.
પ્રિય અનામિકા,
તમારી ચર્ચામાં ગુજરાતી રંગભૂમિ, એબ્સર્ડ નાટક તેમજ સેમ્યુએલ બેકેટનો ઉલ્લેખ થાય તે તો સરસ વાત!
તમારા પિતાજી પાસેથી તેં વર્ષો અગાઉ અમદાવાદમાં ભજવાયેલા સેમ્યુએલ બેકેટના વિશ્વપ્રસિદ્ધ નાટ્યપ્રયોગ “વેઈટિંગ ફોર ગોદો”ની વાત સાંભળી છે. અદભુત નાટક!
ગુજરાતી રંગભૂમિ આજે ઝાંખી પડેલી દેખાય છે. અમારી મુગ્ધાવસ્થા સમયેં ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિ સારી એવી વિકસેલી હતી. જયશંકર ‘સુંદરી’ તથા પ્રાણસુખ નાયકના ગુજરાતી રંગભૂમિ-ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન પછી જવનિકા, આઈ. એન. ટી. તથા અન્ય સંસ્થાઓ એવાં તો સુંદર ગુજરાતી નાટકો લાવે!
ડો. મીનુ કાપડિયા ગુજરાતમાં એબ્સર્ડ નાટકના પ્રણેતા. મારા મોટાભાઈને ડો. કાપડિયા સાથે સારા મૈત્રીભર્યા સંબંધ. હું પણ તેમની સાથે ડો. કાપડિયાને ઘેર (ખાનપુર-મીરઝાપુર) જઈ આવેલો. તે વર્ષ હશે કદાચ 65-66નાં .. તે સમયે લાભશંકર ઠાકર તથા ચિનુ મોદી જેવા સાહસિક પ્રયોગકર્તાઓ પણ ખરા! લાભશંકર ઠાકર અને સુભાષ શાહે “એક ઉંદર અને જદુનાથ” લખ્યું જે ડો. મીનુ કાપડિયાએ ભજવ્યું. ડો. કાપડિયાના અચાનક અવસાન પછી ગુજરાતમાં એબ્સર્ડ થિયેટરની માયા ટૂંકાઈ ગઈ.
અનામિકા! ગુજરાતી રંગભૂમિનાં કલેવર બદલવામાં મધુ રાયનો ફાળો નવી પેઢીની નજરમાં લાવવો જ રહ્યો. મધુ રાય અને પ્રવિણ જોશીના સાથે તો ગુજરાતી નાટકનો રંગ જ બદલી દીધો! પ્રવિણ જોશી 1963માં “મોગરાના સાપ”થી આઈ. એન. ટી. સાથે જોડાયા: પ્રથમ નાટકમાં જ ચાર એવોર્ડઝનો સપાટો બોલાવી ગયા જેમાં શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શન તથા શ્રેષ્ઠ અભિનયના એવોર્ડઝનો સમાવેશ થતો હતો.
તે પછી તો પ્રવીણ જોશીએ ઈતિહાસ રચી દીધો. મંજુ મંજુ, ચંદરવો, સપ્તપદી, મોતી વેરાણાં ચોકમાં, કુમારની અગાશી, સંતુ રંગીલી બીજાં ઘણાં …
મધુ રાય સાહેબ ગુજરાતમાં હંમેશા યાદ રહેશે તેમના “આકંઠ સાબરમતી”ના વિશિષ્ટ પ્રયોગને લીધે. વિદ્યાનગર હાઈસ્કૂલ, અમદાવાદ ખાતે મધુ રાયની આ “આકંઠ સાબરમતી” વર્કશોપ ગુજરાતી રંગભૂમિના ઈતિહાસમાં સીમાચિન્હરૂપ બની ગઈ. મધુ રાયે ગુજરાતી નાટકોને એક નવી દ્રષ્ટિ આપી.
મારા બે ભાઈઓ વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણ્યા. શ્રી હિંમતલાલ કપાસી સાહેબના પ્રિય વિદ્યાર્થીઓ. કપાસી સાહેબના આશીર્વાદથી જ નાના ભાઈએ તો નાટકની દુનિયામાં સારો એવો ચંચુપાત કરી લીધો! કપાસી સાહેબના સાથથી અમદાવાદમાં મધુ રાયે નાટ્યલેખન અને નાટ્યસર્જનની પ્રક્રિયાઓને સમજાવતા વર્કશોપનું આયોજન કર્યું. મધુ રાયના આ વર્કશોપમાં હિંમતલાલ કપાસી સાહેબ, લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મનહર મોદી, હસમુખ બારાડી આદિ સક્રિય હતા. નાટ્યલેખકો અન્યોન્યના સાથ-સહયોગમાં નાટક વિષે વિચારે, પોત-પોતાનાં સર્જન લાવે, તેના પર ચર્ચા કરે, વિવિધ પ્રક્રિયાઓમાંથી પસાર થયેલ એક એક સર્જનની સમીક્ષા કરે, વિશેષ ઉપકરણો વિના તે નાટ્યકૃતિની લેખકો ભજવણી કરે … ફેરફાર કરે …. ચર્ચા-સૂચનો-ઈમ્પ્રોવાઈઝેશન, રિહર્સલ, ભજવણી … ક્યારેક આમાં કલાકારો પણ જોડાય … સર્જન અને ભજવણીની પ્રક્રિયામાંથી લેખક-નાટ્યસર્જક પસાર થાય.
મધુ રાયના આ વર્કશોપને અંતે નીવડેલી એકાંકીઓને “આકંઠ” તથા “સાબરમતી” એમ બે એકાંકી સંગ્રહોમાં પ્રસિદ્ધ કરવામાં આવી.
મધુ રાયનો આ સફળ પ્રયોગ ગુજરાતી રંગભૂમિને નવી દિશા બતાવી ગયો, એટલું જ નહીં ગુજરાતી નાટકોમાં નવો ઉત્સાહ, નવું જોમ ભરી ગયો!
મેં મારી સમજ અને માહિતી પ્રમાણે મધુ રાય તથા “આકંઠ” વિષે તને લખ્યું છે. આશા છે, તારા મિત્રોની જિજ્ઞાસા સંતોષાશે. આ વિષે શ્રી મધુ રાય ક્યારેક વિશેષ પ્રકાશ ફેંકી શકે!
મહાયોગી શ્રી અરવિંદ અને વડોદરાના સંબંધ વિશે તારા ફ્રેંચ પ્રોફેસરનો મેઈલ મળ્યો. પૉલ રિશાર વિષે તમારી ચર્ચા મને અધૂરી લાગે છે. તેમાં ખૂટતી માહિતી ઉમેરી તને ક્યારેક લખીશ. પૉલ બ્રન્ટન અને રમણ મહર્ષિમાં હવે તો અમરને પણ રસ પડ્યો તે આવકારદાયક વાત. જીવનદ્રષ્ટિ આમ જ વિકસે!
સપ્રેમ આશીર્વાદ.
નાટક વિષે સરસ માહિતિ.
LikeLike
િપ્રય હરીશભાઈ,
તમારી વાત વાંચવાની મજા પડી. કપાસીસાહેબ તો અમદાવાદ નું નાક છે.સાહેબ સિનેમાના પણ જ્ઞાની તે તમારી જાણ ખાતર. ગુજરાતીમાં સંગણક પર લખવાની ટેવ નથી એટલે બસ. રાય સાહેબના તાજા સમાચાર આપશો તો આંનંદ થશે.આભાર…..
LikeLike
આપની વાત સાચી, વિનોદભાઈ! શ્રી કપાસી સાહેબ નાટક અને ફિલ્મના જ નહીં, વેસ્ટર્ન મ્યુઝિકના પણ રસજ્ઞ છે. શ્રી મધુ રાય સાહેબ અમેરિકામાં વસેલ છે. આપ અમદાવાદમાં હો અને ઇંટરનેટ કે કોમ્પ્યુટર વિશે વિગતે જાણવા ઇચ્છતા હો તો મારો જરૂર સંપર્ક કરશો.
આપની કોમેંટ્સ બદલ આભાર … હરીશ દવે અમદાવાદ
LikeLike
ઘણા વખતે અહીં મુલાકાત લીધી. મધુ રાયનું ‘ખેલંદો’ મને જીવનભર યાદ રહેશે.
તમારો ખજાનો ઘણો મોટો છે. પણ હવે વાંચવા માટે સમયનો અભાવ વર્તાય છે.
LikeLike
હું હાલ હસમુખ બારાડીની જીવનઝાંખી બનાવી રહ્યો છું. તેમનો ફોટો મેળવી આપી શકો?
LikeLike