Posts filed under ‘અમદાવાદ’

અનામિકાને પત્ર: 37

.

*

પ્રિય અનામિકા,

વેલેંટાઇન ડેની તારી અનોખી ઉજવણીના ફોટોગ્રાફ્સ જોઇ ખુશી થઈ. અડધી રાત્રે, હિંમત કરી બહાર નીકળી પ્રિય સ્નેહીને દરવાજે ચૂપચાપ કાર્ડ મૂકવાનો રોમાંચ તો માણવા જેવો હોય !

તમારા બ્રિટીશ મિત્ર-પરિવારનો ગુજરાતી રંગભૂમિ અને જયશંકર ‘સુંદરી’ પ્રત્યેનો પ્રેમ ખરેખર કાબિલે-તારીફ.

હું નાટ્યશાસ્ત્ર કે નાટ્યતત્વોનો  નિષ્ણાત નથી. પરંતુ પ્રવીણ જોશીનું ‘સંતુ રંગીલી’ હોય કે કાંતિ મડિયાનું ‘અમે બરફનાં પંખી’ -  તેમાંથી નાટ્યકલા પ્રગટતી મને દેખાઇ છે. મંચ પર પાત્રની સ્થિતિ અને ગતિ, તેમાંથી ઉપસતાં દ્રશ્યો, પાત્ર-પાત્ર વચ્ચે અને પાત્ર-પ્રેક્ષકો વચ્ચે સંબંધસેતુ જોડવો અને રંગમંચ પર નાટકની કથાના પ્રવાહમાં પ્રેક્ષકોને સાથે રાખવા- કેવી મઝાની કલા!

આવી કલાનો ઉપયોગ તમે ફિલ્મોમાં પણ નથી જોતા? અનામિકા! તારી સાથે ક્યારેક તો હોલિવુડની ‘સાઉંડ ઓફ મ્યુઝિક’, ‘ફિડલર ઓન ધ રૂફ’ કે અમોલ પાલેકરની ક્લાસિક ‘થોડા-સા રૂમાની હો જાય‘ની વાતો થઈ હશે.

થોડી આડી વાતે ચડી ગયો, પણ જયશંકર ‘સુંદરી’એ આવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ગુજરાતી રંગભૂમિ માટે પાયાનું કામ કર્યું. જશવંત ઠાકર અને જયશંકરના ચીલા અલગ પડ્યા પછી પણ બંનેએ પોતપોતાની સંસ્થાઓ દ્વારા ગુજરાતી નાટકોને લોકપ્રિય કરવા અથાગ પ્રયત્નો કર્યા.

રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’, મહાકવિ ભાસનું ‘ઉરુભંગ’, રસિકલાલ પરીખનું ‘મેનાગુર્જરી’ અને કવિ દલપતરામનું ‘મિથ્યાભિમાન’ – જયશંકર ‘સુંદરી’ ના જાનદાર નિર્દેશનમાં ‘નટમંડળ’ના તમામ નાટ્યપ્રયોગો ગુજરાતી રંગભૂમિનાં યાદગાર સંભારણાં બની રહ્યાં.

‘મિથ્યાભિમાન’માં રતાંધળા જીવરામ ભટ્ટના પાત્રમાં પ્રાણસુખ નાયકનો અદભુત અભિનય હતો.

અનામિકા! ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા જયશંકર ‘સુંદરી’ને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે.

બાસઠ-ત્રેસઠ વર્ષની ઉંમરે ‘મેનાગુર્જરી’ જેવા સંગીતમય નાટકની રજૂઆત દિગ્દર્શક જયશંકર માટે પડકારરૂપ હતી. ‘સુંદરી’એ અકલ્પ્ય સફળતા મેળવી. મેનાના પાત્રમાં દીનાબહેન ગાંધી (પાછળથી દીનાબહેન પાઠક – સુપ્રિયા પાઠક અને રત્ના પાઠકના માતા) ના બેમિસાલ અભિનયને કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, અરવિંદ પાઠક, પ્રભાબહેન પાઠક, અનસૂયાબહેન સૂતરિયા વગેરે કલાકારોએ ઓર દીપાવ્યો.  અરે! કેટલાક પ્રયોગોમાં મેનાના પિતાનું પાત્ર જયશંકરે સ્વયં ભજવ્યું!

સંગીત-નૃત્ય મઢ્યા ‘મેનાગુર્જરી’ને ગુજરાતી દર્શકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો. અનામિકા! ‘મેનાગુર્જરી’ના 65 સફળ પ્રયોગો જયશંકર ‘સુંદરી’ની સિદ્ધિઓમાં યશકલગીરૂપ બન્યા.

જયશંકર ‘સુંદરી’ને રાજ્ય કક્ષાએ રણજિતરામ સુવર્ણચંદ્રકથી અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા. જયશંકર ‘સુંદરી’ની રંગભૂમિની સેવાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ અને 1971માં જયશંકર ‘સુંદરી’ને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માવવામાં આવ્યા.

1975માં ગુજરાતના આ મહાન કલાકાર અને નાટ્યશાસ્ત્ર-વિશારદ જયશંકર ‘સુંદરી’નો સ્વર્ગવાસ થયો. ગુજરાત સરકાર દ્વારા સ્મરણાંજલિ રૂપે 1976માં તેમનું કાયમી સ્મારક બાંધવાનું નક્કી થયું અને અમદાવાદમાં ‘જયશંકર સુંદરી નાટ્યગૃહ’ બાંધવામાં આવ્યું.

 આજે જયશંકર સુંદરી હૉલની દુર્દશા માટે અમદાવાદ અને ગુજરાત જવાબદાર નથી? અમદાવાદમાં, ગુજરાતમાં રંગભૂમિની પ્રવૃત્તિઓ મોળી પડી ગઈ છે. કોઈ ગુજરાતી જાગશે?

અનામિકા! ગુજરાતી રંગભૂમિ માટે તું જરૂર પ્રાર્થના કરજે. સસ્નેહ આશીર્વાદ.

*  *  *

March 9, 2008 at 10:15 pm Leave a comment

અનામિકાને પત્ર: 35

* 

.

પ્રિય અનામિકા,

અમદાવાદના નાટ્યગૃહ જયશંકર સુંદરી હૉલ ના સમાચાર અમેરિકા તમારા સુધી પહોંચ્યા તે વાતથી મને શરમ સાથે વ્યથા થાય છે.

ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓની -થિયેટ્રીકલ એક્ટિવિટીઝની ઉપેક્ષાનો ચિતાર જયશંકર સુંદરી હૉલની કરુણ દુર્દશા પરથી મળે!

એક જમાનામાં અમદાવાદમાં ટાઉન હૉલ, પ્રેમાભાઈ હૉલ, ટાગોર હૉલ, જયશંકર સુંદરી હૉલ,  ઠાકોરભાઈ દેસાઈ હૉલ,… પ્રત્યેકનું સ્થાન હતું. અમે નાનાં હતાં, ત્યારે અમારી શાળાનો વાર્ષિકોત્સવ અમદાવાદમાં ટાઉન હૉલમાં ઉજવાતો.. કેવું સરસ! શાળાજીવનથી વિદ્યાર્થીને સંગીત- નૃત્ય- નાટ્ય-લલિતકલા પ્રવૃત્તિઓ સાથે સાંકળવો તે દૂરદર્શિતાભર્યું શિક્ષણ. અનામિકા! આજે ગુજરાતમાં, અમદાવાદમાં એક પછી એક હૉલની રોશની બુઝાતી જાય છે તે ગુજરાતી રંગભૂમિની કરુણતા નથી?

કવિ નાટ્યકાર દલપતરામના લક્ષ્મી કે  સ્ત્રીસંભાષણ જેવાં નાટકો વિશે ગુજરાતમાં બહુ ઓછા જાણતા હશે. નગીનદાસ મારફતિયા કે રણછોડભાઈ ઉદયરામ દવેનાં નામથી કેટલાં  ગુજરાતી પરિચિત હશે?

ગુજરાતી ભાષાની રંગભૂમિનો પાયો નાખનાર વાઘજી ઓઝા મૂળજી ઓઝા તથા ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતની નવી પેઢી ઓળખશે ખરી? 

એક આશ્વાસન છે -ચાલો, જયશંકર સુંદરી હૉલની અવગતિના સમાચાર સાથે યુવાન ગુજરાતીઓ જયશંકર સુંદરી કોણ? આવા પ્રશ્નો કરતાં તો થયાં.

અનામિકા! જયશંકર સુંદરીનું મૂળ નામ જયશંકર ભૂદરદાસ ભોજક.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે વિસનગરમાં 1889માં જયશંકર ભોજકનો જન્મ. માત્ર નવ વર્ષની કુમળી વયે જયશંકર મુંબઈમાં પારસી-ઉર્દુ નાટક મંડળીમાં જોડાયા, પણ ટૂંક સમયમાં પારસી કંપની છોડી મુંબઈ ગુજરાતી નાટક મંડળી માં જોડાયા.

1901માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ સૌભાગ્યસુંદરી નામક નાટક તૈયાર કર્યું. તેમાં સુંદરી તરીકે મુખ્ય સ્ત્રી પાત્રમાં માત્ર બાર વર્ષના જયશંકરનો અભિનય લાજવાબ હતો.

જયશંકર ભારે ચાપચીપથી આકર્ષક ઢબે સાડી પહેરતા, સ્ત્રીસહજ  હાવભાવથી અભિનય કરતા, મદીલાં ગીતો ગાતા; શૃંગારરસ એવો તો જન્માવતા કે પ્રેક્ષકો તેમના પર ઓળઘોળ થઈ જતાં.

અનામિકા! તને નવાઈ લાગશે કે સૌભાગ્યસુંદરી નાટકમાં ચાળીસથી વધુ ગીતો હતાં. તેમાં સત્તરેક ગીતો જયશંકર ગાતા.

અભિનયમાં ઓતપ્રોત થઈ જયશંકર ‘સુંદરી’ ના પાત્રને એવું ભજવતા રહ્યા કે લોકો હવે તેમને જયશંકર ભોજકના બદલે જયશંકર સુંદરી તરીકે ઓળખવા લાગ્યા.

સૌભાગ્યસુંદરી નાટકને સમગ્ર ગુજરાતી સમાજમાં સાર્વત્રિક આવકાર મળ્યો. આજે કોઈ માની ન શકે, અનામિકા,  કે તે જમાનામાં માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તે નાટકના દોઢસોથી વધુ શો થયા. જયશંકર સુંદરી સાથે બાપુલાલ નાયક નામના સહ-કલાકારની જોડી ખૂબ જામી. તે પછી 1904માં કામલતા નાટકમાં પણ જયશંકર સુંદરી અને બાપુલાલની જોડીએ નાટકને ચાર ચાંદ લગાવી દીધા! કામલતા નાટક મુંબઈના ગેઈટી થિયેટરમાં ભજવાયેલું.

વીસેક વર્ષ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં કામ કરી જયશંકર સુંદરી આર્ય સુબોધ નાટક મંડળીમાં બે-ત્રણ વર્ષ રહ્યા; વળી પાછા મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાઈ નાટકો કરતા રહ્યા.

ગુજરાતી સ્ટેજ પર અભિનયનાં ઓજસ પાથરી જયશંકર સુંદરીએ 1932માં ગુજરાતી થિયેટરને રામ રામ કર્યા.

અનામિકા! આપણા સદભાગ્યની વાત કે ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિને નવલો ઓપ આપવાનું નક્કર કામ જયશંકર સુંદરીએ નિવૃત્તિ પછી પણ કર્મઠતાથી કર્યું.

ગુજરાતને, ગુજરાતી રંગભૂમિને જયશંકર સુંદરીએ બક્ષેલાં નવલાં નજરાણાંની વાત હવે પછીના પત્રમાં …. સપ્રેમ આશીર્વાદ.

*  *  *

January 7, 2008 at 9:55 pm Leave a comment

અનામિકાને પત્ર: 15

.

પ્રિય અનામિકા,

અમેરિકા સ્થિત મારા એક મિત્ર હમણાં અમદાવાદની મુલાકાતે આવી ગયા.. સાત વર્ષે તેમણે પોતાના વતન અમદાવાદને જોયું. નવાઈ પામી ગયા. ગુજરાતની અવિરત પ્રગતિને પગલે અમદાવાદ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. નવા રસ્તાઓ પર નવા નવા શોપિંગ મૉલ્સ અને મલ્ટિપ્લેક્સની ઝાકમઝાળ સૌને પ્રભાવિત કરે છે.

આ તો થઈ આજની વાત. પણ આઝાદી પછી આધુનિક અમદાવાદની નવરચનાનો શ્રેય અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ ચીમનલાલને આપવો ઘટે. ચાલ, આજે તને તેમના વિષે થોડી વાત કરી લઉં. તારા મિત્રો સાથે આ વાત કરવામાં તને ખુશી થશે. 

ચીનુભાઈ ચીમનલાલનો જન્મ 1909માં અમદાવાદમાં. લક્ષ્મીદાસ ઝવેરીના વંશજ એવા ચીનુભાઈ સુપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શેઠ કસ્તુરભાઈ લાલભાઈના ભત્રીજા થાય.  

