Posts filed under 'વિષય: જીવનકથા'

અનામિકાને પત્ર: 35

* 

.

પ્રિય અનામિકા,

અમદાવાદના નાટ્યગૃહ જયશંકર સુંદરી હૉલ ના સમાચાર અમેરિકા તમારા સુધી પહોંચ્યા તે વાતથી મને શરમ સાથે વ્યથા થાય છે.

ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓની -થિયેટ્રીકલ એક્ટિવિટીઝની ઉપેક્ષાનો ચિતાર જયશંકર સુંદરી હૉલની કરુણ દુર્દશા પરથી મળે!

એક જમાનામાં અમદાવાદમાં ટાઉન હૉલ, પ્રેમાભાઈ હૉલ, ટાગોર હૉલ, જયશંકર સુંદરી હૉલ,  ઠાકોરભાઈ દેસાઈ હૉલ,… પ્રત્યેકનું સ્થાન હતું. અમે નાનાં હતાં, ત્યારે અમારી શાળાનો વાર્ષિકોત્સવ અમદાવાદમાં ટાઉન હૉલમાં ઉજવાતો.. કેવું સરસ! શાળાજીવનથી વિદ્યાર્થીને સંગીત- નૃત્ય- નાટ્ય-લલિતકલા પ્રવૃત્તિઓ સાથે સાંકળવો તે દૂરદર્શિતાભર્યું શિક્ષણ. અનામિકા! આજે ગુજરાતમાં, અમદાવાદમાં એક પછી એક હૉલની રોશની બુઝાતી જાય છે તે ગુજરાતી રંગભૂમિની કરુણતા નથી?

કવિ નાટ્યકાર દલપતરામના લક્ષ્મી કે  સ્ત્રીસંભાષણ જેવાં નાટકો વિશે ગુજરાતમાં બહુ ઓછા જાણતા હશે. નગીનદાસ મારફતિયા કે રણછોડભાઈ ઉદયરામ દવેનાં નામથી કેટલાં  ગુજરાતી પરિચિત હશે?

ગુજરાતી ભાષાની રંગભૂમિનો પાયો નાખનાર વાઘજી ઓઝા મૂળજી ઓઝા તથા ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતની નવી પેઢી ઓળખશે ખરી? 

એક આશ્વાસન છે -ચાલો, જયશંકર સુંદરી હૉલની અવગતિના સમાચાર સાથે યુવાન ગુજરાતીઓ જયશંકર સુંદરી કોણ? આવા પ્રશ્નો કરતાં તો થયાં.

અનામિકા! જયશંકર સુંદરીનું મૂળ નામ જયશંકર ભૂદરદાસ ભોજક.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે વિસનગરમાં 1889માં જયશંકર ભોજકનો જન્મ. માત્ર નવ વર્ષની કુમળી વયે જયશંકર મુંબઈમાં પારસી-ઉર્દુ નાટક મંડળીમાં જોડાયા, પણ ટૂંક સમયમાં પારસી કંપની છોડી મુંબઈ ગુજરાતી નાટક મંડળી માં જોડાયા.

1901માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ સૌભાગ્યસુંદરી નામક નાટક તૈયાર કર્યું. તેમાં સુંદરી તરીકે મુખ્ય સ્ત્રી પાત્રમાં માત્ર બાર વર્ષના જયશંકરનો અભિનય લાજવાબ હતો.

જયશંકર ભારે ચાપચીપથી આકર્ષક ઢબે સાડી પહેરતા, સ્ત્રીસહજ  હાવભાવથી અભિનય કરતા, મદીલાં ગીતો ગાતા; શૃંગારરસ એવો તો જન્માવતા કે પ્રેક્ષકો તેમના પર ઓળઘોળ થઈ જતાં.

અનામિકા! તને નવાઈ લાગશે કે સૌભાગ્યસુંદરી નાટકમાં ચાળીસથી વધુ ગીતો હતાં. તેમાં સત્તરેક ગીતો જયશંકર ગાતા.

અભિનયમાં ઓતપ્રોત થઈ જયશંકર ‘સુંદરી’ ના પાત્રને એવું ભજવતા રહ્યા કે લોકો હવે તેમને જયશંકર ભોજકના બદલે જયશંકર સુંદરી તરીકે ઓળખવા લાગ્યા.

સૌભાગ્યસુંદરી નાટકને સમગ્ર ગુજરાતી સમાજમાં સાર્વત્રિક આવકાર મળ્યો. આજે કોઈ માની ન શકે, અનામિકા,  કે તે જમાનામાં માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તે નાટકના દોઢસોથી વધુ શો થયા. જયશંકર સુંદરી સાથે બાપુલાલ નાયક નામના સહ-કલાકારની જોડી ખૂબ જામી. તે પછી 1904માં કામલતા નાટકમાં પણ જયશંકર સુંદરી અને બાપુલાલની જોડીએ નાટકને ચાર ચાંદ લગાવી દીધા! કામલતા નાટક મુંબઈના ગેઈટી થિયેટરમાં ભજવાયેલું.

વીસેક વર્ષ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં કામ કરી જયશંકર સુંદરી આર્ય સુબોધ નાટક મંડળીમાં બે-ત્રણ વર્ષ રહ્યા; વળી પાછા મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાઈ નાટકો કરતા રહ્યા.

ગુજરાતી સ્ટેજ પર અભિનયનાં ઓજસ પાથરી જયશંકર સુંદરીએ 1932માં ગુજરાતી થિયેટરને રામ રામ કર્યા.

અનામિકા! આપણા સદભાગ્યની વાત કે ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિને નવલો ઓપ આપવાનું નક્કર કામ જયશંકર સુંદરીએ નિવૃત્તિ પછી પણ કર્મઠતાથી કર્યું.

ગુજરાતને, ગુજરાતી રંગભૂમિને જયશંકર સુંદરીએ બક્ષેલાં નવલાં નજરાણાંની વાત હવે પછીના પત્રમાં …. સપ્રેમ આશીર્વાદ.

*  *  *


Add comment January 7, 2008

અનામિકાને પત્ર: 34

 .

પ્રિય અનામિકા,

શ્રી અરવિંદની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની જીવનયાત્રા પર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ.

બારેક વર્ષની ઉંમરે શ્રી અરવિંદ લંડન પહોંચ્યા અને તેમણે સેંટ પૉલ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં શ્રી અરવિંદનો અભ્યાસ અંગ્રેજી, ફ્રેંચ, લેટિન ઉપરાંત ગ્રીક, ઇટાલિયન અને જર્મન ભાષામાં પણ વિસ્તર્યો. આ વર્ષોમાં પિતા તરફથી આર્થિક સહાય જરા અનિયમિત થતાં તેમને ભારે હાડમારીઓ ભોગવવી પડી. ક્યારેક કડકડતી ઠંડીથી બચવા તેમની પાસે ઓવરકોટ ન હોય તો ક્યારેક એક ટંકનું ભોજન પણ જતું કરવું પડે તેવી સ્થિતિ આવી જતી.

અનામિકા! આવા સંજોગોમાં શ્રી અરવિંદને ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજની સ્કોલરશીપ મળી.

કિંગ્સ કોલેજમાં ભણતાં શ્રી અરવિંદની આંખોમાં ઇટાલીનો મેઝિની તથા ફ્રાંસની જોન ઓફ આર્ક વસતાં! યુવાન અરવિંદની સમક્ષ ફ્રેંચ અને અમેરિકન ક્રાંતિના દ્રશ્યો તરવરતાં રહેતાં!

પોતાની માતૃભૂમિ – હિંદુસ્તાનની ધરતીની સ્વતંત્રતા માટે શ્રી અરવિંદનું મન વિચારોથી ઊભરાઈ જાતું!

લંડન-નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા. અનામિકા! ગુજરાતના પ્રતિષ્ઠિત વડોદરા રાજ્યની સેવામાં જોડાવાનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું આમંત્રણ શ્રી અરવિંદને રુચિકર લાગ્યું અને તેમણે સ્વીકાર્યું પણ ખરું.

શ્રી અરવિંદ 1893ના ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડથી હિંદુસ્તાન જવા સ્ટીમર દ્વારા નીકળ્યા. દુર્ભાગ્યવશ સમાચારની આપલેમાં ગેરસમજના લીધે તેમની સ્ટીમર રસ્તામાં ડૂબી ગઈ હોવાના ખોટા સમાચાર તેમના પિતાને મળ્યા. શ્રી અરવિંદના પિતા આઘાત સહન ન કરી શક્યા અને પુત્રના સ્વદેશાગમન પહેલાં જ મૃત્યુ પામ્યા.

નસીબની બીજી કરુણતા એ કે શ્રી અરવિંદના માતાની માનસિક સ્થિતિ ઠીક રહેતી ન હતી. ક્યારેક સ્નેહી-પરિચિતોને ઓળખવા જેટલી સુધબુધ પણ તેમનામાં ન રહેતી!!

અનામિકા! શ્રી અરવિંદ સ્વદેશ આવ્યા તો ખરા. પરંતુ બાળપણમાં ખોયેલા માતા-પિતાને શ્રી અરવિંદ ફરી ક્યારે ય અસલ સ્વરૂપમાં પામી ન શક્યા!  આ કેવી વિધિની વક્રતા!

સ્ટીમરથી સમુદ્રમાર્ગે  મુંબઈ આવેલા શ્રી અરવિંદ ટ્રેઇન દ્વારા સીધા જ વડોદરા (ગુજરાત) પહોંચ્યા.

આમ, ઇંગ્લેંડથી માતૃભૂમિ હિંદુસ્તાન આવેલા મહાયોગી શ્રી અરવિંદનું પ્રથમ કાર્યક્ષેત્ર ગુજરાત બન્યું. અનામિકા! આ પત્રો વાંચીને શ્રી અરવિંદના જીવન ઘડતર વિશે તારી જિજ્ઞાસા જરૂર સંતોષાશે. અહીં-ત્યાં સર્વત્ર ઠંડી કાતિલ છે. સાચવજો.

સસ્નેહ આશીર્વાદ.

* *  ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સર્વપ્રથમ પત્રશ્રેણી ‘અનામિકાને પત્રો’ આપ હરીશ દવે દ્વારા પ્રકાશિત “અનામિકા” બ્લોગ (http://gujarat2.wordpress.com) પર વાંચી રહ્યાછો. આપ “અનામિકા” બ્લોગનું યુઆરએલ/ વેબએડ્રેસ ચકાસી લેશો? ધન્યવાદ.  * * * *

* * * *


Add comment December 19, 2007

અનામિકાને પત્ર: 33

.

પ્રિય અનામિકા,

મહાયોગી શ્રી અરવિંદની જીવનકથા વિશે તારા પ્રશ્નો મળ્યા. મારા ગયા પત્રના કેટલાક મુદ્દાઓ પર વિગતો તું ઇચ્છે છે. તેથી તે સંદર્ભે વાત આજે આગળ ચલાવું છું.

મહાયોગીની બાલ્યાવસ્થાથી યુવાવસ્થાના જીવનઘડતર વિશે સાધકોને તારી માફક જ ઘણી ઉત્કંઠા રહે છે. શ્રી અરવિંદની ફિલોસોફીના અભ્યાસીઓને તેમના પૂર્વાશ્રમ વિશે જિજ્ઞાસા રહે છે.

અનામિકા! આગલા પત્રમાં મેં મહાયોગી શ્રી અરવિંદના ઇંગ્લેન્ડ-નિવાસની રૂપરેખા આપી હતી. આજે તેના પર થોડો વિશેષ પ્રકાશ પાડીએ.

મારી દ્રષ્ટિએ શ્રી અરવિંદના જીવનમાં શરૂઆતનાં વીસ વર્ષોનું આગવું મહત્વ છે. કેવી રીતે? સમજાવું.

સૌ પહેલાં શ્રી અરવિંદના હિંદમાં બાળપણનાં છ-સાત વર્ષની વાત કરીએ. અનામિકા! પાશ્ચાત્ય સભ્યતામાં મોહાંધ પિતા ડો. કૃષ્ણધન ઘોષ પોતાનાં બાળકોને ઇંગ્લિશ રીતભાતમાં પલોટવા ઇચ્છતા હતા. હદ તો એ કે સૌથી નાના બાળક અરવિંદનું અંગ્રેજી નામ તેમણે ‘Akroyd’ રાખ્યું. તેમણે બાળકો માટે ઇંગ્લિશ ગવર્નેસ (Miss Pagett) રાખી.

ડોકટર પિતાએ વિદેશી ઢબે શિક્ષણ માટે પાંચ વર્ષના અરવિંદને દાર્જિલિંગની આઇરિશ કોન્વેન્ટ સ્કૂલમાં મૂક્યા. બે વર્ષમાં તો ડો. કૃષ્ણધન ઘોષે પોતાનાં ત્રણે મોટાં બાળકોનો સંપૂર્ણ ઉછેર ઇંગ્લેન્ડમાં કરવા નિર્ધાર કર્યો.

તું જાણે છે, અનામિકા! સાત વર્ષની ઉંમરે બાળક અરવિંદ બે મોટા ભાઈઓ સાથે હિંદુસ્તાન છોડી ઇંગ્લેન્ડ આવ્યા. યુરોપ ખંડનું પાશ્ચાત્ય વાતાવરણ. અજાણ્યો દેશ, અજાણી રહેણીકરણી. ઇંગ્લિશ શિસ્તના ચોકઠામાં અંગ્રેજી ક્રિશ્ચિયન પાદરી (clergyman) કુટુંબમાં ઉછેર.

ઇંગ્લેન્ડમાં શ્રી અરવિંદ પર દેશ, જાતિ, સમાજ, ધર્મ, રૂઢિ, કુટુંબ – કોઈ પરિબળનો પ્રભાવ ન હતો; તેમને કોઈ બંધન ન હતાં.

અનામિકા! કદાચ અહીં જ તેમને અંતર્નાદ સંભળાયા હશે, કદાચ અહીં જ તેમના આત્મદર્શનની પૂર્વભૂમિકા બંધાઈ હશે.

ન કુટુંબની હૂંફ, ન પિતાની છત્રછાયા, ન માતાનો પ્રેમ. જ્યાં સર્વત્ર સર્વ કાંઈ ‘અ-પોતીકું’, ત્યાં ‘સ્વત્વ’ની મહત્તા પારખવી અને તેને વિકસિત કરવી તે બાળ અરવિંદની મહાન સિદ્ધિ હતી. અંતરનો અવાજ સાંભળીને તેમણે મુક્ત આત્માના નિર્બંધપણાની અનુભૂતિ કરી હશે. પરતંત્રપણાના ફંદામાં સ્વાતંત્ર્યની અહેમિયત તેમણે પારખી હશે.

હિંદુસ્તાનને આઝાદ જોવાનું શ્રી અરવિંદનું સ્વપ્ન ઇંગ્લેન્ડમાં અંકુરિત થયું હશે તેવો મને વિશ્વાસ છે.

અનામિકા! તું જાણે છે કે બાળ અરવિંદ ઇંગ્લેન્ડના માંચેસ્ટરમાં અંગ્રેજી ખ્રિસ્તી કુટુંબમાં ઉછર્યા. આમ છતાં પિતા ઉદાર મતવાદી અને દૂરદર્શી હોવાથી તેમના પર કોઈ ધાર્મિક આચાર-વિચાર થોપાયા ન હતા. અભ્યાસ દરમ્યાન અંગ્રેજી ભાષામાં પારંગત બનવા સાથે સાથે તેમણે ફ્રેંચ અને લેટિન ભાષામાં હથોટી મેળવી. બાર વર્ષની ઉંમરે શ્રી અરવિંદ માંચેસ્ટર છોડી લંડન આવ્યા.

શ્રી અરવિંદના જીવનની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની યાત્રા હવે પછીના પત્રમાં.

અનામિકા! તમારે ત્યાં બરફવર્ષા સાથે ઠંડી વધી છે, તો સંભાળીને રહેશો. સસ્નેહ આશીર્વાદ.

.


Add comment December 9, 2007

અનામિકાને પત્ર: 32

.

પ્રિય અનામિકા,

શ્રી અરવિંદ દર્શન પરનાં વ્યાખ્યાનોનો તેં લાભ લીધો તે એક સત્કર્મ જ ગણાય.

મહાયોગી શ્રી અરવિંદ વિશે તને થયા તેવા પ્રશ્નો ઘણા જિજ્ઞાસુઓને થાય છે. શ્રી અરવિંદના અધ્યાત્મચિંતન અને ફિલોસોફીના અભ્યાસી સાધકો પણ શ્રી અરવિંદના પૂર્વાશ્રમ વિશે, ખાસ કરીને બાલ્યાવસ્થા વિશે થોડું જાણે છે.

શ્રી અરવિંદનો જન્મ ઈસ 1872ની પંદરમી ઑગસ્ટના દિને બંગાળના કલકત્તામાં થયો હતો.

તેમના પિતાનું નામ ડો. કૃષ્ણધન ઘોષ. ડો. કૃષ્ણધન ઘોષ કલકત્તાની મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ મેળવી 1859માં ડોક્ટર થયા. યુવાન અને મહત્વાકાંક્ષી ડો. કૃષ્ણધન ઉચ્ચ અભ્યાસાર્થે વિલાયત (ઇંગ્લેંડ) ગયા. ઇંગ્લેંડમાં નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરી, સર્જન બની ડો. કૃષ્ણધન ભારત પાછા ફર્યા. ઉત્તર-પૂર્વ હિંદુસ્તાનમાં તેમણે સર્જન તરીકે નામના મેળવી.

ડો. કૃષ્ણધનનાં લગ્ન બંગાળના સામાજીક આગેવાન રાજનારાયણ બોઝનાં પુત્રી સ્વર્ણલતાદેવી સાથે થયાં. સ્વર્ણલતાદેવી વિદ્વત્તાનો અવતાર હતાં.

અનામિકા! મોટી નવાઈની વાત એ કે શ્રી અરવિંદના પિતા ડો. કૃષ્ણધન પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ઇંગ્લિશ સમાજથી ભારે પ્રભાવિત હતા. સંતાનોનો ઉછેર અંગ્રેજી ઢબ-છબથી થાય તે માટે તેમણે પોતાના ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેન્ડ મોકલવા નિર્ણય કર્યો.

1879માં શ્રી અરવિંદની ઉંમર સાતેક વર્ષની હતી ત્યારે ડો. કૃષ્ણધન અને સ્વર્ણલતાદેવી પોતાનાં ચાર સંતાનો -ત્રણ પુત્રો અને પુત્રી સરોજિની –ને લઈ ઇંગ્લેંડ પહોંચ્યાં. અનામિકા! એક મહત્વની ઘટના એ ઘટી કે ઇંગ્લેંડમાં જ સ્વર્ણલતાદેવીએ પોતાના ચોથા પુત્રને જન્મ આપ્યો (આ ચોથા પુત્ર તે શ્રી અરવિંદના સૌથી નાના ભાઈ અને બંગાળના ક્રાંતિવીર બારીન્દ્ર ઘોષ).

ઘોષ દંપતિએ ત્રણ મોટા પુત્રોને ઇંગ્લેંડના માંચેસ્ટરમાં એક પાદરીને ત્યાં ઉછેર માટે મૂક્યા. બધી વ્યવસ્થા કરી, ડો. કૃષ્ણધન પત્ની સાથે સરોજિની અને બાળ બારીન્દ્રને લઈ ભારત પાછા ફર્યા.

ઇંગ્લેંડમાં રહી ભાઈઓ સાથે શ્રી અરવિંદ અભ્યાસ દરમ્યાન વિવિધ વિષયોનું જ્ઞાન મેળવતા ગયા. શ્રી અરવિંદ અંગ્રેજી ઉપરાંત પ્રાચીન-અર્વાચીન ભાષાઓ ગ્રીક , લેટિન, ફ્રેંચ, ઇટાલિયન અને જર્મનમાં પારંગત બન્યા.

ચૌદ વર્ષ ઇંગ્લેંડમાં ગાળી શ્રી અરવિંદ એકવીસ વર્ષની ઉંમરે 1893ના ફેબ્રુઆરીમાં ભારત પાછા ફર્યા.

અનામિકા! આ શ્રી અરવિંદના બાળપણની એક ઝલક. તેમની પૂરી જીવનઝાંખી રોમાંચક છે.

પણ ફરી ક્યારેક બીજી વાતો. સસ્નેહ આશીર્વાદ.

.


4 comments November 15, 2007

અનામિકાને પત્ર: 31

.

પ્રિય અનામિકા,

ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) વિષેનો મારો પત્ર ફળદાયી નીવડ્યો! ખુશી થઈ. ગુર્જિયેફનો સંબંધ કેથેરાઇન મેન્સફિલ્ડ સુધી જોડનાર તે ફ્રેંચ મિત્રને મારાં અભિનંદન કહેજે.

કેથેરાઇન મેન્સફિલ્ડ મેં વાંચેલ કદાચ એક માત્ર ન્યૂઝીલેંડનાં લેખિકા છે. કેથેરાઇન મેન્સફિલ્ડની ટૂંકી વાર્તાઓ- શોર્ટ સ્ટોરીઝ ભલે સંવેદનાસભર ગણાય, પણ મને તેમની ડાયરી જર્નલ વધારે સ્પર્શી ગઈ છે.

કેથેરાઇન મેન્સફિલ્ડ ન્યૂઝીલેંડના વતની.

અનામિકા! ન્યૂઝીલેંડની રાજધાની વેલિંગ્ટન શહેર એક બંદર છે.

ઈ.સ. 1888માં દરિયાકાંઠાના આ શહેર વેલિંગ્ટનના એક શ્રીમંત વેપારીને ત્યાં કેથેરાઇન મેન્સફિલ્ડનો જન્મ.

બાળપણથી કેથેરાઇન સુસ્ત,  નિરુત્સાહી અને ઓછાબોલા. અતડા જ કહેવાય તેવા એકાકી. સમુદ્રના અફાટ જળરાશિ પર વિસ્તરતા આકાશને જોઈ રહે. સમુદ્રકાંઠે ટેકરીઓ અને ઝાડપાનથી સર્જાતા આકારોમાં કલ્પનાના રંગો ભરે.

અનામિકા! કેથેરાઇનના અંતર્મુખી સ્વભાવે તેમને પુસ્તકો પ્રતિ દોર્યા. વાચનથી તેમના સ્વભાવમાં ઑર ગંભીરતા આવી. ચૌદ વર્ષની ઉંમરે  કેથેરાઇન અભ્યાસાર્થે લંડન (ઇંગ્લેન્ડ) આવ્યાં. લંડનની ક્વીન્સ કોલેજમાં કેથેરાઇનના વ્યક્તિત્વ અને વિચારશક્તિ પાંગરી ઊઠ્યાં. તેમની લેખન શક્તિ ખીલવા લાગી.

અભ્યાસ પૂરો થતાં ન્યૂઝીલેંડ પરત ફરેલ યૌવનાનું મન હવે વેલિંગ્ટનના બંધનોમાં ક્યાંથી લાગે? કેથેરાઇન ફરી લંડન પહોંચ્યાં. યુવાન અને સૌંદર્યવાન કેથેરાઇન યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં. ક્યાં ન્યૂઝીલેંડના વેલિંગ્ટનનું બંધિયાર સામાજિક જીવન અને ક્યાં લંડનની ઉન્મુક્ત સ્વચ્છંદતા!

અનામિકા! તું સમજી શકીશ, કે પછી ન બનવા જેવું બધું જ બનતું ગયું. આર્નોલ્ડ ટ્રોવેલ લંડનનો એક સંગીતશોખીન વાયોલિનવાદક. આર્નોલ્ડના પ્રેમમાં પડેલ કેથેરાઈન જોતજોતામાં તેના ભાઈ ગાર્નેટ પાછળ ઘેલાં બન્યાં. ગાર્નેટથી ગર્ભવતી બનેલ કેથેરાઈનને પ્રેમસંબંધોએ તરછોડી દીધી. હવે સહારો શોધી રહેલ પ્રેમભૂખી યૌવનાએ જ્યોર્જ બોડેન નામક અજાણ્યા સાથે લગ્ન કર્યાં; એક જ દિવસમાં બંને જુદાં થયાં! શરીરે અને મનથી ભાંગી પડેલ કેથેરાઇનને ગર્ભપાત થયો; ઉન્મુક્ત સ્વચ્છંદી વ્યવહારને પરિણામે શરીરને ભયાનક રોગે ગ્રસી લીધું.

ચોમેર હતાશાથી ઘેરાયેલા કેથેરાઇનના જીવનમાં જહોન મરી નામક પ્રેમાળ યુવાન નવી આશા લઈ આવ્યો. કેથેરાઇનનાં જહોન સાથેનાં લગ્ન મૃત્યુ પર્યંત ટક્યાં. અનામિકા! દુ:ખદ વાત એ કે લગ્ન પછી યે તેમના જીવનમાં કડવાશ અને વેદના તો રહ્યાં જ. 1917માં કેથેરાઇનને ટ્યુબરક્યુલોસિસ (ટી.બી.) થયો

તેમણે ફ્રાન્સમાં નિવાસ કર્યો. છ વર્ષ સુધી ટી.બી.ના અસાધ્ય રોગ સામે કેથેરાઇન જંગ ખેલતાં રહ્યાં.

આખરી દિવસોમાં કેથેરાઇન ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) ના શરણમાં પેરિસના નવસ્થાપિત ઇન્સ્ટીટ્યુટ પહોંચ્યાં.

ફ્રાંસના પેરિસ નજીક ફોન્ટેન્બ્લુ-એવન (ફોન્ટેન્બ્લો-એવન, પેરિસ) ખાતે ગુર્જિયેફ (ગુર્જિફ અથવા ગુર્જેફ) દ્વારા ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેંટ ઓફ મેન ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જીવનસત્વ ગુમાવી બેઠેલ કેથેરાઇન માટે કોઈ ઉપચાર કારગત ન હતો. રક્તસ્રાવ હેમરેજ-  થયા પછી કેથેરાઇન મેન્સફિલ્ડનું અવસાન થયું.

અનામિકા! માત્ર ચોત્રીસ વર્ષની ઉંમરે 1923ના જાન્યુઆરીની 9મી તારીખે ન્યૂઝીલેંડના અંગ્રેજી ભાષાના આ મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડ દુનિયા છોડી ગયાં.

તેમના મૃત્યુ પછી તેમના પતિ જહોન મરીએ તેમની ડાયરીઓ વ્યવસ્થિત કરી. 1927માં ધ જર્નલ ઓફ કેથેરાઇન મેન્સફિલ્ડ પુસ્તક પ્રગટ થયું.

ન્યુઝીલેંડનાં ગૌરવ સમાન મહાન લેખિકા કેથેરાઇન મેન્સફિલ્ડની સ્મૃતિમાં તે દેશનાં સાહિત્યજગતમાં બે ઉચ્ચ પારિતોષિકો પ્રતિવર્ષ આપવામાં આવે છે.

અનામિકા! છે ને હૃદયના તાર ઝણઝણાવે તેવી દર્દભરી કહાણી? સસ્નેહ આશીર્વાદ.

*   *    **    *   **

Katherine Mansfield (1888 – 1923) 

Wellington, New Zealand  

John Murry  

Gurdjieff   

Institute for the Harmonious Development of Man  

Fontainebleau-Avon, Paris, France

.


Add comment October 24, 2007

અનામિકાને પત્ર: 9 Anamika: 9

.

પ્રિય અનામિકા,

તમારો અચાનક ફોન આવતાં આશ્ચર્ય જરૂર થયું હતું. અમરે “લગે રહો મુન્નાભાઈ”ની વાત કરી તો આનંદ થયો.

તમે તમારા ભારતીય મિત્રો સાથે “લગે રહો મુન્નાભાઈ” માણી. સૌએ જોવી જોઈએ. મહાત્મા ગાંધીના વિચારો પર આધારિત આ ફિલ્મ બધાને સ્પર્શવી જ જોઈએ.

ગાંધીજીના આદર્શો રમૂજ સાથે વ્યક્ત કરવામાં વિધૂ વિનોદ ચોપરા તથા હીરાણી સફળ થયા છે. સ્ક્રીપ્ટ અને ડાયલોગ સામાન્ય પ્રેક્ષકને ગળે ઊતરે તેવા. તારી ચકોર આંખોએ અભિજાત જોશીનું નામ પકડી પાડ્યું તે સરસ! અભિજાત જોશી જેવા આપણા ગુજરાતી મિત્રોના સિનેમા ક્ષેત્રે પ્રદાન માટે આપણને જરૂર ગર્વ થાય!

તું તારા દેશી-વિદેશી મિત્રો સાથે ભારતીય ફિલ્મો પર ચર્ચાનું આયોજન કરવા વિચારે છે. એક આવકારદાયક પ્રવૃત્તિ. હું મારી નોટ્સ – ડાયરીઓ – કટીંગ્સનો ખજાનો ફેંદી વળીશ. તને ઢગલો માહિતી મોકલીશ.

તું જાણે છે ફિલ્મ ક્ષેત્રે ભારતનું સ્થાન નોંધપાત્ર છે. પરંતુ તું એ જાણે છે કે ગુજરાતનો ફાળો કેટલો મોટો છે?

સૌ પ્રથમ, એક લગભગ અજાણી પણ ખૂબ જ રસપ્રદ માહિતી.

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રણેતા દાદાસાહેબ ફાલકે ગુજરાતમાં રહ્યા હતા તે હકીકત આપણામાંથી કેટલા જાણે છે?

ઓગણીસમી સદીના છેલ્લા દશકામાં દાદાસાહેબ ફાલકે વડોદરા આવ્યા. સંસ્કારધામ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત કલા ભવન તે સમયે વિશ્વવિખ્યાત હતું. અહીં દાદાસાહેબે ફોટોગ્રાફી, પેઈંટિંગ અને મેજિક વિદ્યાનો અભ્યાસ કર્યો. થોડો સમય ગોધરા જઈને રહ્યા. ત્યાં ફોટોગ્રાફી શરૂ કરી. અહીં લેંડસ્કેપ અને પોર્ટ્રેટમાં તેમણે કુશળતા મેળવી.. આ અરસામાં તેમણે પ્લેગના ભયાનક રોગચાળામાં પોતાની પ્રિય પત્ની તથા બાળકને ગુમાવ્યાં! તેમણે ગુજરાત છોડ્યું. તે પછી દાદાસાહેબ ચલચિત્રો તરફ વળ્યા અને ઈતિહાસ રચ્યો તે તો સૌ કોઈ જાણે છે.

આપણે ગર્વ લેવો જોઈએ કે દાદાસાહેબ ફાલકેની કારકિર્દીના ઘડતરમાં ગુજરાતનો ફાળો છે.

દાદાસાહેબની પ્રથમ ફિલ્મ (ચલચિત્ર) “રાજા હરિશ્ચંદ્ર”. મુંબઈમાં આ ચલચિત્ર રજૂ થયું 1913માં.

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રારંભ સાથે જ અનેક ગુજરાતીઓએ આ ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાં શારદા ફિલ્મ કંપનીના ભોગીલાલ દવે, મોહન પિક્ચર્સના મોહનલાલ દવે, સાગર મુવિટોનના ચિમનલાલ દેસાઈ, કૃષ્ણ મુવિટોનના માણેકલાલ પટેલ, ગુજરાતી લેખક-રાજકારણી ઈન્દુલાલ યાજ્ઞિક, રણજીત ફિલ્મ્સના સરદાર ચંદુલાલ શાહ …. હજી બીજાં કેટલાં નામ ઉમેરી શકાય! આ સૌ ગુજરાતીઓએ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો.

આપણે મુંબઈના બોલિવુડની આધુનિક ઝાકમઝાળમાં ફિલ્મ ક્ષેત્રે ગુજરાતીઓની અનોખી સિદ્ધિઓ ભૂલી ગયા છીએ. પરંતુ તું તારા ભારતીય-અમેરિકન પરિચિતોને આ વાત જણાવજે અને સૌને તેનો પ્રચાર કરવા કહેજે. તારા દેશી- વિદેશી મિત્રોને મેઈલ કરે ત્યારે આ વાત જરૂર ઉમેરજે.

સપ્રેમ …. શુભાશિષ.

——————


4 comments December 23, 2006

અનામિકાને પત્ર: 4

.

પ્રિય અનામિકા,

તને જગતમાં નવો ચીલો ચાતરનારા, દુનિયાને દોરનારા પથપ્રદર્શકોની વાતમાં રસ પડ્યો તે મે જાણ્યું. આવા વિરલાઓ તથા દુનિયાને પલટાવનારી ઘટનાઓ અને તેમનાં પ્રેરક પરિબળો વિષે જાણવાની કેવી મજા આવે!

તારા નવા પાડોશી રશિયન છે અને તમારે સારો ઘરોબો કેળવાતો જાય છે તે સરસ વાત.

તારે ટોલ્સ્ટોય વિષે જાણવું છે ને? તેમની જીવનકથા તો લાંબી થઈ જાય. પણ આપણે તેમની જીવનકહાણીનો સ્કેચ - ટૂંક પરિચય તો મેળવવો જ રહ્યો; તેમના સર્જન અને કાર્યોને અસર કરતાં ઘટકો-પરિબળોને તો સમજવાં જ જોઈએ!

કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય. વિશ્વવિખ્યાત રશિયન લેખક.

ટોલ્સ્ટોયનું નામ વાંચતાં જ તેમનાં અમર પાત્રો આસપાસ ઘૂમરાવા લાગે છે. અનામિકા! તને યાદ હશે … મિડલ સ્કૂલમાં મેં તને આકુલ્યા-માલાશાની સ્ટોરી ભણાવી હતી. લેસનનું નામ હતું: “Little girls wiser than man.” મેં મારા અન્ય સ્ટુડન્ટ્સને ટોલ્સ્ટોયની બીજી કેટલીક મઝાની વાર્તાઓ ભણાવી છે: “A grain as big as a hen’s egg”; “How much land does a man need”; “What man lives by” વગેરે …

ટોલ્સ્ટોયની જીવન કહાણી રસપ્રદ છે.

ટોલ્સ્ટોયનો જન્મ 1818માં રશિયાના એક અતિ શ્રીમંત ઉમરાવ પરિવારમાં થયો હતો. નવેક વર્ષની ઉંમર સુધીમાં ટોલ્સ્ટોયે માતાપિતાની છત્રછાયા ગુમાવી.

પિતાનો ધનવૈભવનો ભવ્ય વારસો ટોલ્સ્ટોયના હાથમાં આવ્યો. 42 આલીશાન ખંડોનો ભવ્ય આવાસ; વિશાળ જાગીરદારી, સેંકડો ખેતમજૂરો પર આધિપત્ય. યુવાન ટોલ્સ્ટોય કુસંગે ચડી ગયા. પરંતુ જન્મજાત સંસ્કારને પ્રતાપે તેમના મનમાં ભલા-બૂરા પર મનોમંથન ચાલ્યા કરતું.

તે સમયે રશિયામાં આપખુદ શાસક ઝારનું રાજ્ય હતું. અન્યાયી, જુલ્મી શાસન. પ્રજા અવાજ ઉઠાવતી તો ઝારની સેના નિર્દયતાથી વિરોધને કચડી નાખતી. એક ઉમરાવ-પુત્રના નાતે ટોલ્સ્ટોય ઝારની સેનામાં જોડાયા. યુદ્ધમોરચા પરની ભીષણતા તેમણે નજરે નિહાળી. યુદ્ધની વિનાશકતા અને માનવીની બર્બરતાથી દ્રવિત થઈ તેમણે સેના છોડી દીધી.

1851-62 દરમ્યાન બે વખત તેમણે યુરોપનો પ્રવાસ કર્યો. મુક્ત વિચારધારાનો અનુભવ કર્યો. 1862માં 34 વર્ષની ઉંમરે ટોલ્સ્ટોયે સોફિયા નામની સુશીલ, સંસ્કારસંપન્ન યુવતી સાથે પ્રેમવિવાહ કર્યો. જીવનમાં પ્રેમ-રસ રેડાતાં જ ટોલ્સ્ટોયની સર્જનશક્તિ ખીલી ઊઠી.

તેમણે યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં જીવનનું ચિત્રણ કરતી મહાનવલ “વોર એન્ડ પીસ” લખી જે વિશ્વ પ્રસિદ્ધ નવલકથા બની. ત્યાર પછી તેમણે માનવસ્વભાવની સંવેદનાઓનું સૂક્ષ્મ રેખાંકન કરતી ભાવવાહી નવલકથા “અન્ના કેરેનીના” લખી, જે લોકપ્રિય બની.

વધતી ઉંમર સાથે ટોલ્સ્ટોયના વિચારો તથા જીવનપદ્ધતિમાં પરિવર્તન આવતાં ગયાં. અમીરીનો ઠાઠ છોડી તેમણે જીવનમાં સાદગી અપનાવી. સામાન્ય ખેડૂતની માફક ખેતરમાં કામ કરવા લાગ્યા. સોફિયા આ પરિવર્તન ન સ્વીકારી શકી. દાંપત્યજીવનમાં ખટરાગ વધતો ચાલ્યો. ટોલ્સ્ટોયની આંતરવ્યથા વધતી ચાલી. ભારે માનસિક સંઘર્ષ વચ્ચે માનવજીવનના એક એક પહેલૂને તેઓ પોતાની કૃતિઓમાં ઉતારતા ગયા.

1910 નું વર્ષ. 82 વર્ષની ઉંમર. હવે ટોલ્સ્ટોય ભાંગી પડ્યા હતા. તેમણે કોઈને કહ્યા વિના, ચૂપચાપ ઘર છોડ્યું. વિશ્વભરમાં સનસની મચી ગઈ. થોડા દિવસો પછી, રશિયાના એક નાનકડા રેલ્વે સ્ટેશન પર, એક રેલ કર્મચારીના નાનકડા ઘરમાં વિશ્વવિખ્યાત મહાન સર્જક, ચિંતક સંત ટોલ્સ્ટોયે દેહત્યાગ કર્યો!

એક મહાન વિભૂતિનો કેવો કરૂણ અંત!

પથપ્રદર્શક વિરલા આમ જ નિરાળું જીવન જીવી જતા હોય છે. ….. સસ્નેહ આશીર્વાદ.


1 comment December 21, 2006


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

સુરેશ જ… on અનામિકાને …
સુરેશ જ… on અનામિકાને …
અનિમેષ … on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
સુરેશ on અનામિકાને …
હરીશ દવ… on અનામિકાને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats