અનામિકાને પત્ર: 21

.
પ્રિય અનામિકા!

“મોગલ-એ-આઝમ” (મુઘલ-એ-આઝમ કે Mughal-E-Aajham) વિશે તારો પત્ર મને વારંવાર વાંચવો ગમ્યો. આ ફિલ્મની રંગીન પ્રિન્ટ અને બ્લેક-એન્ડ-વ્હાઈટ પ્રિન્ટની ખૂબીઓને તેં સરસથી અવલોકી છે. આવી દ્રષ્ટિ ખીલવવા બદલ અભિનંદન! તારા કેટલાક મિત્રોએ આ ક્લાસિક હિન્દી ફિલ્મ પ્રથમ જ વખત જોઈ અને તેઓ પ્રભાવિત થયાં તે વાત આનંદ આપે છે.

અનામિકા! “મોગલ-એ-આઝમ”ની નિર્માણ કહાણી પરીકથા જેવી જ રોચક છે.  “મોગલ-એ-આઝમ”ના મહાન સર્જક કે. આસિફના જીવનનાં કેટલાં પાસાં વણકહ્યાં-શાં રહ્યાં છે!

ઉત્તરપ્રદેશમાં જન્મેલ કે. આસિફ નાની ઉંમરે નસીબ અજમાવવા મુંબઈ આવી પહોંચ્યા. મુંબઈમાં તેમણે દરજીકામ કરવા દાદરમાં ટેઈલર-શોપ ખોલી.

વાત છે 1940ની આસપાસની.

ત્યારે હિન્દી સિનેમાના મશહૂર ફિલ્મ સંગીતકાર નૌશાદ અલી સાહેબના સંઘર્ષના દિવસો હતા. એકવીસેક વર્ષના યુવાન નૌશાદ સાહેબ ત્યારે દાદરના બ્રોડવે સિનેમાની સામે એક નાનકડી ખોલીમાં રહેતા.

આ જ અરસામાં પાછળથી પ્રસિદ્ધિ પામનાર અભિનેતા પ્રેમ અદીબ તથા તેનો ખલનાયક મિત્ર જીવન તે સમયે હજી ફિલ્મ લાઈનમાં પગદંડો જમાવવા મહેનત કરી રહ્યા હતા. બંને મિત્રો દાદરમાં એક હોટેલ ચલાવતા.

અનામિકા! મઝાની વાત એ કે આ નાનકડી હોટેલ કેટકેટલાનું તકદીર બદલી ગઈ! બે એક વર્ષોમાં પ્રેમ અદીબ વિજય ભટ્ટની “રામરાજ્ય” ફિલ્મમાં ભગવાન શ્રી રામનો રોલ કરી હિંદી સિનેમામાં ઈતિહાસ રચી ગયા! (પ્રકાશ પિક્ચર્સ નિર્મિત અને વિજય ભટ્ટ દિગ્દર્શિત રામરાજ્ય ફિલ્મમાં લક્ષ્મણનો રોલ આપણા ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત દેસાઈએ કરેલો. હજુ છએક મહિના પહેલાં 99 વર્ષે તેમનું અવસાન થયું. રામરાજ્યમાં સીતાજી તરીકે વર્તમાન ફિલ્મ અભિનેત્રી કાજોલના નાનીજી શોભના સમર્થ હતાં) અહીંથી જ જીવનને ખલનાયકની દીર્ઘ કારકિર્દી ઘડવાની તક મળી.

યોગાનુયોગ એવો, અનામિકા, કે આ જ હોટેલ પર નૌશાદ સાહેબ જમવા જતા; આ જ હોટેલ પર સોળ વર્ષના કે. આસિફ પણ જમવા જતા. સમય જતાં  નૌશાદ અલી  હિંદી  ફિલ્મસંગીત ક્ષેત્રે  બેતાજ   બાદશાહ બન્યા.

પણ આજે આપણે આસિફ સાહેબની વાત કરીએ. રાત્રે હોટેલ પર એકઠા થયેલા મિત્રો અવનવી આપવીતી કહેતા. ફિલ્મનિર્માણની વાત નીકળે ત્યારે કે. આસિફ કહેતા, “શું આજકાલની ફિલ્મો! મને જો તક મળે તો હું સારામાં સારી ફિલ્મ બનાવીને દુનિયાને બતાવીશ કે શ્રેષ્ઠ ફિલ્મ કોને કહેવાય!” મિત્રો મજાક કરતા ત્યારે યુવાન આસિફ કહેતા: એક દિવસ મોટામાં મોટા સ્ટાર્સને મારી ફિલ્મમાં ડાયરેક્ટ કરીશ! મિત્રો હસતા, ત્યારે આસિફ સાહેબ ફિલ્મનિર્માણનાં સ્વપ્નાંમાં ખોવાઈ જતા.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, તે અરસામાં કે. આસિફની પ્રથમ ફિલ્મ આવી: ફૂલ. પણ રે નસીબ! ફિલ્મથી સફળતા જોજનો દૂર રહી! પણ દ્રઢનિશ્ચયી આસિફ શ્રેષ્ઠ ફિલ્મનિર્માણના ધ્યેયને વળગી રહ્યા.

હિંદુસ્તાનના ફિલ્મ ઈતિહાસમાં બેનમૂન ભવ્ય ઐતિહાસિક ફિલ્મ “મોગલ-એ-આઝમ” ના નિર્માણમાં તેમણે જીવનનાં કીમતી વર્ષો ખર્ચી નાખ્યાં. રાતદિવસ એક કરી તેમણે ગજબની ફિલ્મ બનાવી. યુવાવયે જોયેલું મહાન સ્વપ્ન ચાલીસ વર્ષ પછી પૂરું થયું! મુંબઈના આલીશાન મરાઠા મંદિરમાં તેનો શાનદાર પ્રીમિયર શો યોજાયો.

કે. આસિફની “મોગલ-એ-આઝમ” (મુઘલ-એ-આઝમ કે Mughal-E-Aajham) 1960ની પાંચમી ઓગસ્ટે દેશભરનાં પ્રમુખ થિયેટરોમાં રજૂ થઈ. આસિફસાહેબના આ મહાન સર્જનને ભારતભરમાં અભૂતપૂર્વ આવકાર મળ્યો. એક અનોખો ઈતિહાસ રચી જનાર આ ફિલ્મ આજે પણ દેશ-વિદેશમાં એટલી જ લોકપ્રિય રહી છે.

અનામિકા! સ્વપ્નદ્રષ્ટા શું ન કરી શકે? જો સ્વપ્નસેવન સાથે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન, સંકલ્પશક્તિ અને અપાર ખંત ભળે તો સ્વપ્નસિદ્ધિ અચૂક મળે જ! સસ્નેહ આશીર્વાદ.

2 comments July 31, 2007

અનામિકાને પત્ર: 20

.

પ્રિય અનામિકા!

