.
પ્રિય અનામિકા!
તારી પ્રગતિના સમાચાર ચિ. અમરે ફોનથી આપ્યા. આજે તારો ઈ-મેઈલ પણ મળ્યો. અમને ખૂબ જ ખુશી થઈ, સાથે ગર્વ પણ.
અનામિકા! શિક્ષકને પોતાના દરેક વિદ્યાર્થી પ્રત્યે સમભાવ હોય જ, આમ છતાં તેમાંથી કોઈક વિશેષ સિદ્ધિ મેળવે ત્યારે તો સ્નેહભાવ ઓર છલકાઈ જ જાય! શિષ્યગણ જીવનમાં વિકાસ સાધે તે ગુરુ માટે ગૌરવની વાત. અમારા આશીર્વાદ તમારી સાથે છે.
એક વાત મેં નોંધી છે, અનામિકા, વિદેશ સ્થિત ગુજરાતીઓ ગુજરાત માટે તથા ગુજરાતી ભાષાના સન્માન તેમજ વિકાસ માટે પ્રયત્નશીલ છે. સાહિત્ય જ નહીં, ડોકટર જેવા પ્રોફેશનલ્સ કે સ્વતંત્ર વ્યવસાય અથવા નોકરી-ધંધા-કારોબારમાં પ્રવૃત્ત ગુજરાતીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
ગયા અઠવાડિયે મારા એક અમેરિકન ગુજરાતી મિત્ર સાથે વાત થઈ. તેમણે ન્યૂ યોર્ક ના ગુજરાતી સર્જન ડોકટર નીલેશ પટેલની સફળ તબીબી કારકિર્દીના સમાચાર વિગતે જણાવ્યા. મને અંગત રીતે ગર્વ થયો. જો મારી યાદશક્તિ મને બરાબર સાથ આપતી હોય તો, ડો. નીલેશ આણંદ-ચરોતરના સુપ્રતિષ્ઠિત સર્જન ડો. ઉમેદભાઈ પટેલના પુત્ર. વર્ષો અગાઉ, હું જ્યારે ફાર્મા કંપનીમાં મેનેજરપદે હતો, ત્યારે વર્ષમાં બે-ચાર વખત તો ડો. ઉમેદભાઈને અવશ્ય મળતો. પ્રભાવશાળી અને અસરકારક, યાદ રહી જાય તેવું વ્યક્તિત્વ. ઉમેદભાઈનું આણંદ અને પૂરા ચરોતરમાં, ખેડા જીલ્લામાં મોટું નામ. ધૂમ પ્રેક્ટિસ. પરંતુ મારે તેમની સાથે અંગત સંબંધ ડેવલપ થયેલા. વ્યસ્ત હોય તો પણ અમને ત્વરિત મુલાકાત ગોઠવી આપતા. ભાઈ નીલેશ તે વખતે અભ્યાસ કરે. આજે કાર્ડિયાક સર્જરીના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હાર્ટ સર્જન તરીકે ડો. નીલેશ પટેલનું નામ આપણને ગર્વ અપાવે છે. તેમને અભિનંદન અને શુભેચ્છાઓ!
અનામિકા! આણંદની વાત કરતા હોઈએ ત્યારે ન્યૂ જર્સીના આલ્બર્ટ જસાણીને કેમ ભૂલાય? આલ્બર્ટભાઈની “રેગ્સ ટૂ રિચીઝ” જેવી જીવન કહાણી દરેક માટે પ્રેરક બની રહે છે. ન્યૂ જર્સીમાં “રોયલ આલ્બર્ટ પેલેસ” તો આલ્બર્ટભાઈની સફળતાનું એક પ્રતીક. આપણે ગુજરાતી તરીકે આલ્બર્ટ જસાણીને સલામ કરીએ તેમના સરદાર પટેલના બેનમૂન “સ્મારક” માટે! સરદાર પટેલના સ્ટેચ્યુ દ્વારા આલ્બર્ટ જસાણીએ મહાન ગુજરાતી સપૂત સરદાર પટેલનું જ નહીં, પણ ગુજરાતનું નામ અમેરિકામાં, સારાયે વિશ્વમાં રોશન કર્યું છે. આવા તો ઘણા ગુજરાતીઓએ વિદેશમાં ગુજરાતનું નામ ઉજ્જ્વળ કર્યું છે. નામી-અનામી આ સૌ ગુજરાતી મિત્રોને સલામ!
મારા ગુજરાતી મિત્રો! તમે પ્રસિદ્ધિમાં હો કે ન હો, તમારી કર્તવ્યનિષ્ઠા દ્વારા ગુજરાતનું અને હિંદુસ્તાનનું સત્વ સર્વત્ર પ્રગટાવતા રહેજો!
અનામિકા! કોઈ ગુજરાતીની નોંધપાત્ર વિગત જાણવા મળે કે તરત મને લખજે. આપણે જરૂરથી તેમની વાતો મિત્રો-વાચકો સુધી પહોંચાડતા રહીશું. સસ્નેહ આશિષ.
પ્રિય હરીશકાકા, ઘણા વખતથી તમારા અનામિકાના પત્રો વંચાયા ન્હોતા… આજે બાકી રહેલા છેલ્લા 3-4 સામટા વાંચી લીધા.. ખુબ જ સરસ છે ! અને હવે પછીનો વિષય કયો હશે, એની ચટપટી પણ જરા થઇ ગઇ… અને “રોયલ આલ્બર્ટ પેલેસ”નું આ સરદાર “સ્મારક” ખરેખર ખુબ જ સુંદર છે !!
LikeLike
હરીશકાકા, એક સૂચન છે… તમે જરા સેટીંગ ચેઇંજ કરો તો બધાથી અહીં કોમેંટ મુકી શકાય… અત્યારે વર્ડપ્રેસમાં લોગ-ઇન ના થાવ ત્યાં સુધી કોમેંટ નથી મુકાતી…
LikeLike
આણંદની માહિતિ માણવાની મજા આવી.ઉમેદભાઇને હુપણ ઓળખુ છું તેથી વધુ મજા આવી.
LikeLike
It is an honour to see gujaratis getting fame worldwide.
LikeLike