અનામિકાને પત્ર: 28

.

પ્રિય અનામિકા,
આંતરરાષ્ટ્રીય ટીવી ચેનલોમાં અહીં અંગ્રેજીમાં બીબીસી (BBC) તથા સીએનએન (CNN) ખ્યાતિપ્રાપ્ત હોવા ઉપરાંત સુલભ છે. જો કે આજતક, એનડીટીવી (NDTV), ઈંડિયા ટીવી, સ્ટારન્યૂઝ, આઈબીએન (IBN7) વગેરે અહીંની ચેનલો હરીફાઈમાં આગળ છે.

તારા મેઈલમાં તેં પેરિસ હિલ્ટનના ન્યૂઝવાળી જે લિંક મોકલી છે તે સમાચાર અહીં પણ ટીવી પર ખાસ્સા ચમકતા રહ્યા.

આખરે પેરિસ હિલ્ટન છે વૈભવી હોટેલ ચેઈન હિલ્ટન ઈંટરનેશનલના અબજોપતિ માલિકનું વંઠેલું સંતાન. પણ મને વિશેષ દિલચશ્પી પેરિસ હિલ્ટનના ફોટોગ્રાફમાં આવી. તું આ ફોટોગ્રાફ વિષે એક મહત્વની વાત ચૂકી ગઈ છું.

લોસ એંજેલિસમાં ક્રૂઝરની પાછલી સીટ પર બેઠેલ રડતી પેરિસ હિલ્ટનની તસ્વીર લેનાર ફોટોગ્રાફર કોણ છે? તું જાણે છે?

એસોસિયેટેડ પ્રેસ (AP)નો પુલિત્ઝર પ્રાઈઝ જીતનાર કેમેરામેન નિક ઉત. (Nick Ut or Huynh Cong Ut, the Pulitzer Prize winner photographer of Associated Press).

પેરિસ હિલ્ટનની તસ્વીરને કારણે નિક ઉત બહુ વર્ષો પછી આટલો પ્રકાશમાં આવ્યો!

અનામિકા! મને મારા કોલેજકાળમાં જોયેલી નિક ઉતની કાળજું કંપાવી દે તેવી તે તસ્વીર હજી યાદ છે.

સંખ્યાબંધ સામયિકોમાં છપાયેલા નવ વર્ષની તદ્દન નગ્ન બાળાના તે ફોટોગ્રાફે દુનિયામાં અરેરાટી ફેલાવેલી; અમેરિકાની વિયેટનામ નીતિ સામે પ્રચંડ વિરોધ જન્માવેલો અને અંતે અમેરિકન સરકારને વિયેટનામ યુદ્ધની સમાપ્તિ વિશે ત્વરિત પગલાં લેવાં પડેલાં.

પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા ફોટોગ્રાફર નિક ઉત વિયેટનામનો વતની.

તેની બાલ્યાવસ્થામાં જ અમેરિકા-વિયેટનામ યુદ્ધ શરૂ થઈ ચૂકેલું. સોળ વર્ષનો નિક ન્યૂઝ એજંસી એસોસિયેટેડ પ્રેસમાં ફોટોગ્રાફર તરીકે જોડાયો. પાંચ વર્ષ પછી તેને ચમકવાની તક મળી.

જૂન, 1972. વિયેટનામનું ટ્રાંગ બાંગ (Trang Bang, Vietnam) શહેર. સામ્યવાદી ઉત્તર વિયેટનામ અને અમેરિકાની મદદથી લડતાં દક્ષિણ વિયેટનામનાં દળો વચ્ચે ખરાખરીનો જંગ હતો. પ્રતિષ્ઠિત અમેરિકન મેગેઝિન ટાઈમ, એપી વગેરેનાં પત્રકારોએ ટ્રાંગ બાંગ ખાતે પડાવ નાખ્યો હતો.

8 જૂન, 1972. બોંબમારો શરૂ થયો. અનામિકા! યુદ્ધની બર્બરતા વિશે તું કલ્પના કરી શકીશ? બળબળતા ઘાતક રસાયણયુક્ત નેપામ બોંબનો ઉપયોગ થયો. ગામલોકો ભયત્રસ્ત થઈ ભાગવા લાગ્યાં. ચિચિયારીઓ કરતાં દોડતાં બાળકોની તસ્વીરો નિક ઉત લેવા લાગ્યો. તેની નજર એક નાનકડી બાળકી પર પડી.

નવેક વર્ષની ફૂલ જેવી નિર્દોષ બાળકી. સળગતાં વસ્ત્રો ફેંકતી જતી તે ચીસો પાડતી દોડતી આવી રહી હતી. ફોટોગ્રાફર પાસે આવતાં સુધીમાં તે નિર્વસ્ત્ર થઈ ચૂકી હતી.

નિક ઉતના કેમેરામાં આ નગ્ન બાળકીની કરુણા જગાવતી તસ્વીર કેદ થઈ.

બે દિવસમાં વિશ્વભરમાં નિક ઉતનો આ ફોટોગ્રાફ પ્રસિદ્ધ થયો તેણે દુનિયા હચમચાવી નાખી.

નિક ઉતને પત્રકારત્વનું સર્વોચ્ચ સન્માન મળ્યું જ્યારે તેને માત્ર બાવીસ વર્ષની ઉંમરે 1973માં “સ્પોટ ન્યૂઝ કેટેગરી”માં પુલિત્ઝર પ્રાઈઝ મળ્યું.

અનામિકા! તે વિયેટનામી બાળકી હવે મોટી થઈ ગઈ છે. હાલ કેનેડામાં વસે છે. તેનું નામ ફાન થાઈ કિમ ફુક (Phan Thi Kim Fuc).

નિક ઉત દ્વારા ઝડપાયેલી ફાન થાઈ કિમ ફુકની તસ્વીર યુદ્ધવિરોધી જનમત જગાવવામાં નિમિત્ત બની. કેવી આશ્ચર્યભરી વાત!

અનામિકા! તમે જે કોઈ ક્ષેત્રમાં હો, બસ, તમારું કામ નિષ્ઠાથી, લગનથી કરતા રહો. તમારું કામ ક્યારેક તો દીપી ઊઠશે!

સસ્નેહ આશીર્વાદ.

.

Add comment September 8, 2007

અનામિકાને પત્ર: 27

.

પ્રિય અનામિકા,

ચિ. અમર સાથે વીક-એન્ડમાં તમારી મિત્ર મંડળી સંગીત પર વિચાર વિમર્શ કરવાની છે. સરસ સમાચાર.

બિથોવન અને મોઝાર્ટ પર તો તારા અમેરિકન મિત્રો ય માહિતી આપશે.

રિચાર્ડ વેનર (Richard Wagner 1813-1883)નું નામ તમારા નવયુવાન જર્મન મિત્રના હોઠે ચડી આવ્યું તે ખુશીની વાત. બાકી આ જર્મન કોમ્પોઝર વેનરને નવી પેઢી કેટલું જાણે? વેનર વેનર

શાસ્ત્રીય જ્ઞાન વિના પણ હું પાશ્ચાત્ય સંગીતને તો માણતો રહ્યો છું. બિથોવન પર મને વિશેષ ભાવ છે જ. બી.બી.સી. (BBC) પર બિથોવનને સાંભળવામાં આનંદ આવ્યો છે. ઇન્ટરનેટ પર બીબીસીની વેબસાઈટ પર બિથોવનના ફ્રી ડાઉનલોડને કેમ બંધ કરેલ હશે?

સંગીતની દુનિયામાં મને યાન્ની પર બેહદ પ્રેમ છે. હું જ્યારે કોમ્પ્યુટર પર લખતો હોઉં છું, ત્યારે ક્યારેક સંગીત પણ સાંભળતો રહું છું.  યાન્નીનાં “ધ રેઈન મસ્ટ ફોલ (The rain must fall)” , “વ્હીસ્પર્સ ઈન ધ ડાર્ક (Whispers in the dark)” કે “ફ્લાઈટ ઓફ ફેન્ટેસી (Flight of fantasy)” સાંભળતાં સાંભળતાં લખવાની મઝા ઓર જ હોય છે!

બિથોવન અને મોઝાર્ટની તુલનામાં રિચાર્ડ વેનરથી આપણે ગુજરાતીઓ લગભગ અજાણ છીએ.

રિચાર્ડ વેનરનો જન્મ 1813માં. વેનર દંપતિનું નવમું સંતાન. એક વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. માતાએ એક પ્રેમાળ પુરુષ સાથે બીજાં લગ્ન કરતાં રિચાર્ડ વેનર અપર-પિતાની છત્રછાયામાં ઉછર્યાં. આઠ વર્ષની ઉંમરે અપર-પિતા પણ સ્વર્ગે સિધાવ્યા.

કિશોર વેનર સંગીતના અભ્યાસમાં આગળ વધતા ગયા. એકવીસ વર્ષે મ્યુઝિકની દુનિયામાં ઓરકેસ્ટ્રા કંડકટર તરીકે તેમણે નામ મેળવ્યું. પછી વ્યાવસાયિક અને અંગત જીવનમાં સફળતા અને નિષ્ફળતાની સંતાકૂકડી વચ્ચે વેનર વર્ષો સુધી યુરોપમાં રઝળપાટ કરતા રહ્યા- જર્મનીથી લેટવિયા (રશિયા), ઈંગ્લેંડ, ફ્રાંસ

વેનરની પેરિસની કારકિર્દીનાં ત્રણ વર્ષ તો દારુણ નિષ્ફળતાનાં રહ્યાં. લોકોએ તેમના સંગીત કાર્યક્રમોનો હુરિયો બોલાવ્યો!! પૈસેટકે ખુવાર થયેલા વેનરને બે વાર જેલમાં જવું પડ્યું, પણ તેમણે હિંમત ન ગુમાવી.

જિંદગીના છેલ્લા તબક્કામાં તેમની શ્રેષ્ઠ સર્જનશક્તિ બહાર આવીરહી હતી ત્યારે વેનરની મુલાકાત પ્રસિદ્ધ જર્મન તત્વચિંતક (ફિલોસોફર) ફ્રેડરિક નિત્શે (Friedrich Nietzsche) સાથે થઈ.

નિત્શે ત્યારે યુનિવર્સિટી ઓફ બેઝેલ (Basel) માં ફિલોલોજીના પ્રોફેસર હતા.

નિત્શેએ વેનરને પ્રોત્સાહન આપ્યું અને વેનરના સંગીતને લોકપ્રિય કરવા પ્રયત્નો કર્યા. આ તે સમયની વાત છે જ્યારે જર્મનીએ તાજેતરમાં જ ફ્રાંસ પર વિજય મેળવ્યો હતો. વર્સેઈના કિલ્લામાં (Palace of Versailles) “ગ્રેટ હોલ ઓફ મિરર્સ” માં  જર્મન  શહેનશાહ વિલિયમ પહેલાનો શાનદાર રાજ્યાભિષેક વિધિ થયો હતો.તે સમયે મહાન જર્મન રાજકારણી, મુત્સદ્દી, દેશભક્ત, લોહપુરુષ ઓટ્ટો બિસ્માર્ક (Otto Von Bismarck) જર્મનીના ઈમ્પીરિયલ ચાન્સેલર હતા. જર્મનીના શહેનશાહ વિલિયમ પહેલાની હાજરીમાં રિચાર્ડ વેનરનો કાર્યક્રમ ખૂબ પ્રસિદ્ધિ પામ્યો.

વેનરની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા. ત્યાર પછી લંડનમાં રોયલ આલ્બર્ટ હોલમાં વેનર ફેસ્ટીવલ યોજાયો. પરંતુ એક તરફ જ્યારે વેનરની કદર થવા લાગી ત્યારે લથડતી તબિયતના કારણે તેમની ક્રિયાશીલતામાં પણ ઓટ આવવા લાગી.

1883માં રિચાર્ડ વેનરનું અવસાન થયું.

સંગીતની દુનિયામાં રિચાર્ડ વેનરનું યોગદાન શું?

જ્યારે યુરોપિયન સંગીતના રોમેંટીક પિરિયડમાં શુબર્ટ, વેબર આદિ સંગીતકારો ગીત અને પિયાનોના મુઝિકલ પીસ (piano pieces) ને મહત્વ આપતા હતા, ત્યારે રિચાર્ડ વેનર સંગીત સાથે કથાનક કૃતિઓ રજૂ કરવામાં પ્રયત્નશીલ રહ્યા.

રિચાર્ડ વેનર દ્વારા ઓપેરામાં સંગીત સાથે કાવ્ય અને નાટ્યતત્વો (દ્રશ્ય-શ્રાવ્ય / દૃશ્ય-શ્રાવ્ય. તત્વો) ને સફળતાપૂર્વક સંયોજવામાં આવ્યાં. (His operas were highlighted not only with music but also with poetic and scenic elements)

રિચાર્ડ વેનરની તારા મિત્રોની તારી ચર્ચા ફળદાયી બનો તેવી આશા. સસ્નેહ આશીર્વાદ.

.

1 comment September 6, 2007

અનામિકાને પત્ર: 26

.

પ્રિય અનામિકા,

તારા નીગ્રો પાડોશીની દર્દનાક કથાએ તારી આંખો ભીની કરી દીધી ને!

મનુષ્યને અજવાળાની ચકાચોંધમાં રહેવાની એવી આદત પડી ગઈ છે કે તે અંધારાનો ઈતિહાસ પણ ભૂલતો જાય છે. ક્યાં નિયોન લાઈટ્સમાં થિરકતી આજની માનવસભ્યતા, ક્યાં સદીઓ સુધી અંધકારમાં સબડતી રહેલી પ્રજાઓ!

અનામિકા! અંધારા ખંડ આફ્રિકા (Africa) ને લલાટે હંમેશા અભિશાપિત, શોષિત અંધાર-સ્થિતિ લખાઈ છે. આફ્રિકાને અંધારામાંથી ઉજાસમાં લાવનાર મુઠીભર સાહસિકો કે સેવાના ભેખધારી વિરલા. ભલે કોઈક નામોમાંથી કોઈને રાજકીય-સામાજિક-આર્થિક-ધાર્મિક સ્વાર્થની બૂ આવે! પરંતુ આપણે તો તેમના ઐતિહાસિક પ્રયત્નોને બિરદાવવા છે.

ઈતિહાસના મહત્વને સમજવા કેટલાક પાત્રોના વ્યક્તિગત આશયોને કે ગર્ભિત સ્વાર્થને ક્યારેક ત્રાજવે ન તોળીએ તો સારું! જો ઈતિહાસના પ્રવાહોને તટસ્થતાથી અવલોકવા હોય તો તમારી અંગત વિચારધારા તેમજ પ્રચલિત મત-માન્યતાઓને ઘડીભર ભૂલવા પડે!

આફ્રિકા શબ્દ સાથે મને સૌ પહેલું નામ યાદ આવે મંગો પાર્ક (Mungo Park, the explorer of the African Continent) નું! બાળપણમાં ગુણવંતરાય આચાર્યની નવલકથાઓએ મંગો પાર્ક સાથે દોસ્તી કરાવેલી. પછી મૂળશંકર ભટ્ટની કલમે તો તેમના માટે અહોભાવ ઓર ખીલવો દીધો.

મંગો પાર્કનો જન્મ સ્કોટલેંડ (Scotland) માં 1771માં થયો હતો. માતા-પિતાના તેર સંતાનોમાં તેમનો નંબર સાતમો. શાળાના પ્રાથમિક શિક્ષણ પછી મંગો પાર્ક સેલકર્કના ટોમસ એન્ડરસન નામના સર્જનને ત્યાં વ્યવહારુ તબીબી જ્ઞાન મેળવવા રહ્યા. સત્તર વર્ષની ઉંમરે યુનિવર્સિટી ઓફ એડીનબરો(એડીનબર્ગ – Edinburgh) માં જોડાયા અને તેમણે તબીબીશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

મંગો પાર્કના બાળપણ દરમ્યાન એક વૈશ્વિક મહત્વની ઘટના અમેરિકાનો સ્વાતંત્ર્ય સંગ્રામ. અમેરિકન કોલોનીઝ ગુમાવવાને કારણે બ્રિટન (The Great Britain) ને મોટો આર્થિક ફટકો પડેલો. તેને ભરપાઈ કરવા હવે અંગ્રેજોની નજર આફ્રિકા પર પડી.

અનામિકા! તે સમયે આફ્રિકા અંધારો, અજાણ્યો, રહસ્યસભર ખંડ હતો.

આફ્રિકાના આંતરિક પ્રદેશોમાં અઢળક કુદરતી સંપત્તિ હોવાની ઊડતી વાતો યુરોપના વિવિધ દેશોમાં આવતી. આફ્રિકાના અંદરના વિસ્તારો સુધી હજી યુરોપિયન પ્રજા પગ પેસારી શકી ન હતી.

આફ્રિકાની  નાઈજર નદી (The Niger) ના પ્રદેશો સમૃદ્ધ હતા તેવી માન્યતાથી નાઈજર નદીના મૂળ સુધી પહોંચવાની અંગ્રેજો (the English) ની ઈચ્છા હતી. આફ્રિકામાં વ્યાપાર, સત્તા અને ધર્મના પ્રસારની તકો બ્રિટીશર્સ માટે લોભામણી હતી. આફ્રિકાની જાણકારી મેળવવા “આફ્રિકન એસોસિયેશન” નામક એક ઈંગ્લીશ સંસ્થાએ 1790માં હાઉટન નામે એક અંગ્રેજને આફ્રિકા મોકલેલો, જે કદી પાછો ન આવ્યો.

1794માં મંગો પાર્કને આફ્રિકાનો પડકાર ઝીલવા ઈચ્છા થઈ.

1795ના મે મહિનામાં મંગો પાર્ક આફ્રિકા જવા નીકળી પડ્યા.

આફ્રિકામાં પિસાનિયા (છેલ્લું બ્રિટીશ મથક) પહોંચી તેમણે આફ્રિકાના પ્રદેશો, આબોહવા, ત્યાંની વનસ્પતિઓ, ત્યાંના વતનીઓની બોલીઓ વગેરેનો અભ્યાસ કર્યો. પછી જ તેમણે હિંમતભર્યો જોખમી પ્રવાસ શરૂ કર્યો.

1795ની 2 ડિસેમ્બરે તેમણે પિસાનિયા છોડ્યું. જ્યારે મંગો પાર્ક અંદરના ભાગમાં પહોંચ્યા તો ઘાતકી મૂર લોકોના હાથમાં ઝડપાયા. ચાર મહિના સુધી કેદી તરીકે તેમના ત્રાસદાયક વર્તાવ સહેતા રહ્યા. આખરે તક મળતાં ભાગી છૂટ્યા, પરંતુ આગળ વધતાં અનેક જગ્યાએ લૂંટાતા રહ્યા. પોતાના અનુભવોની નોંધ તે માથાની હેટમાં સંતાડી રાખતા.

નાઈજરનું મૂળ શોધી શકાય તેવી કોઈ શક્યતા ન લાગતાં તેમણે વળતો પ્રવાસ શરૂ કર્યો. આશરે અઢી વર્ષ પછી, 1797ના ડિસેમ્બરમાં મંગો પાર્ક સ્કોટલેંડ પરત ફર્યા.

1799માં યાદગાર આફ્રિકન પ્રવાસનું તેમનું પુસ્તક પ્રસિદ્ધ થયું – “Travels in the interior of Africa”.

દરમ્યાન મંગો પાર્કનાં લગ્ન તેમની કિશોરાવસ્થાને ઉજાળનાર ડોક્ટર ટોમસ એન્ડરસેનની પુત્રી સાથે થયાં. 1804માં મંગો પાર્કની મુલાકાત વોલ્ટર સ્કોટ સાથે થઈ. સપ્ટેમ્બર 1804માં મંગો પાર્ક ફરી નાઈજરનું મૂળ શોધવા આફ્રિકાના પ્રવાસે નીકળી પડ્યા. ભારે મુશ્કેલીઓ વેઠી આફ્રિકાના અંદરના ભાગમાં પહોંચ્યા ત્યાં સુધી પોતાની નોંધ બહારની દુનિયાને મોકલતા રહ્યા.

પણ આ તેમનો આખરી પ્રવાસ નીવડ્યો.

મંગો પાર્ક આફ્રિકન વતનીઓ સાથેના સંઘર્ષમાં માર્યા ગયા.

એક મહાન પ્રવાસીનો કરુણ અંજામ આવ્યો.

મંગો પાર્ક આફ્રિકાના અંધારા પ્રદેશોની માહિતી આપનાર પ્રથમ યુરોપિયન બન્યા.

અનામિકા! નવો ચીલો ચાતરનારા વીરલાઓની કહાણી કાંઈક નિરાળી જ હોય છે!

તબિયત સાચવીને રહેજો. સસ્નેહ આશીર્વાદ.

*

3 comments September 2, 2007

અનામિકાને પત્ર: 25

.

પ્રિય અનામિકા,

સંસ્કૃત સાહિત્ય અંગે હું મૌન કેમ છું, તેવો તારો પ્રશ્ન મને તદ્દન વ્યાજબી લાગે છે. મેં ક્યારેય સંસ્કૃત સાહિત્યની મહાન કૃતિનો પરિચય નથી કરાવ્યો? મારી જ ભૂલ.

સવાલ હંમેશા રહે છે કે કોઈ પણ મહાન સાહિત્યકૃતિનો આસ્વાદ એક પત્રમાં કઈ રીતે કરાવવો? કૃતિ સંક્ષિપ્ત કરવામાં ઘણા પાત્રોને અને પ્રસંગોને આછા-પાતળા સ્વરૂપમાં ઢાળવા પડે; જાણ્યે-અજાણ્યે અન્યાય થઈ જાય કે રસભંગ પણ થઈ જાય. તેથી પહેલાં જ ક્ષમાયાચના કરી લેવા દે!!

આમ છતાં મેં વાંચેલી ઉત્તમ સાહિત્યકૃતિઓનો પરિચય તને કરાવવાનો લોભ છૂટતો નથી! શાળાભ્યાસ દરમ્યાન સંસ્કૃત સાહિત્યકૃતિઓના કેટલાક અંશો મૂળ રૂપમાં વાંચ્યા. પણ સાચી મઝા તો સંપૂર્ણ કૃતિઓના ગુજરાતી અનુવાદો/ રૂપાંતરો વાંચવામાં જ આવી. સંસ્કૃત ભાષાના મહાન સર્જકો કાલિદાસ, ભવભૂતિ, ભાસ, માઘ આદિની પ્રસિદ્ધ કૃતિઓ ગુજરાતીમાં કિશોરાવસ્થામાં હોંશે હોંશે વાંચી. હતી. મેઘદૂત, કુમારસંભવ અને શકુંતલા તો કદી ન ભૂલાય.

આજે તો તને સ્વપ્નવાસવદત્તા (“સ્વપ્નવાસવદત્તમ્ ”) ની અતિ સંક્ષિપ્ત કથા કહીશ. પછી તારે પૂરું નાટક વાંચવું જ પડશે.

સ્વપ્નવાસવદત્તમ્ ઈસ્વીસન પૂર્વે ચોથી સદીના મહાન સંસ્કૃત સર્જક ભાસની અનુપમ નાટ્યકૃતિ છે.

તેનાં મુખ્ય પાત્રો છે રાજા ઉદયન,, તેની રાણી વાસવદત્તા તથા અમાત્ય યૌગંધરાયણ.

વત્સ દેશની રાજધાની કૌશાંબીના રાજા ઉદયન સામર્થ્યવાન અને ગુણવાન હોવાથી તેમની કીર્તિ ચતુર્દિશ ફેલાયેલ હતી. ઉદયનની યશગાથાથી ઉજ્જૈનના રાજા પ્રદ્યોત ચંડમહાસેન પ્રભાવિત થયા. સ્વાર્થવશ રાજા મહાસેને કૌશાંબીનરેશ ઉદયનને કેદી બનાવ્યો.

મહાસેનને એવી ઈચ્છા કે પોતાની રાજકુમારી વાસવદત્તાને ઉદયન વીણાવાદન શીખવે; યુવાન હૈયાં વચ્ચે પ્રીતિ જાગે અને બંનેનાં લગ્ન થાય! પરંતુ પિતાની યોજનાથી વાસવદત્તા અજાણ હતી. સંગીત શીખતાં ઉદયન અને વાસવદત્તા પ્રેમમાં પડ્યાં તો ખરાં, પણ મહાસેનની ઈચ્છાથી અજાણ હોઈ, ડરથી ભાગી જઈને તેમણે વત્સ દેશમાં પહોંચી લગ્ન કર્યાં. વાસવદત્તાનાં માતાપિતાએ મન મનાવી લીધું.

રાજા ઉદયન અને રાણી વાસવદત્તા સ્વર્ગીય સુખ ભોગવતાં હતાં, ત્યાં શત્રુ દેશના રાજા આરુણિએ આક્રમણ કરી વત્સ દેશને જીતી લીધો. રાજા ઉદયન, રાણી વાસવદત્તા અને મંત્રી યૌગંધરાયણ વત્સ દેશ છોડી અન્યત્ર રહેવા લાગ્યાં.

નજીકના મગધ દેશના યુવાન રાજા દર્શકની બહેન પદ્માવતી રૂપવાન- ગુણવાન, શીલવાન હતી. તે જોઈ કૂટનીતિના જાણકાર યૌગંધરાયણે યોજના કરી.. જો પદ્માવતીનાં લગ્ન રાજા ઉદયન સાથે થાય, તો મગધના સમર્થ રાજાની સહાયથી રાજા ઉદયન પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું મેળવી શકે. પોતાના પતિના સુખ માટે રાણી વાસવદત્તા તમામ ભોગ આપવા તૈયાર હતી.

એક બનાવટી નાટ્યાત્મક “દુર્ઘટના” માં વાસવદત્તા અને યૌગંધરાયણ “માર્યાં ગયાં” (!); હકીકતમાં યૌગંધરાયણ અને વાસવદત્તા છૂપા વેશે સ્થળાંતર કરી ગયાં. છૂપા વેશમાં વાસવદત્તા રાજકુમારી પદ્માવતી પાસે રહી.

રાજા ઉદયનનાં લગ્ન મગધની રાજકુમારી પદ્માવતી સાથે થયાં. મગધની સહાયથી ઉદયને પોતાનો વત્સ દેશ પાછો મેળવ્યો. પછી સંયોગો ઊભા કરી, યોગ્ય સમયે યૌગંધરાયણ રાણી વાસવદત્તાને લઈ રાજા ઉદયન સમક્ષ પ્રગટ થયા.

વાસવદત્તા તથા યૌગંધરાયણ જીવંત છે જાણી રાજા ઉદયનની ખુશીનો પાર ન રહ્યો! સર્વત્ર આનંદ છવાઈ ગયો.બંને રાણીઓના પ્રેમથી પ્રસન્ન રાજા ઉદયને દીર્ઘ કાલ વત્સ દેશ પર રાજ્ય કર્યું.

કવિ ભાસની આ મહાન કૃતિ “સ્વપ્નવાસવદત્તમ્ ” માં પાત્રો, પ્રસંગો અને તેમની ગૂંથણીની ખૂબીઓ મૂળ રૂપમાં સુંદર પ્રગટ થયેલ છે.

તક મળે ત્યારે મૂળ કૃતિ તો જરૂર વાંચજે. સસ્નેહ આશીર્વાદ.

1 comment August 25, 2007

અનામિકાને પત્ર: 24

.

પ્રિય અનામિકા,

તેં ગુર્જિયેફ (ગુર્જેફ કે ગુર્જિફ)નો ઉલ્લેખ કર્યો!

હું ચોંકી ઊઠું છું. અનામિકા! તારા દિમાગમાં ગુર્જિયેફ ક્યાંથી જાગ્યા!

હું માનું છું કે માનસિક પુખ્તતાના જુદા જુદા સ્તર હોય છે. માનસિક પરિપક્વતા અને વિચારશક્તિ ધીરે ધીરે ખીલે તે સ્વસ્થ જીવનની આવશ્યકતા છે.

રામકૃષ્ણ પરમહંસના વચનોની સરળતા તમને સ્પર્શશે અને તમારા હૃદયમાં ઊતરશે. રમણ મહર્ષિની સ્પષ્ટ ભાષા સામાન્ય બુદ્ધિથી તમારા મગજમાં ઊતરી શકશે. રજનીશજી (ઓશો)  તમારી બુદ્ધિને આકર્ષશે, અને તમારા મગજમાં ધોધ બનીને પડવા લાગશે. જ્યારે મહર્ષિ અરવિંદ સહેલાઈથી મગજમાં ન પણ ઊતરે. કૃષ્ણમૂર્તિ અને નિત્શે માટે તો તમારે ઘણી દિમાગી કસરત કરવી પડે! ગુર્જિયેફને વાંચતાં પહેલાં તમારે મગજને ખાલી કરવું પડે અને છતાં યે તેને ભર્યું ભર્યું હાઈ એલર્ટ પર રાખવું પડે.

મહાન ફિલોસોફરોની નજીક જતાં પહેલાં તમારા મગજે ભારે સાવધાનીઓ રાખવી પડે! ટોચના કેટલાક ફિલોસોફરોની સામાન્ય વાતો યે એવી છે કે તમે તેને સહી પરિપ્રેક્ષ્યમાં ન સમજો, તો તે – વિમલા તાઈ કહે છે તેમ- કાચા પારાની પેઠે ઝેર બનીને તમારા દિમાગમાં પ્રસરે.

અનામિકા! ગુર્જિયેફ વિશે કાંઈ કહેવાની મારી ક્ષમતા નથી. બૌદ્ધિક સ્તરે ગુર્જિયેફે મને જરૂર પ્રભાવિત કર્યો છે. ગુર્જિયેફને સંપૂર્ણ સમજવા હજી મારો અભ્યાસ ચાલુ છે. નિખાલસતાથી કબૂલું કે ચોથા માર્ગને હું પુરો નથી સમજી શકતો, આમ છતાં ચાલ, તારી ઉત્સુકતા સંતોષવા તને ગુર્જિયેફનો ઊડતો પરિચય કરાવીશ.

અનામિકા! તને નવાઈ લાગશે કે ગુર્જિયેફના જીવન વિશે ઘણી વાતો સંદિગ્ધ છે.

ગુર્જિયેફ (George Ivanovitch Gurdjieff) નો જન્મ હાલના આર્મેનિયા (અગાઉના યુ.એસ.એસ.આર - સોવિયેટ સંઘનો ભાગ; Armenia – a part of erstwhile USSR) ના કોઈ સ્થળે 1877 (કે 1866 કે .. ?)માં થયો હતો.

તેમના પિતાને એક વૃદ્ધ પાદરી મિત્ર હતા. બંને મિત્રો વચ્ચે અધ્યાત્મ અને ઈતિહાસ પર ચર્ચા થતી રહેતી જે બાળ ગુર્જિયેફ રસપૂર્વક સાંભળતા. કિશોરવયે તેમને ગૂઢ વિદ્યાઓમાં રસ પડવા લગ્યો. તેઓ ઘર છોડી અગમનાં રહસ્યોની ખોજમાં નીકળી પડ્યા. ગુર્જિયેફ તુર્કસ્તાન, ઈજિપ્ત, મધ્ય એશિયાના દેશોથી લઈ પૂર્વમાં ભારત સુધી રઝળપાટ કરતા રહ્યા.  તેમણે જ્ઞાન મેળવવા સાહસભર્યાં જોખમો ખેડ્યાં. રહસ્યવાદી, મંત્ર-તંત્રજ્ઞ, ફકીર, સાધકોને ચરણે બેઠા.મજૂરી કરી, બૂટ પોલિશ કરી અને ફૂલો પણ વેચ્યાં.

અલગારી રખડપટ્ટી છોડી 1912માં મોસ્કોમાં ઠરીઠામ થયા.

અહીં એક નાનકડી હોટેલમાં પીટર ઉસ્પેન્સ્કી (Peter D. Ouspenski 1878-1947) અને ગુર્જિયેફ (ગુર્જેફ કે ગુર્જિફ) ની ઐતિહાસિક મુલાકાત થઈ. બંનેએ એકબીજાને પરખી લીધા.

મહાન ‘મિસ્ટીક’, વિચારક, માસ્ટર ગુર્જિયેફના પ્રારંભના પ્રમુખ શિષ્ય તરીકે ઉસ્પેંસ્કી ગણાય છે. અનામિકા! વિધિની વિડંબના કે ઉસ્પેન્સ્કી પાછળથી ગુર્જિયેફથી છૂટા પડ્યા. આમ છતાં તેમની ગુર્જિયેફના પાયાના ચિંતનમાં શ્રદ્ધા અવિચળ રહી. જીવનભર ઉસ્પેન્સ્કીએ ગુર્જિયેફના વિચારોને આદર આપી સંકલિત કર્યા અને ગ્રંથસ્થ કર્યા. ગુર્જિયેફ ના ‘ચોથા માર્ગ’ (the fourth way) ને ઉસ્પેન્સ્કીએ શબ્દદેહ આપ્યો(The Fourth Dimension).

ગુર્જિયેફનું ચિંતન ઉસ્પેન્સ્કીના ગ્રંથ ઈન સર્ચ ઓફ ધ મિરેક્યુલસ (In Search of the Miraculous) માં ઝલકે છે.

ગુર્જિયેફના અન્ય શિષ્યોમાં સમાજના ઉચ્ચ સ્તરના બૌદ્ધિકો, કલાઉપાસકો, વ્યાવસાયિકો આદિ હતા. લેનિનના નેતૃત્વમાં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ (ઓક્ટોબર ક્રાંતિ) વેગ પકડતી હતી અને પ્રથમ વિશ્વયુદ્ધના કારણે વાતાવરણ ડહોળાયેલું હતું ત્યારે ગુર્જિયેફને ફરીથી પોતાનાં શિષ્યો સાથે રઝળપાટ કરવી પડી.

છેવટે 1922માં ફ્રાંસમાં પેરિસની દક્ષિણે ફોન્ટેંબ્લુ-એવન ખાતે ગુર્જિયેફની પ્રતિષ્ઠિત સંસ્થા ‘ઈંસ્ટીટ્યુટ ફોર ધ હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઓફ મેન’ (Institute for the Harmonious Development of Man, Fontainebleau-Avon, Paris, France founded by Gurdjieff. Also known as Le Prieure) ની સ્થાપના થઈ.

જીવનનાં ગૂઢ રહસ્યોને ખોજવા માર્ગદર્શક બનતી ગુર્જિયેફની આ સંસ્થા વિશ્વપ્રસિદ્ધ અધ્યાત્મકેન્દ્રી સ્કૂલ (esoteric spiritual school of Gurdjieff) બની.

1949માં ગુર્જિયેફનું અવસાન થયું.

તારા મિત્રો સાથે આ વિષયમાં આદાન-પ્રદાન કરજે અને મને વિગતે જણાવજે. સસ્નેહ આશીર્વાદ.

5 comments August 19, 2007

અનામિકાને પત્ર: 23

.

પ્રિય અનામિકા!
કેટલીક પ્રતિભાવાન મહિલાઓએ સંજોગો સામે સંઘર્ષ કરીને જીવનમાં એ સ્થાન હાસિલ કર્યું છે જ્યાંથી તેઓએ પોતાના દેશ કે દુનિયાના ઈતિહાસને ભારે પ્રભાવિત કરેલ છે! આપણે તેમની નીતિ-રીતિ-પદ્ધતિ-માન્યતાઓ સાથે સંમત ન હોઈએ તો પણ તેમના પ્રભાવની નોંધ સૌએ લેવી ઘટે! શ્રી લંકા (સિલોન)ના બંડારનાયક (બંદારનાયક કે ભંડારનાયક) ફેમિલીની વાત જોઈ.

થોડે દૂરના દેશ પર નજર દોડાવીએ..

ફિલિપાઈન્સ (Philippines).

એક શ્રીમંત જમીનદારની પુત્રી કોરેઝોન ( કોરાઝોન Corazon)નાં લગ્ન બેનિગ્નો નિનોય એક્વિનો (એક્વીનો ; Benigno Ninoy Aquino) સાથે થયાં. તને કદાચ ખબર હશે કે 1965માં ફિલિપાઈન્સના પ્રમુખપદે ફર્ડિનાન્ડ માર્કોસ (Fardinand Marcos) ચૂંટાયા. તેમણે પ્રારંભમાં લોકોને આંજી દીધા.

અનામિકા! સત્તાલાલસા અને રાજકારણ શું ખેલ ન કરાવે? પ્રજાનો વિશ્વાસ જીતી લઈ 1972માં માર્કોસ દેશના સરમુખત્યાર બની ગયા. વિરોધપક્ષના નેતાઓને તેમણે જેલમાં નાખ્યા બેનિગ્નો એક્વિનો પણ બંદી બન્યા.

1983માં એક નાટ્યાત્મક રાજકીય કાવતરાની ઓથે બેનિગ્નો નિનોય એક્વિનો ની ફિલિપાઈન્સની રાજધાની મનિલાના એરપોર્ટ પર ક્રૂર હત્યા થઈ.

શ્રીમતી કોરેઝોન એક્વિનો પર આભ તૂટી પડ્યું! માર્કોસ અને તેમનાં પત્ની ઈલ્ડા માર્કોસના જુલમી શાસન સામે મેદાને પડ્યાં. પ્રજા તેમની પડખે રહેવા લાગી. સત્તા પર ચીટકી રહેવા માર્કોસ દંપતિએ ખૂબ હવાતિયાં માર્યાં, પણ આખરે 1986માં તેમણે ફિલિપાઈન્સ છોડી ભાગવું પડ્યું.

માર્ચ 1986માં શ્રીમતી કોરેઝોન એક્વિનો (કોરાઝોન એક્વીનો) ફિલિપાઈન્સના પ્રમુખપદે આરૂઢ થયાં.

શ્રીમતી કોરેઝોન એક્વિનો એશિયાના પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં.

અન્યાયી શાસન સામે માથું ઊંચકનાર એક અન્ય સબળા ઠેઠ દક્ષિણ અમેરિકાના નાનકડા દેશ નિકારાગુઆ (Nicaragua)ની છે. નામ વાયોલેટા શેમોરો (Violeta Chamorro).

પચાસેક લાખની વસ્તી ધરાવતા નિકારાગુઆની રાજધાની માનાગુઆ છે. નિકારાગુઆના પાડોશી દેશો હોન્ડુરાસ અને કોસ્ટા રિકા છે. નિકારાગુઆ આમ તો પછાત લેટિન અમેરિકન દેશ. ત્યાં માથાભારે સોમોઝો (Somozo) કુટુંબની વર્ષોથી આપખુદ સત્તા ચાલે. લેટિન અમેરિકાના ઘણા દેશોમાં રાજકીય અખાડાઓ તો એવા થતા રહ્યા છે કે કાચા પોચાનું ત્યાં કામ જ નહીં..

આપણે ચારેક દાયકા પહેલાના ભૂતકાળમાં ડોકિયું કરીએ.

નિકારાગુઆનું રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત અખબાર “લા પ્રેન્સા”. તેના પ્રકાશક પેડ્રો જોઆકીન શેમોરો.

પેડ્રો શેમોરો સોમોઝા શાસનના કટ્ટર વિરોધી. કહેવાની જરૂર ખરી કે ભડભડતા રાજકીય દાવાનળમાં પેડ્રો શેમોરોના શા હાલ થયા હશે?

10 જૂન, 1978ના રોજ પેડ્રો શેમોરોની દગાપૂર્વક હત્યા થઈ. પેડ્રોનું સ્થાન તેમની વિધવા પત્ની વાયોલેટા શેમોરોએ સંભાળ્યું. વર્ષોની રાજકીય ઊથલપાથલ પછી 1990માં વાયોલેટા શેમોરો નિકારાગુઆનાં પ્રમુખ  તરીકે ચૂંટાયાં.

વાયોલેટા શેમોરો સમગ્ર ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડોના દેશોમાં ચૂંટાયેલા પ્રથમ મહિલા પ્રમુખ બન્યાં. (In 1990, Violeta Barrios de Chamorro of Nicaragua became the first female president democratically elected in the Americas. )

અનામિકા! કેવી પ્રભાવિત કરી જાય છે આ વિરલ મહિલાઓની ગાથા! સંજોગોએ જીવનને ભાંગી દીધું હોય, પરિસ્થિતિ સાવ જ હતાશાભરી હોય અને આશાનું કિરણ પણ ન દેખાતું હોય ત્યારે આ વિરલ મહિલાઓએ પડકાર ઝીલી આગવી જીવન કેડી અંકારી છે.

ઈતિહાસ પર તેઓએ અમીટ છાપ છોડી છે. આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું ભાથું બક્ષ્યું છે. સસ્નેહ આશીર્વાદ.

1 comment August 17, 2007

અનામિકાને પત્ર: 22

.
પ્રિય અનામિકા!
સ્ત્રી અબળા કે સબળા? સમાજમાં સ્ત્રીનું સ્થાન શું?

પ્રાચીન કાળથી બહુચર્ચિત પ્રશ્ન છે. સમય સમય પર ઘણા વિચારકો અને સમાજશાસ્ત્રીઓ પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં રહ્યાં છે.

ભારત વર્ષમાં એક કાળે સ્ત્રી શાસ્ત્રાર્થ કરતી. ગાર્ગીને આપણે ક્યાં નથી જાણતાં? વૈદિક સમયથી અર્વાચીન સમય સુધી સમાજમાં સ્ત્રીરત્નો પાકતાં રહ્યાં છે, જે સમાજને, દેશને રાહ ચીંધતાં રહ્યાં છે.

અનામિકા! વિશ્વમાં મહાન સ્ત્રીઓએ કેવું અનોખું યોગદાન આપ્યું છે! જગતના વિવિધ દેશોનાં નારીરત્નોનું સ્મરણ થતાંવેંત રોમાંચ થઈ આવે છે. રાજકારણના મહાપેચીદા ક્ષેત્રે મહિલાઓએ કેટલીક મહિલાઓએ અસામાન્ય સંજોગોમાં અસાધારણ પડકારોનો સામનો કર્યો છે અને ઈતિહાસ પર અમીટ છાપ છોડી છે.

અનામિકા! તાજેતરના દાયકાઓ પર નજર નાખીએ.

આપણી પહેલી નજરે ચઢે છે આપણા પાડોશી દેશ સિલોન(હવે શ્રી લંકા) (Ceylon, now Sri Lanka)ના પ્રથમ મહિલા વડાપ્રધાન સિરિમાવો બંડારનાયક (બંદારનાયક કે ભંડારનાયક) (Sirimavo Bandaranaike).

ઈ.સ. 1916માં જન્મેલા સિરિમાવોનાં લગ્ન ચોવીસ વર્ષે તત્કાલીન સિલોનના એક પ્રધાન સોલોમન બંડારનાયક સાથે થયાં. તે પછી સિલોન આઝાદ થયું અને સ્વતંત્ર દેશના વડાપ્રધાન સોલોમન બન્યા. 1959માં સોલોમનની હત્યા થતાં સિરિમાવો વિધવા બન્યા. તું માની શકીશ, અનામિકા? ડરી જઈ બેસી રહેવાને બદલે સિરિમાવોએ વિધિનો પડકાર ઝીલ્યો.

1960ની ચૂંટણીમાં સિરિમાવો બંડારનાયક સિલોનના જ નહીં, સમગ્ર વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં. 1960-65 તથા બીજી વાર 1970-77 દરમ્યાન સિરિમાવો બંડારનાયક શ્રી લંકા (પહેલાનું સિલોન)ના વડાપ્રધાનપદે રહ્યાં.

અનામિકા! રસપ્રદ વાત એ કે તેમનાં પુત્રી ચંદ્રિકા બંડારનાયક પણ તેમનાં જ પગલે ચાલ્યાં પિતા સોલોમનની હત્યા થઈ ત્યારે ચંદ્રિકાની ઉંમર માત્ર ચૌદ વર્ષની. તે પછી ચંદ્રિકાની સગાઈ થઈ. રે નસીબ! તે યુવકનું અકસ્માતમાં મૃત્યુ થયું. 1978માં 33 વર્ષની ચંદ્રિકાનાં લગ્ન શ્રી લંકાના લોકપ્રિય અભિનેતા વિજય રણતુંગા સાથે થયાં.

કહે છે ને કે ઈતિહાસ પુનરાવર્તિત થતો રહે છે. 1988માં પતિ વિજય રણતુંગાની હત્યા થતાં ચંદ્રિકા વિધવા બન્યાં. પરંતુ પોતાની માતાની જેમ હિંમત દાખવી પડકાર ઝીલતાં ઝીલતાં છેવટે શ્રી લંકાના વડાપ્રધાન બન્યાં.

પિતા, માતા અને પુત્રી ત્રણે ય વડાપ્રધાનપદે રહ્યાં હોય તેવું વિશ્વનું આ એક માત્ર ઉદાહરણ શ્રી લંકાના બંડારનાયક કુટુંબનું છે.

બંડારનાયક કુટુંબની કહાણી અહીં પણ અટકતી નથી. પાછળથી આ કહાણીમાં સત્તાલાલસા ભળે છે.

1994માં ચંદ્રિકા રણતુંગા બંડારનાયક શ્રી લંકાના પ્રમુખ બન્યાં અને તેમનાં માતા સિરિમાવો બંડારનાયક ફરી એક વાર દેશનાં વડાપ્રધાન બન્યાં. આ વળી એક વિરલ ઘટના!

અનામિકા! હજી અન્ય બેએક મહિલાઓની વાત તને લખવી છે. પણ બહાર મૂશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાં ભેજ ખૂબ છે અને કોમ્પ્યુટરને આરામની જરૂર છે. રાત્રિનો અંધકાર મને ઠંડીની ચાદર ઓઢાડી રહ્યો છે. હું પણ જરા આરામ કરી લઉં? સસ્નેહ આશીર્વાદ.

.

1 comment August 14, 2007

અનામિકાને પત્ર: 21

.
પ્રિય અનામિકા!

“મોગલ-એ-આઝમ” (મુઘલ-એ-આઝમ કે Mughal-E-Aajham) વિશે તારો પત્ર મને વારંવાર વાંચવો ગમ્યો. આ ફિલ્મની રંગીન પ્રિન્ટ અને બ્લેક-એન્ડ-વ્હાઈટ પ્રિન્ટની ખૂબીઓને તેં સરસથી અવલોકી છે. આવી દ્રષ્ટિ ખીલવવા બદલ અભિનંદન! તારા કેટલાક મિત્રોએ આ ક્લાસિક હિન્દી ફિલ્મ પ્રથમ જ વખત જોઈ અને તેઓ પ્રભાવિત થયાં તે વાત આનંદ આપે છે.

અનામિકા! “મોગલ-એ-આઝમ”ની નિર્માણ કહાણી પરીકથા જેવી જ રોચક છે.  “મોગલ-એ-આઝમ”ના મહાન સર્જક કે. આસિફના જીવનનાં કેટલાં પાસાં વણકહ્યાં-શાં રહ્યાં છે!

ઉત્તરપ્રદેશમાં જન્મેલ કે. આસિફ નાની ઉંમરે નસીબ અજમાવવા મુંબઈ આવી પહોંચ્યા. મુંબઈમાં તેમણે દરજીકામ કરવા દાદરમાં ટેઈલર-શોપ ખોલી.

વાત છે 1940ની આસપાસની.

ત્યારે હિન્દી સિનેમાના મશહૂર ફિલ્મ સંગીતકાર નૌશાદ અલી સાહેબના સંઘર્ષના દિવસો હતા. એકવીસેક વર્ષના યુવાન નૌશાદ સાહેબ ત્યારે દાદરના બ્રોડવે સિનેમાની સામે એક નાનકડી ખોલીમાં રહેતા.

આ જ અરસામાં પાછળથી પ્રસિદ્ધિ પામનાર અભિનેતા પ્રેમ અદીબ તથા તેનો ખલનાયક મિત્ર જીવન તે સમયે હજી ફિલ્મ લાઈનમાં પગદંડો જમાવવા મહેનત કરી રહ્યા હતા. બંને મિત્રો દાદરમાં એક હોટેલ ચલાવતા.

અનામિકા! મઝાની વાત એ કે આ નાનકડી હોટેલ કેટકેટલાનું તકદીર બદલી ગઈ! બે એક વર્ષોમાં પ્રેમ અદીબ વિજય ભટ્ટની “રામરાજ્ય” ફિલ્મમાં ભગવાન શ્રી રામનો રોલ કરી હિંદી સિનેમામાં ઈતિહાસ રચી ગયા! (પ્રકાશ પિક્ચર્સ નિર્મિત અને વિજય ભટ્ટ દિગ્દર્શિત રામરાજ્ય ફિલ્મમાં લક્ષ્મણનો રોલ આપણા ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત દેસાઈએ કરેલો. હજુ છએક મહિના પહેલાં 99 વર્ષે તેમનું અવસાન થયું. રામરાજ્યમાં સીતાજી તરીકે વર્તમાન ફિલ્મ અભિનેત્રી કાજોલના નાનીજી શોભના સમર્થ હતાં) અહીંથી જ જીવનને ખલનાયકની દીર્ઘ કારકિર્દી ઘડવાની તક મળી.

યોગાનુયોગ એવો, અનામિકા, કે આ જ હોટેલ પર નૌશાદ સાહેબ જમવા જતા; આ જ હોટેલ પર સોળ વર્ષના કે. આસિફ પણ જમવા જતા. સમય જતાં  નૌશાદ અલી  હિંદી  ફિલ્મસંગીત ક્ષેત્રે  બેતાજ   બાદશાહ બન્યા.

પણ આજે આપણે આસિફ સાહેબની વાત કરીએ. રાત્રે હોટેલ પર એકઠા થયેલા મિત્રો અવનવી આપવીતી કહેતા. ફિલ્મનિર્માણની વાત નીકળે ત્યારે કે. આસિફ કહેતા, “શું આજકાલની ફિલ્મો! મને જો તક મળે તો હું સારામાં સારી ફિલ્મ બનાવીને દુનિયાને બતાવીશ કે શ્રેષ્ઠ ફિલ્મ કોને કહેવાય!” મિત્રો મજાક કરતા ત્યારે યુવાન આસિફ કહેતા: એક દિવસ મોટામાં મોટા સ્ટાર્સને મારી ફિલ્મમાં ડાયરેક્ટ કરીશ! મિત્રો હસતા, ત્યારે આસિફ સાહેબ ફિલ્મનિર્માણનાં સ્વપ્નાંમાં ખોવાઈ જતા.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, તે અરસામાં કે. આસિફની પ્રથમ ફિલ્મ આવી: ફૂલ. પણ રે નસીબ! ફિલ્મથી સફળતા જોજનો દૂર રહી! પણ દ્રઢનિશ્ચયી આસિફ શ્રેષ્ઠ ફિલ્મનિર્માણના ધ્યેયને વળગી રહ્યા.

હિંદુસ્તાનના ફિલ્મ ઈતિહાસમાં બેનમૂન ભવ્ય ઐતિહાસિક ફિલ્મ “મોગલ-એ-આઝમ” ના નિર્માણમાં તેમણે જીવનનાં કીમતી વર્ષો ખર્ચી નાખ્યાં. રાતદિવસ એક કરી તેમણે ગજબની ફિલ્મ બનાવી. યુવાવયે જોયેલું મહાન સ્વપ્ન ચાલીસ વર્ષ પછી પૂરું થયું! મુંબઈના આલીશાન મરાઠા મંદિરમાં તેનો શાનદાર પ્રીમિયર શો યોજાયો.

કે. આસિફની “મોગલ-એ-આઝમ” (મુઘલ-એ-આઝમ કે Mughal-E-Aajham) 1960ની પાંચમી ઓગસ્ટે દેશભરનાં પ્રમુખ થિયેટરોમાં રજૂ થઈ. આસિફસાહેબના આ મહાન સર્જનને ભારતભરમાં અભૂતપૂર્વ આવકાર મળ્યો. એક અનોખો ઈતિહાસ રચી જનાર આ ફિલ્મ આજે પણ દેશ-વિદેશમાં એટલી જ લોકપ્રિય રહી છે.

અનામિકા! સ્વપ્નદ્રષ્ટા શું ન કરી શકે? જો સ્વપ્નસેવન સાથે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન, સંકલ્પશક્તિ અને અપાર ખંત ભળે તો સ્વપ્નસિદ્ધિ અચૂક મળે જ! સસ્નેહ આશીર્વાદ.

2 comments July 31, 2007

અનામિકાને પત્ર: 20

.

પ્રિય અનામિકા!

કુદરતનો કેર ધરતીને ધમરોળી રહ્યો છે. શું પૂર્વ કે શું પશ્ચિમ વાતાવરણના અસાધારણ પલટા સર્વત્ર તબાહી સર્જી રહ્યા છે. માનવજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. જે વિજ્ઞાને માનવીને અન્ય જીવો પર અબાધિત સર્વોપરિતા બક્ષી છે, તે જ વિજ્ઞાન પ્રકૃતિના બળ સામે વામણું જણાય છે.

એક રાતનો પાવર કટ તમારા પ્રવાસમાં તમને કેવો પરેશાન કરી ગયો!

ઈલેક્ટ્રીસીટીની મહત્તા આપણા મગજમાં ઝબકે અને બે નામ રોશન થઈ ઊઠે.- માઈકલ ફેરેડે અને થોમસ આલ્વા એડીસન. આવા કેટલાક વૈજ્ઞાનિકો, તેમના બુદ્ધિવાદનો ઢંઢેરો પીટ્યા સિવાય, વિજ્ઞાનને સમૃદ્ધિ બક્ષતા ગયા છે અને સંસ્કૃતિના વિકાસની નવી દિશાઓ ખોલતા ગયા છે.

અનામિકા! મેં તને ફેરેડેના નિયમો શીખવ્યા હતા, યાદ આવે છે? એક ગરીબ બસ્તીમાં રહેતા લુહારનો દીકરો દુનિયાને વિજ્ઞાનના ઉપકારક સિદ્ધાંતો આપી જાય તે પ્રેરણાદાયી કહાણી કહેવાય.

મહાનુભાવોના જીવનમાં નાનકડી વ્યક્તિઓ અને નાનકડી ઘટનાઓ પણ કેવા પલટા લાવી શકે છે તે બાબત મને હંમેશા આશ્ચર્યમાં મૂકી દે છે.

અનામિકા! પ્રતિષ્ઠિત બ્રિટિશ વૈજ્ઞાનિક માઈકલ ફેરેડેની જીવન કથાનો એક અંશ આલેખું છું.

અઢારમી સદીનો છેલ્લો દશકો. ઈંગ્લેંડમાં લંડન શહેર પાસે, ટેમ્સ નદીને કિનારે એક ગ્રામ્યવિસ્તાર. એક  નિર્ધન લુહાર કુટુંબમાં માઈકલ ફેરેડેનો જન્મ. માઈકલને મૂછના દોરા ફૂટે ત્યાં તો તેના પિતાનું અવસાન થયું.

યુવાન માઈકલ એક બુક-બાઈન્ડરને ત્યાં નોકરી કરે. તેનો માલિક ભારે દયાળુ. માઈકલની ઉત્સુકતા જોઈને તેને વિશેષ વાચન-અભ્યાસ-મનન માટે પ્રેરતો રહે. તે જમાનામાં તત્વજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે અછડતી ભેદરેખા હતી. માઈકલનો વિજ્ઞાન-ફિલોસોફીનો રસ જોઈને માલિક તેને આવાં પ્રવચન માટેની ટિકિટો લાવી આપે. માઈકલ હોંશે હોંશે તેમાં હાજરી આપે.

એક દિવસ  દુકાને એક ગ્રાહક માઈકલને ઉદાર ભાવે લંડન (ઈંગ્લેંડ) ના સુપ્રસિદ્ધ રોયલ ઈન્સ્ટીટ્યુશનના ચાર પ્રવચનોની શ્રેણીની  ટિકિટો આપી ગયો. કોઈ મોટા વૈજ્ઞાનિકના પ્રવચનો છે તેવી માઈકલને જાણ. પહેલા જ પ્રવચનથી માઈકલને ભારે રસ પડ્યો. શ્રેણીને અંતે માઈકલે તે વૈજ્ઞાનિકને એક મનનીય પત્ર લખ્યો. પત્ર લખવાની નાનકડી ઘટનાએ એક ઈતિહાસ સર્જી દીધો!

તે હતું 1812નું વર્ષ. ડિસેમ્બર મહિનો. ક્રિસમસ સંધ્યા પર માઈકલને એક પત્ર મળ્યો. રોયલ ઈન્સ્ટીટ્યુશનના વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર હંફ્રી ડેવી એ માઈકલને આમંત્રણ આપ્યું હતું! જોતજોતામાં નરી મુફલિસીનો શિકાર માઈકલ ફેરેડે મહિને 100 શિલિંગના ઈજ્જતદાર પગારથી સર હંફ્રી ડેવીના મદદનીશ વૈજ્ઞાનિક તરીકે જોડાઈ ગયો.

ફરી પ્રશ્નો ઊઠે: માઈકલનું જીવન પલટાવનાર પરિબળ કયું? માઈકલની બુદ્ધિશક્તિ કે માલિકનો સદભાવ કે એક અજાણ્યા ગ્રાહક -એ ગ્રાહક કે જેનું નામ ક્યાંય લખાયેલું નથી- ની ઉદારતા?

આવા પ્રશ્નોના ઉત્તર કદી સરળ નથી હોતા. તે અનુત્તર રહે તેમાં જ જીવનની મુગ્ધતા પણ છે, મહત્તા પણ.

જીવનના ભીતરી સૌંદર્યને પામવા બુદ્ધિનો ઉપયોગ વિવેકથી થાય તે ઈચ્છનીય છે. …  સસ્નેહ આશીર્વાદ.

1 comment June 30, 2007

અનામિકાને પત્ર: 19

***

પ્રિય અનામિકા,

યોગોદા સત્સંગ સંઘ વિશેની તારી પૃચ્છા મારા માટે પ્રાથમિકતા બને છે.

ક્રિયાયોગ વિશે તારા મિત્રોમાં તું દિલચશ્પી જગાવી શકી તે સરસ વાત છે.

ક્રિયાયોગ પ્રતિષ્ઠિત કર્યો હૈડાખાનવાળા બાબાજીએ. બાબાજીના શિષ્ય લાહિરી મહાશય. લાહિરી મહાશયના શિષ્ય યુક્તેશ્વરજી.

યુક્તેશ્વરજી સિદ્ધહસ્ત લેખક હતા. વિદ્વાન હતા. પાંચ ભાષાઓના જાણકાર હતા - બંગાળી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ફ્રેંચ. યુક્તેશ્વરજીનો આશ્રમ કલકત્તાથી અઢારેક કિલોમીટર દૂર સિરામપોર ખાતે હતો.

યોગાનંદજી (પૂર્વાશ્રમમાં મુકુંદ) હતા યુક્તેશ્વરજીના શિષ્ય.

અનામિકા! આગળના એક પત્રમાં મેં શ્રી “મ”નો ઉલ્લેખ કર્યો હતો. શ્રી “મ” અર્થાત મહેન્દ્રનાથ ગુપ્ત – શ્રી રામકૃષ્ણ પરમહંસના અનન્ય ભક્ત. બાળપણમાં મુકુંદજીના અધ્યાત્મિક વિકાસ પર શ્રી “મ”નો સારો એવો પ્રભાવ હતો. યુવાન વયે મુકુંદજી મહાયોગી યુક્તેશ્વરજીના સંપર્કમાં આવ્યા. મુકુંદજી સંન્યાસ-દીક્ષા મળતાં યોગાનંદજી કહેવાયા.

1920માં યોગાનંદજી અમેરિકા પહોંચ્યા. પાંચ વર્ષ સુધી અમેરિકાના વિવિધ નગરોમાં યોગનો પ્રચાર કર્યો. 1925માં લોસ એંજેલિસમાં તેમણે આશ્રમ સ્થાપ્યો. માર્ચ 7, 1952ના રોજ યોગાનંદજીએ મહાસમાધિ લીધી. વીસ દિવસ સુધી તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો.

તારી માહિતી સાચી છે …. યોગાનંદજીના પાર્થિવ દેહમાં વીસ દિવસ સુધી વિકૃતિ નહોતી દેખાઈ તે જાણીતી હકીકત છે. સ્વામી યોગાનંદજીના દેહત્યાગ પછી પાર્થિવ શરીર અંગેની વાતો તારા વિદેશી મિત્રો માટે કૂતુહલનો વિષય બને તેમાં શી નવાઈ!

આને ચમત્કાર ગણવો કે અસાધારણ વિરલ ઘટના ગણવી કે આપણી ઈન્દ્રિયશક્તિની મર્યાદાની બહારની ઘટના ગણવી?

જે સર્વવિદિત છે તે જ સત્ય તેમ આપણે માનીએ છીએ. જે ઈન્દ્રિયગમ્ય જ્ઞાનની બહાર હોય, આપણી વૈજ્ઞાનિક માન્યતામાં બંધબેસતી ન હોય તે દરેક ઘટનાને આપણે અસ્વીકાર્ય ચમત્કાર ગણવાની મૂર્ખામી કરી બેસીએ છીએ. પછી આવા સમજ બહારના “ચમત્કારો” શક્ય જ નથી તેવો હોબાળો મચાવીએ છીએ, તેમને અંધશ્રદ્ધામાં ખપાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણા બુદ્ધિવાદનો જય જયકાર કરીએ છીએ …

તેના કારણે આપણે અવ્યક્ત જગતનાં ઈન્દ્રિયાતીત રહસ્યોને પામવાની તક ચૂકીએ છીએ. અરે! વિજ્ઞાન પ્રેરિત નવીન વિચારોને ધુત્કારી બેસીએ છીએ!! આપણે ચાર સદી પહેલાં કોપર્નિકસ અને ગેલિલિઓ સાથે શું વર્તાવ કર્યો? બહુજન સમાજમાં પ્રચલિત માન્યતાઓથી તેમના વિચારો જુદા પડ્યા અને આપણે તેમને પારાવાર માનસિક યાતનાઓ આપી. શું આ સુસંસ્કૃત બુદ્ધિવાદનું લક્ષણ છે?

આપણે ભૂલી જઈએ છીએ કે છેલ્લા બે હજાર વર્ષના ઈતિહાસમાં પ્રત્યેક તબક્કે વિજ્ઞાનની ઘણી ખરી માન્યતાઓ વખતોવખત બદલાતી રહી છે. જો અર્થહીન, તર્કહીન રૂઢિચુસ્ત સામાજિક અને ધાર્મિક માન્યતાઓને જડતાથી વળગી રહેવામાં મૂર્ખામી છે, તો વર્તમાન વૈજ્ઞાનિક માન્યતાઓને તેમજ સિદ્ધાંતોને અંતિમ, અચલ, સનાતન સત્ય માની લેવામાં પણ મહામૂર્ખામી છે. વિજ્ઞાન પ્રતિપાદિત તથ્યોને સ્થળ અને કાળની મર્યાદાઓ છે તે પણ સમજવું જરૂરી છે.

ડાહ્યો માણસ તો વિતંડાવાદથી દૂર રહી નીરક્ષીર વિવેકે સત્યને પારખી લેશે. બુદ્ધિમાન મનુષ્યે સત્યના પ્રસાર અર્થે પ્રયત્નો કરવા પરંતુ હીણી ચર્ચા અને વ્યર્થ વિવાદોથી દૂર જ રહેવું.

તું પણ એ જ રસ્તે ધપજે!

સસ્નેહ આશીર્વાદ!

***

2 comments May 30, 2007

Next Posts Previous Posts


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

સુરેશ જ… on અનામિકાને …
સુરેશ જ… on અનામિકાને …
અનિમેષ … on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
અનન્યા/0… on અનામિકાને …
સુરેશ on અનામિકાને …
હરીશ દવ… on અનામિકાને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats