Posts filed under ‘પ્રવિણ જોશી’

અનામિકાને પત્ર: 37

.

*

પ્રિય અનામિકા,

વેલેંટાઇન ડેની તારી અનોખી ઉજવણીના ફોટોગ્રાફ્સ જોઇ ખુશી થઈ. અડધી રાત્રે, હિંમત કરી બહાર નીકળી પ્રિય સ્નેહીને દરવાજે ચૂપચાપ કાર્ડ મૂકવાનો રોમાંચ તો માણવા જેવો હોય !

તમારા બ્રિટીશ મિત્ર-પરિવારનો ગુજરાતી રંગભૂમિ અને જયશંકર ‘સુંદરી’ પ્રત્યેનો પ્રેમ ખરેખર કાબિલે-તારીફ.

હું નાટ્યશાસ્ત્ર કે નાટ્યતત્વોનો  નિષ્ણાત નથી. પરંતુ પ્રવીણ જોશીનું ‘સંતુ રંગીલી’ હોય કે કાંતિ મડિયાનું ‘અમે બરફનાં પંખી’ -  તેમાંથી નાટ્યકલા પ્રગટતી મને દેખાઇ છે. મંચ પર પાત્રની સ્થિતિ અને ગતિ, તેમાંથી ઉપસતાં દ્રશ્યો, પાત્ર-પાત્ર વચ્ચે અને પાત્ર-પ્રેક્ષકો વચ્ચે સંબંધસેતુ જોડવો અને રંગમંચ પર નાટકની કથાના પ્રવાહમાં પ્રેક્ષકોને સાથે રાખવા- કેવી મઝાની કલા!

આવી કલાનો ઉપયોગ તમે ફિલ્મોમાં પણ નથી જોતા? અનામિકા! તારી સાથે ક્યારેક તો હોલિવુડની ‘સાઉંડ ઓફ મ્યુઝિક’, ‘ફિડલર ઓન ધ રૂફ’ કે અમોલ પાલેકરની ક્લાસિક ‘થોડા-સા રૂમાની હો જાય‘ની વાતો થઈ હશે.

થોડી આડી વાતે ચડી ગયો, પણ જયશંકર ‘સુંદરી’એ આવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ગુજરાતી રંગભૂમિ માટે પાયાનું કામ કર્યું. જશવંત ઠાકર અને જયશંકરના ચીલા અલગ પડ્યા પછી પણ બંનેએ પોતપોતાની સંસ્થાઓ દ્વારા ગુજરાતી નાટકોને લોકપ્રિય કરવા અથાગ પ્રયત્નો કર્યા.

રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’, મહાકવિ ભાસનું ‘ઉરુભંગ’, રસિકલાલ પરીખનું ‘મેનાગુર્જરી’ અને કવિ દલપતરામનું ‘મિથ્યાભિમાન’ – જયશંકર ‘સુંદરી’ ના જાનદાર નિર્દેશનમાં ‘નટમંડળ’ના તમામ નાટ્યપ્રયોગો ગુજરાતી રંગભૂમિનાં યાદગાર સંભારણાં બની રહ્યાં.

‘મિથ્યાભિમાન’માં રતાંધળા જીવરામ ભટ્ટના પાત્રમાં પ્રાણસુખ નાયકનો અદભુત અભિનય હતો.

અનામિકા! ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા જયશંકર ‘સુંદરી’ને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે.

બાસઠ-ત્રેસઠ વર્ષની ઉંમરે ‘મેનાગુર્જરી’ જેવા સંગીતમય નાટકની રજૂઆત દિગ્દર્શક જયશંકર માટે પડકારરૂપ હતી. ‘સુંદરી’એ અકલ્પ્ય સફળતા મેળવી. મેનાના પાત્રમાં દીનાબહેન ગાંધી (પાછળથી દીનાબહેન પાઠક – સુપ્રિયા પાઠક અને રત્ના પાઠકના માતા) ના બેમિસાલ અભિનયને કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, અરવિંદ પાઠક, પ્રભાબહેન પાઠક, અનસૂયાબહેન સૂતરિયા વગેરે કલાકારોએ ઓર દીપાવ્યો.  અરે! કેટલાક પ્રયોગોમાં મેનાના પિતાનું પાત્ર જયશંકરે સ્વયં ભજવ્યું!

સંગીત-નૃત્ય મઢ્યા ‘મેનાગુર્જરી’ને ગુજરાતી દર્શકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો. અનામિકા! ‘મેનાગુર્જરી’ના 65 સફળ પ્રયોગો જયશંકર ‘સુંદરી’ની સિદ્ધિઓમાં યશકલગીરૂપ બન્યા.

જયશંકર ‘સુંદરી’ને રાજ્ય કક્ષાએ રણજિતરામ સુવર્ણચંદ્રકથી અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા. જયશંકર ‘સુંદરી’ની રંગભૂમિની સેવાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ અને 1971માં જયશંકર ‘સુંદરી’ને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માવવામાં આવ્યા.

1975માં ગુજરાતના આ મહાન કલાકાર અને નાટ્યશાસ્ત્ર-વિશારદ જયશંકર ‘સુંદરી’નો સ્વર્ગવાસ થયો. ગુજરાત સરકાર દ્વારા સ્મરણાંજલિ રૂપે 1976માં તેમનું કાયમી સ્મારક બાંધવાનું નક્કી થયું અને અમદાવાદમાં ‘જયશંકર સુંદરી નાટ્યગૃહ’ બાંધવામાં આવ્યું.

 આજે જયશંકર સુંદરી હૉલની દુર્દશા માટે અમદાવાદ અને ગુજરાત જવાબદાર નથી? અમદાવાદમાં, ગુજરાતમાં રંગભૂમિની પ્રવૃત્તિઓ મોળી પડી ગઈ છે. કોઈ ગુજરાતી જાગશે?

અનામિકા! ગુજરાતી રંગભૂમિ માટે તું જરૂર પ્રાર્થના કરજે. સસ્નેહ આશીર્વાદ.

*  *  *

March 9, 2008 at 10:15 pm Leave a comment

અનામિકાને પત્ર: 11

.

પ્રિય અનામિકા,

તમારી ચર્ચામાં ગુજરાતી રંગભૂમિ, એબ્સર્ડ નાટક તેમજ સેમ્યુએલ બેકેટનો ઉલ્લેખ થાય તે તો સરસ વાત!

તમારા પિતાજી પાસેથી તેં વર્ષો અગાઉ અમદાવાદમાં ભજવાયેલા સેમ્યુએલ બેકેટના વિશ્વપ્રસિદ્ધ નાટ્યપ્રયોગ “વેઈટિંગ ફોર ગોદો”ની વાત સાંભળી છે. અદભુત નાટક!

ગુજરાતી રંગભૂમિ આજે ઝાંખી પડેલી દેખાય છે. અમારી મુગ્ધાવસ્થા સમયેં ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિ સારી એવી વિકસેલી હતી. જયશંકર ‘સુંદરી’ તથા પ્રાણસુખ નાયકના ગુજરાતી રંગભૂમિ-ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પછી જવનિકા, આઈ. એન. ટી. તથા અન્ય સંસ્થાઓ એવાં તો સુંદર ગુજરાતી નાટકો લાવે!

ડો. મીનુ કાપડિયા ગુજરાતમાં એબ્સર્ડ નાટકના પ્રણેતા. મારા મોટાભાઈને ડો. કાપડિયા સાથે સારા મૈત્રીભર્યા સંબંધ. હું પણ તેમની સાથે ડો. કાપડિયાને ઘેર (ખાનપુર-મીરઝાપુર) જઈ આવેલો. તે વર્ષ હશે કદાચ 65-66નાં .. તે સમયે લાભશંકર ઠાકર તથા ચિનુ મોદી જેવા સાહસિક પ્રયોગકર્તાઓ પણ ખરા! લાભશંકર ઠાકર અને સુભાષ શાહે “એક ઉંદર અને જદુનાથ” લખ્યું જે ડો. મીનુ કાપડિયાએ ભજવ્યું. ડો. કાપડિયાના અચાનક અવસાન પછી ગુજરાતમાં એબ્સર્ડ થિયેટરની માયા ટૂંકાઈ ગઈ.