ચીનુભાઈ 1949માં અમદાવાદ મુનિસિપાલિટીના પ્રમુખ (President) તરીકે ચૂંટાયા. 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ ત્યારે ચીનુભાઈ ચીમનલાલ અમદાવાદ શહેરના પ્રથમ મેયર બન્યા.  ચીનુભાઈએ અગિયારેક વર્ષ અમદાવાદના મેયર તરીકે સેવા આપી. 

અમદાવાદ શહેરના વિકાસ અર્થે ચીનુભાઈએ ચિરસ્મરણીય કાર્યો કર્યાં છે. તેમણે 1958માં નવરંગપુરા વિસ્તાર તથા 1960માં વાસણા વિસ્તારને અ.મ્યુ.કો.માં ભેળવ્યો. નવા રસ્તાઓ બાંધી ફ્લોરેસન્ટ લાઈટ્સથી રોશન કર્યા.  દૂધેશ્વર વોટર વર્ક્સનું આધુનિકીકરણ કર્યું. અનામિકા! બાળપણમાં સ્કૂલમાંથી તમને કાંકરિયા પિકનિક જવાની ખૂબ મઝા આવતી હતી. બાળકોને આ ખુશી આપી ચીનુભાઈએ. ચીનુભાઈએ કાંકરિયા તળાવ વિસ્તારનું આયોજન કરી પ્રસિદ્ધ કાંકરિયા ઝૂ તથા બાલવાટિકા બનાવ્યાં. અમદાવાદનું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ(નવરંગપુરા), લાલ દરવાજાનું સ્નાનાગાર તથા જૂના પ્રેમાભાઈ હોલને સ્થાને નવા પ્રેમાભાઈ હોલનું આયોજન કર્યું. શહેરમાં સંસ્કારપ્રવૃત્તિ વિષે તેમની આગવી દ્રષ્ટિ હતી.

અનામિકા! તને પાલડી મ્યુઝિયમ યાદ છે  ને?  વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ ફ્રાંસના લા કોર્બુઝિયરની સેવાથી ચીનુભાઈએ બેનમૂન મ્યુઝિયમ સંસ્કારકેન્દ્રની રચના કરી. મશહૂર સ્થપતિ બાલકૃષ્ણ દોશીને ટાગોર હોલનું આયોજન સોંપી તેમને અમદાવાદ સ્થાયી થવા પ્રેર્યા. અમદાવાદની શાન નહેરુ બ્રિજ, શાહીબાગ અંડરબ્રિજ, સુંદર પરિમલ ગાર્ડન – આ બધાના આયોજનની પ્રેરણા મેયર ચીનુભાઈ ચીમનલાલની. કેવી દૂરદર્શિતા! કેવી દીર્ઘદ્રષ્ટિપૂર્વકનું આયોજન! કેવા વિશાળ ફલક પર લોકોપયોગી કાર્યો! 

મેયર ચીનુભાઈને અમદાવાદની રૂપરેખા પલટવામાં મદદરૂપ બે નિષ્ઠાવાન અધિકારીઓને યાદ કરવા ઘટે. એક તો કમિશ્નર શ્રી બી. પી. પટેલ (આઈ. એ. એસ.), બીજા અમદાવાદ શહેરના ચીફ એન્જીનિયર શ્રી કે. એમ. કાંટાવાલા. અમદાવાદના અદ્યતન સ્વરૂપના પાયામાં  તેમની રાતદિનની કાર્યનિષ્ઠા ધરબાઈ છે. સલામ તેમને!

અનામિકા! હું મારા વિવિધ બ્લોગ્સ દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવવા પ્રયત્નશીલ છું. અમેરિકામાં સ્થિત તમે ગુજરાતીઓ આપણા પૂર્વજ ગરવા ગુજરાતીઓને સ્મરતા રહેશો. તેમના વિષે ક્યારેક ક્યારેક કાર્યક્રમ આયોજન કરશો .. મને કાર્યસાફલ્યનો સંતોષ મળશે.. …..  સસ્નેહ આશીર્વાદ.

* * * * * * * *
જીવન ઝરમર: મેયર ચીનુભાઈ ચીમનલાલ

January 21, 2007 at 9:37 am 1 comment


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

Blog Stats

  • 15,328 hits

Follow

Get every new post delivered to your Inbox.