Posts filed under ‘વિષય: કલાક્ષેત્રો’

અનામિકાને પત્ર: 1206

.

પ્રિય અનામિકા,

ઇંડોનેશિયાથી તારા મિત્રે જાવા-સુમાત્રામાં હિંદુ સંસ્કૃતિની વાત વિગતે લખી છે અને અંગકોર વાટની મુલાકાતની ઇચ્છા પ્રગટ કરી છે તે આવકારદાયક વાત ગણાય.

અનામિકા ! તાજેતરમાં બિહાર (ભારત)માં એક ટ્રસ્ટે અંગકોર વાટ કરતાં પણ મોટું મંદિર બનાવવાની જાહેરાત કરી છે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ  કંબોડિયામાં અંગકોર વાટનું મંદિર વિશ્વનું સૌથી વિશાળ મંદિર છે. સાઉથ ઇસ્ટ એશિયા વિસ્તારમાં ભારતની પૂર્વે મ્યાનમાર (બ્રહ્મદેશ-બર્મા) – થાઇલેંડ – કંબોડિયા વગેરે દેશો આવેલા છે. આ દેશો સાથે ભારતને અતિ પ્રાચીન સમયથી સંબંધ છે. આ દેશોમાં હિંદુ સંસ્કૃતિ તથા બૌદ્ધ ધર્મનો ભારે પ્રભાવ જોવા મળે છે. થાઇલેંડની દક્ષિણે કંબોડિયા દેશ છે. ઘણાને ખબર નથી, અનામિકા, કે આ જ કંબોડિયા દેશ ચાર દાયકા અગાઉ ખ્મેર રિપબ્લિક તથા તે પછી કામ્પુચિયાના નામથી ઓળખાતો દેશ હતો. કંબોડિયાથી થાઇલેંડ સુધીના પ્રદેશોમાં અસંખ્ય મંદિરો છે જેમાં સૌથી વિશાળ અને સૌથી નોંધપાત્ર અંગકોર વાટનું હિંદુ-બૌદ્ધ મંદિર છે.

કંબોડિયામાં હજારેક વર્ષ અગાઉ હિંદુ સંસ્કૃતિના પ્રવર્ધક ખ્મેર રાજ્યકર્તાઓનું શાસન હતું. ખ્મેર રાજા સૂર્યવર્મન બીજાના સમયમાં બારમી સદીમાં અંગકોર વાટનું વિશ્વપ્રસિદ્ધ મંદિર બંધાયું હોવાનું મનાય છે. રાજા સૂર્યવર્મનની મહેચ્છા હતી કે આ મંદિર હિંદુ ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલ પવિત્ર મેરુ પર્વતની પ્રતિકૃતિ સમાન હોય. આ મંદિરની ચોમેર વિસ્તરેલ અતિ વિશાળ સંકુલ રાજ્યની રાજધાની તરીકે વિકસેલ હતો.

અનામિકા! વિશ્વનું સૌથી મોટું એવું અંગકોર વાટનું મંદિર ખ્મેર સ્થાપત્યવિદ્યાનો અદભુત નમૂનો છે. પ્રારંભમાં હિંદુ મંદિર તરીકે બનાવાયેલ આ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા થતી. તેરમી સદીમાં કંબોડિયામાં બૌદ્ધ ધર્મનો પ્રસાર થયો. બૌદ્ધ ધર્મના પ્રભાવમાં આવેલ કંબોડિયાના શાસન કર્તાઓએ અંગકોર વાટને બૌદ્ધ ધર્મસ્થાન તરીકે વિકસાવ્યું. લગભગ સોળમી સદીમાં અંગકોર વાટની પડતી થતી ગઇ અને દાયકાઓ વીતવા સાથે અંગકોર વાટનું મંદિર દુનિયાથી ઓઝલ થયું. તેની આસપાસ ગાઢાં જંગલો ઊગી નીકળ્યાં.

ઓગણીસમી સદીના મધ્ય દશકાઓનો સમય. ફ્રાંસના એક વનસ્પતિશાસ્ત્રીને કંબોડિયાના ઘનઘોર જંગલોમાં રખડપટ્ટી કરતાં કોઇ પ્રાચીન મંદિરના અવશેષો નજર પડ્યા. કેવી મઝાની વાતૢ અનામિકા! ફ્રેંચ પ્રવાસીની જહેમત અંધારામાં ખોવાયેલા અંગકોર વાટના ભવ્ય મંદિરને ફરી પ્રકાશમાં લઇ આવી. સ્થાપત્યકલાના બેનમૂન ઉદાહરણ સમા અંગકોર વાટ મંદિરની ભવ્યતાને જોઇને દુનિયા દંગ રહી ગઇ. કુદરતી પરિબળોએ મંદિરના પથ્થરકામ અને કોતરકામને ભારે નુકશાન પહોંચાડ્યું હતું.

છેલ્લાં દોઢસો વર્ષમાં વખતોવખત આ મંદિરના જીર્ણોદ્ધારના પ્રયત્નો થતા રહ્યા છે. 1985 પછી ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગની મદદથી અંગકોર વાટ મંદિરનો પુનરોદ્ધાર થયો છે. અનામિકા! ગવર્નમેંટ ઓફ ઇંડિયાના સહકારથી ભારતીય પુરાતત્ત્વ ખાતાના નેજા હેઠળ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇંડિયાના નિષ્ણાતોએ અંગકોર વાટ મંદિરનાં રૂપ રંગ બદલી નાખ્યાં છે  તે આપણે સૌ ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે. અંગકોર વાટના મંદિરની ફરતે આશરે સાડા ત્રણ કિમીથી પણ વધુ લંબાઇની તેર-ચૌદ ફૂટ ઊંચી દિવાલ છે.  અંગકોર વાટના સમગ્ર સંકુલની ફરતે રક્ષણાર્થે પાંચસો-સાડાપાંચસો ફૂટ પહોળી ખાઇ છે. મંદિર ઊંચા  ગોપુરમ દ્વારોથી સુશોભિત છે જે દક્ષિણ ભારતીય સ્થાપત્યશાસ્ત્રની યાદ અપાવે છે. મંદિરની દિવાલો પર દેવી દેવતાઓનાં અસંખ્ય શિલ્પ છે જે તે જમાનાની ઉત્તમ શિલ્પવિદ્યાને ઉજાગર કરે છે. પ્રતિવર્ષ લાખો પ્રવાસીઓ કંબોડિયાના અંગકોર વાટના મંદિરની મુલાકાત લે છે.

સસ્નેહ આશીર્વાદ

.

*  * * *  *

આપ અનામિકાને પત્ર 1206 મારા બ્લોગ અનામિકાને પત્રો (URL   http://gujarat2.wordpress.com ) પર વાંચી રહ્યા છો .

આપને આ URLની નોંધ લેવા વિનંતી. આભાર. હરીશ દવે.

* * ***  *

.

April 30, 2012 at 6:01 pm Leave a comment

અનામિકાને પત્ર: 1203

.

.

પ્રિય અનામિકા,

અમદાવાદના સપ્તકના કાર્યક્રમ વિશે તમારા સૌની ઉત્કંઠા તમારો સંગીતપ્રેમ પ્રગટ કરે છે.

ભારતીય સંગીતની વાત સાથે જ વિષ્ણુ દિગંબર પલુસ્કર(1872-1931) તેમજ વિષ્ણુ નારાયણ ભાતખંડે(1860-1936)નું સ્મરણ ઊભરે – ભલે વાત હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની હોય, કંઠ્ય સંગીતની હોય કે પછી અમદાવાદના સપ્તકની હોય! સંગીત પ્રેમીઓ જાણે છે કે પલુસ્કરજીની અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય અને ભાતખંડેજીની ભાતખંડે સંગીત વિદ્યાપીઠ ભારતના કલા ક્ષેત્રની શિરમોર સમી સંસ્થાઓ છે. આ બે સંગીત સંસ્થાઓએ ભારતીય સંગીતને બેશુમાર સંગીતજ્ઞોની ભેટ ધરી છે. અનામિકા! આજે પંડિત વિષ્ણુ પલુસ્કરની વાત કરીશું?

પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરનો જન્મ 1872માં બોમ્બે પ્રેસિડેન્સી (હાલ મહારાષ્ટ્ર)માં એક બ્રાહ્મણકુટુંબમાં થયો હતો. વિષ્ણુજી એક બુદ્ધિશાળી બાળક હતા. પરંતુ દિવાળી પર ફટાકડાથી આકસ્મિક ઇજા થતાં તેમની દ્રષ્ટિશક્તિને નુકસાન થયું. ક્ષતિગ્રસ્ત દ્રષ્ટિને કારણે તેમના માતાપિતાએ તેમને સંગીતના અભ્યાસ પ્રતિ પ્રેર્યા.

અનામિકા! પલુસ્કરજીએ એવી તો લગનથી સંગીત સાધના કરી કે તેમનું નામ હિંદુસ્તાનમાં જાણીતું થયું. તેમણે સંગીતને દેશના ખૂણે ખૂણે લોકપ્રિય કરવા બીડું ઊઠાવ્યું. તેમણે લાહોર શહેરમાં સંગીતસંસ્થા સ્થાપવા નિર્ણય કર્યો. તે સમયે બ્રિટીશ રાજ્યમાં અખંડ હિંદુસ્તાનમાં હાલના પાકિસ્તાનના પ્રદેશો સમાવિષ્ટ હતા. (યાદ રહે કે અખંડ હિંદુસ્તાન 1947માં ભારત અને પાકિસ્તાન એમ બે હિસ્સામાં વહેંચાયું) અંગ્રેજ હકૂમતમાં હાલના પાકિસ્તાનનું લાહોર શહેર અખંડ હિંદુસ્તાનનો હિસ્સો હતું.

પંડિત પલુસ્કરજીએ 1901માં લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલય (અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય) ની સ્થાપના કરી. તને નવાઇ લાગશે, અનામિકા, કે કોઇ શ્રેષ્ઠી કે રાજા-મહારાજાના સહયોગ વગર એક અદના સંગીતપ્રેમી દ્વારા આરંભાયેલ હિંદુસ્તાનની તે પ્રથમ આત્મનિર્ભર સંગીત સંસ્થા હતી.  પલુસ્કરજીએ નિષ્ઠાવાન સંગીતજ્ઞ શિક્ષકો તૈયાર કર્યા. ગાંધર્વ મહાવિદ્યાલયના નેજા હેઠળ  અનેક સંગીતકેન્દ્રો શરૂ થયા અને તેમાં સંગીતના વિદ્યાર્થીઓ ઊભરાવા લાગ્યા. પલુસ્કરજી  જાતે ગાંધર્વ મહાવિદ્યાલયના હિસાબકિતાબ અને શિક્ષણથી માંડી સંચાલન સુધીના તમામ ક્ષેત્રો પર નજર રાખતા. પાછળથી પલુસ્કરજીએ ગાંધર્વ મહાવિદ્યાલયનું મુખ્ય કેન્દ્ર લાહોરથી મુંબઇના ગિરગામમાં ઓપેરા હાઉસ પાસે એક વિશાળ ઇમારતમાં ખસેડ્યું. દરમ્યાન પંડિત પલુસ્કરજીના અંગત જીવનમાં પારાવાર કસોટીઓ થતી રહી. તેમણે પોતાનાં દસ સંતાનોને ગુમાવ્યાં. ગાંધર્વ મહાવિદ્યાલયના કારણે ભારે મોટું દેવું થયું. પણ તેમણે સંગીતને લોકભોગ્ય કરવાનું ધ્યેય ન છોડ્યું. 1931માં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરનો સ્વર્ગવાસ થયો.

અંગ્રેજ શાસન સામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સરદારીમાં આઝાદીની લડતમાં પલુસ્કરજીએ પણ યથાશક્તિ ફાળો આપ્યો છે. મહાત્મા ગાંધીજીને પલુસ્કરજી પર વિશેષ પ્રેમ હતો. અનામિકા! તું જાણે છે કે ગાંધી બાપુને પલુસ્કરજીના કંઠે ગવાતું ભજન રઘુપતિ રાઘવ રાજારામ ખૂબ પ્રિય હતું?  દેશના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે કોંગ્રેસના અધિવેશનોમાં પણ પલુસ્કરજી ગીતો ગાતાં.

હાલ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયનું સંચાલન મહારાષ્ટ્રમાં મીરજના મુખ્ય કેન્દ્રથી થાય છે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય આજે સો વર્ષ પછી પણ વટવૃક્ષની માફક ભારતભરમાં ફેલાતું રહ્યું છે. પલુસ્કરજીની મહાન સંસ્થા અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય સાથે  સંલગ્ન પાંચસોથી વધુ સંગીતકેન્દ્રો પ્રતિ વર્ષ હજારો વિદ્યાર્થીઓને આજે ય સંગીત ઉપરાંત નૃત્ય પણ શીખવે છે. અનામિકા! બહુ ઓછા લોકો જણે છે કે અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય પાસે સંગીતની બેજોડ લાયબ્રેરી છે જેમાં ભારતભરના સંગીતજ્ઞોના હિંદુસ્તાની કંઠ્ય અને વાદ્યસંગીતના લાઇવ પર્ફોર્મન્સના દુર્લભ રેકોર્ડિંગ્સ છે. લગભગ અઢીસો જેટલા રાગ-રાગિણીઓના ઉત્તમ રેકોર્ડિંગ્સ અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયના આ અદ્વિતીય સંગ્રહમાં છે.

પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરજીના અપ્રતિમ પુરૂષાર્થે ભારતીય સંગીતના વારસાને જાળવવામાં કીમતી યોગદાન આપ્યું છે. આપણે નત મસ્તકે ઋણસ્વીકાર કરીએ!

સસ્નેહ આશીર્વાદ.

* ** *

February 11, 2012 at 5:14 am Leave a comment

અનામિકાને પત્ર: 1202

.

.

પ્રિય અનામિકા,

ચાર્લિ ચેપ્લિનની વાત આગળ ચલાવું છું.

ગયા પત્રમાં તને જણાવ્યું તેમ ટ્રેમ્પની વેશભૂષા અને વિદૂષકવેડા દર્શકોને એવાં ગમ્યાં કે અમેરિકન પ્રજા ચાર્લિ ચેપ્લિન પાછળ ગાંડી બની !  જેમ જેમ ચેપ્લિનની લોક્પ્રિયતા વધતી ગઇ તેમ તેમ અમેરિકાની ફિલ્મ પ્રોડક્ષન કંપનીઓ પણ તેમની પાછળ દોડતી થઇ. સ્ટેજ કલાકાર ચેપ્લિનનો અઠવાડિક પગાર 50 ડોલર હતો જે  1914ના અરસામાં કીસ્ટોનમાં 150 ડોલર તથા 1915માં Essanay Studios સાથેના કોન્ટ્રાક્ટમાં 1250 ડોલર થયો. 1916માં મ્યુચ્યુઅલ ફિલ્મ કોર્પોરેશન સાથે તેમનો અઠવાડિક પગાર અધધ કહેવાય તેવો દસ હજાર ડોલર થયો !

અનામિકા! આ દરમ્યાન એક્ટર – ડાયરેક્ટર ચાર્લિ ચેપ્લિન હોલિવુડમાં પોતાના ફિલ્મ સ્ટુડિયો સાથે સિનેમા જગતમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પડ્યા. વળી ડગ્લાસ ફેરબેન્ક્સ અને ગ્રીફીથ જેવા ખ્યાતનામ સાથી મિત્રો સાથે યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામની ફિલ્મ કંપની પણ બનાવી. 1921માં ચેપ્લિનની ફિલ્મ ધ કિડ (The Kid : 1921)માં તેમની  સાથે બાળ કલાકાર જેમ્સ કુગનની અદાકારીએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી. તેમની ફિલ્મો હવે યુરોપ અને દક્ષિણ અમેરિકા સહિત વિશ્વના કેટલાય દેશોમાં ધૂમ મચાવવા લાગી. 1925માં ચેપ્લિનની સુપર હીટ ફિલ્મ ધ ગોલ્ડરશ આવી. દુનિયા આખી હોલિવુડના આ મહાન કોમેડિયન એક્ટર પર આફરીન થઇ ગઇ. અનામિકા!  તને નવાઇ લાગશે કે ચેપ્લિનને ધ કિડ ફિલ્મમાં દસ લાખ ડોલર અને ગોલ્ડરશમાં વીસ લાખ ડોલરની અંગત કમાણી થઇ. તું કહીશ કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ, ખરું ને !

આબાલવૃદ્ધને જકડી રાખતી ધમાચકડીવાળી કોમેડી ધ સર્કસ (1928) પછી 1931માં સીટી લાઇટ્સ ફિલ્મમાં  ચેપ્લિનની પ્રેમકહાણી દર્શકોને ભાવવિભોર કરી ગઇ. ઇતિહાસ યાદ છે ને, અનામિકા? 1931માં બ્રિટીશ શાસન સામે હિંદુસ્તાનમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો, તે સમયે મહાત્મા ગાંધી લંડનની ગોળમેજી પરિષદ (Round Table Conference) માં હાજરી આપવા ઇંગ્લેન્ડ ગયા હતા. 22 સપ્ટેમ્બર 1931ના રોજ ઇંગ્લેન્ડમાં લંડન ખાતે એક હિંદુસ્તાની ડોક્ટરને ઘેર ગાંધીજી અને ચાર્લિ ચેપ્લિનની મુલાકાત થઇ. કહે છે કે ગાંધી બાપુની  વિચારસરણીની ચેપ્લિન પર ઊંડી અસર થઇ. ગાંધીજીના વિચારોનો પ્રભાવ ચેપ્લિનની ફિલ્મ મોડર્ન ટાઇમ્સ (Modern Times : 1936) માં ઝલકે છે. મોડર્ન ટાઇમ્સમાં ટ્રેમ્પના રોલમાં, તે કોસ્ચ્યુમમાં ચેપ્લિનનો આખરી અભિનય.

અનામિકા ! તે સમયે બોલતી ફિલ્મો – ટોકિઝ ફિલ્મ્સ (બોલપટ) નો આરંભ થઇ ગયો હતો. મોડર્ન ટાઇમ્સમાં સાઉન્ડ છે, ચેપ્લિને ગાયેલું અર્થવિહોંણું રમૂજી ગીત પણ છે. પરંતુ તેમાં પાત્રોના પોતાના અવાજમાં સંવાદો નથી તેથી તેને સાયલેન્ટ ફિલ્મ ગણવામાં આવે છે. સાચું પૂછો તો ચેપ્લિનનું તે ગીત મારા વિદ્યાર્થીઓ ફરી ફરીને જુએ છે. ખૂબ મઝા આવે છે તેમને.

1939માં બીજું વિશ્વયુદ્ધ (Second World War 1939-45) શરૂ થતાં જર્મનીના સરમુખત્યાર હિટલર તથા ઇટાલીના તાનાશાહ મુસોલિનીની આંધળી સ્વાર્થી ખતરનાક સામ્રાજ્યવાદી નીતિઓ ચેપ્લિનને અકળાવી ગઇ. અવિચારી સરમુખત્યારોના યુદ્ધખોર માનસને તેમણે સફળતાથી રૂપેરી પડે ઢાળ્યું. પરિણામે આપણને ચેપ્લિનની મઝાની કોમેડી ટોકી ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટર (The Great Dictator : 1940) મળી. અનામિકા! તમે સૌ મિત્રો સાથે મળીને ધ ગ્રેટ ડિક્ટેટર જોશો ત્યારે જરૂરથી પેટ પકડીને હસશો! ત્યાર પછીની તેમની ફિલ્મ્સ વિશાળ પ્રેક્ષકવર્ગને પ્રભાવિત કરવામાં ઊણી ઉતરતી ગઇ. 1967માં ચેપ્લિનની છેલ્લી ફિલ્મ અ કાઉંટેસ ફ્રોમ હોંગકોંગ (A Countess From Hong Kong : 1967) આવી, જેમાં માર્લોન બ્રાન્ડો (ગોડ ફાધર ફેઇમ) અને સોફિયા લોરેન જેવા હોલિવુડના શ્રેષ્ઠ કલાકારોએ અભિનય આપ્યો.

અનામિકા! બહુ ઓછાને ખબર છે કે આજે આપણે ચેપ્લિનની જે ફિલ્મો જોઇએ છીએ, તેમાંથી મોટા ભાગની ફિલ્મો પુન: સંપાદિત થઇ છે; ઘણી ફિલ્મ્સમાં મ્યુઝિક ખુદ ચેપ્લિન દ્વારા પાછળથી ઉમેરવામાં આવ્યું છે.

કોમેડી કિંગ ચાર્લિ ચેપ્લિન અમેરિકામાં ફિલ્મનિર્માણ ક્ષેત્રે કેટલાક ઓસ્કાર જીત્યા,  એકેડેમી તરફથી ખાસ લાઇફ ટાઇમ એવોર્ડ પામ્યા અને ઇંગ્લેન્ડમાં  ક્વિન એલિઝાબેથ દ્વારા નાઇટહૂડથી સન્માનિત પણ થયા; આમ છતાં તેમના અંગત જીવનમાં ટ્રેજેડી ઓછી ન હતી. બાળપણ તો રઝળપાટમાં વીત્યું. પ્રેમસંબંધો ટક્યા નહીં. દુ:ખની વાત તો એ, અનામિકા,  કે અમેરિકા જેવા દેશમાં પણ રાજકારણના આટાપાટાઓ વચ્ચે તેમના વિચારો પર વિવાદો ઊભા થયા અને અમેરિકા છોડી ચેપ્લિન વર્ષો સુધી યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડ જઇ વસ્યા. તેમનાં પ્રથમ ત્રણ લગ્નજીવન અલ્પજીવી નીવડ્યાં. ચેપ્લિનનાં ચોથાં અને આખરી લગ્ન ચોપન વર્ષની ઉંમરે પ્રસિદ્ધ સાહિત્યકાર યુજીન ઓ’નિલનાં અઢાર વર્ષીય પુત્રી ઊના ઓ’નિલ સાથે થયાં. પ્રેમાળ પત્ની ઊનાએ તેમને આઠ બાળકો આપ્યાં, તેમનાં દાંપત્યજીવનમાં આનંદ રેડ્યો અને ચેપ્લિનના મૃત્યુ સુધી પ્રેમભર્યો સાથ નિભાવ્યો. 1977ની ક્રિસ્ટમસના આરંભે 25 ડિસેમ્બર નાતાલના દિવસે સ્વિટ્ઝરલેન્ડમાં ચાર્લિ ચેપ્લિન ફાની દુનિયા છોડી ગયા.

અનામિકા! જે જમાનામાં મિકી માઉસ કે ટોમ એન્ડ જેરી તો શું લોરેલ – હાર્ડીની જોડી પણ ન હતી ત્યારે ચાર્લિ ચેપ્લિન ચલચિત્ર જગતમાં આવ્યા. ત્યારથી આજ સુધી બાળકોથી લઇને વૃદ્ધો સુધી સૌનેં તેમની ફિલ્મો હસાવતી જ રહી છે. મનોરંજનની દુનિયાના આ બેતાજ બાદશાહને સાદર સલામ!

સસ્નેહ આશીર્વાદ.

* ** *

January 23, 2012 at 11:35 am Leave a comment

અનામિકાને પત્ર: 38

.

.

 

પ્રિય અનામિકા,

અમેરિકન સાહિત્ય અને લલિત કલાઓમાં વધતી તમારી રુચિ મને ખુશી આપે છે.

અમેરિકન સાહિત્યકાર એન. એચ. લી (Nelle Harper Lee) ને અમેરિકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું તે વાત હજી પણ સમાચારોમાં ઝબકતી રહે છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે નવેમ્બર 2007માં અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશના હાથે એન. એચ. લીને ધ પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની લાયબ્રેરીમાં 75-76ના અરસામાં, લીની વિશ્વપ્રસિદ્ધ નવલકથા ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) મને અનાયાસે હાથ લાગેલી. ત્યારે તે નોવેલ મેં વાંચી.

પાંચ-છ વર્ષ પછી બ્રિટીશ લાયબ્રેરી (અમદાવાદ)માં એક મેગેઝિનમાં ફિલ્મ ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) નો આસ્વાદ વાંચ્યો હતો. રોબર્ટ મુલિગનના દિગ્દર્શનમાં બનેલી ટુ કિલ અ મોકિંગ બર્ડ (To kill a Mocking Bird) પ્રશંસા પામી. કમનસીબે મને આ ફિલ્મ જોવા નથી મળી. (જો કે અમદાવાદમાં રોબર્ટ મુલિગનની અન્ય  ફિલ્મ સમર ઓફ 42 કદાચ 74-75માં જોયેલી).

અનામિકા! ટુ કિલ અ મોકિંગ બર્ડ ફિલ્મમાં મને રસ પડ્યો હોલિવુડના અભિનેતા ગ્રેગરી પેકના લીધે. તે ફિલ્મમાં લોયર એટીકન ફીંચના પાત્રમાં ઉત્તમ અભિનય માટે ગ્રેગરી પેકને શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર (એકેડેમી એવોર્ડ) મળ્યો.

ગ્રેગરી પેકના યાદગાર અભિનયવાળી બે ફિલ્મો મને ફટાકથી યાદ આવે છે. એક તો આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉન્ડ, તથા બીજી ધ ગન્સ ઓફ નેવરોન.

60 ના દાયકાના અંતમાં, ધ ગન્સ ઓફ નેવરોન પ્રથમ વખત જોયેલી તેવું આછું આછું યાદ આવે છે. ધ ગન્સ ઓફ નેવરોન માં કેપ્ટન કીથ મેલરી તરીકે ગ્રેગરી પેકનો અભિનય જાનદાર હતો. ફિલ્મમાં એન્થની ક્વિન તથા એન્થની ક્વેલ પણ મઝાનો અભિનય આપી ગયા.

આલ્ફ્રેડ હિચકોકની સ્પેલબાઉંડ 80 ના દશકમાં દૂરદર્શન પર જોવા મળી હતી. અનામિકા! દૂરદર્શનનું નામ સાંભળીને ચમકી ગઈ ને? જરૂર નવાઈ લાગે, અનામિકા! પણ તે અરસામાં દૂરદર્શન પર દેશી-વિદેશી સર્વોત્કૃષ્ટ ફિલ્મો પ્રસારિત થઈ. હોલિવુડની સ્પેલબાઉંડમાં ગ્રેગરી પેક સામે પ્રતિભાવાન અભિનેત્રી ઇન્ગ્રીડ બર્ગમેનનો અભિનય હતો. સ્પેલબાઉંડ આલ્ફ્રેડ હિચકોકની ચિરસ્મરણીય ફિલ્મ બની રહી છે. 

છેલ્લે- ગ્રેગરી પેક વિશે એક વાત ઉમેરું. અનામિકા! હોલિવુડની મશહૂર અભિનેત્રી  ઓડ્રી હીપબર્નની ડેબ્યુ ફિલ્મ વિશે તું જાણે છે?

ઓડ્રી હીપબર્નની પ્રથમ ફિલ્મ પેરેમાઉંટ પિક્ચર્સની રોમન હોલિડે. હોલિવુડના મશહૂર ફિલ્મ દિગ્દર્શક વિલિયમ વાયલર (બેન હર  ફેઈમ ડાયરેક્ટર) ની ફિલ્મ રોમન હોલિડેમાં અભિનેત્રી તરીકે પ્રથમ વાર ચમકતી ઓડ્રી હીપબર્નને આ ફિલ્મમાં અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર (એકેડેમી) એવોર્ડ મળ્યો. રોમન હોલિડેમાં હીરોઇન ઓડ્રી હીપબર્ન અને હીરો તરીકે ગ્રેગરી પેક.

 

અનામિકા! કેવી કેવી મઝેદાર છે આ બધી વાતો! આવી અવનવી જાણકારી સાથે ફિલ્મોને માણવાની મઝા કોઈ ઓર જ હોય છે. સસ્નેહ આશીર્વાદ.

April 30, 2008 at 4:31 pm 2 comments

અનામિકાને પત્ર: 37

.

*

પ્રિય અનામિકા,

વેલેંટાઇન ડેની તારી અનોખી ઉજવણીના ફોટોગ્રાફ્સ જોઇ ખુશી થઈ. અડધી રાત્રે, હિંમત કરી બહાર નીકળી પ્રિય સ્નેહીને દરવાજે ચૂપચાપ કાર્ડ મૂકવાનો રોમાંચ તો માણવા જેવો હોય !

તમારા બ્રિટીશ મિત્ર-પરિવારનો ગુજરાતી રંગભૂમિ અને જયશંકર ‘સુંદરી’ પ્રત્યેનો પ્રેમ ખરેખર કાબિલે-તારીફ.

હું નાટ્યશાસ્ત્ર કે નાટ્યતત્વોનો  નિષ્ણાત નથી. પરંતુ પ્રવીણ જોશીનું ‘સંતુ રંગીલી’ હોય કે કાંતિ મડિયાનું ‘અમે બરફનાં પંખી’ -  તેમાંથી નાટ્યકલા પ્રગટતી મને દેખાઇ છે. મંચ પર પાત્રની સ્થિતિ અને ગતિ, તેમાંથી ઉપસતાં દ્રશ્યો, પાત્ર-પાત્ર વચ્ચે અને પાત્ર-પ્રેક્ષકો વચ્ચે સંબંધસેતુ જોડવો અને રંગમંચ પર નાટકની કથાના પ્રવાહમાં પ્રેક્ષકોને સાથે રાખવા- કેવી મઝાની કલા!

આવી કલાનો ઉપયોગ તમે ફિલ્મોમાં પણ નથી જોતા? અનામિકા! તારી સાથે ક્યારેક તો હોલિવુડની ‘સાઉંડ ઓફ મ્યુઝિક’, ‘ફિડલર ઓન ધ રૂફ’ કે અમોલ પાલેકરની ક્લાસિક ‘થોડા-સા રૂમાની હો જાય‘ની વાતો થઈ હશે.

થોડી આડી વાતે ચડી ગયો, પણ જયશંકર ‘સુંદરી’એ આવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ગુજરાતી રંગભૂમિ માટે પાયાનું કામ કર્યું. જશવંત ઠાકર અને જયશંકરના ચીલા અલગ પડ્યા પછી પણ બંનેએ પોતપોતાની સંસ્થાઓ દ્વારા ગુજરાતી નાટકોને લોકપ્રિય કરવા અથાગ પ્રયત્નો કર્યા.

રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’, મહાકવિ ભાસનું ‘ઉરુભંગ’, રસિકલાલ પરીખનું ‘મેનાગુર્જરી’ અને કવિ દલપતરામનું ‘મિથ્યાભિમાન’ – જયશંકર ‘સુંદરી’ ના જાનદાર નિર્દેશનમાં ‘નટમંડળ’ના તમામ નાટ્યપ્રયોગો ગુજરાતી રંગભૂમિનાં યાદગાર સંભારણાં બની રહ્યાં.

‘મિથ્યાભિમાન’માં રતાંધળા જીવરામ ભટ્ટના પાત્રમાં પ્રાણસુખ નાયકનો અદભુત અભિનય હતો.

અનામિકા! ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા જયશંકર ‘સુંદરી’ને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે.

બાસઠ-ત્રેસઠ વર્ષની ઉંમરે ‘મેનાગુર્જરી’ જેવા સંગીતમય નાટકની રજૂઆત દિગ્દર્શક જયશંકર માટે પડકારરૂપ હતી. ‘સુંદરી’એ અકલ્પ્ય સફળતા મેળવી. મેનાના પાત્રમાં દીનાબહેન ગાંધી (પાછળથી દીનાબહેન પાઠક – સુપ્રિયા પાઠક અને રત્ના પાઠકના માતા) ના બેમિસાલ અભિનયને કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, અરવિંદ પાઠક, પ્રભાબહેન પાઠક, અનસૂયાબહેન સૂતરિયા વગેરે કલાકારોએ ઓર દીપાવ્યો.  અરે! કેટલાક પ્રયોગોમાં મેનાના પિતાનું પાત્ર જયશંકરે સ્વયં ભજવ્યું!

સંગીત-નૃત્ય મઢ્યા ‘મેનાગુર્જરી’ને ગુજરાતી દર્શકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો. અનામિકા! ‘મેનાગુર્જરી’ના 65 સફળ પ્રયોગો જયશંકર ‘સુંદરી’ની સિદ્ધિઓમાં યશકલગીરૂપ બન્યા.

જયશંકર ‘સુંદરી’ને રાજ્ય કક્ષાએ રણજિતરામ સુવર્ણચંદ્રકથી અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા. જયશંકર ‘સુંદરી’ની રંગભૂમિની સેવાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ અને 1971માં જયશંકર ‘સુંદરી’ને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માવવામાં આવ્યા.

1975માં ગુજરાતના આ મહાન કલાકાર અને નાટ્યશાસ્ત્ર-વિશારદ જયશંકર ‘સુંદરી’નો સ્વર્ગવાસ થયો. ગુજરાત સરકાર દ્વારા સ્મરણાંજલિ રૂપે 1976માં તેમનું કાયમી સ્મારક બાંધવાનું નક્કી થયું અને અમદાવાદમાં ‘જયશંકર સુંદરી નાટ્યગૃહ’ બાંધવામાં આવ્યું.

 આજે જયશંકર સુંદરી હૉલની દુર્દશા માટે અમદાવાદ અને ગુજરાત જવાબદાર નથી? અમદાવાદમાં, ગુજરાતમાં રંગભૂમિની પ્રવૃત્તિઓ મોળી પડી ગઈ છે. કોઈ ગુજરાતી જાગશે?

અનામિકા! ગુજરાતી રંગભૂમિ માટે તું જરૂર પ્રાર્થના કરજે. સસ્નેહ આશીર્વાદ.

*  *  *

March 9, 2008 at 10:15 pm Leave a comment

અનામિકાને પત્ર: 36

.

પ્રિય અનામિકા,

લાંબા સમયગાળા પછી તને પત્ર લખી રહ્યો છું.

મારી વિદ્યાર્થિની ચિ. પ્રીતિને તું જાણે છે. પ્રીતિના લગ્નપ્રસંગને કારણે અમે ઘણા વ્યસ્ત રહ્યા.

તમે ત્યાં બરફની ચાદર ઓઢીને બેઠા છો તેવો તમારો ફોન અહીં અમને ઠંડી ચડાવી ગયો છે. અઠવાડિયાથી વાતાવરણ થીજી ગયું છે. અનામિકા! ઘણા વર્ષો પછી આવી રોમ રોમ હરખાવતી ઠંડી અમે માણીએ છીએ.

અનામિકા! હવે ગયા પત્રના અનુસંધાને મુદ્દાની વાત પર આવું.

નટસમ્રાટ જયશંકર ‘સુંદરી’ 1926માં ફરી ‘મુંબઈ-ગુજરાતી નાટક મંડળી’માં જોડાયા ત્યારે ગુજરાતી પ્રજાને સિનેમા- ચલચિત્રનું ઘેલું લાગી ચૂક્યું હતું અને નાટક પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું હતું.

રમણભાઈ નીલકંઠના ‘રાઈનો પર્વત’માં યાદગાર અભિનય પછી 1932માં જયશંકર ‘સુંદરી’ પોતાને વતન ઉત્તર ગુજરાતના વિસનગર ખાતે પહોંચી ગયા. આમ છતાં, ‘સુંદરી’ પ્રસંગોપાત નાટ્યરસિકોને માર્ગદર્શન આપતા રહ્યા; રસિકલાલ પરીખ અને જશવંત ઠાકર જેવા સમર્થ નટકલા ઉપાસકોને નાટ્યપ્રવૃત્તિઓમાં ‘સુંદરી’ એ ઘણો સહયોગ આપ્યો.

1949માં ‘ગુજરાત વિદ્યાસભા’નો શતાબ્દી મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે રમણભાઈ નીલકંઠના અમર સર્જન ‘રાઈનો પર્વત’ના નાટ્યપ્રયોગની જવાબદારી જયશંકર ‘સુંદરી’એ લીધી. તને નવાઈ લાગશે, અનામિકા! જાલકાનું પાત્ર રમણભાઈના પુત્રી વિનોદિની નીલકંઠ દ્વારા ભજવાયું. જયશંકર ‘સુંદરી’ના દિગ્દર્શનમાં નાટક એવું સુંદર ભજવાયું કે ગુજરાતી રંગભૂમિના વિકાસ માટે ‘ગુજરાત વિદ્યાસભા’એ નક્કર આયોજન ઘડી કાઢ્યું. તે અનુસાર રંગભૂમિ માટે ‘નાટ્યવિદ્યામંદિર’ અને તેના પ્રાયોગિક ઘટક તરીકે ‘નટમંડળ’ની રચના કરી. આ સમગ્ર પ્રવૃત્તિઓના સંકલન અર્થે ગુરુપદે જયશંકર ‘સુંદરી’ની વરણી થઈ. રંગમંચના કલાકારો-દિગ્દર્શકોંની તાલીમાર્થે ‘સુંદરી’એ ભારે વિચાર-વિમર્શ પછી અભ્યાસક્રમ ઘડ્યો.

અનામિકા! ગુજરાતી રંગભૂમિની પદ્ધતિસર તાલીમ માટેનો આ પ્રથમ વ્યવસ્થિત અભ્યાસક્રમ.

ભારતમાં નાટ્યશાસ્ત્ર-રંગભૂમિની આવી સર્વાંગી, ઘનિષ્ઠ તાલીમ વિશે કોઇએ કદી વિચાર્યું નહતું.

1950માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં  ગુજરાતી નાટ્યકાર ચં.ચી. મહેતાના પ્રયત્નોથી નાટ્યવિભાગનો આરંભ થયો અને ડ્રામેટિક્સના સ્નાતક કક્ષાના અભ્યાસની શરૂઆત થઈ. ઉપકુલપતિ હંસાબહેન મહેતા (ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની) ને પણ તેનો શ્રેય જાય છે.

એમ. એસ. યુનિવર્સિટીના નાટ્યશાસ્ત્ર-રંગભૂમિનો સ્નાતક અભ્યાસક્રમ ઘડવા માટે જયશંકર ‘સુંદરી’નો ‘નાટ્યવિદ્યામંદિર’નો અભ્યાસક્રમ આધાર બન્યો. પછી તો જશવંત ઠાકરના પ્રયત્નોથી 1960માં અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં નાટ્યશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તે પછી 1970માં અમદાવાદની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજમાં પણ નાટ્યવિભાગ શરૂ થયો.  આમ, જયશંકર ‘સુંદરી’એ આરંભેલ કાર્યપ્રવૃત્તિ ગુજરાતમાં આવકાર પામી.

અનામિકા! ‘સુંદરી’ના કેટલાક વિશિષ્ટ નાટ્યપ્રયોગોની વાત હવે પછી તને લખીશ.  ચિ. ગુડિયા તેના નવા એમપીથ્રી પ્લેયર પર જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળી તને યાદ કરે છે તેમ તેનો ફોન હતો.

ચિ. અમરને સંભાળીને ડ્રાઈવ કરવા કહેજે. તમારા બંનેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થું છું. સસ્નેહ આશીર્વાદ.

* *  * *  * *  * *

February 3, 2008 at 5:34 pm 2 comments

અનામિકાને પત્ર: 35

* 

.

પ્રિય અનામિકા,

અમદાવાદના નાટ્યગૃહ જયશંકર સુંદરી હૉલ ના સમાચાર અમેરિકા તમારા સુધી પહોંચ્યા તે વાતથી મને શરમ સાથે વ્યથા થાય છે.

ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓની -થિયેટ્રીકલ એક્ટિવિટીઝની ઉપેક્ષાનો ચિતાર જયશંકર સુંદરી હૉલની કરુણ દુર્દશા પરથી મળે!

એક જમાનામાં અમદાવાદમાં ટાઉન હૉલ, પ્રેમાભાઈ હૉલ, ટાગોર હૉલ, જયશંકર સુંદરી હૉલ,  ઠાકોરભાઈ દેસાઈ હૉલ,… પ્રત્યેકનું સ્થાન હતું. અમે નાનાં હતાં, ત્યારે અમારી શાળાનો વાર્ષિકોત્સવ અમદાવાદમાં ટાઉન હૉલમાં ઉજવાતો.. કેવું સરસ! શાળાજીવનથી વિદ્યાર્થીને સંગીત- નૃત્ય- નાટ્ય-લલિતકલા પ્રવૃત્તિઓ સાથે સાંકળવો તે દૂરદર્શિતાભર્યું શિક્ષણ. અનામિકા! આજે ગુજરાતમાં, અમદાવાદમાં એક પછી એક હૉલની રોશની બુઝાતી જાય છે તે ગુજરાતી રંગભૂમિની કરુણતા નથી?

કવિ નાટ્યકાર દલપતરામના લક્ષ્મી કે  સ્ત્રીસંભાષણ જેવાં નાટકો વિશે ગુજરાતમાં બહુ ઓછા જાણતા હશે. નગીનદાસ મારફતિયા કે રણછોડભાઈ ઉદયરામ દવેનાં નામથી કેટલાં  ગુજરાતી પરિચિત હશે?

ગુજરાતી ભાષાની રંગભૂમિનો પાયો નાખનાર વાઘજી ઓઝા મૂળજી ઓઝા તથા ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતની નવી પેઢી ઓળખશે ખરી? 

એક આશ્વાસન છે -ચાલો, જયશંકર સુંદરી હૉલની અવગતિના સમાચાર સાથે યુવાન ગુજરાતીઓ જયશંકર સુંદરી કોણ? આવા પ્રશ્નો કરતાં તો થયાં.

અનામિકા! જયશંકર સુંદરીનું મૂળ નામ જયશંકર ભૂદરદાસ ભોજક.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે વિસનગરમાં 1889માં જયશંકર ભોજકનો જન્મ. માત્ર નવ વર્ષની કુમળી વયે જયશંકર મુંબઈમાં પારસી-ઉર્દુ નાટક મંડળીમાં જોડાયા, પણ ટૂંક સમયમાં પારસી કંપની છોડી મુંબઈ ગુજરાતી નાટક મંડળી માં જોડાયા.

1901માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ સૌભાગ્યસુંદરી નામક નાટક તૈયાર કર્યું. તેમાં સુંદરી તરીકે મુખ્ય સ્ત્રી પાત્રમાં માત્ર બાર વર્ષના જયશંકરનો અભિનય લાજવાબ હતો.

જયશંકર ભારે ચાપચીપથી આકર્ષક ઢબે સાડી પહેરતા, સ્ત્રીસહજ  હાવભાવથી અભિનય કરતા, મદીલાં ગીતો ગાતા; શૃંગારરસ એવો તો જન્માવતા કે પ્રેક્ષકો તેમના પર ઓળઘોળ થઈ જતાં.

અનામિકા! તને નવાઈ લાગશે કે સૌભાગ્યસુંદરી નાટકમાં ચાળીસથી વધુ ગીતો હતાં. તેમાં સત્તરેક ગીતો જયશંકર ગાતા.

અભિનયમાં ઓતપ્રોત થઈ જયશંકર ‘સુંદરી’ ના પાત્રને એવું ભજવતા રહ્યા કે લોકો હવે તેમને જયશંકર ભોજકના બદલે જયશંકર સુંદરી તરીકે ઓળખવા લાગ્યા.

સૌભાગ્યસુંદરી નાટકને સમગ્ર ગુજરાતી સમાજમાં સાર્વત્રિક આવકાર મળ્યો. આજે કોઈ માની ન શકે, અનામિકા,  કે તે જમાનામાં માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તે નાટકના દોઢસોથી વધુ શો થયા. જયશંકર સુંદરી સાથે બાપુલાલ નાયક નામના સહ-કલાકારની જોડી ખૂબ જામી. તે પછી 1904માં કામલતા નાટકમાં પણ જયશંકર સુંદરી અને બાપુલાલની જોડીએ નાટકને ચાર ચાંદ લગાવી દીધા! કામલતા નાટક મુંબઈના ગેઈટી થિયેટરમાં ભજવાયેલું.

વીસેક વર્ષ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં કામ કરી જયશંકર સુંદરી આર્ય સુબોધ નાટક મંડળીમાં બે-ત્રણ વર્ષ રહ્યા; વળી પાછા મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાઈ નાટકો કરતા રહ્યા.

ગુજરાતી સ્ટેજ પર અભિનયનાં ઓજસ પાથરી જયશંકર સુંદરીએ 1932માં ગુજરાતી થિયેટરને રામ રામ કર્યા.

અનામિકા! આપણા સદભાગ્યની વાત કે ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિને નવલો ઓપ આપવાનું નક્કર કામ જયશંકર સુંદરીએ નિવૃત્તિ પછી પણ કર્મઠતાથી કર્યું.

ગુજરાતને, ગુજરાતી રંગભૂમિને જયશંકર સુંદરીએ બક્ષેલાં નવલાં નજરાણાંની વાત હવે પછીના પત્રમાં …. સપ્રેમ આશીર્વાદ.

*  *  *

January 7, 2008 at 9:55 pm Leave a comment

અનામિકાને પત્ર: 29

.

પ્રિય અનામિકા,

તમારી સંગીત સભામાં ફિલ્મ સંગીતની ચર્ચા થઈ તે મારી દ્રષ્ટિએ આવકાર્ય ગણાય. તમે ડિસેમ્બર મહિનામાં ચર્ચાસભામાં ફિલ્મક્ષેત્રની ચર્ચા કરવાના છો.

કાશ! હું પણ ત્યાં તમારી સાથે હોત!

મને તો મન થાય છે કે હું પણ અમેરિકા આવી જાઉં અને તમારી બૌદ્ધિક ચર્ચાઓમાં શામિલ થાઉં ! પણ … અમેરિકા કાંઈ રેઢું પડ્યું છે?

અનામિકા! તેં અંગ્રેજી ફિલ્મો પર મારી સલાહ માગી છે. આના પર વાત માંડું તો દિવસો નીકળી જાય. તું માનીશ? અનામિકા ! 16 એમ એમ પડદા પર લોરેલ-હાર્ડીની ફિલ્મ શાળાજીવનમાં જોઈ હતી.

કોલેજમાં આવ્યા સુધી મેં ભાગ્યે જ બીજી કોઈ અંગ્રેજી ફિલ્મ જોઈ હશે. ગ્રેજ્યુએશન પછી અંગ્રેજી ફિલ્મમાં રસ પડ્યો.

અમદાવાદમાં અંગ્રેજી ફિલ્મ્સ માટે બે થિયેટર્સમાં જવાનું વધારે થતું : ભદ્ર પાસે એડવાન્સ ટોકિઝ અને આશ્રમ રોડ પર નટરાજ ટોકિઝ..

તે સમયે કલાત્મક અંગ્રેજી ફિલ્મો પ્રસિદ્ધિમાં ઓછી આવતી. મારી જોયેલી શરૂઆતની ફિલ્મ્સમાં મસાલા મુવીઝ પણ હતી. મેટ્રો-ગોલ્ડવિન-મેયર (એમજીએમ) દ્વારા નિર્મિત રિચાર્ડ બર્ટનનું “વ્હેર ઈગલ્સ ડેર”, લી માર્વિન અને સાથી બારકસોનું “ડર્ટી ડઝન”, સ્ટેન્લી કુબ્રિકનું “સ્પાર્ટકસ”, કોલંબિયાનું “ગન્સ ઓફ નેવરોન”…. સ્પાર્ટકસ અમદાવાદના રૂપાલી થિયેટરના વિશાળ 70 એમએમ સ્ક્રીન પર જોઈ હતી તેવું યાદ છે.

યુવાનીમાં, જે ફિલ્મોએ સિનેમાને કલા તરીકે જોવાની દ્રષ્ટિ આપી તેમાં સેસિલ બી. ડેમિલીની “ટેન કમાન્ડમેન્ટ્સ” અને સ્ટેન્લી કુબ્રિની “2001 : અ સ્પેસ ઓડેસી” થી લઈ જેક નિકોલસન અભિનીત “વન ફ્લ્યુ ઓવર ધ કકુઝ નેસ્ટ”નો સમાવેશ થાય.

“ટેન કમાન્ડમેન્ટ્સ” અને “ધ બ્રીજ ઓન ધ રિવર ક્વાઈ” અવારનવાર સ્ટાર મુવિઝ કે અન્ય ચેનલ્સ પર આવતાં રહે છે; હું જોવાનું ચૂકતો નથી!

ડેવિડ લીન ના “ધ બ્રીજ ઓન ધ રિવર ક્વાઈ”માં એલેક ગિનેસનો યાદગાર અભિનય અને ફિલ્મની લાજવાબ સિનેમેટોગ્રાફી જીવનભર નહીં ભૂલાય “ ધ મેગ્નિફિસંટ સેવન” ના યુલ બ્રાયનર, સ્ટીવ મેક્વીન અને ચાર્લ્સ બ્રોન્સનને કોઈ ભૂલી શકે? “ગન્સ ઓફ નેવરોન” માં એંથની ક્વીન અને એંથની ક્વેઈલ સાથે ગ્રેગરી પેકના સાહસો રોમાંચક લાગતાં.

ઉત્તમ ફોટોગ્રાફીની વાત આવે તો “લોરેન્સ ઓફ અરેબિયા” અચૂક યાદ આવે. આ ફિલ્મના સિનેમેટોગ્રાફર ફ્રેડરીક યંગ (ફ્રેડી યંગ / એફ. એ. યંગ) ની ફોટોગ્રાફી થિયેટરના વિશાળ પડદે તો ઘણી માણી હતી, છતાં આજે ચેનલ પર આ ફિલ્મ આવે ત્યારે વારંવાર માણી લેવાની ઈચ્છા રોકી શકાતી નથી.

“લોરેન્સ ઓફ અરેબિયા”નું સ્ટારકાસ્ટ એટલે …. અ…ધ….ધ…..ધ! હોલિવુડના અભિનયના મહારથીઓનો મોટો મેળો! પીટર ઓ’ટૂલી, ઓમર શરીફ, એલેક ગિનેસ, એંથની ક્વીન, એંથની ક્વેઈલ, આર્થર કેનેડી!

ફ્રેડરીક યંગની ફોટોગ્રાફી “રયાન્સ ડોટર”માં પણ સુંદર હતી. રયાન્સ ડોટરમાં આયરીશ મુગ્ધા તરીકે સારાહ માઈલ્સ હતી; ઉપરાંત પાગલ તરીકે જહોન મિલ્સનો અભિનય દાદ માગી લે તેવો હતો. ટ્રેવર હાવર્ડને મેં તે ફિલ્મમાં પ્રથમ વખત જોયા તેવું સ્મરણ છે.

હોલિવુડના ફિલ્મ સંગીતની વાત આવે તો સદાબહાર ફિલ્મ્સમાં “ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક”, “ફિડલર ઓન ધ રૂફ” અને “માય ફેર લેડી” અવશ્ય યાદ આવે. થીમ મ્યુઝિકમાં મારી પસંદ “ગોડ ફાધર” અને “2001 : અ સ્પેસ ઓડેસી” પર ઊતરે.

ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક” માં જૂલી એન્ડ્રૂઝના નટખટી અભિનય પર તો આજે ય ફિદા થઈ જવાય. દરેકે જોવા જેવી ફિલ્મ!

હોલિવુડ – અમેરિકા – ઈંગ્લેંડના ફિલ્મ ઉદ્યોગની વાત કરતા હોઈએ ત્યારે ચાર્લી ચેપ્લિન, આલ્ફ્રેડ હિચકોક અને જેમ્સ બોન્ડ વિના તો મારો પત્ર તદ્દન ફિક્કો લાગશે. બીજાં ઘણાં બધાં વિષે હું લખતો જ રહીશ તો યે અંત જ નહીં આવે! એમ તો, એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર એવોર્ડઝ માટે મેં હજી ક્યાં લખ્યું છે? પણ હવે તારો વારો.

અનામિકા! તેં આ પૈકી કઈ ફિલ્મ્સ જોયેલી છે? લખજે. સસ્નેહ આશીર્વાદ.

September 13, 2007 at 5:34 am 1 comment

અનામિકાને પત્ર: 10

.

પ્રિય અનામિકા,

મઝાના સમાચાર! તારા ઈટાલિયન પ્રોફેસરની પુત્રી વડોદરાની ઊડતી મુલાકાતે આવી રહી છે! તેના કલાપ્રેમને વડોદરા સમ સંસ્કાર નગરીમાં પુષ્ટિ મળશે. વડોદરા વિષે તારા પ્રશ્નોના સંદર્ભમાં આ પત્ર તને લખી રહ્યો છું.

અનામિકા! વડોદરાનું નામ પડતાં જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું સ્મરણ થાય. વડોદરાને સંસ્કૃતિક્ષેત્રે તેમજ કલાક્ષેત્રે વિશ્વભરમાં નામના અપાવવાનું શ્રેય મહારાજા સયાજીરાવ ગાયકવાડને જાય છે.

1870માં વડોદરાના મહારાજા ખંડેરાવ અપુત્ર મૃત્યુ પામ્યા. તેમના ભાઈ મલ્હારરાવ ગાદી સંભાળી ન શક્યા. તેથી અંગ્રેજ શાસકોએ સ્વ. ખંડેરાવના મહારાણી જમનાબાઈને દત્તક પુત્ર લેવાની છૂટ આપી. રાજવી કુટુંબને છાજે તેવી ઉચિત વિધિ-કસોટીઓને અંતે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના મનમાડ પાસેના કવળાણા ગામના બાર વર્ષના કુમાર ગોપાળરાવની રાજ્યગાદીના વારસ તરીકે પસંદગી થઈ. 1863ના 17મી માર્ચે જન્મેલા ગોપાળરાવ સયાજીરાવ ગાયકવાડ ત્રીજા તરીકે ઓળખાયા.

1875માં બાર વર્ષના સયાજીરાવ ની વડોદરાના ભાવિ રાજવી તરીકે શિક્ષા-કેળવણીની શરૂઆત થઈ. સયાજીરાવે ગુજરાતી-અંગ્રેજી ભાષાથી માંડીને ઈતિહાસ, અર્થશાસ્ત્ર, ગણિત-રસાયણશાસ્ત્ર તેમજ રાજ્યકારભાર જેવા વિષયોનો અભ્યાસ કર્યો.

ઓક્ટોબર 28, 1881. સયાજીરાવ ગાયકવાડ તૃતીયનો વડોદરાના મહારાજા તરીકે વિધિવત્ રાજ્યાભિષેક કરવામાં આવ્યો. તે સમયે વડોદરા રાજ્યની સત્તા હેઠળ વડોદરા ઉપરાંત નવસારી, અમરેલી, પાટણ, વડનગર, કડી વગેરે પ્રદેશો હતા.

અનામિકા! તું જાણે છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ પ્રજાવત્સલ અને કર્મનિષ્ઠ રાજવી હતા. તેમણે વડોદરા રાજ્ય અને પ્રજાના કલ્યાણ માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક વિકાસયોજનાઓ હાથ ધરી. રાજ્યભરમાં રસ્તાઓ, ઈમારતો, શાળાઓ અને લાયબ્રેરીઓને પ્રાધાન્ય આપ્યું. સયાજીરાવે 1879માં વડોદરા ખાતે 113 એકરનો વિશાળ સયાજીબાગ પ્રજાને અર્પણ કર્યો. સુંદર ફૂલ-છોડથી સુશોભિત વડોદરાના સયાજીબાગ (કમાટીબાગ)ની ગણના ભારતના શ્રેષ્ઠ ઉદ્યાનોમાં થઈ ચૂકી છે.

આ જ વર્ષમાં વડોદરા કોલેજનો પાયો નખાયો.

વડોદરા કોલેજ આજે એમ. એસ. યુનિવર્સિટી (મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી) તરીકે વિસ્તરેલ છે. 1890 સુધીમાં કોલેજમાં આર્ટસ, સાયંસ, એગ્રીકલ્ચરમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ થયા. લલિત કલાઓના વિભાગો શરૂ થયા. વડોદરાનું કલાભવન જગપ્રસિદ્ધ બન્યું.

વડોદરા સાથે કંઈ કેટલાય સુસંસ્કૃત મહાનુભાવો સંકળાયેલા છે. મહર્ષિ અરવિંદ, કવિ “કાંત”, દાદાસાહેબ ફાળકે, રાજા રવિવર્મા, યુરોપનો પ્રસિદ્ધ કલાકાર ફેલિચી …. અને બીજા ઘણા બધા!.

મહારાજા સયાજીરાવે નામી-અનામી કલાકારોને રાજ્યાશ્રય આપી કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. મહારાજા સયાજીરાવની નિશ્રામાં વિખ્યાત ઈટાલિયન કલાકાર ફેલિચી, બંગાળી શિલ્પી ફણીન્દ્રનાથ બોઝ, પ્રસિદ્ધ ચિત્રકાર રાજા રવિવર્મા, સંગીતજ્ઞ ઉસ્તાદ ફૈયાઝખાં વગેરે સમાવિષ્ટ છે. ફણીન્દ્રનાથ બોઝની કલાની પ્રશંસા તો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર પણ કરી ચૂક્યા છે. મહારાજાએ વિશ્વના ચિત્તાકર્ષક શિલ્પ-તૈલચિત્રોની પ્રતિકૃતિઓ કરાવી. ઈટાલીના કલાધામ વેનિસના કલાકાર ફેલિચીએ વડોદરાના રાજમહેલમાં રહીને કાંસા અને સંગેમરમરનાં ખૂબસૂરત શિલ્પ રચ્યાં; મૂર્તિઓ બનાવી; મનોહર તૈલચિત્રો પણ રચ્યાં. તને ખબર છે, અનામિકા, કે રાજા રવિવર્માએ વડોદરામાં રહીને જ આપણા દેશના પ્રથમ પૌરાણિક તૈલચિત્રોના નિર્માણની શરૂઆત કરી હતી? ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાળકેએ વડોદરાના કલાભવન ખાતે વિવિધ કલાઓનો અભ્યાસ કર્યો. મહર્ષિ અરવિંદને પણ મહારાજા સયાજીરાવે જ નિમંત્ર્યા હતા ને! સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ વડોદરાના કલાભવનમાં સાહિત્યશાસ્ત્રના અધ્યાપક હતા. આપણા બંધારણના અગ્રગણ્ય ઘડવૈયા પૈકી એક બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (બી. આર. આંબેડકર)ની પ્રગતિમાં વડોદરાના સયાજીરાવ ગાયકવાડનો ફાળો મહત્ત્વપૂર્ણ છે.

અનામિકા! સંસ્કારનગરી વડોદરા આવનાર જો તેનાં મુઝિયમ્સની મુલાકાતે ન જાય તો ફેરો અફળ જાય! પેલેસ મ્યુઝિયમ તથા સયાજીબાગ સ્થિત મ્યુઝિયમ અદભુત કલાકૃતિઓનો સંગ્રહ ધરાવે છે. તારી ઈટાલિયન મિત્રને જરૂર ભલામણ કરજે. સપ્રેમ આશીર્વાદ.

January 3, 2007 at 5:24 pm 3 comments


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

Blog Stats

  • 15,328 hits

Follow

Get every new post delivered to your Inbox.