કુદરતનો કેર ધરતીને ધમરોળી રહ્યો છે. શું પૂર્વ કે શું પશ્ચિમ વાતાવરણના અસાધારણ પલટા સર્વત્ર તબાહી સર્જી રહ્યા છે. માનવજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. જે વિજ્ઞાને માનવીને અન્ય જીવો પર અબાધિત સર્વોપરિતા બક્ષી છે, તે જ વિજ્ઞાન પ્રકૃતિના બળ સામે વામણું જણાય છે.

એક રાતનો પાવર કટ તમારા પ્રવાસમાં તમને કેવો પરેશાન કરી ગયો!

ઈલેક્ટ્રીસીટીની મહત્તા આપણા મગજમાં ઝબકે અને બે નામ રોશન થઈ ઊઠે.- માઈકલ ફેરેડે અને થોમસ આલ્વા એડીસન. આવા કેટલાક વૈજ્ઞાનિકો, તેમના બુદ્ધિવાદનો ઢંઢેરો પીટ્યા સિવાય, વિજ્ઞાનને સમૃદ્ધિ બક્ષતા ગયા છે અને સંસ્કૃતિના વિકાસની નવી દિશાઓ ખોલતા ગયા છે.

અનામિકા! મેં તને ફેરેડેના નિયમો શીખવ્યા હતા, યાદ આવે છે? એક ગરીબ બસ્તીમાં રહેતા લુહારનો દીકરો દુનિયાને વિજ્ઞાનના ઉપકારક સિદ્ધાંતો આપી જાય તે પ્રેરણાદાયી કહાણી કહેવાય.

મહાનુભાવોના જીવનમાં નાનકડી વ્યક્તિઓ અને નાનકડી ઘટનાઓ પણ કેવા પલટા લાવી શકે છે તે બાબત મને હંમેશા આશ્ચર્યમાં મૂકી દે છે.

અનામિકા! પ્રતિષ્ઠિત બ્રિટિશ વૈજ્ઞાનિક માઈકલ ફેરેડેની જીવન કથાનો એક અંશ આલેખું છું.

અઢારમી સદીનો છેલ્લો દશકો. ઈંગ્લેંડમાં લંડન શહેર પાસે, ટેમ્સ નદીને કિનારે એક ગ્રામ્યવિસ્તાર. એક  નિર્ધન લુહાર કુટુંબમાં માઈકલ ફેરેડેનો જન્મ. માઈકલને મૂછના દોરા ફૂટે ત્યાં તો તેના પિતાનું અવસાન થયું.

યુવાન માઈકલ એક બુક-બાઈન્ડરને ત્યાં નોકરી કરે. તેનો માલિક ભારે દયાળુ. માઈકલની ઉત્સુકતા જોઈને તેને વિશેષ વાચન-અભ્યાસ-મનન માટે પ્રેરતો રહે. તે જમાનામાં તત્વજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે અછડતી ભેદરેખા હતી. માઈકલનો વિજ્ઞાન-ફિલોસોફીનો રસ જોઈને માલિક તેને આવાં પ્રવચન માટેની ટિકિટો લાવી આપે. માઈકલ હોંશે હોંશે તેમાં હાજરી આપે.

એક દિવસ  દુકાને એક ગ્રાહક માઈકલને ઉદાર ભાવે લંડન (ઈંગ્લેંડ) ના સુપ્રસિદ્ધ રોયલ ઈન્સ્ટીટ્યુશનના ચાર પ્રવચનોની શ્રેણીની  ટિકિટો આપી ગયો. કોઈ મોટા વૈજ્ઞાનિકના પ્રવચનો છે તેવી માઈકલને જાણ. પહેલા જ પ્રવચનથી માઈકલને ભારે રસ પડ્યો. શ્રેણીને અંતે માઈકલે તે વૈજ્ઞાનિકને એક મનનીય પત્ર લખ્યો. પત્ર લખવાની નાનકડી ઘટનાએ એક ઈતિહાસ સર્જી દીધો!

તે હતું 1812નું વર્ષ. ડિસેમ્બર મહિનો. ક્રિસમસ સંધ્યા પર માઈકલને એક પત્ર મળ્યો. રોયલ ઈન્સ્ટીટ્યુશનના વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર હંફ્રી ડેવી એ માઈકલને આમંત્રણ આપ્યું હતું! જોતજોતામાં નરી મુફલિસીનો શિકાર માઈકલ ફેરેડે મહિને 100 શિલિંગના ઈજ્જતદાર પગારથી સર હંફ્રી ડેવીના મદદનીશ વૈજ્ઞાનિક તરીકે જોડાઈ ગયો.

ફરી પ્રશ્નો ઊઠે: માઈકલનું જીવન પલટાવનાર પરિબળ કયું? માઈકલની બુદ્ધિશક્તિ કે માલિકનો સદભાવ કે એક અજાણ્યા ગ્રાહક -એ ગ્રાહક કે જેનું નામ ક્યાંય લખાયેલું નથી- ની ઉદારતા?

આવા પ્રશ્નોના ઉત્તર કદી સરળ નથી હોતા. તે અનુત્તર રહે તેમાં જ જીવનની મુગ્ધતા પણ છે, મહત્તા પણ.

જીવનના ભીતરી સૌંદર્યને પામવા બુદ્ધિનો ઉપયોગ વિવેકથી થાય તે ઈચ્છનીય છે. …  સસ્નેહ આશીર્વાદ.

1 comment June 30, 2007

અનામિકાને પત્ર: 19

***

પ્રિય અનામિકા,

યોગોદા સત્સંગ સંઘ વિશેની તારી પૃચ્છા મારા માટે પ્રાથમિકતા બને છે.

ક્રિયાયોગ વિશે તારા મિત્રોમાં તું દિલચશ્પી જગાવી શકી તે સરસ વાત છે.

ક્રિયાયોગ પ્રતિષ્ઠિત કર્યો હૈડાખાનવાળા બાબાજીએ. બાબાજીના શિષ્ય લાહિરી મહાશય. લાહિરી મહાશયના શિષ્ય યુક્તેશ્વરજી.

યુક્તેશ્વરજી સિદ્ધહસ્ત લેખક હતા. વિદ્વાન હતા. પાંચ ભાષાઓના જાણકાર હતા - બંગાળી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ફ્રેંચ. યુક્તેશ્વરજીનો આશ્રમ કલકત્તાથી અઢારેક કિલોમીટર દૂર સિરામપોર ખાતે હતો.

યોગાનંદજી (પૂર્વાશ્રમમાં મુકુંદ) હતા યુક્તેશ્વરજીના શિષ્ય.

અનામિકા! આગળના એક પત્રમાં મેં શ્રી “મ”નો ઉલ્લેખ કર્યો હતો. શ્રી “મ” અર્થાત મહેન્દ્રનાથ ગુપ્ત – શ્રી રામકૃષ્ણ પરમહંસના અનન્ય ભક્ત. બાળપણમાં મુકુંદજીના અધ્યાત્મિક વિકાસ પર શ્રી “મ”નો સારો એવો પ્રભાવ હતો. યુવાન વયે મુકુંદજી મહાયોગી યુક્તેશ્વરજીના સંપર્કમાં આવ્યા. મુકુંદજી સંન્યાસ-દીક્ષા મળતાં યોગાનંદજી કહેવાયા.

1920માં યોગાનંદજી અમેરિકા પહોંચ્યા. પાંચ વર્ષ સુધી અમેરિકાના વિવિધ નગરોમાં યોગનો પ્રચાર કર્યો. 1925માં લોસ એંજેલિસમાં તેમણે આશ્રમ સ્થાપ્યો. માર્ચ 7, 1952ના રોજ યોગાનંદજીએ મહાસમાધિ લીધી. વીસ દિવસ સુધી તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો.

તારી માહિતી સાચી છે …. યોગાનંદજીના પાર્થિવ દેહમાં વીસ દિવસ સુધી વિકૃતિ નહોતી દેખાઈ તે જાણીતી હકીકત છે. સ્વામી યોગાનંદજીના દેહત્યાગ પછી પાર્થિવ શરીર અંગેની વાતો તારા વિદેશી મિત્રો માટે કૂતુહલનો વિષય બને તેમાં શી નવાઈ!

આને ચમત્કાર ગણવો કે અસાધારણ વિરલ ઘટના ગણવી કે આપણી ઈન્દ્રિયશક્તિની મર્યાદાની બહારની ઘટના ગણવી?

જે સર્વવિદિત છે તે જ સત્ય તેમ આપણે માનીએ છીએ. જે ઈન્દ્રિયગમ્ય જ્ઞાનની બહાર હોય, આપણી વૈજ્ઞાનિક માન્યતામાં બંધબેસતી ન હોય તે દરેક ઘટનાને આપણે અસ્વીકાર્ય ચમત્કાર ગણવાની મૂર્ખામી કરી બેસીએ છીએ. પછી આવા સમજ બહારના “ચમત્કારો” શક્ય જ નથી તેવો હોબાળો મચાવીએ છીએ, તેમને અંધશ્રદ્ધામાં ખપાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણા બુદ્ધિવાદનો જય જયકાર કરીએ છીએ …

તેના કારણે આપણે અવ્યક્ત જગતનાં ઈન્દ્રિયાતીત રહસ્યોને પામવાની તક ચૂકીએ છીએ. અરે! વિજ્ઞાન પ્રેરિત નવીન વિચારોને ધુત્કારી બેસીએ છીએ!! આપણે ચાર સદી પહેલાં કોપર્નિકસ અને ગેલિલિઓ સાથે શું વર્તાવ કર્યો? બહુજન સમાજમાં પ્રચલિત માન્યતાઓથી તેમના વિચારો જુદા પડ્યા અને આપણે તેમને પારાવાર માનસિક યાતનાઓ આપી. શું આ સુસંસ્કૃત બુદ્ધિવાદનું લક્ષણ છે?

આપણે ભૂલી જઈએ છીએ કે છેલ્લા બે હજાર વર્ષના ઈતિહાસમાં પ્રત્યેક તબક્કે વિજ્ઞાનની ઘણી ખરી માન્યતાઓ વખતોવખત બદલાતી રહી છે. જો અર્થહીન, તર્કહીન રૂઢિચુસ્ત સામાજિક અને ધાર્મિક માન્યતાઓને જડતાથી વળગી રહેવામાં મૂર્ખામી છે, તો વર્તમાન વૈજ્ઞાનિક માન્યતાઓને તેમજ સિદ્ધાંતોને અંતિમ, અચલ, સનાતન સત્ય માની લેવામાં પણ મહામૂર્ખામી છે. વિજ્ઞાન પ્રતિપાદિત તથ્યોને સ્થળ અને કાળની મર્યાદાઓ છે તે પણ સમજવું જરૂરી છે.

ડાહ્યો માણસ તો વિતંડાવાદથી દૂર રહી નીરક્ષીર વિવેકે સત્યને પારખી લેશે. બુદ્ધિમાન મનુષ્યે સત્યના પ્રસાર અર્થે પ્રયત્નો કરવા પરંતુ હીણી ચર્ચા અને વ્યર્થ વિવાદોથી દૂર જ રહેવું.

તું પણ એ જ રસ્તે ધપજે!

સસ્નેહ આશીર્વાદ!

***

2 comments May 30, 2007

અનામિકાને પત્ર: 18

પ્રિય અનામિકા,

તારા પત્રો વાંચ્યાં છે. કેટલાક સંજોગોને કારણે ઉત્તર આપી શકાતા નથી. ફોન પર તને સમજાવવા પ્રયત્ન કર્યો છે તે મુજબ ધીરજ રાખજે.

આજે તારો એક પ્રશ્ન હાથ પર લઉં છું.

તું પૂછે છે: શ્રેષ્ઠ કાવ્ય શી રીતે સર્જાય?

નાનકડો જવાબ આપું?

સૃષ્ટિના કણ કણમાં પ્રગટેલું સૌંદર્ય નેત્ર ભરી દે, બ્રહ્માંડમાં ખૂણે ખૂણે ઊઠેલો ધ્વનિ કર્ણ ભરી દે, હૃદયનાં અંતસ્તલે ઊઠેલાં સ્પંદનો તમારા અસ્તિત્વની આરપાર ઘુમરાતાં રહે, ત્યારે શૂન્યમાંથી, નિ:શબ્દમાંથી જે શબ્દ પ્રગટે તે શબ્દ તે શ્રેષ્ઠ કાવ્ય.

આજે આટલા ટચૂકડા પત્રથી સંતોષ માનીશ?

સસ્નેહ આશીર્વાદ.

* * * * * * * * * * *

3 comments April 30, 2007

અનામિકાને પત્ર: 17

પ્રિય અનામિકા,

ત્યાંનું હવામાન સુધરી રહ્યું હોવાનું જાણી રાહત થાય છે. અતિશય ઠંડી અને ભારે બરફવર્ષા સહન કર્યાં પછી રાબેતા મુજબના જીવનમાં ગોઠવાવું તમને સારું જ લાગે ને! ચિ. અમરની સાઈબેરિયા સાથેની સરખામણીની વાત રમૂજ આપી ગઈ. તેં વળી એક ડગલું આગળ વધી મહાન રશિયન લેખક દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) ને યાદ કર્યા.

રશિયન સાહિત્યમાં ફિયોદોર દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) તથા તેની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટનાં ખાસ સ્થાન છે.

અનામિકા! દોસ્તોયેવ્સ્કીની અમર કૃતિ ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વિશે તારે જાણવું છે ને?

દોસ્તોયેવ્સ્કીની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટનો નાયક છે રાસ્કોલ્નિકોવ. આપણે તેને રાસ્કો તરીકે ઓળખીશું? તેની નાયિકા છે સોનિયા.

રાસ્કો સાચા રૂપમાં ઈન્સાન છે. નીતિવાન છે. સાફ હૃદયનો છે. અન્યને મદદરુપ થવા તત્પર રહે છે. પરંતુ તેની આર્થિક મર્યાદાઓ તેને કનડે છે. મજબૂરીમાં એક શાહુકાર વૃદ્ધા પાસેથી તે ઋણ લે છે. પાછળથી  તેને ખબર પડે છે કે તે વૃદ્ધા તો નિર્દોષ જરૂરિયાતમંદ લોકોને પીડતી શોષણખોર શાહુકાર છે. રાસ્કોને વૃદ્ધાના કરતૂતો પર ઘૃણા થાય છે અને તે આવેશમાં આવી કોઈને ખબર ન પડે તેમ વૃદ્ધાને મારી નાખે છે.

રાસ્કોએ ખૂન કરતાં તો કરી નાખ્યું …. પણ હવે? તેને પશ્ચાત્તાપ થાય છે. તે મનમાં પોતાને દોષિત સમજી અપરાધવૃત્તિથી દુ:ખી થાય છે. એક તરફ તેને હીન ભાવનાથી ગ્લાનિ થાય છે, તો બીજી તરફ તે પોતે સમાજના ભલા માટે ખૂન કર્યું હોવાનું વિચારી મનને મનાવવા પ્રયત્ન કરે છે.

રાસ્કોની પ્રિયતમા સોનિયા અઢારેક વર્ષની પ્રેમાળ યૌવના છે. તેના દારૂડિયા પિતા દુનિયા છોડી ગયા છે. વિધવા સાવકી મા ટી.બી.ની અસાધ્ય બીમારીમાં સબડે છે. સાવકી મા અને તેની બે પુત્રીઓની જવાબદારી સોનિયા પર છે. મજબૂર સોનિયા શરીર વેચી ઘર ચલાવે છે.

સોનિયા ભલે વેશ્યા રહી, પરંતુ તેનામાં નારી સહજ ઋજુતા છે. તેનું હૃદય સ્નેહસ્નિગ્ધ છે. તે ઊલટતા અંતરે રાસ્કોને ચાહે છે. ક્ષતવિક્ષત જીવનપ્રવાહમાં પણ તેણે ઈશ્વર પર શ્રદ્ધા ટકાવી રાખી છે. રાસ્કોને ભગવાનના અસ્તિત્વમાં નામ પૂરતોયે વિશ્વાસ નથી.

સોનિયા રાસ્કોને સમજાવે છે કે પ્રભુ પર ભરોસો રાખી તેણે પોલિસ સમક્ષ જઈ ખૂનના ગુનાનો એકરાર કરી લેવો જોઈએ. રાસ્કો તેની વાત સ્વીકારવા તૈયાર નથી. રાસ્કો દલીલ કરે છે કે પોલિસ તેને ગિરફ્તાર કરી લેશે, પછી સોનિયાનું શું? તેના કુટુંબનું શું? શું તેની સાવકી બહેનો પણ મજબૂરીમાં સોનિયાનો જ માર્ગ નહીં અપનાવે? વ્યથિત સોનિયાને ઈશ્વરની સંભાળ પર વિશ્વાસ છે. રાસ્કોની અશ્રદ્ધા સોનિયાને વ્યથિત કરે છે.છતાં આવા સંવાદો ચાલતા રહે છે ……

સોનિયાની ઊંડી સમજદારી માટે રાસ્કોને પણ માન છે. એક દિવસ તે સોનિયા આગળ અચાનક જ ઝૂકી પડે છે, તેના પગ ચૂમી લે છે. ક્ષોભિત સોનિયાને તે સભાનતાથી કહે છે કે મેં તને નમન નથી કર્યું, પરંતુ સદા યાતનાત્રસ્ત માનવજાતિને મેં નમન કર્યું છે. કેવી સુંદર વાત! અનામિકા! દિલમાં ઊતરી જાય તેવી વાત છેને?

સોનિયા રાસ્કોને પ્રેમથી સમજાવે છે, તેને હૂંફ આપે છે. સોનિયાની ખૂબ વિનવણી પછી રાસ્કો પોલિસસ્ટેશને જઈ ખૂનનો એકરાર કરે છે.

રાસ્કોને સાઈબેરિયાની આઠ વર્ષની કાળા પાણીની સજા થાય છે. સાઈબેરિયાના અતિ ઠંડા બર્ફીલા વેરાન પ્રદેશમાં રાસ્કોની સાથે સોનિયા પણ જાય છે.   રાસ્કો જેલમાં અન્ય કેદીઓ સાથે રહી સજા ભોગવે છે; પાસેના ગામમાં રહી સોનિયા સીવણકામથી નિર્વાહ ચલાવે છે.

રાસ્કોને ક્યારેક મનોમંથન જાગે છે: ગુનો કબૂલીને મેં ભૂલ તો નથી કરી? બીજા સેંકડો ગુનેગારો સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હોય, ત્યારે મારે શા માટે સાચું બોલવાની આકરી સજા ભોગવવાની??

તેની હતાશામાં સોનિયા તેના દિલને મક્કમતા અર્પતી રહે છે. તે પ્રસંગોપાત રાસ્કોને મળતી રહે છે. રાસ્કો સાથે અન્ય દર્દીઓની પણ સંભાળ લેતી રહે છે.

સૌ કેદીઓ સોનિયાને માતા સમાન ગણે છે અને નાની માના આદરભર્યા સંબોધનથી વંદન કરે છે. તેણે સૌનાં હૃદય જીત્યાં છે. સૌનો પ્રેમ જીત્યો છે.

એક વર્ષ વીતી ગયું છે.

રાસ્કોને હવે સોનિયાની જીવનદ્રષ્ટિ ગળે ઊતરે છે. તેને લાગે છે કે પોતાના નિરર્થક મતને વળગી રહી એકલાઅટૂલા થઈ એકલપેટા જીવવું તે મૃત્યુ છે; ભર્યો ભર્યો પ્રેમ  જ જીવન છે.

તેને સમજાય છે કે તેનું જીવન મૃત્યુનું સૂચક છે, સોનિયા સ્વયં જીવનનું પ્રતીક છે.

અનામિકા! નવલકથાનું અંતિમ દ્રશ્ય વાચકને સ્પર્શી જાય છે. ખુશનુમા પ્રભાત છે. નદીકિનારો છે. જેલના કામે આવેલા રાસ્કોનું પ્રિયતમા સાથે અનાયાસે મિલન થાય છે. દૂર સંગીતના સૂર રેલાઈ રહ્યા છે. બે આત્માના દ્વૈતભાવને મિટાવવા માટે આથી વિશેષ શું જોઈએ? રાસ્કો સોનિયાની ગોદમાં માથું ઝુકાવી રડી પડે છે … સોનિયાની આંખોમાંથી આંસૂની ધાર ચાલી જાય છે …… રાસ્કોને વિશ્વાસ છે: હવે બાકીની સાત વર્ષની સજા આરામથી કપાઈ જશે!

અનામિકા! હવે તો મારી પાસે પણ શબ્દો નથી, બેટા! જીવનદ્રષ્ટિ ખીલવજો! . . . . .  સસ્નેહ આશીર્વાદ. .

6 comments March 13, 2007

અનામિકાને પત્ર: 16

.

પ્રિય અનામિકા,

કેનેડાસ્થિત મારી એક શિષ્યાએ નિર્દોષ ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો છે.

અમે અકથ્ય આનંદ અનુભવી રહ્યા છીએ, ત્યારે અમારી એ દીકરીનું હૈયું તો કેવા આનંદથી ઊછળતું હશે! ગોદમાં નવપલ્લવિત દિવ્યતાને નિહાળી તેના હોઠ પરથી શબ્દો સરી પડ્યાં હશે: “પધારો, લક્ષ્મીજી!”

પરમાત્મા કેવા મહાન સર્જક-કલાકાર છે! તેમની એક એક કૃતિમાં પ્રાણ પૂરીને સર્જન કરે છે. તે થકી આપણા જીવનમાં અમીસિંચન કરે છે.

નવશિશુનું આગમન આપણા હૃદયને કેવું ઉલ્લાસથી ભરી દે છે! મારી શિષ્યા-પુત્રીના દાપત્યજીવનમાં ખીલેલું આ ફૂલ તે પતિ-પત્નીના જીવનમાં નવા રંગ ભરી દેશે. તેમના બંનેના કુટુંબોમાં ખુશીનો માહોલ છવાઈ જશે. તેમના બંનેના માતા-પિતાઓ જ્યાં પણ હશે, આશીર્વાદ વરસાવશે!

અનામિકા! માતૃત્વનું વરદાન પામવું તે ઈશ્વરની કૃપા. કદાચ સવાલ ઊઠે: પુત્ર કે પુત્રી? આ પ્રશ્ન ઊઠતો જ રહેતો હોય છે. પણ આપણે ભૂલીએ છીએ કે નવ-આગંતુક ઈશ્વરની પ્રસાદી છે. આપણે તેને સહર્ષ સ્વીકારીએ. તે ઈશ્વરનું દિવ્ય સર્જન છે. આપણે તેને આપણા હૃદયમાં સ્થાપિત કરીએ. સાચું પૂછો તો પુત્રીની માતા બનવામાં પણ કોઈ દૈવી સંકેત હોય છે. પુરૂષ એક કુળને શોભાવી રહી જાય છે, જ્યારે સ્ત્રી બે કુળને તારે છે તેવું શાસ્ત્ર વચન છે. હું તો તેથી યે આગળ જઈને એમ કહીશ કે સ્ત્રી બે પરિવાર વચ્ચેનો સેતુ બને છે. માનવસંબંધોના વર્તુળને વિસ્તારે છે. સંબંધોની ગૂંથણીમાં સ્ત્રીનું અપ્રતિમ યોગદાન છે. વળી પુરૂષના રસહીન-શા શુષ્ક જીવનપથને સ્ત્રી રંગોથી સજાવે છે. માનવજીવનમાં કોમળતા, પ્રેમ અને ઉષ્મા ભરે છે. એથી યે વિશેષ, માનવ અસ્તિત્વને ગૌરવ બક્ષી તેનું સંવર્ધન કરે છે.

આ નવશિશુના આગમન સાથે આપણી જવાબદારી વધી છે. આપણે કાંઈક સંકલ્પ લેવા પડશે. આપણે આવનારી પેઢીઓ માટે આપણા જીવનને સુસંસ્કૃત કરીશું અને આપણો વારસો સમૃદ્ધ બનાવીશુ. આ પૃથ્વીને, તેના સઘળાં પ્રકૃતિતત્ત્વોને સંરક્ષીશું. આવનાર આગંતુકો માટે આપણે સુજલામ, શસ્ય શ્યામલા ધરતીમાતાનું નિર્માણ કરીશું.

અનામિકા! આ નવશિશુ ઈશ્વરનો સંદેશ લઈને આવેલ છે. તે આપણને પરમાત્માની અનિર્વચનીય, શાશ્વત, સાતત્યપૂર્ણ સર્જનશક્તિનાં દર્શન કરાવે છે.પ્રભુની દિવ્યતાની ઝાંખી કરાવે છે. આ બાળકી માનવજાતને નવી દિશા ભણી દોરી જશે. તે આપણી આવતી કાલને ઉજાળશે.

આ નવશિશુ આપણા માટે, સમગ્ર માનવજાત માટે આશાનાં નવાં કિરણો લઈને આવે છે. આપણે તેને પ્રેમથી પૃથ્વી પર આપણી વચ્ચે આવકારીએ તેનાં મસ્તક પર પ્રેમાળ મૃદુ સ્પર્શે આપણા આશિષની વર્ષા કરીએ! ભલે પધાર્યાં, લક્ષ્મીજી!

સસ્નેહ આશીર્વાદ.

8 comments February 24, 2007

અનામિકાને પત્ર: 15

.

પ્રિય અનામિકા,

અમેરિકા સ્થિત મારા એક મિત્ર હમણાં અમદાવાદની મુલાકાતે આવી ગયા.. સાત વર્ષે તેમણે પોતાના વતન અમદાવાદને જોયું. નવાઈ પામી ગયા. ગુજરાતની અવિરત પ્રગતિને પગલે અમદાવાદ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. નવા રસ્તાઓ પર નવા નવા શોપિંગ મૉલ્સ અને મલ્ટિપ્લેક્સની ઝાકમઝાળ સૌને પ્રભાવિત કરે છે.

આ તો થઈ આજની વાત. પણ આઝાદી પછી આધુનિક અમદાવાદની નવરચનાનો શ્રેય અમદાવાદના પ્રથમ મેયર ચીનુભાઈ ચીમનલાલને આપવો ઘટે. ચાલ, આજે તને તેમના વિષે થોડી વાત કરી લઉં. તારા મિત્રો સાથે આ વાત કરવામાં તને ખુશી થશે. 

ચીનુભાઈ ચીમનલાલનો જન્મ 1909માં અમદાવાદમાં. લક્ષ્મીદાસ ઝવેરીના વંશજ એવા ચીનુભાઈ સુપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શેઠ કસ્તુરભાઈ લાલભાઈના ભત્રીજા થાય.  

ચીનુભાઈ 1949માં અમદાવાદ મુનિસિપાલિટીના પ્રમુખ (President) તરીકે ચૂંટાયા. 1950માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ ત્યારે ચીનુભાઈ ચીમનલાલ અમદાવાદ શહેરના પ્રથમ મેયર બન્યા.  ચીનુભાઈએ અગિયારેક વર્ષ અમદાવાદના મેયર તરીકે સેવા આપી. 

અમદાવાદ શહેરના વિકાસ અર્થે ચીનુભાઈએ ચિરસ્મરણીય કાર્યો કર્યાં છે. તેમણે 1958માં નવરંગપુરા વિસ્તાર તથા 1960માં વાસણા વિસ્તારને અ.મ્યુ.કો.માં ભેળવ્યો. નવા રસ્તાઓ બાંધી ફ્લોરેસન્ટ લાઈટ્સથી રોશન કર્યા.  દૂધેશ્વર વોટર વર્ક્સનું આધુનિકીકરણ કર્યું. અનામિકા! બાળપણમાં સ્કૂલમાંથી તમને કાંકરિયા પિકનિક જવાની ખૂબ મઝા આવતી હતી. બાળકોને આ ખુશી આપી ચીનુભાઈએ. ચીનુભાઈએ કાંકરિયા તળાવ વિસ્તારનું આયોજન કરી પ્રસિદ્ધ કાંકરિયા ઝૂ તથા બાલવાટિકા બનાવ્યાં. અમદાવાદનું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ(નવરંગપુરા), લાલ દરવાજાનું સ્નાનાગાર તથા જૂના પ્રેમાભાઈ હોલને સ્થાને નવા પ્રેમાભાઈ હોલનું આયોજન કર્યું. શહેરમાં સંસ્કારપ્રવૃત્તિ વિષે તેમની આગવી દ્રષ્ટિ હતી.

અનામિકા! તને પાલડી મ્યુઝિયમ યાદ છે  ને?  વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ ફ્રાંસના લા કોર્બુઝિયરની સેવાથી ચીનુભાઈએ બેનમૂન મ્યુઝિયમ સંસ્કારકેન્દ્રની રચના કરી. મશહૂર સ્થપતિ બાલકૃષ્ણ દોશીને ટાગોર હોલનું આયોજન સોંપી તેમને અમદાવાદ સ્થાયી થવા પ્રેર્યા. અમદાવાદની શાન નહેરુ બ્રિજ, શાહીબાગ અંડરબ્રિજ, સુંદર પરિમલ ગાર્ડન - આ બધાના આયોજનની પ્રેરણા મેયર ચીનુભાઈ ચીમનલાલની. કેવી દૂરદર્શિતા! કેવી દીર્ઘદ્રષ્ટિપૂર્વકનું આયોજન! કેવા વિશાળ ફલક પર લોકોપયોગી કાર્યો! 

મેયર ચીનુભાઈને અમદાવાદની રૂપરેખા પલટવામાં મદદરૂપ બે નિષ્ઠાવાન અધિકારીઓને યાદ કરવા ઘટે. એક તો કમિશ્નર શ્રી બી. પી. પટેલ (આઈ. એ. એસ.), બીજા અમદાવાદ શહેરના ચીફ એન્જીનિયર શ્રી કે. એમ. કાંટાવાલા. અમદાવાદના અદ્યતન સ્વરૂપના પાયામાં  તેમની રાતદિનની કાર્યનિષ્ઠા ધરબાઈ છે. સલામ તેમને!

અનામિકા! હું મારા વિવિધ બ્લોગ્સ દ્વારા ગુજરાતની અસ્મિતાની ઝાંખી કરાવવા પ્રયત્નશીલ છું. અમેરિકામાં સ્થિત તમે ગુજરાતીઓ આપણા પૂર્વજ ગરવા ગુજરાતીઓને સ્મરતા રહેશો. તેમના વિષે ક્યારેક ક્યારેક કાર્યક્રમ આયોજન કરશો .. મને કાર્યસાફલ્યનો સંતોષ મળશે.. …..  સસ્નેહ આશીર્વાદ.

* * * * * * * *
જીવન ઝરમર: મેયર ચીનુભાઈ ચીમનલાલ

1 comment January 21, 2007

અનામિકાને પત્ર: 14

.

પ્રિય અનામિકા!

તારી પ્રગતિના સમાચાર ચિ. અમરે ફોનથી આપ્યા. આજે તારો ઈ-મેઈલ પણ મળ્યો. અમને ખૂબ જ ખુશી થઈ, સાથે ગર્વ પણ.

અનામિકા! શિક્ષકને પોતાના દરેક વિદ્યાર્થી  પ્રત્યે સમભાવ હોય જ, આમ છતાં તેમાંથી કોઈક વિશેષ સિદ્ધિ મેળવે ત્યારે તો સ્નેહભાવ ઓર છલકાઈ જ જાય! શિષ્યગણ જીવનમાં વિકાસ સાધે તે ગુરુ માટે ગૌરવની વાત. અમારા આશીર્વાદ તમારી સાથે છે.

એક વાત મેં નોંધી છે, અનામિકા,  વિદેશ સ્થિત ગુજરાતીઓ ગુજરાત માટે તથા ગુજરાતી ભાષાના સન્માન તેમજ વિકાસ માટે પ્રયત્નશીલ છે. સાહિત્ય જ નહીં, ડોકટર જેવા પ્રોફેશનલ્સ કે સ્વતંત્ર વ્યવસાય અથવા નોકરી-ધંધા-કારોબારમાં પ્રવૃત્ત ગુજરાતીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ગયા અઠવાડિયે મારા એક અમેરિકન ગુજરાતી મિત્ર સાથે વાત થઈ. તેમણે ન્યૂ યોર્ક ના ગુજરાતી સર્જન ડોકટર નીલેશ પટેલની સફળ તબીબી કારકિર્દીના સમાચાર વિગતે જણાવ્યા. મને અંગત રીતે ગર્વ થયો. જો મારી યાદશક્તિ  મને બરાબર સાથ આપતી હોય તો,  ડો. નીલેશ આણંદ-ચરોતરના સુપ્રતિષ્ઠિત સર્જન ડો. ઉમેદભાઈ પટેલના પુત્ર. વર્ષો અગાઉ, હું જ્યારે ફાર્મા કંપનીમાં મેનેજરપદે હતો, ત્યારે વર્ષમાં બે-ચાર વખત તો ડો. ઉમેદભાઈને અવશ્ય મળતો. પ્રભાવશાળી અને અસરકારક, યાદ રહી જાય તેવું વ્યક્તિત્વ. ઉમેદભાઈનું આણંદ અને પૂરા ચરોતરમાં, ખેડા જીલ્લામાં મોટું નામ. ધૂમ પ્રેક્ટિસ. પરંતુ મારે તેમની સાથે અંગત સંબંધ ડેવલપ થયેલા. વ્યસ્ત હોય તો પણ અમને ત્વરિત મુલાકાત ગોઠવી આપતા. ભાઈ નીલેશ તે વખતે અભ્યાસ કરે. આજે કાર્ડિયાક સર્જરીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હાર્ટ સર્જન તરીકે ડો. નીલેશ પટેલનું નામ આપણને ગર્વ અપાવે છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ!

અનામિકા! આણંદની વાત કરતા હોઈએ ત્યારે ન્યૂ જર્સીના આલ્બર્ટ જસાણીને કેમ ભૂલાય? આલ્બર્ટભાઈની રેગ્સ ટૂ રિચીઝ જેવી જીવન કહાણી દરેક માટે પ્રેરક બની રહે છે. ન્યૂ જર્સીમાં રોયલ આલ્બર્ટ પેલેસ તો આલ્બર્ટભાઈની સફળતાનું એક પ્રતીક. આપણે ગુજરાતી તરીકે આલ્બર્ટ જસાણીને સલામ કરીએ તેમના સરદાર પટેલના બેનમૂન સ્મારક માટે! સરદાર પટેલના સ્ટેચ્યુ દ્વારા આલ્બર્ટ જસાણીએ મહાન ગુજરાતી સપૂત સરદાર પટેલનું જ નહીં, પણ ગુજરાતનું નામ અમેરિકામાં, સારાયે વિશ્વમાં રોશન કર્યું છે.    આવા તો ઘણા ગુજરાતીઓએ વિદેશમાં ગુજરાતનું નામ ઉજ્જ્વળ કર્યું છે. નામી-અનામી આ સૌ ગુજરાતી મિત્રોને સલામ!

મારા ગુજરાતી મિત્રો! તમે પ્રસિદ્ધિમાં હો કે ન હો, તમારી કર્તવ્યનિષ્ઠા દ્વારા ગુજરાતનું અને હિંદુસ્તાનનું સત્વ સર્વત્ર પ્રગટાવતા રહેજો!

 અનામિકા! કોઈ ગુજરાતીની નોંધપાત્ર વિગત જાણવા મળે કે તરત મને લખજે. આપણે જરૂરથી તેમની વાતો મિત્રો-વાચકો સુધી પહોંચાડતા રહીશું.  સસ્નેહ આશિષ.

4 comments January 17, 2007

અનામિકાને પત્ર: 13

.

પ્રિય અનામિકા,

આજે અમદાવાદના ગુજરાતી દૈનિક “દિવ્ય ભાસ્કર”માં ભાઈ શ્રી ઉર્વીશ કોઠારીનો રસપ્રદ લેખ છે. “દિવ્ય ભાસ્કર”ની રવિવારની મહેફિલ પૂર્તિના ચોથા પાને લેખ “સાહિત્યવારસાનો ટુરિઝમ મેપ” છપાયો છે.

શ્રી ઉર્વીશભાઈએ સાહિત્યસર્જકોના સંભારણાં અને સ્મારકો વિષે મનનીય વાતો લખેલ છે જેમાં સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીના ગોવર્ધન સ્મૃતિમંદિરની વાત કરેલ છે. ઉર્વીશભાઈના લેખના સંદર્ભમાં ગોવર્ધનરામ વિષે થોડી બીજી વાતો કરીએ.

નડિયાદમાં ગોવર્ધનરામભાઈના ઘર સાથે કેટલાક અન્ય નામ પણ યાદ આવે; ઘટનાઓ પણ.

સાહિત્યકાર-રાજકારણી ઈન્દુલાલ યાજ્ઞિક (ઈન્દુચાચા) નો ત્રિપાઠી કુટુંબ સાથેનો સંબંધ તું જાણતી હોઈશ.

ગોવર્ધનરામ ત્રિપાઠીને ત્યાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર કંથારિયા આદિ સાહિત્યકારોની બેઠક થતી. તેમાં એક કલાપ્રેમી શિક્ષક ફૂલચંદભાઈ શાહ પણ આવતા. ફૂલચંદભાઈ માસ્તરને ચિત્ર, સંગીત, સાહિત્યમાં રૂચિ. પાછળથી ફૂલચંદભાઈએ નાટ્યલેખનમાં સારું નામ મેળવ્યું. તેમનું “માલતીમાધવ” નાટક પારાવાર લોકચાહના પામ્યું હતું.

ગોવર્ધનરામના કાકા મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી (1840-1907). મન:સુખરામભાઈ મુંબઈમાં વસ્યા હતા. ગુજરાતી રંગભૂમિના નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ તેમના ઘનિષ્ઠ મિત્ર. તે સમયે ગુજરાતી સાક્ષરોમાં મતભેદ પડ્યા હતા.

એક જૂથ સનાતન ધર્મનું ચુસ્ત આગ્રહી. તેમાં મન:સુખરામભાઈ ત્રિપાઠી, મણિલાલ નભુભાઈ દ્વિવેદી વગેરે હતા. બીજા જૂથમાં સુધારાવાદીઓ હતા. તેમાં દુર્ગારામ મહેતાજી અને વીર કવિ નર્મદથી પ્રભાવિત થયેલા મહિપતરામ રૂપરામ નીલકંઠ, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા વગેરે હતા.

ગોવર્ધનરામ ત્રિપાઠીનો એક મહત્વનો વારસો છે તેમની સ્ક્રેપબુક્સ. ગોવર્ધનરામભાઈએ લગભગ એકવીસ વર્ષ સુધી રોજનીશી પ્રકારની નોંધો લખેલી છે. જાન્યુઆરી 1885થી માંડીને નવેમ્બર 1906 સુધીની સ્ક્રેપબુક્સ સચવાયેલી છે. તે ઘણી મહત્વની મનાય છે.

સસ્નેહ આશીર્વાદ.

1 comment January 7, 2007

અનામિકાને પત્ર: 12

.

પ્રિય અનામિકા,

હરમાન હેસની નવલકથા “સિદ્ધાર્થ” વિષે તું જાણવા ઈચ્છે છે.

એક વાતનો સ્વીકાર કરું? મહાન સર્જકોની અમર કૃતિઓને નાનકડા પત્રોમાં સમાવવી પડકારરૂપ કાર્ય બની જાય છે. વળી આ કૃતિઓ વાંચ્યે ત્રણ દાયકાથી વધુ સમય વીતી ગયો છે. છતાં હું મારી યાદદાશ્ત તથા સમજ પ્રમાણે ન્યાય આપવા પ્રયત્ન કરતો રહું છું. કદાચ મારા પ્રયત્ન તને તે ઉત્તમ કૃતિઓ વાંચવા પ્રેરણા આપે!

હરમાન હેસ(Hermann Hesse 1877-1962) મૂળે તો જર્મન. શાંતિપ્રિય, અધ્યાત્મવાદી. ભારતીય ફિલોસોફીથી તો ભારે પ્રભાવિત. હિંદુ ધર્મ તથા તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ. જીવનને તાત્ત્વિક દ્રષ્ટિથી જીવવાનો તેમનો સંકલ્પ. 1921માં વતન છોડ્યું. સ્વિટ્ઝરલેંડ જઈ શેષ જીવન વીતાવ્યું. મઝાની વાત એ કે ફ્રેંચ સાહિત્યકાર રોમાં રોલાં પણ સ્વિટ્ઝરલેંડમાં વસેલા. હરમાન હેસ તથા રોમાં રોલાંને મૈત્રી હતી.

1923માં તેમની “સિદ્ધાર્થ” નવલકથા સાથે હરમાન હેસની ખ્યાતિ ઓર વધી ગઈ.

“સિદ્ધાર્થ”ની કથા હિંદુસ્તાનની પૃષ્ઠભૂમિ પર આલેખાઈ છે. બ્રાહ્મણપુત્ર સિદ્ધાર્થ આ નવલકથાનો નાયક છે. ધીર, ગંભીર, બુદ્ધિમાન. તેવો જ સમજદાર તેનો મિત્ર ગોવિંદો છે. બંને મિત્રો જીવનને ગંભીરતાથી લે છે. બંનેને જીવનના, અસ્તિત્વના અર્થની ખોજ કરવી છે.

બંને મિત્રો ગૃહત્યાગ કરી જીવનનાં રહસ્યોને પામવા નીકળી પડે છે.

ગોવિંદો બૌદ્ધ ભિક્ષુસંઘના સત્સંગથી ભગવાન બુદ્ધ ના માર્ગથી પ્રભાવિત થાય છે. તે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ભિક્ષુ બની જાય છે. બંને મિત્રોના રસ્તા ફંટાઈ જાય છે. એકલો પડેલો સિદ્ધાર્થ પોતાની ખોજમાં આગળ વધે છે.

સિદ્ધાર્થને સૌંદર્યવાન વારાંગના કમલાનો પરિચય થાય છે. સિદ્ધાર્થ કમલા પાસેથી પ્રેમના આનંદની અપેક્ષા રાખે છે. પણ તે રહી વારાંગના! એક અકિંચન યુવાન વારાંગનાને શું આપી શકે? વિચારણાને અંતે સિદ્ધાર્થ પોતાની કવિતાના બદલામાં કમલા પાસેથી એક ચુંબનની યાચના કરે છે.

અને યૌવનાના અંતરતલમાંથી પ્રગટેલું તે પ્રગલ્ભ ચુંબન સિદ્ધાર્થના તપ્ત હૃદયને શાતા આપે છે. સાથે સાથે તે કમલાના અતૃપ્ત સ્ત્રી હૃદયને તૃપ્ત કરે છે. કમલા સિદ્ધાર્થના સંતાનની માતા બને છે.

સિદ્ધાર્થ પ્રેમતૃપ્તિને હૃદયમાં ભરી ફરી ભ્રમણ પર નીકળી પડે છે.

વર્ષો વીતી જાય છે…….

ગોવિંદો ભિક્ષુજીવન ગાળતો દેશાટન કરતો રહે છે. ફરતા ફરતા એક ગામ પહોંચે છે. તેને જાણવા મળે છે કે નદીકિનારે ઝૂંપડીમાં એક વૃદ્ધ નાવિક રહે છે. સંતપુરૂષ સમ નિર્મળ જીવન ગાળે છે. સંતની પ્રતિષ્ઠા દૂર-સુદૂર ફેલાઈ છે. ગોવિંદો તેમને મળવા પહોંચે છે.

અરે! આ તો સિદ્ધાર્થ!

બંને મિત્રો હૃદય ખોલીને વાતો કરે છે. સિદ્ધાર્થની સાદગી, જીવનની સરળતા અને વિચારોની ગહનતા ગોવિંદાને પ્રભાવિત કરે છે. સિદ્ધાર્થ કહે છે: આ નદીને નિહાળો … તેની માફક જીવનપ્રવાહમાં મુક્તપણે વહેતા રહો … ધ્યેયપ્રાપ્તિની દોડ તમને બંધનમાં નાખશે …. શબ્દોના ભ્રમમાં ન ફસાઓ … શબ્દોની માયાજાળમાં ઘણી વાર સત્ય છુપાઈ જાય છે … ભગવાન બુદ્ધના શબ્દોને જ નહીં, તેમના પ્રેમમય જીવનને સમજો .. પ્રેમ જીવનનો આધાર છે … અસ્તિત્ત્વને સમગ્રતાથી પ્રેમ કરો …

ગોવિંદો અવાક છે. તેને પોતાના વર્ષોના ભિક્ષુજીવનની યથાર્થતા વિષે મંથન જાગે છે. સિદ્ધાર્થ તેનાથી મૂઠી ઊંચો છે તેવું તેને લાગે છે.

ગોવિંદો વૃદ્ધ સિદ્ધાર્થને એક ચુંબનની વિનંતી કરે છે. સિદ્ધાર્થ પ્રેમપૂર્વક ગોવિંદાને એક ચુંબન કરે છે …

અને આ શું ચમત્કાર? ગોવિંદા સમક્ષ અલૌકિક કાંતિયુક્ત અનેકાનેક તેજસ્વી ચહેરા પ્રગટ થાય છે … ચહેરાઓની બહુવિધતામાં કોઈક અનુપમ ઐક્ય જણાય છે….. તેમાં ભગવાન બુદ્ધની દિવ્ય આભા પ્રગટ થતી હોય છે… પરિશુદ્ધ પ્રેમના દિવ્ય સાક્ષાત્કારથી ગોવિંદાનું હૃદય અવર્ણનીય આનંદથી પરમ તૃપ્તિ પામે છે.

કેવી સુંદર કથા! અનામિકા! હોલિવૂડના ફિલ્મ ડાયરેક્ટર કોનરાડ રુક્સે હરમાન હેસની “સિદ્ધાર્થ” પરથી અંગ્રેજીમાં એક ફિલ્મ બનાવેલી. તેમાં જાણીતા અભિનેતા શશી કપૂરે સિદ્ધાર્થ તરીકે તથા અભિનેત્રી સીમી ગરેવાલે કમલા તરીકે અભિનય આપેલો.

સપ્રેમ આશીર્વાદ.

1 comment January 3, 2007

Next Posts Previous Posts


નમસ્કાર

“અનામિકા” પર આપનું સ્વાગત છે. ગુજરાતી ભાષામાં પત્રલેખનરૂપે અભિવ્યક્તિનો આ પ્રથમ બ્લોગ છે. આભાર! ...... ...... ....... .. .. .. હરીશ દવે ... અમદાવાદ

તાજેતરની પોસ્ટ્સ

SERCH A TOPIC

મનપસંદ વિષય/ લેખ શોધો

પત્ર: મહત્વના વિષયો

આપના પ્રતિભાવ

Harsukh Thanki on અનામિકાને …
વિશ્વદ… on અનામિકાને …
ઇન્ડિય… on અનામિકાને …
nilam doshi on અનામિકાને …
હરીશ દવ… on અનામિકાને …
2012નું વર… on અનામિકાને …
Chirag Patel on અનામિકાને …
chandravadan on અનામિકાને …

વીતેલા મહિનાઓની પોસ્ટ્સ

Blog Stats