Posts filed under ‘ખંડ: ઉત્તર અમેરિકા’

અનામિકાને પત્ર: 1202

.

.

પ્રિય અનામિકા,

ચાર્લિ ચેપ્લિનની વાત આગળ ચલાવું છું.

ગયા પત્રમાં તને જણાવ્યું તેમ ટ્રેમ્પની વેશભૂષા અને વિદૂષકવેડા દર્શકોને એવાં ગમ્યાં કે અમેરિકન પ્રજા ચાર્લિ ચેપ્લિન પાછળ ગાંડી બની !  જેમ જેમ ચેપ્લિનની લોક્પ્રિયતા વધતી ગઇ તેમ તેમ અમેરિકાની ફિલ્મ પ્રોડક્ષન કંપનીઓ પણ તેમની પાછળ દોડતી થઇ. સ્ટેજ કલાકાર ચેપ્લિનનો અઠવાડિક પગાર 50 ડોલર હતો જે  1914ના અરસામાં કીસ્ટોનમાં 150 ડોલર તથા 1915માં Essanay Studios સાથેના કોન્ટ્રાક્ટમાં 1250 ડોલર થયો. 1916માં મ્યુચ્યુઅલ ફિલ્મ કોર્પોરેશન સાથે તેમનો અઠવાડિક પગાર અધધ કહેવાય તેવો દસ હજાર ડોલર થયો !

અનામિકા! આ દરમ્યાન એક્ટર – ડાયરેક્ટર ચાર્લિ ચેપ્લિન હોલિવુડમાં પોતાના ફિલ્મ સ્ટુડિયો સાથે સિનેમા જગતમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પડ્યા. વળી ડગ્લાસ ફેરબેન્ક્સ અને ગ્રીફીથ જેવા ખ્યાતનામ સાથી મિત્રો સાથે યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામની ફિલ્મ કંપની પણ બનાવી. 1921માં ચેપ્લિનની ફિલ્મ ધ કિડ (The Kid : 1921)માં તેમની  સાથે બાળ કલાકાર જેમ્સ કુગનની અદાકારીએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી. તેમની ફિલ્મો હવે યુરોપ અને દક્ષિણ અમેરિકા સહિત વિશ્વના કેટલાય દેશોમાં ધૂમ મચાવવા લાગી. 1925માં ચેપ્લિનની સુપર હીટ ફિલ્મ ધ ગોલ્ડરશ આવી. દુનિયા આખી હોલિવુડના આ મહાન કોમેડિયન એક્ટર પર આફરીન થઇ ગઇ. અનામિકા!  તને નવાઇ લાગશે કે ચેપ્લિનને ધ કિડ ફિલ્મમાં દસ લાખ ડોલર અને ગોલ્ડરશમાં વીસ લાખ ડોલરની અંગત કમાણી થઇ. તું કહીશ કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ, ખરું ને !

આબાલવૃદ્ધને જકડી રાખતી ધમાચકડીવાળી કોમેડી ધ સર્કસ (1928) પછી 1931માં સીટી લાઇટ્સ ફિલ્મમાં  ચેપ્લિનની પ્રેમકહાણી દર્શકોને ભાવવિભોર કરી ગઇ. ઇતિહાસ યાદ છે ને, અનામિકા? 1931માં બ્રિટીશ શાસન સામે હિંદુસ્તાનમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો, તે સમયે મહાત્મા ગાંધી લંડનની ગોળમેજી પરિષદ (Round Table Conference) માં હાજરી આપવા ઇંગ્લેન્ડ ગયા હતા. 22 સપ્ટેમ્બર 1931ના રોજ ઇંગ્લેન્ડમાં લંડન ખાતે એક હિંદુસ્તાની ડોક્ટરને ઘેર ગાંધીજી અને ચાર્લિ ચેપ્લિનની મુલાકાત થઇ. કહે છે કે ગાંધી બાપુની  વિચારસરણીની ચેપ્લિન પર ઊંડી અસર થઇ. ગાંધીજીના વિચારોનો પ્રભાવ ચેપ્લિનની ફિલ્મ મોડર્ન ટાઇમ્સ (Modern Times : 1936) માં ઝલકે છે. મોડર્ન ટાઇમ્સમાં ટ્રેમ્પના રોલમાં, તે કોસ્ચ્યુમમાં ચેપ્લિનનો આખરી અભિનય.

અનામિકા ! તે સમયે બોલતી ફિલ્મો – ટોકિઝ ફિલ્મ્સ (બોલપટ) નો આરંભ થઇ ગયો હતો. મોડર્ન ટાઇમ્સમાં સાઉન્ડ છે, ચેપ્લિને ગાયેલું અર્થવિહોંણું રમૂજી ગીત પણ છે. પરંતુ તેમાં પાત્રોના પોતાના અવાજમાં સંવાદો નથી તેથી તેને સાયલેન્ટ ફિલ્મ ગણવામાં આવે છે. સાચું પૂછો તો ચેપ્લિનનું તે ગીત મારા વિદ્યાર્થીઓ ફરી ફરીને જુએ છે. ખૂબ મઝા આવે છે તેમને.

1939માં બીજું વિશ્વયુદ્ધ (Second World War 1939-45) શરૂ થતાં જર્મનીના સરમુખત્યાર હિટલર તથા ઇટાલીના તાનાશાહ મુસોલિનીની આંધળી સ્વાર્થી ખતરનાક સામ્રાજ્યવાદી નીતિઓ ચેપ્લિનને અકળાવી ગઇ. અવિચારી સરમુખત્યારોના યુદ્ધખોર માનસને તેમણે સફળતાથી રૂપેરી પડે ઢાળ્યું. પરિણામે આપણને ચેપ્લિનની મઝાની કોમેડી ટોકી ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટર (The Great Dictator : 1940) મળી. અનામિકા! તમે સૌ મિત્રો સાથે મળીને ધ ગ્રેટ ડિક્ટેટર જોશો ત્યારે જરૂરથી પેટ પકડીને હસશો! ત્યાર પછીની તેમની ફિલ્મ્સ વિશાળ પ્રેક્ષકવર્ગને પ્રભાવિત કરવામાં ઊણી ઉતરતી ગઇ. 1967માં ચેપ્લિનની છેલ્લી ફિલ્મ અ કાઉંટેસ ફ્રોમ હોંગકોંગ (A Countess From Hong Kong : 1967) આવી, જેમાં માર્લોન બ્રાન્ડો (ગોડ ફાધર ફેઇમ) અને સોફિયા લોરેન જેવા હોલિવુડના શ્રેષ્ઠ કલાકારોએ અભિનય આપ્યો.

અનામિકા! બહુ ઓછાને ખબર છે કે આજે આપણે ચેપ્લિનની જે ફિલ્મો જોઇએ છીએ, તેમાંથી મોટા ભાગની ફિલ્મો પુન: સંપાદિત થઇ છે; ઘણી ફિલ્મ્સમાં મ્યુઝિક ખુદ ચેપ્લિન દ્વારા પાછળથી ઉમેરવામાં આવ્યું છે.

કોમેડી કિંગ ચાર્લિ ચેપ્લિન અમેરિકામાં ફિલ્મનિર્માણ ક્ષેત્રે કેટલાક ઓસ્કાર જીત્યા,  એકેડેમી તરફથી ખાસ લાઇફ ટાઇમ એવોર્ડ પામ્યા અને ઇંગ્લેન્ડમાં  ક્વિન એલિઝાબેથ દ્વારા નાઇટહૂડથી સન્માનિત પણ થયા; આમ છતાં તેમના અંગત જીવનમાં ટ્રેજેડી ઓછી ન હતી. બાળપણ તો રઝળપાટમાં વીત્યું. પ્રેમસંબંધો ટક્યા નહીં. દુ:ખની વાત તો એ, અનામિકા,  કે અમેરિકા જેવા દેશમાં પણ રાજકારણના આટાપાટાઓ વચ્ચે તેમના વિચારો પર વિવાદો ઊભા થયા અને અમેરિકા છોડી ચેપ્લિન વર્ષો સુધી યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડ જઇ વસ્યા. તેમનાં પ્રથમ ત્રણ લગ્નજીવન અલ્પજીવી નીવડ્યાં. ચેપ્લિનનાં ચોથાં અને આખરી લગ્ન ચોપન વર્ષની ઉંમરે પ્રસિદ્ધ સાહિત્યકાર યુજીન ઓ’નિલનાં અઢાર વર્ષીય પુત્રી ઊના ઓ’નિલ સાથે થયાં. પ્રેમાળ પત્ની ઊનાએ તેમને આઠ બાળકો આપ્યાં, તેમનાં દાંપત્યજીવનમાં આનંદ રેડ્યો અને ચેપ્લિનના મૃત્યુ સુધી પ્રેમભર્યો સાથ નિભાવ્યો. 1977ની ક્રિસ્ટમસના આરંભે 25 ડિસેમ્બર નાતાલના દિવસે સ્વિટ્ઝરલેન્ડમાં ચાર્લિ ચેપ્લિન ફાની દુનિયા છોડી ગયા.

અનામિકા! જે જમાનામાં મિકી માઉસ કે ટોમ એન્ડ જેરી તો શું લોરેલ – હાર્ડીની જોડી પણ ન હતી ત્યારે ચાર્લિ ચેપ્લિન ચલચિત્ર જગતમાં આવ્યા. ત્યારથી આજ સુધી બાળકોથી લઇને વૃદ્ધો સુધી સૌનેં તેમની ફિલ્મો હસાવતી જ રહી છે. મનોરંજનની દુનિયાના આ બેતાજ બાદશાહને સાદર સલામ!

સસ્નેહ આશીર્વાદ.

* ** *

January 23, 2012 at 11:35 am Leave a comment

અનામિકાને પત્ર: 1201

.

.

પ્રિય અનામિકા,

તારી બાળપણની જિજ્ઞાસાવૃત્તિ વર્ષો પછી પણ ખીલતી રહી છે! આઇએમડીબીની વેબસાઇટ પર ચાર્લિ ચેપ્લિનની  તસ્વીર નજરે પડી અને તમને યુવાન મિત્રોને પ્રશ્નો ઊઠ્યા. વાહ!

હોલિવુડના સિનેમાજગતના પ્રસિદ્ધ ફિલ્મ-નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કોમેડિયન ચાર્લિ ચેપ્લિનની વાત કરવી કોને ન ગમે !

વર્ષો વીતી ગયાં, પણ મને યાદ છે, અનામિકા, તારા હાઇસ્કૂલના દિવસો. ક્યારેક દ્વિતીય વિશ્વયુદ્ધના ટોપિક દરમ્યાન મેં તને જર્મનીના નાઝી સરમુખત્યાર હિટલર,  કોમેડિયન ચેપ્લિન અને તેમની ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટર વિષે વાતો કરી હતી. મારા ઘણા વિદ્યાર્થી મિત્રો આપણા બોલિવુડના અભિનેતા રાજકપૂરની ફિલ્મો શ્રી 420 અને મેરા નામ જોકર જોયા પછી ચાર્લિ ચેપ્લિનને સાહજિકતાથી યાદ કરે છે.

તને કદાચ ખબર નહીં હોય, અનામિકા,  કે ઇંગ્લેન્ડમાં સાધારણ પરિવારના સંતાન સર ચાર્લ્સ સ્પેન્સર ચેપ્લિન આપબળે અમેરિકામાં ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા બન્યા. વીસમી સદીના બીજા દશકામાં સાયલેન્ટ ફિલ્મના ઉદયથી માંડી સાતમા દશકા સુધી તે  સિનેમાઉદ્યોગમાં સક્રિય રહ્યા. ચતુર ટ્રેમ્પના પાત્રમાં આ કોમેડિયન આપણને પેટ પકડીંને હસાવી શકે તો વળી લાચાર સંજોગોમાં ઘેરાયેલા ભોળાભાળા સામાન્ય માનવીના પાત્રમાં પણ તે એવો જ હાસ્યરસ ટપકાવે!

ફિલ્મ ધ કિડ (The Kid : 1921), સરકસ (The Circus : 1928) કે મોડર્ન ટાઇમ્સ (The Modern Times : 1936) હોય અથવા ધ ગોલ્ડ રશ (The Gold Rush : 1925) કે સીટી લાઈટ્સ (The City Lights :  1931) હોય: ચેપ્લિનના અભિનયમાં સ્થૂળ વિનોદ તો સ્વાભાવિક હોય જ, પરંતુ સૂક્ષ્મ રમૂજવૃત્તિ તો લાજવાબ! સાયલેન્ટ ફિલ્મ સીટી લાઈટ્સ જોયા પછી લાગે, અનામિકા,  કે એક શબ્દ બોલ્યા વિના દર્શકોને ભાવતરબોળ કરવાની ચાર્લિ ચેપ્લિનની ક્ષમતાને કોઇ ન પહોંચે! તેમના નિ:શબ્દ અભિનયમાંથી ક્યારેક કરુણતા ડોકાય તો ક્યારેક મજબૂરી! તેમની આંખો, મોં, મૂછો – તેમનો સમગ્ર ચહેરો મૂંગો મૂંગો પણ બોલતો રહે! માથે ટોપી અને હાથમાંની છડી સાથે કૂદતા-ફુદકતા પગ પર થીરકતી તેમની નાનકડી કાયા દર્શકોને અવિરત, ભરપૂર મનોરંજન આપે!

16 એપ્રિલ 1889ના રોજ લંડન (ઇંગ્લેન્ડ)માં ચેપ્લિનનો જન્મ. થિયેટર અને સંગીત સાથે સંકળાયેલ માતા-પિતાનો અત્યંત ગરીબ પરિવાર. અનામિકા! દુર્ભાગ્ય એ કે દારૂડિયા પિતાની કુટુંબ પ્રત્યે લાપરવાહી તેમજ હતાશ માતાની માનસિક બીમારીમાં તેમનું બાળપણ ખુવાર થયું. માતા-પિતા છૂટા પડ્યા; પ્રેમાળ માતા પાગલખાને ગઇ અને ચેપ્લિનને કેટલોક સમય અનાથ હાલતમાં વીતાવવો પડ્યો. અનામિકા! તમે ધ કિડ ફિલ્મ (The Kid : 1921) જુઓ તો લંડનની શેરીઓમાં રઝળતા ચેપ્લિનના બાળપણની દારૂણ ઝલક તેમાં પામશો. કિશોર વયે મ્યુઝિક હોલ – થિયેટરમાં સામાન્ય કામથી શરૂઆત કરનાર ચેપ્લિન ૱ બ્રિટીશ થિયેટરના ધુરંધર  કલાકારો- નિર્માતાઓના માર્ગદર્શનમાં ઘડાયા અને  સમય વીત્યે સ્ટેજ પર નામી અભિનેતા બન્યા.

ચાર્લિ ચેપ્લિન રંગમંચની દુનિયાના મશહૂર ફ્રેડ કાર્નોની સંગીત-નાટક મંડળીમાં જોડાઇ 1910માં પ્રથમ વાર અમેરિકા પહોંચ્યા. પ્રવાસ સફળ થતાં  ફ્રેડ કાર્નો મંડળી સાથે ચેપ્લિનને 1912માં ફરી અમેરિકા જવા મળ્યું. બીજા પ્રવાસને અંતે તે અમેરિકામાં જ રહી ગયા. અમેરિકાના વિકસતા જતા ફિલ્મ ઉદ્યોગને નવા કલાકારોની જરૂર હતી૱,  તો અભિનેતા ચેપ્લિન પાસે અદાકારી હતી. અનામિકા ! ચેપ્લિનના ભાગ્યના દરવાજા ખુલી ગયા!

અમેરિકામાં જાણીતા  ફિલ્મનિર્માતા મેક સેનેટની કીસ્ટોન ફિલ્મ કંપનીમાં કામ મેળવી ચેપ્લિન હોલિવુડના સિનેમા ઉદ્યોગમાં જોડાયા. તું કદાચ જાણતી હોઇશ, અનામિકા, કે ફિલ્મ ઉદ્યોગના આરંભના તે જમાનામાં શોર્ટ ડ્યુરેશનની સાયલેન્ટ ફિલ્મ બનતી. ચેપ્લિનની પ્રથમ ફિલ્મ હતી મેકિંગ અ લિવિંગ (Making a Living). માત્ર એક અઠવાડિયામાં બનેલી આ ફિલ્મને સાધારણ પ્રતિસાદ મળ્યો. 1914માં ફેબ્રુઆરીમાં કીસ્ટોન ફિલ્મ કંપનીની બે ફિલ્મો આવી : Kid Auto Races at Venice  તથા  Mabel’s Strange Predicament. આ બે  ફિલ્મ્સમાં ચાર્લિ ચેપ્લિનના પોશાકોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું. ચેપ્લિન પ્રથમ વખત ટ્રેમ્પના પાત્રમાં તેમની વિશિષ્ટ વેશભૂષામાં દેખાયા. કાતરેલી ‘ટૂથબ્રશ’ મૂછો સહિત ચહેરાનો ખાસ મેક અપ, ઢીલું બેગી પેંટ, માથા પર હેટ, હાથમાં છડી, પગમાં મોટી સાઇઝના બુટ ! બસ, પછીના લગભગ પચ્ચીસ વર્ષો સુધી ચેપ્લિન વિવિધ ફિલ્મોમાં તે જ વેશભૂષામાં ટ્રેમ્પના પાત્રો ભજવતા રહ્યા.

આજે અહીં વિરમું, અનામિકા! રાતની ઠંડી આંગળીઓને થિજાવી રહી છે. તમારે ત્યાં પણ હિમવર્ષા છે. તું તારા પતિદેવની સાથે જ બહાર જવાનું રાખજે.

સસ્નેહ આશીર્વાદ.

* ** *

January 3, 2012 at 6:41 am 1 comment

અનામિકાને પત્ર: 46

.
પ્રિય અનામિકા,

આઇન્સ્ટાઇનના જીવન વિશે ગયા પત્રના અનુસંધાને આગળ લખું?

1905માં આઇન્સ્ટાઇનના જીવનમાં નવો વળાંક આવ્યો. 26 વર્ષના આઇન્સ્ટાઇનનું રીસર્ચ પેપર એક જર્મન મેગેઝિનમાં પ્રસિદ્ધ થયું. ભૌતિકશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોને સ્પર્શતા તેમના સંશોધનથી દુનિયાના વૈજ્ઞાનિકો દંગ થઈ ગયા.

હવે આઇન્સ્ટાઇન પહેલાં યુનિવર્સિટી ઓફ ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)માં તથા પછી 1911માં પ્રાગ (ઝેકોસ્લોવાકિયા) ની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક નીમાયા. અનામિકા! આ પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનો સમયગાળો હતો. ત્યારે પણ પ્રાગમાં યહૂદીઓ ઉપેક્ષિત, અપમાનજનક સ્થિતિમાં જીવતા. આઇન્સ્ટાઇનને પોતાના જાતભાઈઓ માટે અનુકંપા થઈ.

તે પછી તેમને ઝ્યુરિચ (સ્વિટ્ઝર્લેન્ડ)ના પોલિટેકનીકમાં નિમણૂક મળી. 1913માં આઇન્સ્ટાઇનને જર્મની તરફથી ખાસ ઓફર મળી – બર્લિનના કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટરપદની. મિલેવાએ જર્મની જવા અનિચ્છા બતાવતાં આઇન્સ્ટાઇન એકલા જ બર્લિન ગયા. તેમનું લગ્નજીવન ખંડિત થયું.

બર્લિનમાં આ મહાન વૈજ્ઞાનિકે એલ્સા નામક એક પ્રેમાળ વિધવા સાથે બીજાં લગ્ન કર્યાં. 1913થી 1933 સુધી વીસ વર્ષો માટે બર્લિનમાં રહી આઇન્સ્ટાઇને ભૌતિકશાસ્ત્રના વિકાસમાં અદ્વિતીય ફાળો આપ્યો. 1905 થી 1915 સુધી તેમણે સંશોધન કરી થિયરી ઓફ રિલેટીવિટી (Theory of Relativity સાપેક્ષવાદનો સિદ્ધાંત ) રજૂ કરી વિજ્ઞાનજગતમાં અભૂતપૂર્વ હલચલ મચાવી દીધી. તેમણે સ્પેસ-ટાઈમ અને મેટર-એનર્જી વિશેના ખ્યાલો ધરમૂળથી બદલી નાખ્યા. તેમના વિખ્યાત સમીકરણ “E equals mC2″ને કારણે ભૌતિકશાસ્ત્રના અભ્યાસમાં નવી દિશાઓ ખુલી ગઈ.

અફસોસની વાત એ કે આઇન્સ્ટાઇનનાં સંશોધનો એટમબોંબના સર્જનમાં નિમિત્ત બન્યાં. અનામિકા! એક સમય એવો હતો કે તેમની રિલેટીવિટી થિયરીને વિશ્વના માત્ર દસ-બાર અતિ બુદ્ધિમાન ગણિતજ્ઞ વિજ્ઞાનીઓ જ સમજી શકતા હતા!!! 1921માં માત્ર 42 વર્ષની યુવાન વયે આઇન્સ્ટાઇનને ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ) નું નોબેલ પ્રાઈઝ એનાયત થયું.

થોડાં વર્ષોમાં જર્મનીનું રાજકારણ ડહોળાવા લાગ્યું હતું. નાઝીવાદના ઉદય સમયે જર્મનીના વાતાવરણમાં આઇન્સ્ટાઇનને ગૂંગળામણ થતી હતી.

હિટલર સત્તા પર આવે તે પહેલાં 1933માં આઇન્સ્ટાઇન જર્મનીને અલવિદા કહી અમેરિકા ચાલ્યા ગયા. અમેરિકામાં ન્યૂ જર્સીમાં પ્રિન્સ્ટન (Princeton, New Jersey, USA) ખાતે ઇંસ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડિઝમાં અધ્યાપન-સંશોધન કાર્ય ચાલુ રાખ્યું. 1936માં તેમનાં પ્રેમાળ પત્ની એલ્સાનું મૃત્યુ થયું. આઇન્સ્ટાઇન ભગ્ન હૃદયે જીવનમાંથી, બહારની દુનિયામાંથી રસ ઓછો કરતા ગયા.

તેમણે અમેરિકન નાગરિકત્વ અપનાવ્યું, પણ તેમનું જીવન ખૂબ સાદગીભર્યું અને એકાકી બનતું ચાલ્યું. પ્રિન્સ્ટનમાં તેમનું રહેઠાણ તદ્દન સાદું હતું. નાનકડા રૂમમાં લાકડાના સાદા ખુરશી-ટેબલ પર આ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક કાર્ય કરતા. પગમાં મોજાં ભાગ્યે જ પહેરતાં. નાહવા માટે અને દાઢી કરવા માટે એક જ સાબુનો ઉપયોગ કરતા. અનામિકા! આઇન્સ્ટાઇનની મહાનતા એ કે જ્યારે કોઇ મુલાકાતીને મળતા ત્યારે ભારોભાર સૌજન્યપૂર્વક મળતા. કોઇને અણસાર સરખો ન આવે કે તેની સમક્ષ વીસમી સદીનો અસાધારણ મેધાવી વૈજ્ઞાનિક છે.

1954ના એપ્રિલની 18મી તારીખે મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇનનું અવસાન થયું. અનામિકા! આવા મહામાનવોની સરળ જીવન કથામાં પણ કેટકેટલી રસપ્રદ વાતો છૂપાયેલી હોય છે!

સસ્નેહ આશીર્વાદ.

October 17, 2008 at 4:43 am 2 comments

અનામિકાને પત્ર: 45

.

 

પ્રિય અનામિકા,

તમારા જર્મન મિત્ર સાથેની તમારી ચર્ચાના મુદ્દા મેં વાંચ્યા. સરસ.

બ્રહ્માંડની ઉત્પત્તિનાં રહસ્યોને ઉકેલવા થઈ રહેલા બિગ બેંગ પ્રયોગની વાતો અને જીનિવા-સ્થિત અણુ સંશોધન સંસ્થા સર્ન (CERN) થી શરૂ થયેલી તમારી વાતો મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન સુધી પહોંચી તે જાણ્યું. આઇન્સ્ટાઇન વિશેના તારા પ્રશ્નો હું આવકારું છું.

અનામિકા! આલ્બર્ટ આઇન્સ્ટાઇન (Albert Einstein)ની બુદ્ધિ-પ્રતિભા અને વિચારશીલતાથી હું પ્રભાવિત છું. સામાન્ય પરિવારના સાધારણ સંયોગોમાંથી ઊભા થઈ આઇન્સ્ટાઇન કેવી અસાધારણ ઊંચાઈ પર પહોંચ્યા!

આઇન્સ્ટાઇનનો જન્મ 14 માર્ચ, 1879ના રોજ જર્મનીના એક નાનકડા ગામમાં યહૂદી (Jew) પરિવારમાં થયો હતો. નાનપણમાં તેમનો પરિવાર મ્યુનિચ શહેરના એક પરગણામાં રહેવા ગયો. ત્યાં તેમના પિતા પોતાના ભાઈની સાથે વ્યવસાયમાં જોડાયા.

જન્મે જ્યુ  એવા આ મહાન વૈજ્ઞાનિકનો અભ્યાસ ક્રિશ્ચિયન કેથોલિક શાળામાં થયો. ઘરમાં આછાપાતળા યહૂદી સંસ્કાર, શાળામાં ખ્રિસ્તી ધર્મનું વાતાવરણ. તું કલ્પી શકીશ, અનામિકા, કે કુમળા બાળમાનસ પર આની શું અસર થાય! વિરોધાભાસ વચ્ચે રીબાતા બાળ આઇન્સ્ટાઇનના હૃદયમાં પ્રણાલિકાગત ધર્મની કોઇ ભાવના ન જાગી, તેમને રૂઢિગત ધર્મ પ્રત્યે અશ્રદ્ધા જ રહી.

આઇન્સ્ટાઇનના કાકાને ઇલેક્ટ્રો-કેમિકલ ફેક્ટરી હતી. કાકાથી પ્રભાવિત થયેલા આઇન્સ્ટાઇનને ગણિતમાં ભારે રુચિ જાગી, સાથે વિજ્ઞાનમાં. તેમનાં સંગીતજ્ઞ માતાએ આઇન્સ્ટાઇનને સંગીતનો શોખ લગાડ્યો. મોડું બોલતા શીખેલા આઇન્સ્ટાઇનના બાળપણની કરુણતા એ કે તે ક્યારે પણ અભ્યાસમાં ન ઝળકી શક્યા! શાળાની લશ્કરી શિસ્ત તો તેમને ભારે અકારી લાગતી. બાળપણથી આઇન્સ્ટાઇન અમાનવીય દમનના વિરોધી બન્યા.

યુવાનવયે આઇન્સ્ટાઇન સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિચ શહેરના પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટમાં જોડાયા. યુરોપની આ પ્રસિદ્ધ શિક્ષણસંસ્થામાં અભ્યાસ દરમ્યાન આઇન્સ્ટાઇન ફિઝિક્સનો અભ્યાસ કરતાં કરતાં હંગેરિયન સહાધ્યાયી મિલેવાને દિલ દઈ બેઠા. અભ્યાસ પૂરો થતાં આઇન્સ્ટાઇન સ્વિસ નાગરિકત્વ અપનાવી સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી થયા. સરકારી પેટંટ ઓફિસમાં તેમને નોકરી મળી;  તેમણે મિલેવા સાથે લગ્ન પણ કર્યાં. જો કે તેમનું દાંપત્યજીવન ઉષ્માભર્યું ન નીવડ્યું છતાં બે પુત્રો માતા-પિતાને સાંકળતી કડી બની રહ્યા.

અહીં વિરામ લઉં, અનામિકા? આઇન્સ્ટાઇનની જીવનકહાણી બીજા પત્રમાં આગળ લખીશ… સસ્નેહ આશીર્વાદ.

.

October 12, 2008 at 5:47 pm 2 comments

અનામિકાને પત્ર: 42

.
પ્રિય અનામિકા,

અમેરિકાના પ્રમુખની ચૂંટણીના સમાચારોની રસપ્રદ લિંક્સ વાંચી.

સૌને પ્રશ્ન થઈ રહ્યો છે: યુએસએના 44મા પ્રેસિડેન્ટ કોણ બનશે?

અમેરિકાના પ્રમુખપદના લોકપ્રિય અશ્વેત ઉમેદવાર ઓબામા વિશે ઢગલાબંધ વાતો ચર્ચામાં છે. સ્થાનિક મીડિયાએ ઓબામાની હનુમાન ભક્તિ ગાઈ-વગાડીને ચગાવી છે. આમે ય, અમેરિકન પ્રમુખપદ અને અમેરિકાના પ્રમુખો અંગે ચોવટ થતી જ રહેતી હોય છે.

અમેરિકાના પ્રેસિડેન્ટસ વિશે બેશુમાર જાણી-અજાણી વાતો મળતી રહે છે. તારા અમેરિકન મિત્રો સાથે થોડી અવનવી વાતો કરવી છે?

અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન (1789-97) હતા તમે જાણો જ છો. વર્તમાન અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશ યુએસએના 43મા પ્રમુખ છે; પરંતુ જો પ્રમુખોનાં વ્યક્તિગત નામોની યાદી જોઈએ તો જ્યોર્જ બુશનો ક્રમાંક 42મો છે. આનું કારણ ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ગ્રોવર ક્લીવલેન્ડ છે. અમેરિકાના પ્રમુખપદ પર ગ્રોવર ક્લીવલેન્ડ બે અક્રમિક મુદત – નન-કન્સીક્યુટિવ ટર્મ્સ – માટે ચૂંટાયા: પ્રથમ ટર્મ 1885-1889 માટે 22મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર ગ્રોવર ક્લીવલેન્ડ બીજી ટર્મ 1893-97 માટે 1893માં પ્રમુખપદે ફરી ચૂંટાયા, ત્યારે તેમને અમેરિકાના 24મા પ્રમુખ ગણવામાં આવ્યા.

અમેરિકાના 32મા પ્રમુખ ફ્રેંકલિન ડી. રૂઝવેલ્ટ (1933-45) બાર વર્ષો સુધી વ્હાઈટ હાઉસ રહ્યા. પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટના સમય સુધી નવ-નિર્વાચિત અમેરિકન પ્રમુખનો સોગંદવિધિ 4 માર્ચના રોજ થતો; તેમના સત્તાકાળમાં અમેરિકન બંધારણમાં ફેરફાર થતાં સોગંદવિધિ 20 જાન્યુઆરીએ કરાવવાની પ્રથા શરૂ થઈ. આમ, પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટ 1933માં 4થી માર્ચના રોજ સત્તા સંભાળનાર છેલ્લા પ્રમુખ બન્યા: સાથે જ 1937માં 20 જાન્યુઆરીના રોજ સત્તા સંભાળનાર પ્રથમ અમેરિકન પ્રમુખ પણ રૂઝવેલ્ટ બન્યા.

ચાર અમેરિકન પ્રમુખોની તેમના પ્રમુખપદના હોદ્દા દરમ્યાન હત્યા થઈ છે: અબ્રાહમ લિંકન (1861-65), જેમ્સ ગારફિલ્ડ (1881), વિલિયમ મેકકિન્લી (1897-1901) તથા જહોન એફ. કેનેડી (1961-63).

અમેરિકાના 9મા પ્રેસિડેન્ટ વિલિયમ હેંન્રી હેરિસન (1841)ની કરૂણતા એ કે પ્રમુખપદે ચૂંટાયાના (4 માર્ચ,1841) એક જ મહિનામાં ન્યૂમોનિયાને કારણે તેમનું મૃત્યુ થયું (4 એપ્રિલ, 1841).

અને છેલ્લે એક હળવી વાત કરી લઉં? અમેરિકાના 27મા પ્રમુખ વિલિયમ ટાફ્ટ (1908-1913) હતા. પ્રેસિડેન્ટ ટાફ્ટ તેમના પુરોગામી પ્રમુખોની માફક તાજા દૂધ માટે વ્હાઈટ હાઉસમાં ગાય રાખતા હતા. વિલિયમ ટાફ્ટ વ્હાઈટ હાઉસમાં ગાય પાળનાર છેલ્લા પ્રમુખ હતા!!! છે ને ચટપટી વાતો? સસ્નેહ આશીર્વાદ.
.

July 31, 2008 at 4:06 pm 1 comment

અનામિકાને પત્ર: 41

.

પ્રિય અનામિકા,

સ્ટીવન સ્પીલબર્ગની ધમાકેદાર હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” પરથી તમારી વાતો મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ સુધી પહોંચી છે.

મધ્ય અમેરિકાની માયા જાતિ, ઇંકા જાતિ અને અઝટેક જાતિની વાતો દુનિયા માટે ગૂઢતાભરી રહી છે.

અનામિકા! તારી વાત સાચી કે મધ્ય અમેરિકન  માયા સંસ્કૃતિ વિશે અગણિત રહસ્યો છે. તેનાં વિશે પાર વિનાનાં સંશોધનો થયાં છે; દાવા-પ્રતિદાવાઓથી થોથાંઓ ભરાયાં છે. તેથી માયા સંસ્કૃતિ વિશે હું જે કાંઈ લખીશ તે અપૂર્ણ જ રહેશે, એટલું જ નહીં, ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પણ બનશે. પરંતુ તારા આગ્રહને ટાળી શકતો નથી.

અનામિકા! માયા સંસ્કૃતિનાં સૌથી બે મોટાં રહસ્યો માયા જાતિના ઉદભવ અને તેના લુપ્ત થવાને લગતાં છે. માયા જાતિના લોકો કોણ હતાં અને ક્યાંથી મધ્ય અમેરિકામાં આવ્યાં તેમજ પ્રથમ સહસ્ત્રાબ્દિના અંત પહેલાં અચાનક કેવી રીતે લુપ્ત થઈ ગયાં તેના પર વિવાદો ચાલ્યા જ કરે છે.

મધ્ય અમેરિકામાં પેસિફિક ઓશન (પ્રશાંત કે પેસિફિક મહાસાગર)ના કિનારે માયા જાતિ ત્રણ હજારથી પણ વધુ વર્ષોથી વસી હતી.

માયા સંસ્કૃતિ ઈ.પૂર્વે 250થી ઈ.સ. 900ના સમયગાળા (250 BC– 900 AD) માં પૂરબહારમાં વિકસી. ધ્ય અમેરિકન મેક્સિકોના વિસ્તાર – હાલના ગ્વાટેમાલા, બેલિઝ, અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસ રાષ્ટ્રોના વિસ્તારોમાં વિકસેલી માયા સંસ્કૃતિમાં ઘણાં રાજ્યો અસ્તિત્વમાં હતાં.

અનામિકા! નવાઈની વાત એ કે તે માયા રાજ્યો પૈકી મોટા ભાગનાં જંગલો વચ્ચે વસેલાં નગરરાજ્યો હતાં. રાજ્યોની વચ્ચે રીત-રિવાજ અને રહેણીકરણીમાં ફેરફાર છતાં માયા સંસ્કૃતિમાં એકંદરે સમાનતા હતી. માયા સંસ્કૃતિની પ્રજાઓ ઈસ 900 ની આસપાસ તો લગભગ નામશેષ થઈ ગઈ. કારણ શું? કોઈ કુદરતી આફત, પૂર, દુષ્કાળ, વાતાવરણમાં ફ્રેરફાર કે યુદ્ધ કે બીજું કાંઈ – રહસ્ય ઉકેલાયું નથી.

જે ગણી ગાંઠી પ્રજાતિ બચેલ હતી, તેમને સોળમી સદીના સ્પેનિશ આક્રમણે મહાત કરી. સોળમી સદીમાં મધ્ય અમેરિકા પર યુરોપથી સ્પેનનાં ધાડાં ઉતરી આવ્યાં. સ્પેનનાં ઝનૂની આક્રમણે રહી સહી માયા સંસ્કૃતિનો ધ્વંસ કર્યો.

સદનસીબે માયા સંસ્કૃતિનો ઇતિહાસ આપણને કંઇક અંશે ઉપલબ્ધ છે. માયા સંસ્કૃતિએ લેખનશૈલીમાં સારી એવી પ્રગતિ કરેલી. અનામિકા! તેમનો ઇતિહાસ શિલાલેખો પર અને વૃક્ષની છાલનાં પુસ્તકોમાં થોડો ઘણો બચ્યો છે. તાજેતરનાં વર્ષોમાં તેમની લિપિ ઉકેલાતાં લખાણો સમજવામાં મદદ મળી છે.

લખાણો પરથી જાણવા મળે છે કે માયા સંસ્કૃતિએ કૃષિ, સ્થાપત્ય, ખગોળ આદિ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી હતી. મધ્ય અમેરિકામાં માયા જાતિનાં પ્રાચીન મહેલો તથા પ્રચંડ પિરામિડોનાં ખંડેરો ઊભાં છે.

માયા જાતિએ સમયનાં માપ અને કેલેંડર વિકસાવ્યાં હતાં. તેમનું કેલેંડર ઈસ 2012 સુધીનું છે.

શું 2012માં દુનિયા નાશ પામશે?

માયા જાતિની ગણતરી એટલી વિશ્વસનીય ગણાય છે કે અત્યારે વિશ્વભરમાં પ્રલયના દિનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.

2012ના ડિસેમ્બરની 21મી તારીખે પૃથ્વી પર પ્રલયકારી પરિવર્તનો થશે અને તેમાં આજની માનવસભ્યતા નાશ પામશે તેવી આગાહીઓ થઈ રહી છે.

અહીંની ટીવી ચેનલોમાં પણ 2012માં પૃથ્વીના પ્રલયની વાતોનો શોરબકોર છે.

જે હોય તે, સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસની ઇન્ડિયાના જોન્સમાં ઝલકતી મધ્ય અમેરિકન સંસ્કૃતિ અને માયા કેલેંડર પરથી  પૃથ્વીના વિનાશની આગાહી લોકોમાં સનસની ફેલાવી ચૂક્યાં છે.

આ સાથે માયા સ્થાપત્યના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલું છું. સસ્નેહ આશીર્વાદ.

* * * * *

June 3, 2008 at 5:23 pm 7 comments

અનામિકાને પત્ર: 40

.

પ્રિય અનામિકા,

તારા મેઈલમાં તેં સ્ટીવન સ્પીલબર્ગની લેટેસ્ટ હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” ના બોક્સ-ઓફિસ સમાચાર આપ્યા.

એક વાત તો કબૂલવી પડે કે હોલિવુડના સિનેમા જગતના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ તથા જ્યોર્જ લુકાસ (સ્ટાર વોર્સ ફેઈમ) સાથે મળી પિક્ચર બનાવે તેની પાછળ દુનિયા ગાંડી થવાની જ! હવા ઊભી થઈ છે કે આ ઇંડિયાના જોન્સ-4 ફિલ્મ જેમ્સ કેમરૂનના “ટાઈટેનિક”ને પહોંચી વળશે!

હોંશે હોંશે મેં સ્પીલબર્ગની આ ફિલ્મ જોઈ. અનામિકા! સાચું કહું?  જરા નિરાશ થયો. સ્પીલબર્ગ તથા લુકાસ પાસેથી મને વધારે આશાઓ હતી તેવું ફિલ્મ જોયા પછી મને લાગ્યું.

કબૂલીએ કે પેરેમાઉન્ટ પિક્ચર્સની ફિલ્મનાં સબળ પાસાંઓ તો છે જ.

64 વર્ષની ઉંમરે પણ હેરિસન ફોર્ડનો સમજદારીપૂર્વકનો સ્ફૂર્તિભર્યો અભિનય, કેટલાંક ટેકનીકલી ચેલેંજીંગ ચેઝ સીન્સ, કુશળતાથી ઊભા કરેલ ભવ્ય સેટસ અને તે માટે વિશિષ્ટ ફોટોગ્રાફિક ટેકનીક, ઉત્તમ સિનેમેટોગ્રાફીના નમૂનારૂપ કેટલાંક અદભુત શોટ્સ, સ્મરણીય લોંગ શોટ્સ તેમજ એરિયલ શોટ્સ … પ્રેક્ષકોને જચી જાય.

જાનુઝ કામિન્સ્કીની છબીકલામાં પૂછવાપણું હોય? અનામિકા! આપણે શિંડલર્સ લિસ્ટ, લોસ્ટ વર્લ્ડ: જુરાસિક પાર્ક, સેવિંગ પ્રાયવેટ રાયન, કેચ મી ઇફ યુ કેન, ટર્મિનલ વગેરે ફિલ્મોમાં કામિન્સ્કીની કલાદ્રષ્ટિ માણી છે. ફિલ્મની કથામાં પરગ્રહવાસી – એલિયંસ Aliens – માટેનો સ્પીલબર્ગનો મોહ છતો થાય છે.

અનામિકા! ભલે ફિલ્મની સ્ટોરીમાં સીધો રેફરન્સ હાઈલાઈટ ન થતો હોય, પણ મધ્ય અમેરિકન જાતિઓની પ્રાચીન સંસ્કૃતિઓનું રેખાંકન ઊડીને આંખે વળગે છે. જો તમને મધ્ય અમેરિકાનો ઇતિહાસ ધ્યાનમાં હોય તો ફિલ્મ પૂરી માણી શકો.

ઇંડિયાના જોન્સ કદાચ અમેરિકન કોન્ટિનન્ટસને ઘેલું લગાડી શકે, પરંતુ એશિયન માર્કેટસમાં ચમત્કાર સર્જી શકશે? મને શંકા છે. આજે કેટલાને માયા કે ઇંકા કે અઝટેક સંસ્કૃતિ વિષે જાણકારી હશે? હું તેના વિશે એકાદ દિવસમાં જ પત્ર લખીશ. સસ્નેહ આશીર્વાદ.

June 3, 2008 at 2:15 pm 2 comments

અનામિકાને પત્ર: 38

.

.

 

પ્રિય અનામિકા,

અમેરિકન સાહિત્ય અને લલિત કલાઓમાં વધતી તમારી રુચિ મને ખુશી આપે છે.

અમેરિકન સાહિત્યકાર એન. એચ. લી (Nelle Harper Lee) ને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું તે વાત હજી પણ સમાચારોમાં ઝબકતી રહે છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે નવેમ્બર 2007માં અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશના હાથે એન. એચ. લીને ધ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં 75-76ના અરસામાં, લીની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) મને અનાયાસે હાથ લાગેલી. ત્યારે તે નોવેલ મેં વાંચી.

પાંચ-છ વર્ષ પછી બ્રિટીશ લાયબ્રેરી (અમદાવાદ)માં એક મેગેઝિનમાં ફિલ્મ ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) નો આસ્વાદ વાંચ્યો હતો. રોબર્ટ મુલિગનના દિગ્દર્શનમાં બનેલી ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) પ્રશંસા પામી. કમનસીબે મને આ ફિલ્મ જોવા નથી મળી. (જો કે અમદાવાદમાં રોબર્ટ મુલિગનની અન્ય  ફિલ્મ સમર ઓફ 42 કદાચ 74-75માં જોયેલી).

અનામિકા! ટુ કિલ અ મોકિંગ બર્ડ ફિલ્મમાં મને રસ પડ્યો હોલિવુડના અભિનેતા ગ્રેગરી પેકના લીધે. તે ફિલ્મમાં લોયર એટીકન ફીંચના પાત્રમાં ઉત્તમ અભિનય માટે ગ્રેગરી પેકને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર (એકેડેમી એવોર્ડ) મળ્યો.

ગ્રેગરી પેકના યાદગાર અભિનયવાળી બે ફિલ્મો મને ફટાકથી યાદ આવે છે. એક તો આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉન્ડ, તથા બીજી ધ ગન્સ ઓફ નેવરોન.

60 ના દાયકાના અંતમાં, ધ ગન્સ ઓફ નેવરોન પ્રથમ વખત જોયેલી તેવું આછું આછું યાદ આવે છે. ધ ગન્સ ઓફ નેવરોન માં કેપ્ટન કીથ મેલરી તરીકે ગ્રેગરી પેકનો અભિનય જાનદાર હતો. ફિલ્મમાં એન્થની ક્વિન તથા એન્થની ક્વેલ પણ મઝાનો અભિનય આપી ગયા.

આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉંડ 80 ના દશકમાં દૂરદર્શન પર જોવા મળી હતી. અનામિકા! દૂરદર્શનનું નામ સાંભળીને ચમકી ગઈ ને? જરૂર નવાઈ લાગે, અનામિકા! પણ તે અરસામાં દૂરદર્શન પર દેશી-વિદેશી સર્વોત્કૃષ્ટ ફિલ્મો પ્રસારિત થઈ. હોલિવુડની સ્પેલબાઉંડમાં ગ્રેગરી પેક સામે પ્રતિભાવાન અભિનેત્રી ઇન્ગ્રીડ બર્ગમેનનો અભિનય હતો. સ્પેલબાઉંડ આલ્ફ્રેડ હિચકોકની ચિરસ્મરણીય ફિલ્મ બની રહી છે. 

છેલ્લે- ગ્રેગરી પેક વિશે એક વાત ઉમેરું. અનામિકા! હોલિવુડની મશહૂર અભિનેત્રી  ઓડ્રી હીપબર્નની ડેબ્યુ ફિલ્મ વિશે તું જાણે છે?

ઓડ્રી હીપબર્નની પ્રથમ ફિલ્મ પેરેમાઉંટ પિક્ચર્સની રોમન હોલિડે. હોલિવુડના મશહૂર ફિલ્મ દિગ્દર્શક વિલિયમ વાયલર (બેન હર  ફેઈમ ડાયરેક્ટર) ની ફિલ્મ રોમન હોલિડેમાં અભિનેત્રી તરીકે પ્રથમ વાર ચમકતી ઓડ્રી હીપબર્નને આ ફિલ્મમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર (એકેડેમી) એવોર્ડ મળ્યો. રોમન હોલિડેમાં હીરોઇન ઓડ્રી હીપબર્ન અને હીરો તરીકે ગ્રેગરી પેક.

 

અનામિકા! કેવી કેવી મઝેદાર છે આ બધી વાતો! આવી અવનવી જાણકારી સાથે ફિલ્મોને માણવાની મઝા કોઈ ઓર જ હોય છે. સસ્નેહ આશીર્વાદ.

April 30, 2008 at 4:31 pm 2 comments

અનામિકાને પત્ર: 29

.

પ્રિય અનામિકા,

તમારી સંગીત સભામાં ફિલ્મ સંગીતની ચર્ચા થઈ તે મારી દ્રષ્ટિએ આવકાર્ય ગણાય. તમે ડિસેમ્બર મહિનામાં ચર્ચાસભામાં ફિલ્મક્ષેત્રની ચર્ચા કરવાના છો.

કાશ! હું પણ ત્યાં તમારી સાથે હોત!

મને તો મન થાય છે કે હું પણ અમેરિકા આવી જાઉં અને તમારી બૌદ્ધિક ચર્ચાઓમાં શામિલ થાઉં ! પણ … અમેરિકા કાંઈ રેઢું પડ્યું છે?

અનામિકા! તેં અંગ્રેજી ફિલ્મો પર મારી સલાહ માગી છે. આના પર વાત માંડું તો દિવસો નીકળી જાય. તું માનીશ? અનામિકા ! 16 એમ એમ પડદા પર લોરેલ-હાર્ડીની ફિલ્મ શાળાજીવનમાં જોઈ હતી.

કોલેજમાં આવ્યા સુધી મેં ભાગ્યે જ બીજી કોઈ અંગ્રેજી ફિલ્મ જોઈ હશે. ગ્રેજ્યુએશન પછી અંગ્રેજી ફિલ્મમાં રસ પડ્યો.

અમદાવાદમાં અંગ્રેજી ફિલ્મ્સ માટે બે થિયેટર્સમાં જવાનું વધારે થતું : ભદ્ર પાસે એડવાન્સ ટોકિઝ અને આશ્રમ રોડ પર નટરાજ ટોકિઝ..

તે સમયે કલાત્મક અંગ્રેજી ફિલ્મો પ્રસિદ્ધિમાં ઓછી આવતી. મારી જોયેલી શરૂઆતની ફિલ્મ્સમાં મસાલા મુવીઝ પણ હતી. મેટ્રો-ગોલ્ડવિન-મેયર (એમજીએમ) દ્વારા નિર્મિત રિચાર્ડ બર્ટનનું “વ્હેર ઈગલ્સ ડેર”, લી માર્વિન અને સાથી બારકસોનું “ડર્ટી ડઝન”, સ્ટેન્લી કુબ્રિકનું “સ્પાર્ટકસ”, કોલંબિયાનું “ગન્સ ઓફ નેવરોન”…. સ્પાર્ટકસ અમદાવાદના રૂપાલી થિયેટરના વિશાળ 70 એમએમ સ્ક્રીન પર જોઈ હતી તેવું યાદ છે.

યુવાનીમાં, જે ફિલ્મોએ સિનેમાને કલા તરીકે જોવાની દ્રષ્ટિ આપી તેમાં સેસિલ બી. ડેમિલીની “ટેન કમાન્ડમેન્ટ્સ” અને સ્ટેન્લી કુબ્રિની “2001 : અ સ્પેસ ઓડેસી” થી લઈ જેક નિકોલસન અભિનીત “વન ફ્લ્યુ ઓવર ધ કકુઝ નેસ્ટ”નો સમાવેશ થાય.

“ટેન કમાન્ડમેન્ટ્સ” અને “ધ બ્રીજ ઓન ધ રિવર ક્વાઈ” અવારનવાર સ્ટાર મુવિઝ કે અન્ય ચેનલ્સ પર આવતાં રહે છે; હું જોવાનું ચૂકતો નથી!

ડેવિડ લીન ના “ધ બ્રીજ ઓન ધ રિવર ક્વાઈ”માં એલેક ગિનેસનો યાદગાર અભિનય અને ફિલ્મની લાજવાબ સિનેમેટોગ્રાફી જીવનભર નહીં ભૂલાય “ ધ મેગ્નિફિસંટ સેવન” ના યુલ બ્રાયનર, સ્ટીવ મેક્વીન અને ચાર્લ્સ બ્રોન્સનને કોઈ ભૂલી શકે? “ગન્સ ઓફ નેવરોન” માં એંથની ક્વીન અને એંથની ક્વેઈલ સાથે ગ્રેગરી પેકના સાહસો રોમાંચક લાગતાં.

ઉત્તમ ફોટોગ્રાફીની વાત આવે તો “લોરેન્સ ઓફ અરેબિયા” અચૂક યાદ આવે. આ ફિલ્મના સિનેમેટોગ્રાફર ફ્રેડરીક યંગ (ફ્રેડી યંગ / એફ. એ. યંગ) ની ફોટોગ્રાફી થિયેટરના વિશાળ પડદે તો ઘણી માણી હતી, છતાં આજે ચેનલ પર આ ફિલ્મ આવે ત્યારે વારંવાર માણી લેવાની ઈચ્છા રોકી શકાતી નથી.

“લોરેન્સ ઓફ અરેબિયા”નું સ્ટારકાસ્ટ એટલે …. અ…ધ….ધ…..ધ! હોલિવુડના અભિનયના મહારથીઓનો મોટો મેળો! પીટર ઓ’ટૂલી, ઓમર શરીફ, એલેક ગિનેસ, એંથની ક્વીન, એંથની ક્વેઈલ, આર્થર કેનેડી!

ફ્રેડરીક યંગની ફોટોગ્રાફી “રયાન્સ ડોટર”માં પણ સુંદર હતી. રયાન્સ ડોટરમાં આયરીશ મુગ્ધા તરીકે સારાહ માઈલ્સ હતી; ઉપરાંત પાગલ તરીકે જહોન મિલ્સનો અભિનય દાદ માગી લે તેવો હતો. ટ્રેવર હાવર્ડને મેં તે ફિલ્મમાં પ્રથમ વખત જોયા તેવું સ્મરણ છે.

હોલિવુડના ફિલ્મ સંગીતની વાત આવે તો સદાબહાર ફિલ્મ્સમાં “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક”, “ફિડલર ઓન ધ રૂફ” અને “માય ફેર લેડી” અવશ્ય યાદ આવે. થીમ મ્યુઝિકમાં મારી પસંદ “ગોડ ફાધર” અને “2001 : અ સ્પેસ ઓડેસી” પર ઊતરે.

ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” માં જૂલી એન્ડ્રૂઝના નટખટી અભિનય પર તો આજે ય ફિદા થઈ જવાય. દરેકે જોવા જેવી ફિલ્મ!

હોલિવુડ – અમેરિકા – ઈંગ્લેંડના ફિલ્મ ઉદ્યોગની વાત કરતા હોઈએ ત્યારે ચાર્લી ચેપ્લિન, આલ્ફ્રેડ હિચકોક અને જેમ્સ બોન્ડ વિના તો મારો પત્ર તદ્દન ફિક્કો લાગશે. બીજાં ઘણાં બધાં વિષે હું લખતો જ રહીશ તો યે અંત જ નહીં આવે! એમ તો, એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર એવોર્ડઝ માટે મેં હજી ક્યાં લખ્યું છે? પણ હવે તારો વારો.

અનામિકા! તેં આ પૈકી કઈ ફિલ્મ્સ જોયેલી છે? લખજે. સસ્નેહ આશીર્વાદ.

September 13, 2007 at 5:34 am 1 comment

અનામિકાને પત્ર: 28

.

પ્રિય અનામિકા,
આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલોમાં અહીં અંગ્રેજીમાં બીબીસી (BBC) તથા સીએનએન (CNN) ખ્યાતિપ્રાપ્ત હોવા ઉપરાંત સુલભ છે. જો કે આજતક, એનડીટીવી (NDTV), ઈંડિયા ટીવી, સ્ટારન્યૂઝ, આઈબીએન (IBN7) વગેરે અહીંની ચેનલો હરીફાઈમાં આગળ છે.

તારા મેઈલમાં તેં પેરિસ હિલ્ટનના ન્યૂઝવાળી જે લિંક મોકલી છે તે સમાચાર અહીં પણ ટીવી પર ખાસ્સા ચમકતા રહ્યા.

આખરે પેરિસ હિલ્ટન છે વૈભવી હોટેલ ચેઈન હિલ્ટન ઈંટરનેશનલના અબજોપતિ માલિકનું વંઠેલું સંતાન. પણ મને વિશેષ દિલચશ્પી પેરિસ હિલ્ટનના ફોટોગ્રાફમાં આવી. તું આ ફોટોગ્રાફ વિષે એક મહત્વની વાત ચૂકી ગઈ છું.

લોસ એંજેલિસમાં ક્રૂઝરની પાછલી સીટ પર બેઠેલ રડતી પેરિસ હિલ્ટનની તસ્વીર લેનાર ફોટોગ્રાફર કોણ છે? તું જાણે છે?

એસોસિયેટેડ પ્રેસ (AP)નો પુલિત્ઝર પ્રાઈઝ જીતનાર કેમેરામેન નિક ઉત. (Nick Ut or Huynh Cong Ut, the Pulitzer Prize winner photographer of Associated Press).

પેરિસ હિલ્ટનની તસ્વીરને કારણે નિક ઉત બહુ વર્ષો પછી આટલો પ્રકાશમાં આવ્યો!

અનામિકા! મને મારા કોલેજકાળમાં જોયેલી નિક ઉતની કાળજું કંપાવી દે તેવી તે તસ્વીર હજી યાદ છે.

સંખ્યાબંધ સામયિકોમાં છપાયેલા નવ વર્ષની તદ્દન નગ્ન બાળાના તે ફોટોગ્રાફે દુનિયામાં અરેરાટી ફેલાવેલી; અમેરિકાની વિયેટનામ નીતિ સામે પ્રચંડ વિરોધ જન્માવેલો અને અંતે અમેરિકન સરકારને વિયેટનામ યુદ્ધની સમાપ્તિ વિશે ત્વરિત પગલાં લેવાં પડેલાં.

પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ફોટોગ્રાફર નિક ઉત વિયેટનામનો વતની.

તેની બાલ્યાવસ્થામાં જ અમેરિકા-વિયેટનામ યુદ્ધ શરૂ થઈ ચૂકેલું. સોળ વર્ષનો નિક ન્યૂઝ એજંસી એસોસિયેટેડ પ્રેસમાં ફોટોગ્રાફર તરીકે જોડાયો. પાંચ વર્ષ પછી તેને ચમકવાની તક મળી.

જૂન, 1972. વિયેટનામનું ટ્રાંગ બાંગ (Trang Bang, Vietnam) શહેર. સામ્યવાદી ઉત્તર વિયેટનામ અને અમેરિકાની મદદથી લડતાં દક્ષિણ વિયેટનામનાં દળો વચ્ચે ખરાખરીનો જંગ હતો. પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિન ટાઈમ, એપી વગેરેનાં પત્રકારોએ ટ્રાંગ બાંગ ખાતે પડાવ નાખ્યો હતો.

8 જૂન, 1972. બોંબમારો શરૂ થયો. અનામિકા! યુદ્ધની બર્બરતા વિશે તું કલ્પના કરી શકીશ? બળબળતા ઘાતક રસાયણયુક્ત નેપામ બોંબનો ઉપયોગ થયો. ગામલોકો ભયત્રસ્ત થઈ ભાગવા લાગ્યાં. ચિચિયારીઓ કરતાં દોડતાં બાળકોની તસ્વીરો નિક ઉત લેવા લાગ્યો. તેની નજર એક નાનકડી બાળકી પર પડી.

નવેક વર્ષની ફૂલ જેવી નિર્દોષ બાળકી. સળગતાં વસ્ત્રો ફેંકતી જતી તે ચીસો પાડતી દોડતી આવી રહી હતી. ફોટોગ્રાફર પાસે આવતાં સુધીમાં તે નિર્વસ્ત્ર થઈ ચૂકી હતી.

નિક ઉતના કેમેરામાં આ નગ્ન બાળકીની કરુણા જગાવતી તસ્વીર કેદ થઈ.

બે દિવસમાં વિશ્વભરમાં નિક ઉતનો આ ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયો તેણે દુનિયા હચમચાવી નાખી.

નિક ઉતને પત્રકારત્વનું સર્વોચ્ચ સન્માન મળ્યું જ્યારે તેને માત્ર બાવીસ વર્ષની ઉંમરે 1973માં “સ્પોટ ન્યૂઝ કેટેગરી”માં પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું.

અનામિકા! તે વિયેટનામી બાળકી હવે મોટી થઈ ગઈ છે. હાલ કેનેડામાં વસે છે. તેનું નામ ફાન થાઈ કિમ ફુક (Phan Thi Kim Fuc).

નિક ઉત દ્વારા ઝડપાયેલી ફાન થાઈ કિમ ફુકની તસ્વીર યુદ્ધવિરોધી જનમત જગાવવામાં નિમિત્ત બની. કેવી આશ્ચર્યભરી વાત!

અનામિકા! તમે જે કોઈ ક્ષેત્રમાં હો, બસ, તમારું કામ નિષ્ઠાથી, લગનથી કરતા રહો. તમારું કામ ક્યારેક તો દીપી ઊઠશે!

સસ્નેહ આશીર્વાદ.

.

September 8, 2007 at 11:02 am Leave a comment

Older Posts


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

Blog Stats

  • 15,328 hits

Follow

Get every new post delivered to your Inbox.