Posts filed under 'વિષય: ઈતિહાસ'
અનામિકાને પત્ર: 49
પ્રિય અનામિકા,
ગયા પત્રના અનુસંધાને વાત આગળ ચલાવું?
ઇસ 1509માં ઇંગ્લેન્ડની ગાદીએ રાજા હેન્રી આઠમાનો રાજ્યાભિષેક થયો. તેણે પોતાના ભાઈની વિધવા કેથેરાઇન ઓફ આર્ગન સાથે લગ્ન કર્યાં; પણ છૂટાછેડા લેવા નિર્ણય કર્યો. રાજા હેન્રી આઠમાને આ નિર્ણય બાબતે રોમના ખ્રિસ્તી કેથલિક ચર્ચના વડા ધર્મગુરુ પોપ સાથે વાંકું પડ્યું અને તેણે રોમના કેથલિક ચર્ચ સાથે છેડો ફાડ્યો!
અનામિકા! મહત્વની ઘટના એ બની કે રાજા હેન્રીએ પોતાને ‘ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ’ના સુપ્રીમ હેડ તરીકે જાહેર કર્યો. તેણે પોતાની બીજી રાણી એનને અવૈધ સંબંધોના આક્ષેપ સાથે મૃત્યુદંડ આપ્યો. તેની ત્રીજી રાણી જેઇન સેયમોર 1537માં રાજકુમારને જન્મ આપી મૃત્યુ પામી.
રાજા હેન્રી આઠમાની ત્રણ મુખ્ય રાણીઓનાં દરેકનાં એક એક સંતાન ઇતિહાસમાં નોંધ પામ્યાં. રાજા હેન્રી અને કેથલિક રાણી કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી મેરી પહેલી. રાજા હેન્રી અને પ્રોટેસ્ટન્ટ રાણી એનની રાજકુમારી એલિઝાબેથ પહેલી. રાજા હેન્રી અને રાણી જેઇનનો રાજકુમાર છઠ્ઠો એડવર્ડ.
1547માં રાજા હેન્રી આઠમાનું મૃત્યુ થયું. રાજા હેન્રી અને રાણી જેઇનનો દસ વર્ષનો રાજકુમાર છઠ્ઠા એડવર્ડ તરીકે ગાદીનશીન થયો. છઠ્ઠો એડવર્ડ સગીર વયનો – નાબાલિગ – હોવાથી તેના મામાએ તેના ‘પ્રોટેક્ટર ઓફ કિંગ’ તરીકે રાજ્યકારભાર ચલાવ્યો. પણ તેમનો પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડ દાવપેચ ખેલીને સત્તાપલટો કરાવવામાં સફળ થયો.
1553માં છઠ્ઠા એડવર્ડની જગ્યાએ નોર્ધમ્બરલેંડે પોતાની પુત્રવધુ જેઇન ગ્રેને ગાદીએ બેસાડી. અનામિકા! રાજકીય કાવાદાવા તો જુઓ! જેઇન ગ્રે માત્ર નવ જ દિવસ માટે સત્તા ભોગવી શકી! તેને ઉથલાવીને કેથલિક ખ્રિસ્તી ક્વિન મેરી પ્રથમ (રાજા હેન્રી અને કેથેરાઇન ઓફ આર્ગનની રાજકુમારી) ઇંગ્લેન્ડની મહારાણી બની. મેરીએ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડના કુટુંબને ટાવર ઓફ લંડનમાં કેદ કર્યું. આખરે, રાણી મેરીએ નોર્ધમ્બરલેંડ તથા તેની પુત્રવધુ જેઇન ગ્રેનો વધ કરાવ્યો.
પાંચેક વર્ષના શાસનકાળ (1553 – 1558) દરમ્યાન ચુસ્ત કેથલિક ક્વિન મેરી પ્રથમ દ્વારા કેથલિક વડા ધર્મગુરુ પોપની આણનો પુનઃ સ્વીકાર થયો અને પ્રોટેસ્ટન્ટસ પર ત્રાસ ગુજારવામાં આવ્યો. ક્વિન મેરી નિઃસંતાન હતી. તેથી તેના મૃત્યુ પછી ઇંગ્લેન્ડની ગાદીની વારસદાર તેની સાવકી બહેન એલિઝાબેથ હતી. પરંતુ ક્વિન મેરીએ પ્રોટેસ્ટંટ રાજકુમારી એલિઝાબેથને ગાદી ન મળે તે માટે અનેક પેંતરા રચ્યા. તેણે એલિઝાબેથને ટાવર ઓફ લંડનમાં કેદ કરી તેને કેથલિક બનાવવા પણ ભારે પ્રયાસો કરી જોયા.
આમ છતાં, 1558માં મેરીના મૃત્યુ પછી રાજા હેન્રી અને રાણી એનની પ્રોટેસ્ટન્ટ રાજકુમારી એલિઝાબેથ પહેલી ઇંગ્લેન્ડની ગાદીએ બેઠી. પ્રોટેસ્ટન્ટ ક્વિન એલિઝાબેથ પહેલીએ કેથલિક ક્વિન મેરીના કૃત્યોનો બદલો લીધો. એલિઝાબેથ પહેલીએ પ્રોટેસ્ટંટ સંપ્રદાયને પુનઃ સ્થાપિત કરી કેથલિક્સને પરેશાન કર્યા. એલિઝાબેથ પહેલી ડડલી નામે યુવાનના પ્રેમમાં હતી, જે 1554માં મૃત્યુદંડ પામેલ પ્રાઇમ મિનિસ્ટર નોર્ધમ્બરલેંડનો પુત્ર હતો. રાણીનો પ્રેમસંબંધ ભારે વિવાદાસ્પદ બન્યો.
એલિઝાબેથના રાજ્યકાળમાં પાડોશી દેશ સ્કોટલેંડની રાણી મેરી ઓફ સ્કોટસ પદભ્રષ્ટ થઈ ઇંગ્લેન્ડ આવી. દાવપેચમાં માહિર રાણી મેરી ઓફ સ્કોટ્સ ખ્રિસ્તી કેથલિક્સનો સાથ લઈ રાણી એલિઝાબેથ પહેલીને ઉથલાવવા કાવતરાં ઘડવા લાગી. આખરે રાણી એલિઝાબેથ પહેલીએ મેરી ઓફ સ્કોટ્સને જેલમાં નાખી અને તેનો વધ કરાવ્યો. બસ, આ ક્વિન એલિઝાબેથ પ્રથમના શાસનકાળ (1558-1603) માં વિખ્યાત અંગ્રેજ કવિ-નાટ્યકાર વિલિયમ શેક્સપિયર (1564 – 1616) ની કારકિર્દી ઘડાઇ. અનામિકા! તું સમજી શકીશ કે શેક્સપિયરનાં સર્જન પર ઐતિહાસિક ઘટનાઓની કેટલી અસર હશે!
તું તારા મિત્રો સાથે આ પત્રોને આધારે એલિઝાબેથ ફિલ્મ વિશે ચર્ચા પણ કરી શકીશ, બરાબર? કુતુહલ અને જિજ્ઞાસા થાય તે બાબતે પ્રશ્નો ઊભા કરીશ તો મારા જ્ઞાન અને સમજશક્તિ અનુસાર ઉત્તર પાઠવવા પ્રયત્ન કરીશ. સસ્નેહ આશીર્વાદ.
.
2 comments November 24, 2008
અનામિકાને પત્ર: 48
.
પ્રિય અનામિકા,
તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ પર મુદ્દા ઊઠ્યા તે સ્વાભાવિક છે. કેટલીક આંટીઘૂંટીઓ સમજમાં ન આવી ને? આ પ્રકારની ફિલ્મનો સાચો આસ્વાદ માણવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ સમજવો જરૂરી છે.
બીજી એક વાત કહું? શેક્સપિયરની રાજકીય કાવતરાસભર લોહિયાળ ટ્રેજેડિઝની પાર્શ્વભુમિકા સમજવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જોઇએ.
આઠમા-નવમા ધોરણમાં ભારત અને વિશ્વનો ઇતિહાસ ભણતાં ભણતાં ઇંગ્લિશ ઇતિહાસમાં મને વિશેષ રસ પડ્યો.. ‘મેગ્ના કાર્ટા’ અને ‘હેબિયસ કોર્પસ એક્ટ’ની વાતો દિલમાં ઊતરી ગઈ. લગભગ તે અરસામાં ઇંગ્લેન્ડના રાજા આઠમા એડવર્ડની ગાદીત્યાગની કથા ‘The King’s Story’ વાંચી.
પછી ઇંગ્લેન્ડના ઇતિહાસમાં ડૂબકી મારી વિવિધ રાજ્યકર્તાઓનો પરિચય મેળવ્યો. હેન્રી છઠ્ઠાથી લઈ ક્વિન મેરી તેમજ એલિઝાબેથ પ્રથમથી લઈ ઓલિવર ક્રોમવેલ અને ચાર્લ્સ બીજા સુધીના શાસનના રાજકીય દાવપેચ અને કાવતરાઓને પિછાણ્યા. અનામિકા! મને તો લાગે છે, શેક્સપિયરને રાજકીય કાવાદાવાઓની ટ્રેજેડિઝની પ્રેરણા ઇંગ્લિશ ઇતિહાસમાંથી જ મળી હશે.
આધુનિક પ્રજાતંત્રના મહત્વની દ્રષ્ટિથી જોઇએ તો મેગ્ના કાર્ટા લોકતંત્રની બુનિયાદનું સૌ પ્રથમ ઐતિહાસિક લીગલ ચાર્ટર ગણાય.
મેગ્ના કાર્ટા પર ઇસ 1215માં ઇંગ્લેન્ડના રાજા જહોનના દસ્તખત થતાં રાજાની નિરંકુશ, મનસ્વી સત્તાઓ પર નિયંત્રણ આવ્યાં. સાથે જ ઉમરાવોને અને સામાન્ય પ્રજાવર્ગને થોડે અંશે પાયાના કાનૂની અધિકાર મળ્યા. અમર્યાદ રાજાશાહીના જમાનામાં મેગ્ના કાર્ટાએ કાયદાથી સંરક્ષિત પ્રજાતાંત્રિક શાસનના વિચારોનાં બીજ રોપ્યાં. મેગ્ના કાર્ટા ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારત સહિત અન્ય લોકતાંત્રિક દેશોના બંધારણ માટે પ્રેરણારૂપ દસ્તાવેજ બન્યો છે.
અનામિકા! રાજા હેન્રી છઠ્ઠો 1422માં માત્ર એક વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની ગાદીએ બેઠો!!! ફ્રાંસ સાથે સંઘર્ષમાં ઉતર્યો. ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરે ઉન્માદી અવસ્થાનો શિકાર બનતાં આંતરિક રાજકીય ખટપટનો ભોગ બન્યો.
1461માં તેને પદભ્રષ્ટ કરી એડવર્ડ ચોથો ગાદીએ આવ્યો. આઠ-નવ વર્ષમાં વળી તે સત્તાભ્રષ્ટ અને ફરી હેન્રી છઠ્ઠો રાજા! તું માની શકીશ, અનામિકા, કે એકાદ વર્ષમાં તો રાજકીય ખેલનો ભોગ બની રાજા હેન્રી છઠ્ઠો ટાવર ઓફ લંડનમાં કેદ થયો અને 1471માં મૃત્યુ પામ્યો!
ટ્યુડર વંશના આપખુદ રાજા હેન્રી સાતમાને ફ્રાંસ ભાગવું પડ્યું અને યુદ્ધ ખેલી રિચાર્ડ ત્રીજા પાસેથી ઇંગ્લેન્ડની ગાદી ઝૂંટવવી પડી! અનામિકા! આજે અહીં અટકું?
શેષ વાતો આવતા પત્રમાં…. સસ્નેહ આશીર્વાદ.
.
Add comment November 24, 2008
અનામિકાને પત્ર: 44
.
પ્રિય અનામિકા,
અમેરિકાને થથરાવી દેતા હરિકેન ગુસ્તાવના સમાચાર કેવી ઉત્તેજના ફેલાવી ગયા છે! જો કે આ ઝંઝાવાત વિશે હજી સ્પષ્ટ ચિત્ર નથી, પણ ચિંતાજનક નહીં હોય તેવો આશાવાદ પણ છે. અહીં બિહારમાં કોસી નદી અકથ્ય તારાજી સર્જી રહી છે. કોસીનું તાંડવ ભારતીય અર્થતંત્રને રોળી નાખશે.
પૃથ્વીના અમંગળની નિશાનીઓ તરફ હવે આંખો મીંચવા જેવી નથી. નોસ્ટ્રાડેમસ અને માયા સંસ્કૃતિનાં વિનાશક સંકેતો મીડિયામાં ચમક્યા કરે છે.
મારા પત્ર પછી તમારા મિત્રવર્તુળમાં તમે માયા સંસ્કૃતિ પર ચર્ચા કરી તે આનંદની વાત. ચર્ચાના તાંતણા વળી લેટિન અમેરિકાના હોન્ડુરાસનાં જંગલોમાં ભટકતા જહોન લોઇડ સ્ટિફન્સ તથા ગ્રીક સંસ્કૃતિના, હોમરના ટ્રોયના આશિક હાઇનરિશ શ્લિમેન (હેઇન્રિશ શ્લીમાન Heinrich Schliemann 1822-1890) સુધી પહોંચ્યા! વાહ! પણ મને સાચો સંતોષ ત્યારે મળ્યો, અનામિકા, જ્યારે તેં પ્લિની ધ યંગર વિશે પૃચ્છા કરી.
હજી ગયા અઠવાડિયે મારા ક્લિપિંગ્સ-ડાયરી-નોટ્સના ખજાનાને ફંફોસતાં 24 ઓગસ્ટના પોમ્પિની ભયાવહ કહાણી હાથ લાગી હતી અને મન ગમગીનીમાં ડૂબી ગયું હતું.
ઈસુની સર્વપ્રથમ શતાબ્દીની વાત.
યુરોપના ઇટાલી દેશની ગિરિતળેટીનું નગર પોમ્પિ. રોમન સામ્રાજ્યના ઉદય સાથે ફૂલી-ફાલી રહ્યું હતું.
રોમના સમ્રાટ ઓક્ટેવિયસ ઓગસ્ટસ (63 BC – 14 AD) ના સુવર્ણયુગમાં પોમ્પિની સમૃદ્ધિ ટોચે પહોંચી હતી. ઓગસ્ટ્સના અવસાનને હજી માંડ 75 વર્ષ પૂરાં થયાં હતાં.
24 ઓગસ્ટ, ઈ.સ. 79નો તે ગોઝારો દિન. હજારો વર્ષોથી સુપ્ત વિસુવિયસ જ્વાળામુખી અચાનક ફાટ્યો, આગની જ્વાળાઓ ઓકાવા લાગી અને લાવાના રેલા નીકળ્યા.
ખુશહાલીમાં કિલ્લોલતું પોમ્પિ વિસુવિયસમાં ભરખાઈ ગયું. તેની પાસેનું બીજું નગર હર્ક્યુલેનિયમ પણ તબાહ થઈ ગયું. પોમ્પિ જે હાલતમાં લાવા અને રાખના ખડકો વચ્ચે દબાઈ ગયું, તે જ હાલતમાં આજે સચવાઈ રહ્યું છે. માનવો, પદાર્થો, ચીજ-વસ્તુઓ, ઇમારતો … જે જે સ્થિતિમાં હતાં તે જ સ્થિતિમાં આજે આપણને અવશેષરૂપે મળી આવે છે. કાંઈક કામ કરતાં, બેઠેલાં, સૂતેલાં માનવ અવશેષો જ્વાળામુખીની વેગીલી વિનાશકતાની વાતો કહે છે. પોમ્પિનાં ખંડેરો હોનારતનો તાદ્રશ ચિતાર આપે છે.
પોમ્પિની વાત પ્લિની ધ યંગરના ઉલ્લેખ વિના અપૂર્ણ જ લેખાય.
અનામિકા! પ્લિની ધ યંગર તે સમયના ઇટાલીનો એક લેખક અને કાનૂનવિદ. પ્લિની ધ યંગરનાં દુર્લભ લખાણોમાં રોમન શાસનની, પોમ્પિની, વિસુવિયસના કાળતાંડવની વાતો જાણવા મળે છે. તેમના કાકા પ્લિની ધ એલ્ડર રોમન શાસનમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા. પ્લિની ધ એલ્ડરને પ્રકૃતિ, પ્રાકૃતિક ઘટનાઓ અને ફિલોસોફીમાં ઊંડો રસ. વિસુવિયસ ફાટવાના દિને પ્લિની ધ એલ્ડર પોમ્પિમાં હતા. કહે છે કે જ્વાળામુખીની અસરોનો અભ્યાસ કરતાં અને કમભાગી લોકોને મદદ કરતાં કરતાં પ્લિની ધ એલ્ડર શહીદીને વર્યા. પોમ્પિના દુર્ઘટના સ્થળથી દૂર રહી પ્લિની ધ યંગરે વિસુવિયસ વિસ્ફોટને નજરે નિહાળ્યો. તેમનાં લખાણોમાંથી વિસુવિયસના જ્વાળામુખીએ નોતરેલા પોમ્પિના સર્વનાશનો દારૂણ ચિતાર મળે છે.
અનામિકા! પ્રકૃતિમાતા ક્યારેક જ રોષે ભરાય છે, પણ જ્યારે તેમ થાય છે ત્યારે માનવીની કહેવાતી પ્રગતિ, શક્તિઓ અને સિદ્ધિઓના ધજાગરા ઉડાડી દે છે. માનવજાત આ પાઠ હંમેશા યાદ રાખી શકે તો સારું!
અનામિકા! મા ધરતીના, કુદરતના, માનવસભ્યતાના સંવર્ધન અર્થે સદા પ્રયત્નશીલ રહેશો સસ્નેહ આશીર્વાદ.
.
1 comment September 2, 2008
અનામિકાને પત્ર: 42
.
પ્રિય અનામિકા,
અમેરિકાના પ્રમુખની ચૂંટણીના સમાચારોની રસપ્રદ લિંક્સ વાંચી.
સૌને પ્રશ્ન થઈ રહ્યો છે: યુએસએના 44મા પ્રેસિડેન્ટ કોણ બનશે?
અમેરિકાના પ્રમુખપદના લોકપ્રિય અશ્વેત ઉમેદવાર ઓબામા વિશે ઢગલાબંધ વાતો ચર્ચામાં છે. સ્થાનિક મીડિયાએ ઓબામાની હનુમાન ભક્તિ ગાઈ-વગાડીને ચગાવી છે. આમે ય, અમેરિકન પ્રમુખપદ અને અમેરિકાના પ્રમુખો અંગે ચોવટ થતી જ રહેતી હોય છે.
અમેરિકાના પ્રેસિડેન્ટસ વિશે બેશુમાર જાણી-અજાણી વાતો મળતી રહે છે. તારા અમેરિકન મિત્રો સાથે થોડી અવનવી વાતો કરવી છે?
અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન (1789-97) હતા તમે જાણો જ છો. વર્તમાન અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશ યુએસએના 43મા પ્રમુખ છે; પરંતુ જો પ્રમુખોનાં વ્યક્તિગત નામોની યાદી જોઈએ તો જ્યોર્જ બુશનો ક્રમાંક 42મો છે. આનું કારણ ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ગ્રોવર ક્લીવલેન્ડ છે. અમેરિકાના પ્રમુખપદ પર ગ્રોવર ક્લીવલેન્ડ બે અક્રમિક મુદત – નન-કન્સીક્યુટિવ ટર્મ્સ – માટે ચૂંટાયા: પ્રથમ ટર્મ 1885-1889 માટે 22મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર ગ્રોવર ક્લીવલેન્ડ બીજી ટર્મ 1893-97 માટે 1893માં પ્રમુખપદે ફરી ચૂંટાયા, ત્યારે તેમને અમેરિકાના 24મા પ્રમુખ ગણવામાં આવ્યા.
અમેરિકાના 32મા પ્રમુખ ફ્રેંકલિન ડી. રૂઝવેલ્ટ (1933-45) બાર વર્ષો સુધી વ્હાઈટ હાઉસ રહ્યા. પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટના સમય સુધી નવ-નિર્વાચિત અમેરિકન પ્રમુખનો સોગંદવિધિ 4 માર્ચના રોજ થતો; તેમના સત્તાકાળમાં અમેરિકન બંધારણમાં ફેરફાર થતાં સોગંદવિધિ 20 જાન્યુઆરીએ કરાવવાની પ્રથા શરૂ થઈ. આમ, પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટ 1933માં 4થી માર્ચના રોજ સત્તા સંભાળનાર છેલ્લા પ્રમુખ બન્યા: સાથે જ 1937માં 20 જાન્યુઆરીના રોજ સત્તા સંભાળનાર પ્રથમ અમેરિકન પ્રમુખ પણ રૂઝવેલ્ટ બન્યા.
ચાર અમેરિકન પ્રમુખોની તેમના પ્રમુખપદના હોદ્દા દરમ્યાન હત્યા થઈ છે: અબ્રાહમ લિંકન (1861-65), જેમ્સ ગારફિલ્ડ (1881), વિલિયમ મેકકિન્લી (1897-1901) તથા જહોન એફ. કેનેડી (1961-63).
અમેરિકાના 9મા પ્રેસિડેન્ટ વિલિયમ હેંન્રી હેરિસન (1841)ની કરૂણતા એ કે પ્રમુખપદે ચૂંટાયાના (4 માર્ચ,1841) એક જ મહિનામાં ન્યૂમોનિયાને કારણે તેમનું મૃત્યુ થયું (4 એપ્રિલ, 1841).
અને છેલ્લે એક હળવી વાત કરી લઉં? અમેરિકાના 27મા પ્રમુખ વિલિયમ ટાફ્ટ (1908-1913) હતા. પ્રેસિડેન્ટ ટાફ્ટ તેમના પુરોગામી પ્રમુખોની માફક તાજા દૂધ માટે વ્હાઈટ હાઉસમાં ગાય રાખતા હતા. વિલિયમ ટાફ્ટ વ્હાઈટ હાઉસમાં ગાય પાળનાર છેલ્લા પ્રમુખ હતા!!! છે ને ચટપટી વાતો? સસ્નેહ આશીર્વાદ.
.
1 comment July 31, 2008
અનામિકાને પત્ર: 41
.
પ્રિય અનામિકા,
સ્ટીવન સ્પીલબર્ગની ધમાકેદાર હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” પરથી તમારી વાતો મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ સુધી પહોંચી છે.
મધ્ય અમેરિકાની માયા જાતિ, ઇંકા જાતિ અને અઝટેક જાતિની વાતો દુનિયા માટે ગૂઢતાભરી રહી છે.
અનામિકા! તારી વાત સાચી કે મધ્ય અમેરિકન માયા સંસ્કૃતિ વિશે અગણિત રહસ્યો છે. તેનાં વિશે પાર વિનાનાં સંશોધનો થયાં છે; દાવા-પ્રતિદાવાઓથી થોથાંઓ ભરાયાં છે. તેથી માયા સંસ્કૃતિ વિશે હું જે કાંઈ લખીશ તે અપૂર્ણ જ રહેશે, એટલું જ નહીં, ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પણ બનશે. પરંતુ તારા આગ્રહને ટાળી શકતો નથી.
અનામિકા! માયા સંસ્કૃતિનાં સૌથી બે મોટાં રહસ્યો માયા જાતિના ઉદભવ અને તેના લુપ્ત થવાને લગતાં છે. માયા જાતિના લોકો કોણ હતાં અને ક્યાંથી મધ્ય અમેરિકામાં આવ્યાં તેમજ પ્રથમ સહસ્ત્રાબ્દિના અંત પહેલાં અચાનક કેવી રીતે લુપ્ત થઈ ગયાં તેના પર વિવાદો ચાલ્યા જ કરે છે.
મધ્ય અમેરિકામાં પેસિફિક ઓશન (પ્રશાંત કે પેસિફિક મહાસાગર)ના કિનારે માયા જાતિ ત્રણ હજારથી પણ વધુ વર્ષોથી વસી હતી.
માયા સંસ્કૃતિ ઈ.પૂર્વે 250થી ઈ.સ. 900ના સમયગાળા (250 BC– 900 AD) માં પૂરબહારમાં વિકસી. મધ્ય અમેરિકન મેક્સિકોના વિસ્તાર – હાલના ગ્વાટેમાલા, બેલિઝ, અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસ રાષ્ટ્રોના વિસ્તારોમાં વિકસેલી માયા સંસ્કૃતિમાં ઘણાં રાજ્યો અસ્તિત્વમાં હતાં.
અનામિકા! નવાઈની વાત એ કે તે માયા રાજ્યો પૈકી મોટા ભાગનાં જંગલો વચ્ચે વસેલાં નગરરાજ્યો હતાં. રાજ્યોની વચ્ચે રીત-રિવાજ અને રહેણીકરણીમાં ફેરફાર છતાં માયા સંસ્કૃતિમાં એકંદરે સમાનતા હતી. માયા સંસ્કૃતિની પ્રજાઓ ઈસ 900 ની આસપાસ તો લગભગ નામશેષ થઈ ગઈ. કારણ શું? કોઈ કુદરતી આફત, પૂર, દુષ્કાળ, વાતાવરણમાં ફ્રેરફાર કે યુદ્ધ કે બીજું કાંઈ – રહસ્ય ઉકેલાયું નથી.
જે ગણી ગાંઠી પ્રજાતિ બચેલ હતી, તેમને સોળમી સદીના સ્પેનિશ આક્રમણે મહાત કરી. સોળમી સદીમાં મધ્ય અમેરિકા પર યુરોપથી સ્પેનનાં ધાડાં ઉતરી આવ્યાં. સ્પેનનાં ઝનૂની આક્રમણે રહી સહી માયા સંસ્કૃતિનો ધ્વંસ કર્યો.
સદનસીબે માયા સંસ્કૃતિનો ઇતિહાસ આપણને કંઇક અંશે ઉપલબ્ધ છે. માયા સંસ્કૃતિએ લેખનશૈલીમાં સારી એવી પ્રગતિ કરેલી. અનામિકા! તેમનો ઇતિહાસ શિલાલેખો પર અને વૃક્ષની છાલનાં પુસ્તકોમાં થોડો ઘણો બચ્યો છે. તાજેતરનાં વર્ષોમાં તેમની લિપિ ઉકેલાતાં લખાણો સમજવામાં મદદ મળી છે.
લખાણો પરથી જાણવા મળે છે કે માયા સંસ્કૃતિએ કૃષિ, સ્થાપત્ય, ખગોળ આદિ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી હતી. મધ્ય અમેરિકામાં માયા જાતિનાં પ્રાચીન મહેલો તથા પ્રચંડ પિરામિડોનાં ખંડેરો ઊભાં છે.
માયા જાતિએ સમયનાં માપ અને કેલેંડર વિકસાવ્યાં હતાં. તેમનું કેલેંડર ઈસ 2012 સુધીનું છે.
શું 2012માં દુનિયા નાશ પામશે?
માયા જાતિની ગણતરી એટલી વિશ્વસનીય ગણાય છે કે અત્યારે વિશ્વભરમાં પ્રલયના દિનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.
2012ના ડિસેમ્બરની 21મી તારીખે પૃથ્વી પર પ્રલયકારી પરિવર્તનો થશે અને તેમાં આજની માનવસભ્યતા નાશ પામશે તેવી આગાહીઓ થઈ રહી છે.
અહીંની ટીવી ચેનલોમાં પણ 2012માં પૃથ્વીના પ્રલયની વાતોનો શોરબકોર છે.
જે હોય તે, સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસની ઇન્ડિયાના જોન્સમાં ઝલકતી મધ્ય અમેરિકન સંસ્કૃતિ અને માયા કેલેંડર પરથી પૃથ્વીના વિનાશની આગાહી લોકોમાં સનસની ફેલાવી ચૂક્યાં છે.
આ સાથે માયા સ્થાપત્યના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલું છું. સસ્નેહ આશીર્વાદ.
* * * * *
7 comments June 3, 2008
અનામિકાને પત્ર: 40
.
પ્રિય અનામિકા,
તારા મેઈલમાં તેં સ્ટીવન સ્પીલબર્ગની લેટેસ્ટ હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” ના બોક્સ-ઓફિસ સમાચાર આપ્યા.
એક વાત તો કબૂલવી પડે કે હોલિવુડના સિનેમા જગતના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ તથા જ્યોર્જ લુકાસ (સ્ટાર વોર્સ ફેઈમ) સાથે મળી પિક્ચર બનાવે તેની પાછળ દુનિયા ગાંડી થવાની જ! હવા ઊભી થઈ છે કે આ ઇંડિયાના જોન્સ-4 ફિલ્મ જેમ્સ કેમરૂનના “ટાઈટેનિક”ને પહોંચી વળશે!
હોંશે હોંશે મેં સ્પીલબર્ગની આ ફિલ્મ જોઈ. અનામિકા! સાચું કહું? જરા નિરાશ થયો. સ્પીલબર્ગ તથા લુકાસ પાસેથી મને વધારે આશાઓ હતી તેવું ફિલ્મ જોયા પછી મને લાગ્યું.
કબૂલીએ કે પેરેમાઉન્ટ પિક્ચર્સની ફિલ્મનાં સબળ પાસાંઓ તો છે જ.
64 વર્ષની ઉંમરે પણ હેરિસન ફોર્ડનો સમજદારીપૂર્વકનો સ્ફૂર્તિભર્યો અભિનય, કેટલાંક ટેકનીકલી ચેલેંજીંગ ચેઝ સીન્સ, કુશળતાથી ઊભા કરેલ ભવ્ય સેટસ અને તે માટે વિશિષ્ટ ફોટોગ્રાફિક ટેકનીક, ઉત્તમ સિનેમેટોગ્રાફીના નમૂનારૂપ કેટલાંક અદભુત શોટ્સ, સ્મરણીય લોંગ શોટ્સ તેમજ એરિયલ શોટ્સ … પ્રેક્ષકોને જચી જાય.
જાનુઝ કામિન્સ્કીની છબીકલામાં પૂછવાપણું હોય? અનામિકા! આપણે શિંડલર્સ લિસ્ટ, લોસ્ટ વર્લ્ડ: જુરાસિક પાર્ક, સેવિંગ પ્રાયવેટ રાયન, કેચ મી ઇફ યુ કેન, ટર્મિનલ વગેરે ફિલ્મોમાં કામિન્સ્કીની કલાદ્રષ્ટિ માણી છે. ફિલ્મની કથામાં પરગ્રહવાસી – એલિયંસ Aliens – માટેનો સ્પીલબર્ગનો મોહ છતો થાય છે.
અનામિકા! ભલે ફિલ્મની સ્ટોરીમાં સીધો રેફરન્સ હાઈલાઈટ ન થતો હોય, પણ મધ્ય અમેરિકન જાતિઓની પ્રાચીન સંસ્કૃતિઓનું રેખાંકન ઊડીને આંખે વળગે છે. જો તમને મધ્ય અમેરિકાનો ઇતિહાસ ધ્યાનમાં હોય તો ફિલ્મ પૂરી માણી શકો.
ઇંડિયાના જોન્સ કદાચ અમેરિકન કોન્ટિનન્ટસને ઘેલું લગાડી શકે, પરંતુ એશિયન માર્કેટસમાં ચમત્કાર સર્જી શકશે? મને શંકા છે. આજે કેટલાને માયા કે ઇંકા કે અઝટેક સંસ્કૃતિ વિષે જાણકારી હશે? હું તેના વિશે એકાદ દિવસમાં જ પત્ર લખીશ. સસ્નેહ આશીર્વાદ.
2 comments June 3, 2008
અનામિકાને પત્ર: 35
*
.
પ્રિય અનામિકા,
અમદાવાદના નાટ્યગૃહ “જયશંકર સુંદરી હૉલ” ના સમાચાર અમેરિકા તમારા સુધી પહોંચ્યા તે વાતથી મને શરમ સાથે વ્યથા થાય છે.
ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓની -થિયેટ્રીકલ એક્ટિવિટીઝની ઉપેક્ષાનો ચિતાર જયશંકર સુંદરી હૉલની કરુણ દુર્દશા પરથી મળે!
એક જમાનામાં અમદાવાદમાં ટાઉન હૉલ, પ્રેમાભાઈ હૉલ, ટાગોર હૉલ, જયશંકર સુંદરી હૉલ, ઠાકોરભાઈ દેસાઈ હૉલ,… પ્રત્યેકનું સ્થાન હતું. અમે નાનાં હતાં, ત્યારે અમારી શાળાનો વાર્ષિકોત્સવ અમદાવાદમાં ટાઉન હૉલમાં ઉજવાતો.. કેવું સરસ! શાળાજીવનથી વિદ્યાર્થીને સંગીત- નૃત્ય- નાટ્ય-લલિતકલા પ્રવૃત્તિઓ સાથે સાંકળવો તે દૂરદર્શિતાભર્યું શિક્ષણ. અનામિકા! આજે ગુજરાતમાં, અમદાવાદમાં એક પછી એક હૉલની રોશની બુઝાતી જાય છે તે ગુજરાતી રંગભૂમિની કરુણતા નથી?
કવિ નાટ્યકાર દલપતરામના “લક્ષ્મી” કે “સ્ત્રીસંભાષણ” જેવાં નાટકો વિશે ગુજરાતમાં બહુ ઓછા જાણતા હશે. નગીનદાસ મારફતિયા કે રણછોડભાઈ ઉદયરામ દવેનાં નામથી કેટલાં ગુજરાતી પરિચિત હશે?
ગુજરાતી ભાષાની રંગભૂમિનો પાયો નાખનાર વાઘજી ઓઝા – મૂળજી ઓઝા તથા ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતની નવી પેઢી ઓળખશે ખરી?
એક આશ્વાસન છે -ચાલો, જયશંકર સુંદરી હૉલની અવગતિના સમાચાર સાથે યુવાન ગુજરાતીઓ “જયશંકર સુંદરી કોણ?” આવા પ્રશ્નો કરતાં તો થયાં.
અનામિકા! જયશંકર ‘સુંદરી’નું મૂળ નામ જયશંકર ભૂદરદાસ ભોજક.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે વિસનગરમાં 1889માં જયશંકર ભોજકનો જન્મ. માત્ર નવ વર્ષની કુમળી વયે જયશંકર મુંબઈમાં ‘પારસી-ઉર્દુ નાટક મંડળી’માં જોડાયા, પણ ટૂંક સમયમાં પારસી કંપની છોડી ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ માં જોડાયા.
1901માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ‘સૌભાગ્યસુંદરી’ નામક નાટક તૈયાર કર્યું. તેમાં સુંદરી તરીકે મુખ્ય સ્ત્રી પાત્રમાં માત્ર બાર વર્ષના જયશંકરનો અભિનય લાજવાબ હતો.
જયશંકર ભારે ચાપચીપથી આકર્ષક ઢબે સાડી પહેરતા, સ્ત્રીસહજ હાવભાવથી અભિનય કરતા, મદીલાં ગીતો ગાતા; શૃંગારરસ એવો તો જન્માવતા કે પ્રેક્ષકો તેમના પર ઓળઘોળ થઈ જતાં.
અનામિકા! તને નવાઈ લાગશે કે ‘સૌભાગ્યસુંદરી’ નાટકમાં ચાળીસથી વધુ ગીતો હતાં. તેમાં સત્તરેક ગીતો જયશંકર ગાતા.
અભિનયમાં ઓતપ્રોત થઈ જયશંકર ‘સુંદરી’ ના પાત્રને એવું ભજવતા રહ્યા કે લોકો હવે તેમને જયશંકર ભોજકના બદલે જયશંકર ‘સુંદરી’ તરીકે ઓળખવા લાગ્યા.
‘સૌભાગ્યસુંદરી’ નાટકને સમગ્ર ગુજરાતી સમાજમાં સાર્વત્રિક આવકાર મળ્યો. આજે કોઈ માની ન શકે, અનામિકા, કે તે જમાનામાં માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તે નાટકના દોઢસોથી વધુ શો થયા. જયશંકર ‘સુંદરી’ સાથે બાપુલાલ નાયક નામના સહ-કલાકારની જોડી ખૂબ જામી. તે પછી 1904માં ‘કામલતા’ નાટકમાં પણ જયશંકર ‘સુંદરી’ અને બાપુલાલની જોડીએ નાટકને ચાર ચાંદ લગાવી દીધા! ‘કામલતા’ નાટક મુંબઈના ગેઈટી થિયેટરમાં ભજવાયેલું.
વીસેક વર્ષ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં કામ કરી જયશંકર સુંદરી ‘આર્ય સુબોધ નાટક મંડળી’માં બે-ત્રણ વર્ષ રહ્યા; વળી પાછા મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાઈ નાટકો કરતા રહ્યા.
ગુજરાતી સ્ટેજ પર અભિનયનાં ઓજસ પાથરી જયશંકર સુંદરીએ 1932માં ગુજરાતી થિયેટરને રામ રામ કર્યા.
અનામિકા! આપણા સદભાગ્યની વાત કે ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિને નવલો ઓપ આપવાનું નક્કર કામ જયશંકર સુંદરીએ નિવૃત્તિ પછી પણ કર્મઠતાથી કર્યું.
ગુજરાતને, ગુજરાતી રંગભૂમિને જયશંકર સુંદરીએ બક્ષેલાં નવલાં નજરાણાંની વાત હવે પછીના પત્રમાં …. સપ્રેમ આશીર્વાદ.
* * *
Add comment January 7, 2008
અનામિકાને પત્ર: 28
.
પ્રિય અનામિકા,
આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલોમાં અહીં અંગ્રેજીમાં બીબીસી (BBC) તથા સીએનએન (CNN) ખ્યાતિપ્રાપ્ત હોવા ઉપરાંત સુલભ છે. જો કે આજતક, એનડીટીવી (NDTV), ઈંડિયા ટીવી, સ્ટારન્યૂઝ, આઈબીએન (IBN7) વગેરે અહીંની ચેનલો હરીફાઈમાં આગળ છે.
તારા મેઈલમાં તેં પેરિસ હિલ્ટનના ન્યૂઝવાળી જે લિંક મોકલી છે તે સમાચાર અહીં પણ ટીવી પર ખાસ્સા ચમકતા રહ્યા.
આખરે પેરિસ હિલ્ટન છે વૈભવી હોટેલ ચેઈન હિલ્ટન ઈંટરનેશનલના અબજોપતિ માલિકનું વંઠેલું સંતાન. પણ મને વિશેષ દિલચશ્પી પેરિસ હિલ્ટનના ફોટોગ્રાફમાં આવી. તું આ ફોટોગ્રાફ વિષે એક મહત્વની વાત ચૂકી ગઈ છું.
લોસ એંજેલિસમાં ક્રૂઝરની પાછલી સીટ પર બેઠેલ રડતી પેરિસ હિલ્ટનની તસ્વીર લેનાર ફોટોગ્રાફર કોણ છે? તું જાણે છે?
એસોસિયેટેડ પ્રેસ (AP)નો પુલિત્ઝર પ્રાઈઝ જીતનાર કેમેરામેન નિક ઉત. (Nick Ut or Huynh Cong Ut, the Pulitzer Prize winner photographer of Associated Press).
પેરિસ હિલ્ટનની તસ્વીરને કારણે નિક ઉત બહુ વર્ષો પછી આટલો પ્રકાશમાં આવ્યો!
અનામિકા! મને મારા કોલેજકાળમાં જોયેલી નિક ઉતની કાળજું કંપાવી દે તેવી તે તસ્વીર હજી યાદ છે.
સંખ્યાબંધ સામયિકોમાં છપાયેલા નવ વર્ષની તદ્દન નગ્ન બાળાના તે ફોટોગ્રાફે દુનિયામાં અરેરાટી ફેલાવેલી; અમેરિકાની વિયેટનામ નીતિ સામે પ્રચંડ વિરોધ જન્માવેલો અને અંતે અમેરિકન સરકારને વિયેટનામ યુદ્ધની સમાપ્તિ વિશે ત્વરિત પગલાં લેવાં પડેલાં.
પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ફોટોગ્રાફર નિક ઉત વિયેટનામનો વતની.
તેની બાલ્યાવસ્થામાં જ અમેરિકા-વિયેટનામ યુદ્ધ શરૂ થઈ ચૂકેલું. સોળ વર્ષનો નિક ન્યૂઝ એજંસી એસોસિયેટેડ પ્રેસમાં ફોટોગ્રાફર તરીકે જોડાયો. પાંચ વર્ષ પછી તેને ચમકવાની તક મળી.
જૂન, 1972. વિયેટનામનું ટ્રાંગ બાંગ (Trang Bang, Vietnam) શહેર. સામ્યવાદી ઉત્તર વિયેટનામ અને અમેરિકાની મદદથી લડતાં દક્ષિણ વિયેટનામનાં દળો વચ્ચે ખરાખરીનો જંગ હતો. પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિન ટાઈમ, એપી વગેરેનાં પત્રકારોએ ટ્રાંગ બાંગ ખાતે પડાવ નાખ્યો હતો.
8 જૂન, 1972. બોંબમારો શરૂ થયો. અનામિકા! યુદ્ધની બર્બરતા વિશે તું કલ્પના કરી શકીશ? બળબળતા ઘાતક રસાયણયુક્ત નેપામ બોંબનો ઉપયોગ થયો. ગામલોકો ભયત્રસ્ત થઈ ભાગવા લાગ્યાં. ચિચિયારીઓ કરતાં દોડતાં બાળકોની તસ્વીરો નિક ઉત લેવા લાગ્યો. તેની નજર એક નાનકડી બાળકી પર પડી.
નવેક વર્ષની ફૂલ જેવી નિર્દોષ બાળકી. સળગતાં વસ્ત્રો ફેંકતી જતી તે ચીસો પાડતી દોડતી આવી રહી હતી. ફોટોગ્રાફર પાસે આવતાં સુધીમાં તે નિર્વસ્ત્ર થઈ ચૂકી હતી.
નિક ઉતના કેમેરામાં આ નગ્ન બાળકીની કરુણા જગાવતી તસ્વીર કેદ થઈ.
બે દિવસમાં વિશ્વભરમાં નિક ઉતનો આ ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયો તેણે દુનિયા હચમચાવી નાખી.
નિક ઉતને પત્રકારત્વનું સર્વોચ્ચ સન્માન મળ્યું જ્યારે તેને માત્ર બાવીસ વર્ષની ઉંમરે 1973માં “સ્પોટ ન્યૂઝ કેટેગરી”માં પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું.
અનામિકા! તે વિયેટનામી બાળકી હવે મોટી થઈ ગઈ છે. હાલ કેનેડામાં વસે છે. તેનું નામ ફાન થાઈ કિમ ફુક (Phan Thi Kim Fuc).
નિક ઉત દ્વારા ઝડપાયેલી ફાન થાઈ કિમ ફુકની તસ્વીર યુદ્ધવિરોધી જનમત જગાવવામાં નિમિત્ત બની. કેવી આશ્ચર્યભરી વાત!
અનામિકા! તમે જે કોઈ ક્ષેત્રમાં હો, બસ, તમારું કામ નિષ્ઠાથી, લગનથી કરતા રહો. તમારું કામ ક્યારેક તો દીપી ઊઠશે!
સસ્નેહ આશીર્વાદ.
.
Add comment September 8, 2007
અનામિકાને પત્ર: 7 Anamika: 7
.
પ્રિય અનામિકા,
તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે પસંદ પામી છે.
તારા યુવાન અમેરિકન મિત્રો આ કૃતિ પર શા માટે વારી ગયા છે? હકીકત એ છે કે અશ્વેતોને થયેલા અમાનવીય અન્યાયને સમજદાર અમેરિકનો ક્યારેય ભૂલી શક્યા નથી. તેથી જ તો દાયકાઓ પછી પણ આવા વિષય પર રચાયેલી કૃતિ સફળ થતી રહે છે. અશ્વેતોના અન્યાયની વાત આવે તો તેમના તારણહાર અબ્રાહમ લિંકનને કેમ ભૂલાય? અમેરિકાના આંગણે ખેલાયેલા એક માત્ર આંતરવિગ્રહ (1861-1865)ને કેમ ભૂલાય?
સાચું પૂછો તો, તે સમયે ગુલામીપ્રથા વિરુદ્ધ સમાજમાં જનમત જગાવવામાં એક પુસ્તકે મોટો ફાળો આપેલો હતો. હેરિયેટ બીચર સ્ટો(સ્ટોવ) દ્વારા લખાયેલ “અંકલ ટોમ્સ કેબિન”. (Uncle Tom’s Cabin by Harriet Beechar Stowe). હું મારા અમેરિકન મિત્રોને આ પુસ્તક વાંચવા આગ્રહ કરતો રહું છું.
આજની પેઢીને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે કે સુસંસ્કૃત દેખાતા અમેરિકામાં દોઢસો વર્ષ પહેલાં આવી જંગાલિયતભરી ગુલામીપ્રથા અસ્તિત્વમાં હતી. (આ જ પ્રથા યુરોપમાં, ખાસ તો ઈંગ્લેંડમાં પણ હતી!!)
અઢારમી સદીના ઉદય સાથે, વિવિધ યંત્રોના સહારે અમેરિકા અમાપ વિકાસના પંથે દોડવા લાગ્યું. પરિણામે અસંખ્ય શ્રમિકોની જરૂર ઊભી થઈ. પછાત દેશોની પ્રજા શોષણનો ભોગ બની. યુરોપિયન વેપારીઓ આફ્રિકાના અંધારા ખૂણાઓમાંથી નીગ્રો-હબસીઓને પકડી લાવતા. સાંકળોથી બંધાયેલા હબસીઓના જહાજો અમેરિકાના બંદરે આવતાં. અમેરિકાના શહેરોમાં તે હબસીઓ ગુલામ તરીકે વેચાતા.
હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” શરમજનક ગુલામીપ્રથા તેમજ ગુલામોની હ્રદયદ્રાવક દશાનો કરૂણ ચિતાર આપે છે. કથાનો નાયક ટોમ નામનો ખૂબ જ ભલો અને નીતિવાન હબસી છે. તે વેચાતો રહે છે; તેના માલિકો બદલાતા રહે છે. ટોમ કોઈ પણ ફરિયાદ વિના, ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના ગોરા માલિકોની વફાદારીથી સેવા કરતો જાય છે. અન્ય ગુલામ સાથીઓને મદદ કરતો રહે છે; તેમના દુ:ખમાં હિસ્સો લઈ તેમને હિંમત આપતો રહે છે. આવા નેકદિલ, ફરિશ્તા સમા ટોમનું મૃત્યુ વાચકને હચમચાવી દે છે! રડાવી દે છે!
નવલકથાના અન્ય પાત્રોમાં પાકો વેપારી હેલિ છે; દેવદૂત સમા પત્રો સેંટ ક્લેર અને તેમની નાનકડી પુત્રી ઈવા છે, તો શયતાન સમો માલિક લેગ્રી પણ છે. કમનસીબ ગુલામો પ્રૂ, ટોપ્સી અને રોઝા છે. દર્દનાક કથા ગૂંથાતી રહે છે.
નવલકથામાં નીગ્રો ગુલામો પરના પાશવી અત્યાચારોનું વર્ણન વાચકને કંપાવી દે છે. ભરબજારે બેડીઓથી જકડાયેલ અર્ધનગ્ન સ્ત્રી-પુરુષો-બાળકો! તેમની કિંમત નક્કી કરવા બેશરમીથી તેમના અંગ-ઉપાંગ તપાસતા ખરીદદારો! ગોરા માલિકો પર ઘૃણા થઈ આવે છે. બજારમાં પતિથી વિખૂટી પડતી હબસી સ્ત્રી અને માતાથી છૂટા પડતાં બાળકોનાં આક્રંદ આપણું કાળજું કંપાવી દે છે. માલિકોને ત્યાં રાત-દિવસ તનતોડ મહેનત કરતા ગુલામોની વ્યથા; તેમાંયે જો જરા સી ચૂક થઈ તો ખુલ્લા દેહ પર પડતા ચાબૂકના સટાકા અને તેમની દર્દનાક ચીસો તમારા કાનમાં દિવસો સુધી ગૂંજ્યા કરે છે.
હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” એક ધારાવાહિક તરીકે વોશિંગ્ટનના “નેશનલ એરા” માં પ્રસિદ્ધ થવી શરૂ થઈ (1851) અને પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. હેરિયેટે લખ્યું છે કે તેને પુસ્તક્ના વેચાણમાંથી કાંઈ નહીં તો, એક સિલ્ક ડ્રેસ ખરીદી શકાશે તેટલી કમાણીની આશા હતી. આવા વિવાદાસ્પદ વિષય પર પુસ્તક ખરીદનારા કેટલા? ચમત્કાર થયો! પ્રથમ વર્ષમાં જ ત્રણ લાખ નકલો વેચાઈ ગઈ! વેચાણ ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. સાથે ગુલામીપ્રથા વિરુદ્ધ જનમત જાગૃત થતો ગયો. ગુલામીના મુદ્દા પર અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયું; દક્ષિણના રાજ્યોને ગુલામીની પ્રથા ચાલુ રાખવી હતી, ઉત્તરના રાજ્યોને તે જંગલી પ્રથા ખપતી ન હતી. અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન પાસે વિકલ્પ ન હતો. અમેરિકાના ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ થયો (1861-65). ઉત્તરના હજારો વીર સિપાઈઓએ ઉમદા ધ્યેય કાજે શહાદત વહોરી તે ફળી. ઉત્તરના રાજ્યોની જીત થઈ. ગુલામીપ્રથા નાબૂદ થઈ.
કરૂણતા એ કે યુદ્ધસમાપ્તિ ટાંકણે જ લિંકનની હત્યા થઈ!
ગુલામીપ્રથાનો અંત આવ્યો. માનવસંસ્કૃતિની રક્ષા થઈ. શ્રેય કોને આપશું?
“Beloved”ની કહાણી જુદી છે. પરંતુ, અનામિકા! હવે તું તારી આગવી દ્રષ્ટિથી તેને મૂલવી શકીશ. વિચારજે અને તારા મિત્રો સાથે ચર્ચા કરજે. … સસ્નેહ આશીર્વાદ.
Add comment December 23, 2006