અનામિકા! ગુજરાતી રંગભૂમિનાં કલેવર બદલવામાં મધુ રાયનો ફાળો નવી પેઢીની નજરમાં લાવવો જ રહ્યો. મધુ રાય અને પ્રવિણ જોશીના સાથે તો ગુજરાતી નાટકનો રંગ જ બદલી દીધો! પ્રવિણ જોશી 1963માં “મોગરાના સાપ”થી આઈ. એન. ટી. સાથે જોડાયા: પ્રથમ નાટકમાં જ ચાર એવોર્ડઝનો સપાટો બોલાવી ગયા જેમાં શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શન તથા શ્રેષ્ઠ અભિનયના એવોર્ડઝનો સમાવેશ થતો હતો.
તે પછી તો પ્રવીણ જોશીએ ઈતિહાસ રચી દીધો. મંજુ મંજુ, ચંદરવો, સપ્તપદી, મોતી વેરાણાં ચોકમાં, કુમારની અગાશી, સંતુ રંગીલી બીજાં ઘણાં …

મધુ રાય સાહેબ ગુજરાતમાં હંમેશા યાદ રહેશે તેમના “આકંઠ સાબરમતી”ના વિશિષ્ટ પ્રયોગને લીધે. વિદ્યાનગર હાઈસ્કૂલ, અમદાવાદ ખાતે મધુ રાયની આ “આકંઠ સાબરમતી” વર્કશોપ ગુજરાતી રંગભૂમિના ઈતિહાસમાં સીમાચિન્હરૂપ બની ગઈ. મધુ રાયે ગુજરાતી નાટકોને એક નવી દ્રષ્ટિ આપી.

મારા બે ભાઈઓ વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણ્યા. શ્રી હિંમતલાલ કપાસી સાહેબના પ્રિય વિદ્યાર્થીઓ. કપાસી સાહેબના આશીર્વાદથી જ નાના ભાઈએ તો નાટકની દુનિયામાં સારો એવો ચંચુપાત કરી લીધો! કપાસી સાહેબના સાથથી અમદાવાદમાં મધુ રાયે નાટ્યલેખન અને નાટ્યસર્જનની પ્રક્રિયાઓને સમજાવતા વર્કશોપનું આયોજન કર્યું. મધુ રાયના આ વર્કશોપમાં હિંમતલાલ કપાસી સાહેબ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મનહર મોદી, હસમુખ બારાડી આદિ સક્રિય હતા. નાટ્યલેખકો અન્યોન્યના સાથ-સહયોગમાં નાટક વિષે વિચારે, પોત-પોતાનાં સર્જન લાવે, તેના પર ચર્ચા કરે, વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થયેલ એક એક સર્જનની સમીક્ષા કરે, વિશેષ ઉપકરણો વિના તે નાટ્યકૃતિની લેખકો ભજવણી કરે … ફેરફાર કરે …. ચર્ચા-સૂચનો-ઈમ્પ્રોવાઈઝેશન, રિહર્સલ, ભજવણી … ક્યારેક આમાં કલાકારો પણ જોડાય … સર્જન અને ભજવણીની પ્રક્રિયામાંથી લેખક-નાટ્યસર્જક પસાર થાય.

મધુ રાયના આ વર્કશોપને અંતે નીવડેલી એકાંકીઓને “આકંઠ” તથા “સાબરમતી” એમ બે એકાંકી સંગ્રહોમાં પ્રસિદ્ધ કરવામાં આવી.

મધુ રાયનો આ સફળ પ્રયોગ ગુજરાતી રંગભૂમિને નવી દિશા બતાવી ગયો, એટલું જ નહીં ગુજરાતી નાટકોમાં નવો ઉત્સાહ, નવું જોમ ભરી ગયો!

મેં મારી સમજ અને માહિતી પ્રમાણે મધુ રાય તથા “આકંઠ” વિષે તને લખ્યું છે. આશા છે, તારા મિત્રોની જિજ્ઞાસા સંતોષાશે. આ વિષે શ્રી મધુ રાય ક્યારેક વિશેષ પ્રકાશ ફેંકી શકે!

મહાયોગી શ્રી અરવિંદ અને વડોદરાના સંબંધ વિશે તારા ફ્રેંચ પ્રોફેસરનો મેઈલ મળ્યો. પૉલ રિશાર વિષે તમારી ચર્ચા મને અધૂરી લાગે છે. તેમાં ખૂટતી માહિતી ઉમેરી તને ક્યારેક લખીશ. પૉલ બ્રન્ટન અને રમણ મહર્ષિમાં હવે તો અમરને પણ રસ પડ્યો તે આવકારદાયક વાત. જીવનદ્રષ્ટિ આમ જ વિકસે!

સપ્રેમ આશીર્વાદ.

January 3, 2007 at 5:44 pm 5 comments


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

Blog Stats

  • 15,328 hits

Follow

Get every new post delivered to your Inbox.