૃંદાવન આશ્રમ” સ્થાપી શ્રી યશોદામા અને તેમનાં શિષ્ય શ્રી કૃષ્ણપ્રેમ ભક્તિમય જીવન ગાળવા લાગ્યા.

 શ્રી યશોદામા (મોનિકાદેવી તથા ડો. ચક્રવર્તી)નાં સૌથી નાનાં પુત્રી લલિતા સુશિક્ષિત હતાં, ઘણો સમય યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાંસ રહેલાં, સારી રીતે ફ્રેંચ જાણતાં. તેમણે પણ સંસાર ત્યજી માતાના આશ્રમમાં શરણ લીધું.

શ્રી કૃષ્ણપ્રેમના એક ખાસ અંગ્રેજ મિત્ર ડોકટર એલેક્ઝાંડર બાહોશ સર્જન હતાં. લખનૌના ખ્યાતનામ તબીબ હતા. શ્રી કૃષ્ણપ્રેમને પગલે. ડોકટર એલેક્ઝાંડર પણ સંન્યાસી બન્યા અને સ્વામી હરિદાસજી નામ ધારણ કરી યશોદામાના શિષ્ય બની ઉત્તર વૃંદાવન આશ્રમમાં સ્થાયી થયા. પાછળથી અન્ય એક અંગ્રેજ યુવાન પણ શ્રી કૃષ્ણપ્રેમથી પ્રભાવિત થયા; ઇંગ્લેંડ છોડી ભારત આવ્યા અને સ્વામી માધવ આશિષ નામ ધારણ કરી  મીરતોલા ઉત્તર વૃંદાવન આશ્રમમાં નિવાસી થયા. સૌના સહયોગથી મીરતોલા-અલમોડાનો ઉત્તર વૃંદાવન આશ્રમ હિંદુસ્તાન બહાર પણ નામના પામ્યો.

અનામિકા! યશોદા માએ  1944માં સમાધિ લીધી. તે પછી ટૂંક સમયમાં લલિતાજી અને સ્વામી હરિદાસજી પણ સ્વર્ગવાસી થયાં. 1965માં 67 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણપ્રેમ પણ સ્વર્ગે સિધાવ્યા. સ્વામી માધવ આશિષની નિશ્રામાં ઉત્તર વૃંદાવન આશ્રમની પ્રવૃત્તિઓ ફૂલીફાલી અને ભારત સરકારે 1992માં સ્વામી માધવ આશિષને પદ્મશ્રીના એવોર્ડથી સન્માન્યા. 1997માં સ્વામી માધવ આશિષ સ્વર્ગવાસ પામ્યા.

યશોદામા અને શ્રી કૃષ્ણપ્રેમના ભક્તિમાર્ગને તેમના ગુણાનુરાગી સહયાત્રી અને મહાયોગી મહર્ષિ અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય અને ઇંદિરાદેવીએ કેવી રીતે પ્રતિષ્ઠિત કર્યો તેની વાત પણ ક્યારેક આલેખીશું. . . . . . ..  સસ્નેહ આશીર્વાદ.

1 comment October 15, 2009

અનામિકાને પત્ર: 53

.

પ્રિય અનામિકા, 

ગયા પત્રમાં મેં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, મોનિકાદેવી તથા રોનાલ્ડ નિકસનનો પરિચય આપ્યો. વાત આગળ ચલાવીશું?

સમય જતાં મોનિકાદેવી ભક્તિમાર્ગ પ્રતિ વળ્યાં. તેમના ભક્તિરંગનો પ્રભાવ નિકસન પર પણ પડતો ગયો. નિકસન મોનિકાદેવીને પૂજ્યભાવથી ગુરુમા લેખતા. મોનિકાદેવીનો વૈરાગ્યભાવ એવો તીવ્ર બન્યો કે પતિની મંજૂરીથી 1928માં તેમણે સંન્યાસ લીધો. ટૂંક સમયમાં રોનાલ્ડ નિકસને પણ સંસાર છોડી સંન્યાસ અપનાવ્યો.

અનામિકા! સંન્યસ્ત-દીક્ષા પછી ગુરુમા મોનિકાદેવી “શ્રી યશોદા મા” અને શિષ્ય રોનાલ્ડ નિકસન “શ્રી કૃષ્ણપ્રેમ”નાં નામે ઓળખાયાં. 1930માં તેમણે ઉત્તર ભારતમાં અલમોડા (હાલ ઉત્તરાંચલ) થી પચ્ચીસેક કિમી દૂર મીરતોલા ગામે “ઉત્તર વૃંદાવન આશ્રમ”ની સ્થાપના કરી. આશ્રમની સ્થાપનામાં ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી અને તેમના મિત્રોનો સહયોગ મળ્યો. 1943માં મા આનંદમયીમાએ પણ ઉત્તર વૃંદાવન આશ્રમનું આતિથ્ય માણ્યું હતું.

તું અમેરિકાના વિખ્યાત દાર્શનિક ચિંતક ઇમર્સનનું નામ જાણે છે, અનામિકા? અમેરિકન ફિલોસોફર રાલ્ફ વાડો ઈમર્સનનાં એક પુત્રી અલમોડા પાસે પોતાના ભારતીય પતિ શ્રી સેન સાથે રહેતાં. અમેરિકન ફિલોસોફર ઈમર્સનને ભારતીય તત્વચિંતન – ખાસ કરીને વેદ-વેદાંત અને અદ્વૈતવાદ – માં રસ હતો. અલમોડા-સ્થિત સેન દંપતિને શ્રી કૃષ્ણપ્રેમ પ્રતિ ભારે આસ્થા હતી.

 “ઉત્તર વૃંદાવન આશ્રમ” વિશે થોડી વધુ વાતો આવતા પત્રમાં.. . . .   સસ્નેહ આશીર્વાદ. 

Add comment September 13, 2009

અનામિકાને પત્ર: 52

પ્રિય અનામિકા,

 તારા બ્રિટીશ મિત્ર દ્વારા અલ્મોડા (અલમોડા, ઉત્તરાખંડ) ના મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સુંદર ફોટોગ્રાફ્સ તને મળ્યા, તે ખુશીની વાત. ગુગલ સર્ચ પર ક્યારેક મીરતોલા આશ્રમના ફોટા જોયા હોવાનું મને યાદ છે.

મીરતોલા આશ્રમ વિશેની તારી ઉત્સુકતા સંતોષવા પ્રયત્ન કરું છું. અનામિકા! મીરતોલાના “ઉત્તર વૃંદાવન આશ્રમ”ના સ્થાપક શ્રી યશોદામા હતા જે પૂર્વાશ્રમમાં શ્રીમતી મોનિકાદેવી ચક્રવર્તી તરીકે ઓળખાતાં હતાં. આપણે 1920ના દાયકામાં જઇને ઇતિહાસ ખોલવો પડશે.

ઉત્તર પ્રદેશના લખનૌમાં 1920-21ના વર્ષમાં લખનૌ યુનિવર્સિટીની સ્થાપના થઇ. લખનૌ યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે પ્રતિષ્ઠિત વિદ્વાન ડો. જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તીની નિમણૂક થઇ. ડો. ચક્રવર્તીનાં પત્ની મોનિકાદેવી પાશ્ચાત્ય ઢબછબથી પ્રભાવિત ફેશનેબલ નારી હતાં. બોબ્ડ હેર અને વિશિષ્ટ રીતે સાડી પહેરીને તે ક્લબ-મેળાવડા-સમારંભોમાં છાઈ રહેતાં. દર બે-ત્રણ વર્ષે એક વાર વિદેશયાત્રા કરનાર મોનિકાદેવી ધાણી ફૂટે તેમ અંગ્રેજી બોલતાં .આમ છતાં તેમના હૃદયમાં તો ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ પ્રતિ ભરપૂર આસ્થા હતી અને તે નિયમિતપણે પૂજાપાઠ પણ કરતાં.

અનામિકા! ડો. ચક્રવર્તી દંપતીને થિયોસોફીમાં રસ હતો. વારાણસીના ગંગાકિનારે તેમના મહાલયમાં ફિલોસોફી, અધ્યાત્મવાદ, ધર્મ, શિક્ષણ, કલા, સંગીત આદિ ક્ષેત્રોના વિદ્વાનોની બેઠક થતી અને વિવિધ વિષયો પર વિચારવિનિમય થતો રહેતો.. 1921માં લખનૌ યુનિવર્સિટીમાં ત્રેવીસેક વર્ષના યુવાન બ્રિટીશ – સ્કોટીશ પ્રોફેસર રોનાલ્ડ નિકસન જોડાયા. તને નવાઇ લાગશે, અનામિકા! રોનાલ્ડ નિકસન પ્રથમ વિશ્વયુદ્ધ (1914 – 1918) સમયે ઇંગ્લેંડના રોયલ એર ફોર્સના પાયલોટ રહી ચૂક્યા હતા તથા મશહૂર કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક હતા. નિકસનને કઈ ઝંખના હિંદુસ્તાન ખેંચી લાવી?  નિકસનને ભારતીય દર્શન અને અધ્યાત્મમાં રુચિ હતી. નવયુવાન અંગ્રેજ પ્રોફેસર નિકસન સ્વાભાવિક રીતે ડો. ચક્રવર્તી દંપતી પ્રતિ આકર્ષાયા.

એક દિવસ ડો. ચક્રવર્તીને ત્યાં બૌદ્ધિકોની હાજરીમાં નિકસને પોતાના જીવનમાં બનેલ એક ચમત્કારિક ઘટનાનું ભાવવાહી વર્ણન કર્યું. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ઇંગ્લેંડની વાયુસેનાએ જર્મન પ્રદેશો પર હવાઈ હુમલા આદરેલા. ઘટનાના દિવસે રોયલ એર ફોર્સના બોમ્બર પ્લેનના પાયલોટ તરીકે નિકસન ડ્યુટી પર હતા. એક હવાઇ હુમલામાં પોતાના બોમ્બર પ્લેનમાં રહેલા નિકસનની નજર પોતાની જમણી તરફ ઊડી રહેલ વિમાનોના એક કાફલા પર પડી. દોડાદોડીની ટેન્શન ભરી ક્ષણોમાં નિકસન તેને પોતાનો સાથી કાફલો સમજી પોતાના પ્લેનને તે કાફલા તરફ વાળવા લાગ્યા. કોઇ એક ‘અદ્રશ્ય શક્તિ’એ  તેમના કાંડાને પકડી લીધું. નિકસન જોર કરી ફરી પોતાના પ્લેનને જમણી તરફ વાળવા ગયા તો ‘અદ્રશ્ય શક્તિ’એ ભારે તાકાતથી તેમના પ્લેનને ડાબી દિશામાં વાળી દીધું! પાછળથી તેમના  સાથીદારોએ નિકસનને સમજાવ્યું કે જે તરફ તેઓ પહેલાં વળી રહ્યા હતા, તે જમણી બાજુ તો દુશ્મન વિમાનોનો કાફલો હતો !!! ત્યારે નિકસનને સ્પષ્ટ થયું કે કોઇ અગમ્ય ‘અદ્રશ્ય શક્તિ’એ તેમના પ્લેનને દુશ્મનના કાફલાથી દૂર રાખી તેમને મોતના મોઢામાંથી બચાવ્યા હતા. બસ, ત્યારથી નિકસનને ફિલોસોફી અને થિયોસોફીમાં વિશેષ ઉત્સુકતા જાગી. અધ્યાત્મનો ઝોક પ્રબળ બન્યો ત્યારે રોનાલ્ડ નિકસન ભારત ખેંચાઈ આવ્યા. આ પત્રને અહીં અટકાવું,, અનામિકા! ત્યાર પછીની વાત આવતા પત્રમાં ….

સસ્નેહ આશીર્વાદ.

Add comment August 5, 2009

અનામિકાને પત્ર: 51

 

.

પ્રિય અનામિકા,

 અમેરિકાના પ્રમુખપદે નિયુક્તિ પામેલ પ્રેસિડેન્ટ ઓબામાના કુટુંબીજનોના આફ્રિકન મૂળ વિશે તારા મિત્રોએ પ્રયત્નો આદર્યાં છે તે વાત જાણી. અશ્વેત અમેરિકન પ્રમુખ ઓબામા તથા મિસિસ ઓબામાના પૂર્વજોના આફ્રિકા સાથેના સંબંધોની ઘણી વાતો બહાર આવશે. 

તું જાણે છે ને, અનામિકા! નરી પ્રાકૃતિક સંપદાઓથી ભરેલો હતો આફ્રિકા ખંડ. યુરોપના દેશોની નજરે ચડ્યો અને આફ્રિકાના અંધારા ખંડનો ઇતિહાસ પલટાતો ગયો. યુરોપની પ્રજાઓએ સ્વાર્થ સાધવા આફ્રિકાને પોતીકો કરવા કોઇ કસર નથી છોડી. જાણ્યા-અજાણ્યા વિદેશીઓના ભલા-બૂરા હેતુઓથી આફ્રિકામાં નવી કેડીઓ કંડારાતી ગઈ.

આફ્રિકાની વાત કરતાં જ આપણને આલ્બર્ટ શ્વાઈટ્ઝર, લિવિંગ્સ્ટન, સ્ટેન્લી અને સેસિલ રહોડ્ઝની યાદ અચૂક આવે. પરંતુ આફ્રિકાના અંધારા ઇતિહાસમાં ઉજાસ પાથરનાર કેટલાક નાનાં-મોટાં પ્રવાસીઓ તદ્દન જાણબહાર રહી જાય! જો કે આફ્રિકા સાથે જોડાયેલ ઘણા વિદેશીઓ અને તેમની પ્રવૃત્તિઓ વિશે વિવાદો ઊઠતાં રહ્યા છે. આમ છતાં, એક નામ મને યાદ આવે છે મેરી કિંગ્સલેનું. માત્ર 38 વર્ષના જીવનમાં આ સાહસિક પ્રવાસી-શોધક બ્રિટીશ મહિલાએ આફ્રિકાના ઘણા ભેદ ખોલી નાખ્યા.

 ઓક્ટોબર 13, 1862ના રોજ લંડન (ઇંગ્લેન્ડ) માં મેરીનો જન્મ. પિતાની લાયબ્રેરીનાં પુસ્તકોએ મેરીમાં આફ્રિકા વિશે કુતૂહલ જગાડ્યું. ત્રીસેક વર્ષનાં મેરી પશ્ચિમ આફ્રિકા પહોંચ્યાં. અનામિકા! હિંમત તો જો મેરીની! ઘનઘોર જંગલોમાં આફ્રિકન લોકો વચ્ચે રહ્યાં; તેમનાં રીત-રિવાજો અને રહેણીકરણીનો તેમણે ગહન અભ્યાસ કર્યો. ઇંગ્લેન્ડ પરત ફરી મેરીએ બ્રિટીશ પ્રજાને આફ્રિકાની આદિ જાતિઓની સંસ્કૃતિ વિશે જાણકારી આપી. 1895માં તેમણે ફરી આફ્રિકા ખંડના અલ્પ-ખેડાયેલા અંતરિયાળ પ્રદેશોની મુસાફરી કરી. પશ્ચિમ મધ્ય આફ્રિકાની બારસો કિમી લાંબી ઓગુ (ઓગોવે ) નદીમાં તેમણે નાનકડી હોડી (canoe) માં પ્રવાસ કર્યો.

 તું કદાચ જાણતી હોઇશ, અનામિકા, કે પશ્ચિમ આફ્રિકામાં આશરે સાડા તેર હજાર ફૂટ ઊંચો માઉન્ટ કેમેરૂન જ્વાળામુખી પર્વત અને કપરાં સીધાં ચઢાણ માટે જાણીતો છે, માઉન્ટ કેમેરૂન પર મેરીએ દુર્ગમ અને અજાણ રસ્તે આરોહણ કરવાનું સાહસ કર્યું. સ્વદેશ પાછા ફરતાં ઇંગ્લેન્ડમાં ઠેર ઠેર તેમનાં પ્રવચનો ગોઠવાયાં. મેરીએ આફ્રિકા અને આફ્રિકન પ્રજાતિઓ વિશે યુરોપિયન લોકોનાં મંતવ્યો બદલવા ભારે પુરૂષાર્થ કર્યો. આફ્રિકા અને આફ્રિકન પ્રજાઓ વિશે મેરીનાં બે પુસ્તકો ભારે આવકાર પામ્યાં. દ્વિતીય બોર યુદ્ધ સમયે નર્સ તરીકે મેરીએ બોર (બોઅર Boer ) લોકોની સેવા કરી. દક્ષિણ આફ્રિકામા કેપ ટાઉન પાસે સાઇમન્સ ટાઉન (સિમોન્સ ટાઉન) નો પ્રસિદ્ધ નેવલ બેઝ છે. ઇસ 1900માં સાઇમન્સ ટાઉન (સિમોન્સ ટાઉન)માં માત્ર આડત્રીસ વર્ષની ઉંમરે મેરી કિંગ્સલે અવસાન પામ્યાં. તેમની ઇચ્છા અનુસાર તેમના મૃતદેહને સન્માનપૂર્વક દરિયામાં પધરાવવામાં આવ્યો.

 અનામિકા! કેટલાક વિરલા જીવનસફરનો અનોખો મકસદ શોધી લે છે. મેરી કિંગ્સલે એક વિરલ મહિલા હતાં.

સસ્નેહ આશીર્વાદ.

Add comment January 10, 2009

અનામિકાને પત્ર: 50

.

પ્રિય અનામિકા,

મને સ્વપ્ને ય ખ્યાલ ન હતો કે મારો આ પચાસમો સુવર્ણજયંતિ પત્ર આવા વિષય પર લખવો પડશે!!!

મુંબઈ શહેર પર ત્રાસવાદી હુમલાએ સમગ્ર ભારત દેશમાં આતંકના ઓછાયા પાથર્યા. ભારત દેશના જ નહીં, માનવજાતના ઇતિહાસમાં એક કાળું, કલંકિત પ્રકરણ ઉમેરાયું. અનામિકા! માનવતાને લજાવતાં આવાં ઘૃણાસ્પદ અમાનવીય કૃત્યોને વખોડવા માટે શબ્દો ઓછા જ પડે!

વિવિધ ભારતીય સુરક્ષા દળોએ તદ્દન વિપરીત સંયોગોમાં જાન પર ખેલીને આતંકવાદને જે જવાબ આપ્યો તે શબ્દાતીત છે. આપણે સૌ ભારતવાસીઓએ જાંબાઝોની મર્દાનગી અને કર્તવ્યનિષ્ઠા પર ગર્વ લેવો જોઈએ.

આ ત્રાસવાદી ઘટનાની દૂરોગામી અસરો તો વખત વીતતાં જણાશે. અનામિકા! આવી ઘટનાઓને વિશ્વની સભ્યતા પર બર્બરતાપૂર્ણ આક્રમણ ન લેખી શકાય?   જે સંસ્કૃતિને આજના સ્તરે પહોંચાડવામાં કરોડો માનવીઓનાં સમર્પણે સદીઓનો સમય લીધો, તે સંસ્કૃતિ આવતી કાલે મુઠીભર લોકોના હાથે બે-પાંચ પળોમાં ક્ષત-વિક્ષત થઈ જાશે?

હદ થઈ ગઈ છે હવે! જગતભરમાં વકરતા આતંકવાદ સામે માનવજાતે લડી લેવાનો સમય આવી ચૂક્યો છે.

અહીં દેશમાં આઘાતથી મૂઢ થયેલ લોકહૈયે ધૂંધવાઈ રહેલો આક્રોશ હવે બહાર આવતો જણાય છે. જે રાષ્ટ્રનું હાર્દ મહાન હોય, પરંતુ શાસન વામણું હોય તે અધોગતિ જ નોતરે! નિર્માલ્ય અને દિશાહીન નેતૃત્વ પર પ્રજાનો રોષ ભભૂકવા લાગ્યો છે. નર્યા અંગત સ્વાર્થના પાયે ખડું ભ્રષ્ટાચારી રાજકારણ રાષ્ટ્રની શી ભૂંડી ગતિ કરે તે આજે સૌ જાણી ગયાં છે. રાજનેતાઓ પ્રજાવર્ગની ધધકતી લાગણીઓ વેળાસર સમજી શકશે?

આપણે પ્રાર્થીએ, અનામિકા, કે વિપત્તિનાં વાદળો ઘેરાતાં જાય છે ત્યારે રાષ્ટ્ર એક બનીને ખડું થાય, એકરાગે પડકારો ઝીલી લે અને અને દેશને ઉગારવાના સંન્નિષ્ઠ પ્રયાસોમાં સૌ અબ ઘડી જોતરાઈ જાય તમારા મિત્રોમાં આ વિશે ચર્ચા છેડજો.

સસ્નેહ આશીર્વાદ.

4 comments December 1, 2008

અનામિકાને પત્ર: 49

પ્રિય અનામિકા, 

ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું?

ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાના ભાઈની વિધવા કેથેરાઇન ઓફ આર્ગન સાથે લગ્ન કર્યાં; પણ છૂટાછેડા લેવા નિર્ણય કર્યો. રાજા હેન્રી આઠમાને આ નિર્ણય બાબતે રોમના ખ્રિસ્તી કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપ સાથે વાંકું પડ્યું અને તેણે રોમના કેથલિક ચર્ચ સાથે છેડો ફાડ્યો!

અનામિકા! મહત્વની ઘટના એ બની કે રાજા હેન્રીએ પોતાને ‘ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ’ના સુપ્રીમ હેડ તરીકે જાહેર કર્યો. તેણે પોતાની બીજી રાણી એનને અવૈધ સંબંધોના આક્ષેપ સાથે મૃત્યુદંડ આપ્યો. તેની ત્રીજી રાણી જેઇન સેયમોર 1537માં રાજકુમારને જન્મ આપી મૃત્યુ પામી.

રાજા હેન્રી આઠમાની ત્રણ મુખ્ય રાણીઓનાં દરેકનાં એક એક સંતાન ઇતિહાસમાં નોંધ પામ્યાં. રાજા હેન્રી અને કેથલિક રાણી કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી મેરી પહેલી. રાજા હેન્રી અને પ્રોટેસ્ટન્ટ રાણી એનની રાજકુમારી એલિઝાબેથ પહેલી. રાજા હેન્રી અને રાણી જેઇનનો રાજકુમાર છઠ્ઠો એડવર્ડ.

1547માં રાજા હેન્રી આઠમાનું મૃત્યુ થયું. રાજા હેન્રી અને રાણી જેઇનનો દસ વર્ષનો રાજકુમાર છઠ્ઠા એડવર્ડ તરીકે ગાદીનશીન થયો. છઠ્ઠો એડવર્ડ સગીર વયનો – નાબાલિગ – હોવાથી તેના મામાએ તેના ‘પ્રોટેક્ટર ઓફ કિંગ’ તરીકે રાજ્યકારભાર ચલાવ્યો. પણ તેમનો પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડ દાવપેચ ખેલીને સત્તાપલટો કરાવવામાં સફળ થયો.

1553માં છઠ્ઠા એડવર્ડની જગ્યાએ નોર્ધમ્બરલેંડે પોતાની પુત્રવધુ જેઇન ગ્રેને ગાદીએ બેસાડી. અનામિકા! રાજકીય કાવાદાવા તો જુઓ! જેઇન ગ્રે માત્ર નવ જ દિવસ માટે સત્તા ભોગવી શકી! તેને ઉથલાવીને કેથલિક ખ્રિસ્તી ક્વિન મેરી પ્રથમ (રાજા હેન્રી અને કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી) ઇંગ્લેન્ડની મહારાણી બની. મેરીએ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડના કુટુંબને ટાવર ઓફ લંડનમાં કેદ કર્યું. આખરે, રાણી મેરીએ નોર્ધમ્બરલેંડ તથા તેની પુત્રવધુ જેઇન ગ્રેનો વધ કરાવ્યો.

પાંચેક વર્ષના શાસનકાળ (1553 – 1558) દરમ્યાન ચુસ્ત કેથલિક ક્વિન મેરી પ્રથમ દ્વારા કેથલિક વડા ધર્મગુરુ પોપની આણનો પુનઃ સ્વીકાર થયો અને પ્રોટેસ્ટન્ટસ પર ત્રાસ ગુજારવામાં આવ્યો. ક્વિન મેરી નિઃસંતાન હતી. તેથી તેના મૃત્યુ પછી ઇંગ્લેન્ડની ગાદીની વારસદાર તેની સાવકી બહેન એલિઝાબેથ હતી. પરંતુ ક્વિન મેરીએ પ્રોટેસ્ટંટ રાજકુમારી એલિઝાબેથને ગાદી ન મળે તે માટે અનેક પેંતરા રચ્યા. તેણે એલિઝાબેથને ટાવર ઓફ લંડનમાં કેદ કરી તેને કેથલિક બનાવવા પણ ભારે પ્રયાસો કરી જોયા.

આમ છતાં, 1558માં મેરીના મૃત્યુ પછી રાજા હેન્રી અને રાણી એનની પ્રોટેસ્ટન્ટ રાજકુમારી એલિઝાબેથ પહેલી ઇંગ્લેન્ડની ગાદીએ બેઠી. પ્રોટેસ્ટન્ટ ક્વિન એલિઝાબેથ પહેલીએ કેથલિક ક્વિન મેરીના કૃત્યોનો બદલો લીધો. એલિઝાબેથ પહેલીએ પ્રોટેસ્ટંટ સંપ્રદાયને પુનઃ સ્થાપિત કરી કેથલિક્સને પરેશાન કર્યા. એલિઝાબેથ પહેલી ડડલી નામે યુવાનના પ્રેમમાં હતી, જે 1554માં મૃત્યુદંડ પામેલ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડનો પુત્ર હતો. રાણીનો પ્રેમસંબંધ ભારે વિવાદાસ્પદ બન્યો.

એલિઝાબેથના રાજ્યકાળમાં પાડોશી દેશ સ્કોટલેંડની રાણી મેરી ઓફ સ્કોટસ પદભ્રષ્ટ થઈ ઇંગ્લેન્ડ આવી. દાવપેચમાં માહિર રાણી મેરી ઓફ સ્કોટ્સ ખ્રિસ્તી કેથલિક્સનો સાથ લઈ રાણી એલિઝાબેથ પહેલીને ઉથલાવવા કાવતરાં ઘડવા લાગી. આખરે રાણી એલિઝાબેથ પહેલીએ મેરી ઓફ સ્કોટ્સને જેલમાં નાખી અને તેનો વધ કરાવ્યો. બસ, આ ક્વિન એલિઝાબેથ પ્રથમના શાસનકાળ (1558-1603) માં વિખ્યાત અંગ્રેજ કવિ-નાટ્યકાર વિલિયમ શેક્સપિયર (1564 – 1616) ની કારકિર્દી ઘડાઇ. અનામિકા! તું સમજી શકીશ કે શેક્સપિયરનાં સર્જન પર ઐતિહાસિક ઘટનાઓની કેટલી અસર હશે!

તું તારા મિત્રો સાથે આ પત્રોને આધારે એલિઝાબેથ ફિલ્મ વિશે ચર્ચા પણ કરી શકીશ, બરાબર? કુતુહલ અને જિજ્ઞાસા થાય તે બાબતે પ્રશ્નો ઊભા કરીશ તો મારા જ્ઞાન અને સમજશક્તિ અનુસાર ઉત્તર પાઠવવા પ્રયત્ન કરીશ. સસ્નેહ આશીર્વાદ.

.

2 comments November 24, 2008

અનામિકાને પત્ર: 48

.

પ્રિય અનામિકા,

તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ પર મુદ્દા ઊઠ્યા તે સ્વાભાવિક છે.  કેટલીક આંટીઘૂંટીઓ સમજમાં ન આવી ને? આ પ્રકારની ફિલ્મનો સાચો આસ્વાદ માણવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ સમજવો જરૂરી છે.

બીજી એક વાત કહું? શેક્સપિયરની રાજકીય કાવતરાસભર લોહિયાળ ટ્રેજેડિઝની પાર્શ્વભુમિકા સમજવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જોઇએ.

આઠમા-નવમા ધોરણમાં ભારત અને વિશ્વનો ઇતિહાસ ભણતાં ભણતાં ઇંગ્લિશ ઇતિહાસમાં મને વિશેષ રસ પડ્યો.. ‘મેગ્ના કાર્ટા’ અને ‘હેબિયસ કોર્પસ એક્ટ’ની વાતો દિલમાં ઊતરી ગઈ. લગભગ તે અરસામાં ઇંગ્લેન્ડના રાજા આઠમા એડવર્ડની ગાદીત્યાગની કથા ‘The King’s Story’  વાંચી.

પછી  ઇંગ્લેન્ડના ઇતિહાસમાં ડૂબકી મારી  વિવિધ રાજ્યકર્તાઓનો પરિચય મેળવ્યો.  હેન્રી છઠ્ઠાથી લઈ ક્વિન મેરી તેમજ એલિઝાબેથ પ્રથમથી લઈ ઓલિવર ક્રોમવેલ અને ચાર્લ્સ બીજા સુધીના શાસનના રાજકીય દાવપેચ અને કાવતરાઓને પિછાણ્યા. અનામિકા! મને તો લાગે છે, શેક્સપિયરને રાજકીય કાવાદાવાઓની ટ્રેજેડિઝની પ્રેરણા ઇંગ્લિશ ઇતિહાસમાંથી જ મળી હશે.

આધુનિક પ્રજાતંત્રના મહત્વની દ્રષ્ટિથી જોઇએ તો મેગ્ના કાર્ટા લોકતંત્રની બુનિયાદનું સૌ પ્રથમ ઐતિહાસિક લીગલ ચાર્ટર ગણાય.

મેગ્ના કાર્ટા પર ઇસ 1215માં ઇંગ્લેન્ડના રાજા જહોનના દસ્તખત થતાં રાજાની નિરંકુશ, મનસ્વી સત્તાઓ પર નિયંત્રણ આવ્યાં. સાથે જ ઉમરાવોને અને સામાન્ય પ્રજાવર્ગને થોડે અંશે પાયાના કાનૂની અધિકાર મળ્યા. અમર્યાદ રાજાશાહીના જમાનામાં મેગ્ના કાર્ટાએ કાયદાથી સંરક્ષિત પ્રજાતાંત્રિક શાસનના વિચારોનાં બીજ રોપ્યાં. મેગ્ના કાર્ટા  ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારત સહિત અન્ય લોકતાંત્રિક દેશોના બંધારણ માટે પ્રેરણારૂપ દસ્તાવેજ બન્યો છે.

અનામિકા! રાજા હેન્રી છઠ્ઠો 1422માં માત્ર એક વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની ગાદીએ બેઠો!!! ફ્રાંસ સાથે સંઘર્ષમાં ઉતર્યો. ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરે ઉન્માદી અવસ્થાનો શિકાર બનતાં આંતરિક રાજકીય ખટપટનો ભોગ બન્યો.

1461માં તેને પદભ્રષ્ટ કરી એડવર્ડ ચોથો ગાદીએ આવ્યો. આઠ-નવ વર્ષમાં વળી તે સત્તાભ્રષ્ટ અને ફરી હેન્રી છઠ્ઠો રાજા! તું માની શકીશ, અનામિકા, કે એકાદ વર્ષમાં તો રાજકીય ખેલનો ભોગ બની રાજા હેન્રી છઠ્ઠો ટાવર ઓફ લંડનમાં કેદ થયો અને 1471માં મૃત્યુ પામ્યો!

ટ્યુડર વંશના આપખુદ રાજા હેન્રી સાતમાને ફ્રાંસ ભાગવું પડ્યું અને યુદ્ધ ખેલી રિચાર્ડ ત્રીજા પાસેથી ઇંગ્લેન્ડની ગાદી ઝૂંટવવી પડી! અનામિકા! આજે અહીં અટકું?

શેષ વાતો આવતા પત્રમાં…. સસ્નેહ આશીર્વાદ.

.

Add comment November 24, 2008

અનામિકાને પત્ર: 47

.

પ્રિય અનામિકા,

તમારા મિત્રવર્તુળમાં વિજ્ઞાન અને ધર્મના મુદ્દે વિખવાદ થયો તે મને જરાયે ન ગમ્યું.

મિત્રોમાં કે ગ્રુપના સભ્યોમાં દ્રષ્ટિબિંદુ ભિન્ન હોઈ શકે, મતમતાંતર હોઈ શકે; હોવા જોઈએ, પરંતુ તેના ફળરૂપે અસહિષ્ણુતા જન્મે, દુર્ભેદ્ય વાડા સર્જાય અને સંવાદ જ શક્ય ન બને તે સમાજના હિતમાં નથી. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે વિચારોની અર્થપૂર્ણ આપ-લે સમષ્ટિ માટે લાભદાયી છે. માનવજાતના વિકાસ માટે સંયમપૂર્ણ અને વિવેકપૂર્ણ વિચારવિનિમય અનિવાર્ય છે.

માત્ર ધર્મ અને વિજ્ઞાન જ નહીં, કોઇ પણ વિષય પર એકાંતી દ્રષ્ટિ, ઉપલકિયું જ્ઞાન, અજ્ઞાન, મમત્વ કે અહંકારમાંથી જન્મેલ ‘મારો મત જ સાચો’ તેવો દુરાગ્રહ સભ્યતાને રૂંધે છે.

ધર્મ અને વિજ્ઞાન બંને જીવનનાં અપરિત્યાજ્ય આયામો છે જે સમાજને આધાર આપે છે. જે વ્યક્તિ બંને આયામોને જ્યાં સુધી તેના અંતરંગ સ્વરૂપમાં સમજી ન શકે, ત્યાં સુધી તેના વિશે વિવાદ ન છેડે તે સમાજ માટે ઇષ્ટ છે.

અનામિકા! ધર્મ તથા વિજ્ઞાન બંને, તેમના શુદ્ધ સ્વરૂપમાં, સત્યની ખોજમાં મદદરૂપ છે. કહેવાતા ધર્મના ઠેકેદાર સમા ગણ્યાગાંઠ્યા ‘ધર્મરક્ષકો’ની બુદ્ધિવિહિન  ધર્માંધતા તથા વિજ્ઞાનના ચશ્મા પહેર્યાનો ભ્રમ સેવતા કેટલાક રેશનાલિસ્ટોની બુદ્ધિ-પરિમિત દ્રષ્ટિ – બંને ખતરનાક છે – સમાજ માટે, અને માનવજાત માટે પણ. નર્યા બુદ્ધિવાદને સહારે વિકસતા વિજ્ઞાનને કેટલાં અચલ સત્ય લાધ્યાં છે? એકાંગી દ્રષ્ટિમાં કદી પૂર્ણતા, સમગ્રતા સમાઈ શકે કરી? અસંયમિત ધર્માંધતા કે અપરિપક્વ રેશનાલિઝમ કદી સમાજનું ભલું કરી શક્યા નથી.

તમને જણાતા તમારા કહેવાતા ‘સત્ય’ને સમાજ પર શોર-શરાબાથી કે તાકાતથી ઠોકવું તેમાં મને તો સભ્યતાની અવગતિ જણાય છે. અન્યની દ્રષ્ટિને, ભાવનાને, જીવનકલાને યથોચિત આદર આપવામાં ધર્મનું ગૌરવ છે. તે જ રીતે અન્યના મત કે અભિપ્રાયને, વિચારને, સિદ્ધાંતને ગ્રંથિ-મુક્ત થઈ સહિષ્ણુતાથી અવલોકવો, બુદ્ધિથી ઉપર ઊઠીને વિશિષ્ટ દ્રષ્ટિકોણથી પરખવો અને ત્યાર પછી જ પોતાને સત્ય જણાતા અવલોકન કે વિચારને ઘોષિત કરવું તે સાચા રેશનાલિસ્ટનું લક્ષણ છે.

પરિશુદ્ધ ધર્મ હૃદયમાં, જીવનમાં વણાઇ જાય છે. તે જીવનમૂલ્યોને ઉજાગર કરી માનવજીવનને સૌંદર્ય બક્ષે છે, જ્યારે મૂળભૂત ધર્મમાંથી ફલિત ધર્મસ્વરૂપો કે આધારવિહોણા સંપ્રદાયો માનવજાતને વાડાઓમાં ધકેલી જીવનને બદસૂરત કરે છે.

પસંદગી આપણે કરવાની છે. આપણે આપણા જીવનમાં ધર્મને કયા સ્વરૂપે અપનાવીશું?

ધર્મ અને વિજ્ઞાનની પરિભાષાને ઊંડા મંથન પછી જ સમજી શકાય છે. સાચો બુદ્ધિવાદી, વિવેકશીલ માનવી તો મતમતાંતરોની વ્યર્થ ચર્ચાથી પર રહી, ધર્મ અને વિજ્ઞાનનાં વિશિષ્ટ પ્રયોજનોને સ્વીકારી, બંનેનાં વિવેકપૂર્ણ સમન્વયથી જીવનપથ દીપાવશે. તે પોતાની જીવન યાત્રા સત્યની ખોજમાં ઉચિત માર્ગે નિશ્ચલતાથી આગળ ધપાવશે.

અનામિકા! તું તારા મિત્રોને આ સમજાવજે. ક્ષુલ્લક, અર્થવિહોણા મતભેદોને વળગી સંબંધ તોડવા કે પોતાના દ્રષ્ટિબિંદુને અંતિમ સત્ય માની વાડામાં પૂરાઈ જવામાં બુદ્ધિવાદની હાર છે. તેમના વચ્ચે સંવાદ પુનઃ સ્થાપિત કરજે.

આવો નિખાલસ સંવાદ તમારા મિત્રવર્તુળના જ નહીં, સમાજના અને માનવજાતના હિતમાં છે.

સ્વાસ્થ્ય સંભાળશો. … સસ્નેહ આશીર્વાદ.

.

6 comments October 22, 2008

અનામિકાને પત્ર: 46

.
પ્રિય અનામિકા,

આઇન્સ્ટાઇનના જીવન વિશે ગયા પત્રના અનુસંધાને આગળ લખું?

1905માં આઇન્સ્ટાઇનના જીવનમાં નવો વળાંક આવ્યો. 26 વર્ષના આઇન્સ્ટાઇનનું રીસર્ચ પેપર એક જર્મન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું. ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોને સ્પર્શતા તેમના સંશોધનથી દુનિયાના વૈજ્ઞાનિકો દંગ થઈ ગયા.

હવે આઇન્સ્ટાઇન પહેલાં યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)માં તથા પછી 1911માં પ્રાગ (ઝેકોસ્લોવાકિયા) ની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક નીમાયા. અનામિકા! આ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનો સમયગાળો હતો. ત્યારે પણ પ્રાગમાં યહૂદીઓ ઉપેક્ષિત, અપમાનજનક સ્થિતિમાં જીવતા. આઇન્સ્ટાઇનને પોતાના જાતભાઈઓ માટે અનુકંપા થઈ.

તે પછી તેમને ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)ના પોલિટેકનીકમાં નિમણૂક મળી. 1913માં આઇન્સ્ટાઇનને જર્મની તરફથી ખાસ ઓફર મળી – બર્લિનના કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટરપદની. મિલેવાએ જર્મની જવા અનિચ્છા બતાવતાં આઇન્સ્ટાઇન એકલા જ બર્લિન ગયા. તેમનું લગ્નજીવન ખંડિત થયું.

બર્લિનમાં આ મહાન વૈજ્ઞાનિકે એલ્સા નામક એક પ્રેમાળ વિધવા સાથે બીજાં લગ્ન કર્યાં. 1913થી 1933 સુધી વીસ વર્ષો માટે બર્લિનમાં રહી આઇન્સ્ટાઇને ભૌતિકશાસ્ત્રના વિકાસમાં અદ્વિતીય ફાળો આપ્યો. 1905 થી 1915 સુધી તેમણે સંશોધન કરી થિયરી ઓફ રિલેટીવિટી (Theory of Relativity સાપેક્ષવાદનો સિદ્ધાંત ) રજૂ કરી વિજ્ઞાનજગતમાં અભૂતપૂર્વ હલચલ મચાવી દીધી. તેમણે સ્પેસ-ટાઈમ અને મેટર-એનર્જી વિશેના ખ્યાલો ધરમૂળથી બદલી નાખ્યા. તેમના વિખ્યાત સમીકરણ “E equals mC2″ને કારણે ભૌતિકશાસ્ત્રના અભ્યાસમાં નવી દિશાઓ ખુલી ગઈ.

અફસોસની વાત એ કે આઇન્સ્ટાઇનનાં સંશોધનો એટમબોંબના સર્જનમાં નિમિત્ત બન્યાં. અનામિકા! એક સમય એવો હતો કે તેમની રિલેટીવિટી થિયરીને વિશ્વના માત્ર દસ-બાર અતિ બુદ્ધિમાન ગણિતજ્ઞ વિજ્ઞાનીઓ જ સમજી શકતા હતા!!! 1921માં માત્ર 42 વર્ષની યુવાન વયે આઇન્સ્ટાઇનને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) નું નોબેલ પ્રાઈઝ એનાયત થયું.

થોડાં વર્ષોમાં જર્મનીનું રાજકારણ ડહોળાવા લાગ્યું હતું. નાઝીવાદના ઉદય સમયે જર્મનીના વાતાવરણમાં આઇન્સ્ટાઇનને ગૂંગળામણ થતી હતી.

હિટલર સત્તા પર આવે તે પહેલાં 1933માં આઇન્સ્ટાઇન જર્મનીને અલવિદા કહી અમેરિકા ચાલ્યા ગયા. અમેરિકામાં ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટન (Princeton, New Jersey, USA) ખાતે ઇંસ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડિઝમાં અધ્યાપન-સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. 1936માં તેમનાં પ્રેમાળ પત્ની એલ્સાનું મૃત્યુ થયું. આઇન્સ્ટાઇન ભગ્ન હૃદયે જીવનમાંથી, બહારની દુનિયામાંથી રસ ઓછો કરતા ગયા.

તેમણે અમેરિકન નાગરિકત્વ અપનાવ્યું, પણ તેમનું જીવન ખૂબ સાદગીભર્યું અને એકાકી બનતું ચાલ્યું. પ્રિન્સ્ટનમાં તેમનું રહેઠાણ તદ્દન સાદું હતું. નાનકડા રૂમમાં લાકડાના સાદા ખુરશી-ટેબલ પર આ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કાર્ય કરતા. પગમાં મોજાં ભાગ્યે જ પહેરતાં. નાહવા માટે અને દાઢી કરવા માટે એક જ સાબુનો ઉપયોગ કરતા. અનામિકા! આઇન્સ્ટાઇનની મહાનતા એ કે જ્યારે કોઇ મુલાકાતીને મળતા ત્યારે ભારોભાર સૌજન્યપૂર્વક મળતા. કોઇને અણસાર સરખો ન આવે કે તેની સમક્ષ વીસમી સદીનો અસાધારણ મેધાવી વૈજ્ઞાનિક છે.

1954ના એપ્રિલની 18મી તારીખે મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનું અવસાન થયું. અનામિકા! આવા મહામાનવોની સરળ જીવન કથામાં પણ કેટકેટલી રસપ્રદ વાતો છૂપાયેલી હોય છે!

સસ્નેહ આશીર્વાદ.

2 comments October 17, 2008

અનામિકાને પત્ર: 44

.

પ્રિય અનામિકા,

અમેરિકાને થથરાવી દેતા હરિકેન ગુસ્તાવના સમાચાર કેવી ઉત્તેજના ફેલાવી ગયા છે! જો કે આ ઝંઝાવાત વિશે હજી સ્પષ્ટ ચિત્ર નથી, પણ ચિંતાજનક નહીં હોય તેવો આશાવાદ પણ છે. અહીં બિહારમાં કોસી નદી અકથ્ય તારાજી સર્જી રહી છે. કોસીનું તાંડવ ભારતીય અર્થતંત્રને રોળી નાખશે.

પૃથ્વીના અમંગળની નિશાનીઓ તરફ હવે આંખો મીંચવા જેવી નથી. નોસ્ટ્રાડેમસ અને માયા સંસ્કૃતિનાં વિનાશક સંકેતો મીડિયામાં ચમક્યા કરે છે.

મારા પત્ર પછી તમારા મિત્રવર્તુળમાં  તમે માયા સંસ્કૃતિ પર ચર્ચા કરી તે આનંદની વાત. ચર્ચાના તાંતણા વળી લેટિન અમેરિકાના હોન્ડુરાસનાં જંગલોમાં ભટકતા જહોન લોઇડ સ્ટિફન્સ તથા ગ્રીક સંસ્કૃતિના, હોમરના ટ્રોયના આશિક હાઇનરિશ શ્લિમેન (હેઇન્રિશ શ્લીમાન Heinrich Schliemann 1822-1890) સુધી પહોંચ્યા! વાહ! પણ મને સાચો સંતોષ ત્યારે મળ્યો, અનામિકા, જ્યારે તેં પ્લિની ધ યંગર વિશે પૃચ્છા કરી.

હજી ગયા અઠવાડિયે મારા ક્લિપિંગ્સ-ડાયરી-નોટ્સના ખજાનાને ફંફોસતાં 24 ઓગસ્ટના પોમ્પિની ભયાવહ કહાણી હાથ લાગી હતી અને મન ગમગીનીમાં ડૂબી ગયું હતું.

ઈસુની સર્વપ્રથમ શતાબ્દીની વાત.

યુરોપના ઇટાલી દેશની ગિરિતળેટીનું નગર પોમ્પિ. રોમન સામ્રાજ્યના ઉદય સાથે ફૂલી-ફાલી રહ્યું હતું.

રોમના સમ્રાટ ઓક્ટેવિયસ ઓગસ્ટસ (63 BC – 14 AD) ના સુવર્ણયુગમાં પોમ્પિની સમૃદ્ધિ ટોચે પહોંચી હતી. ઓગસ્ટ્સના અવસાનને હજી માંડ 75 વર્ષ પૂરાં થયાં હતાં.

24 ઓગસ્ટ, ઈ.સ. 79નો તે ગોઝારો દિન.  હજારો વર્ષોથી સુપ્ત વિસુવિયસ જ્વાળામુખી અચાનક ફાટ્યો, આગની જ્વાળાઓ ઓકાવા લાગી અને લાવાના રેલા નીકળ્યા.

ખુશહાલીમાં કિલ્લોલતું પોમ્પિ વિસુવિયસમાં ભરખાઈ ગયું. તેની પાસેનું બીજું નગર હર્ક્યુલેનિયમ પણ તબાહ થઈ ગયું. પોમ્પિ જે હાલતમાં લાવા અને રાખના ખડકો વચ્ચે દબાઈ ગયું, તે જ હાલતમાં આજે સચવાઈ રહ્યું છે. માનવો, પદાર્થો, ચીજ-વસ્તુઓ, ઇમારતો … જે  જે સ્થિતિમાં હતાં તે જ સ્થિતિમાં આજે આપણને અવશેષરૂપે મળી આવે છે. કાંઈક કામ કરતાં, બેઠેલાં, સૂતેલાં માનવ અવશેષો જ્વાળામુખીની વેગીલી વિનાશકતાની વાતો કહે છે. પોમ્પિનાં ખંડેરો હોનારતનો તાદ્રશ ચિતાર આપે છે.

પોમ્પિની વાત પ્લિની ધ યંગરના ઉલ્લેખ વિના અપૂર્ણ જ લેખાય.

અનામિકા! પ્લિની ધ યંગર તે સમયના ઇટાલીનો એક લેખક અને કાનૂનવિદ. પ્લિની ધ યંગરનાં દુર્લભ લખાણોમાં રોમન શાસનની, પોમ્પિની, વિસુવિયસના કાળતાંડવની વાતો જાણવા મળે છે. તેમના કાકા પ્લિની ધ એલ્ડર રોમન શાસનમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા. પ્લિની ધ એલ્ડરને પ્રકૃતિ, પ્રાકૃતિક ઘટનાઓ અને ફિલોસોફીમાં ઊંડો રસ. વિસુવિયસ ફાટવાના દિને પ્લિની ધ એલ્ડર પોમ્પિમાં હતા. કહે છે કે જ્વાળામુખીની અસરોનો અભ્યાસ કરતાં અને કમભાગી લોકોને મદદ કરતાં કરતાં પ્લિની ધ એલ્ડર શહીદીને વર્યા. પોમ્પિના દુર્ઘટના સ્થળથી દૂર રહી પ્લિની ધ યંગરે વિસુવિયસ વિસ્ફોટને નજરે નિહાળ્યો. તેમનાં લખાણોમાંથી  વિસુવિયસના જ્વાળામુખીએ નોતરેલા પોમ્પિના સર્વનાશનો દારૂણ ચિતાર મળે છે.

અનામિકા! પ્રકૃતિમાતા ક્યારેક જ રોષે ભરાય છે, પણ જ્યારે તેમ થાય છે ત્યારે માનવીની કહેવાતી પ્રગતિ, શક્તિઓ અને સિદ્ધિઓના ધજાગરા ઉડાડી દે છે. માનવજાત આ પાઠ હંમેશા યાદ રાખી શકે તો સારું!

અનામિકા! મા ધરતીના, કુદરતના, માનવસભ્યતાના સંવર્ધન અર્થે સદા પ્રયત્નશીલ રહેશો સસ્નેહ આશીર્વાદ. 

.

1 comment September 2, 2008

Previous Posts


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

હરીશ દવે on અનામિકાને પત્ર: 54
Pancham Shukla on અનામિકાને પત્ર: 49
PARESH on અનામિકાને પત્ર: 50
esha on અનામિકાને પત્ર: 50
santhosh on અનામિકાને પત્ર: 50
હિમાંશુ કીકાણી on અનામિકાને પત્ર: 50
KANTILAL KARSHALA on અનામિકાને પત્ર: 49
Pinki on અનામિકાને પત્ર: 47

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats