.
પ્રિય અનામિકા,
તારી અમેરિકન મિત્ર તરફથી તને ટોની મોરિસનની નવલકથા “Beloved” ભેટ મળી તે જાણ્યું. ગુલામીપ્રથાના આધાર પર લખાયેલી તથા અશ્વેતોની આસપાસ ગૂંથાતી આ કથા વર્ષોથી ચર્ચામાં રહી છે. મોરિસન સફળ લેખિકા છે. 1993માં નોબેલ પ્રાઈઝ તથા 1988માં પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા છે. આ કૃતિ “ન્યૂયોર્ક ટાઈમ્સ”ના તાજેતરના સર્વેમાં છેલ્લા 25 વર્ષની સર્વશ્રેષ્ઠ ફિક્શન-કૃતિ તરીકે પસંદ પામી છે.
તારા યુવાન અમેરિકન મિત્રો આ કૃતિ પર શા માટે વારી ગયા છે? હકીકત એ છે કે અશ્વેતોને થયેલા અમાનવીય અન્યાયને સમજદાર અમેરિકનો ક્યારેય ભૂલી શક્યા નથી. તેથી જ તો દાયકાઓ પછી પણ આવા વિષય પર રચાયેલી કૃતિ સફળ થતી રહે છે. અશ્વેતોના અન્યાયની વાત આવે તો તેમના તારણહાર અબ્રાહમ લિંકનને કેમ ભૂલાય? અમેરિકાના આંગણે ખેલાયેલા એક માત્ર આંતરવિગ્રહ (1861-1865)ને કેમ ભૂલાય?
સાચું પૂછો તો, તે સમયે ગુલામીપ્રથા વિરુદ્ધ સમાજમાં જનમત જગાવવામાં એક પુસ્તકે મોટો ફાળો આપેલો હતો. હેરિયેટ બીચર સ્ટો(સ્ટોવ) દ્વારા લખાયેલ “અંકલ ટોમ્સ કેબિન”. (Uncle Tom’s Cabin by Harriet Beechar Stowe). હું મારા અમેરિકન મિત્રોને આ પુસ્તક વાંચવા આગ્રહ કરતો રહું છું.
આજની પેઢીને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે કે સુસંસ્કૃત દેખાતા અમેરિકામાં દોઢસો વર્ષ પહેલાં આવી જંગાલિયતભરી ગુલામીપ્રથા અસ્તિત્વમાં હતી. (આ જ પ્રથા યુરોપમાં, ખાસ તો ઈંગ્લેંડમાં પણ હતી!!)
અઢારમી સદીના ઉદય સાથે, વિવિધ યંત્રોના સહારે અમેરિકા અમાપ વિકાસના પંથે દોડવા લાગ્યું. પરિણામે અસંખ્ય શ્રમિકોની જરૂર ઊભી થઈ. પછાત દેશોની પ્રજા શોષણનો ભોગ બની. યુરોપિયન વેપારીઓ આફ્રિકાના અંધારા ખૂણાઓમાંથી નીગ્રો-હબસીઓને પકડી લાવતા. સાંકળોથી બંધાયેલા હબસીઓના જહાજો અમેરિકાના બંદરે આવતાં. અમેરિકાના શહેરોમાં તે હબસીઓ ગુલામ તરીકે વેચાતા.
હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” શરમજનક ગુલામીપ્રથા તેમજ ગુલામોની હ્રદયદ્રાવક દશાનો કરૂણ ચિતાર આપે છે. કથાનો નાયક ટોમ નામનો ખૂબ જ ભલો અને નીતિવાન હબસી છે. તે વેચાતો રહે છે; તેના માલિકો બદલાતા રહે છે. ટોમ કોઈ પણ ફરિયાદ વિના, ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોતાના ગોરા માલિકોની વફાદારીથી સેવા કરતો જાય છે. અન્ય ગુલામ સાથીઓને મદદ કરતો રહે છે; તેમના દુ:ખમાં હિસ્સો લઈ તેમને હિંમત આપતો રહે છે. આવા નેકદિલ, ફરિશ્તા સમા ટોમનું મૃત્યુ વાચકને હચમચાવી દે છે! રડાવી દે છે!
નવલકથાના અન્ય પાત્રોમાં પાકો વેપારી હેલિ છે; દેવદૂત સમા પત્રો સેંટ ક્લેર અને તેમની નાનકડી પુત્રી ઈવા છે, તો શયતાન સમો માલિક લેગ્રી પણ છે. કમનસીબ ગુલામો પ્રૂ, ટોપ્સી અને રોઝા છે. દર્દનાક કથા ગૂંથાતી રહે છે.
નવલકથામાં નીગ્રો ગુલામો પરના પાશવી અત્યાચારોનું વર્ણન વાચકને કંપાવી દે છે. ભરબજારે બેડીઓથી જકડાયેલ અર્ધનગ્ન સ્ત્રી-પુરુષો-બાળકો! તેમની કિંમત નક્કી કરવા બેશરમીથી તેમના અંગ-ઉપાંગ તપાસતા ખરીદદારો! ગોરા માલિકો પર ઘૃણા થઈ આવે છે. બજારમાં પતિથી વિખૂટી પડતી હબસી સ્ત્રી અને માતાથી છૂટા પડતાં બાળકોનાં આક્રંદ આપણું કાળજું કંપાવી દે છે. માલિકોને ત્યાં રાત-દિવસ તનતોડ મહેનત કરતા ગુલામોની વ્યથા; તેમાંયે જો જરા સી ચૂક થઈ તો ખુલ્લા દેહ પર પડતા ચાબૂકના સટાકા અને તેમની દર્દનાક ચીસો તમારા કાનમાં દિવસો સુધી ગૂંજ્યા કરે છે.
હેરિયેટની “અંકલ ટોમ્સ કેબિન” એક ધારાવાહિક તરીકે વોશિંગ્ટનના “નેશનલ એરા” માં પ્રસિદ્ધ થવી શરૂ થઈ (1851) અને પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ. હેરિયેટે લખ્યું છે કે તેને પુસ્તક્ના વેચાણમાંથી કાંઈ નહીં તો, એક સિલ્ક ડ્રેસ ખરીદી શકાશે તેટલી કમાણીની આશા હતી. આવા વિવાદાસ્પદ વિષય પર પુસ્તક ખરીદનારા કેટલા? ચમત્કાર થયો! પ્રથમ વર્ષમાં જ ત્રણ લાખ નકલો વેચાઈ ગઈ! વેચાણ ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. સાથે ગુલામીપ્રથા વિરુદ્ધ જનમત જાગૃત થતો ગયો. ગુલામીના મુદ્દા પર અમેરિકા બે ભાગમાં વહેંચાઈ ગયું; દક્ષિણના રાજ્યોને ગુલામીની પ્રથા ચાલુ રાખવી હતી, ઉત્તરના રાજ્યોને તે જંગલી પ્રથા ખપતી ન હતી. અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન પાસે વિકલ્પ ન હતો. અમેરિકાના ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે આંતરવિગ્રહ થયો (1861-65). ઉત્તરના હજારો વીર સિપાઈઓએ ઉમદા ધ્યેય કાજે શહાદત વહોરી તે ફળી. ઉત્તરના રાજ્યોની જીત થઈ. ગુલામીપ્રથા નાબૂદ થઈ.
કરૂણતા એ કે યુદ્ધસમાપ્તિ ટાંકણે જ લિંકનની હત્યા થઈ!
ગુલામીપ્રથાનો અંત આવ્યો. માનવસંસ્કૃતિની રક્ષા થઈ. શ્રેય કોને આપશું?
“Beloved”ની કહાણી જુદી છે. પરંતુ, અનામિકા! હવે તું તારી આગવી દ્રષ્ટિથી તેને મૂલવી શકીશ. વિચારજે અને તારા મિત્રો સાથે ચર્ચા કરજે. … સસ્નેહ આશીર્વાદ.
2 thoughts on “અનામિકાને પત્ર: 7 Anamika: 7”