.
પ્રિય અનામિકા,
કેનેડાસ્થિત મારી એક શિષ્યાએ નિર્દોષ ફૂલ જેવી બાળકીને જન્મ આપ્યો છે.
અમે અકથ્ય આનંદ અનુભવી રહ્યા છીએ, ત્યારે અમારી એ દીકરીનું હૈયું તો કેવા આનંદથી ઊછળતું હશે! ગોદમાં નવપલ્લવિત દિવ્યતાને નિહાળી તેના હોઠ પરથી શબ્દો સરી પડ્યાં હશે: “પધારો, લક્ષ્મીજી!”
પરમાત્મા કેવા મહાન સર્જક-કલાકાર છે! તેમની એક એક કૃતિમાં પ્રાણ પૂરીને સર્જન કરે છે. તે થકી આપણા જીવનમાં અમીસિંચન કરે છે.
નવશિશુનું આગમન આપણા હૃદયને કેવું ઉલ્લાસથી ભરી દે છે! મારી શિષ્યા-પુત્રીના દાપત્યજીવનમાં ખીલેલું આ ફૂલ તે પતિ-પત્નીના જીવનમાં નવા રંગ ભરી દેશે. તેમના બંનેના કુટુંબોમાં ખુશીનો માહોલ છવાઈ જશે. તેમના બંનેના માતા-પિતાઓ જ્યાં પણ હશે, આશીર્વાદ વરસાવશે!
અનામિકા! માતૃત્વનું વરદાન પામવું તે ઈશ્વરની કૃપા. કદાચ સવાલ ઊઠે: પુત્ર કે પુત્રી? આ પ્રશ્ન ઊઠતો જ રહેતો હોય છે. પણ આપણે ભૂલીએ છીએ કે નવ-આગંતુક ઈશ્વરની પ્રસાદી છે. આપણે તેને સહર્ષ સ્વીકારીએ. તે ઈશ્વરનું દિવ્ય સર્જન છે. આપણે તેને આપણા હૃદયમાં સ્થાપિત કરીએ. સાચું પૂછો તો પુત્રીની માતા બનવામાં પણ કોઈ દૈવી સંકેત હોય છે. પુરૂષ એક કુળને શોભાવી રહી જાય છે, જ્યારે સ્ત્રી બે કુળને તારે છે તેવું શાસ્ત્ર વચન છે. હું તો તેથી યે આગળ જઈને એમ કહીશ કે સ્ત્રી બે પરિવાર વચ્ચેનો સેતુ બને છે. માનવસંબંધોના વર્તુળને વિસ્તારે છે. સંબંધોની ગૂંથણીમાં સ્ત્રીનું અપ્રતિમ યોગદાન છે. વળી પુરૂષના રસહીન-શા શુષ્ક જીવનપથને સ્ત્રી રંગોથી સજાવે છે. માનવજીવનમાં કોમળતા, પ્રેમ અને ઉષ્મા ભરે છે. એથી યે વિશેષ, માનવ અસ્તિત્વને ગૌરવ બક્ષી તેનું સંવર્ધન કરે છે.
આ નવશિશુના આગમન સાથે આપણી જવાબદારી વધી છે. આપણે કાંઈક સંકલ્પ લેવા પડશે. આપણે આવનારી પેઢીઓ માટે આપણા જીવનને સુસંસ્કૃત કરીશું અને આપણો વારસો સમૃદ્ધ બનાવીશુ. આ પૃથ્વીને, તેના સઘળાં પ્રકૃતિતત્ત્વોને સંરક્ષીશું. આવનાર આગંતુકો માટે આપણે સુજલામ, શસ્ય શ્યામલા ધરતીમાતાનું નિર્માણ કરીશું.
અનામિકા! આ નવશિશુ ઈશ્વરનો સંદેશ લઈને આવેલ છે. તે આપણને પરમાત્માની અનિર્વચનીય, શાશ્વત, સાતત્યપૂર્ણ સર્જનશક્તિનાં દર્શન કરાવે છે.પ્રભુની દિવ્યતાની ઝાંખી કરાવે છે. આ બાળકી માનવજાતને નવી દિશા ભણી દોરી જશે. તે આપણી આવતી કાલને ઉજાળશે.
આ નવશિશુ આપણા માટે, સમગ્ર માનવજાત માટે આશાનાં નવાં કિરણો લઈને આવે છે. આપણે તેને પ્રેમથી પૃથ્વી પર આપણી વચ્ચે આવકારીએ તેનાં મસ્તક પર પ્રેમાળ મૃદુ સ્પર્શે આપણા આશિષની વર્ષા કરીએ! ભલે પધાર્યાં, લક્ષ્મીજી!
સસ્નેહ આશીર્વાદ.
માતૃત્વ એજ સ્ત્રીની સંપૂર્ણ પરિભાષા છે પછી ભલે તે બાળક કોઈ પણ હોય.
LikeLike
કોઈ હિન્દી કવિએ એક પંક્તિમાં દીકરીને અંજલિ આપી છે :
” પુત્રી, પવિત્ર કિયે કુલ દોનૂ !” ( સીતાને જ સંબોધન છે)
આજકાલ મુકુંદ પારાશર્ય-સ્મૃતિગ્રંથની શબ્દસૂચિ તૈયાર કરી રહ્યો છું. એમણે પૌત્રજન્મ સમયે આમ ભાવ વ્યક્ત કર્યો છે :
” અવ્યક્તના મંગલ ગર્ભમાંથી
અનાદિ ચૈતન્ય તણા પ્રવાહમાં,
વેદોપનિષદ્ તણી જ્ઞાનજ્યોતને
અખંડ પારાશય ગોત્ર દ્વારા
તેં રક્ષવાને અવતાર લીધો !”
દીકરો-દીકરી ભેદ ન રાખીએ તો આ વાત ને તમારી વાત કેટલું ઝંકૃત કરી આપે છે !
તમે ઉલ્લેખેલા એ નવજાતને મારા તરફથી પણ સ્વાગતમ્ !!
LikeLike
thank you from bottom of the heart for showing a new aspect of life.
LikeLike
મારા બહુ જ જાણીતા બે મિત્રોને માત્ર એક દીકરી જ છે. અને તે બન્નેને એવા સારા જમાઇ મળ્યા છે કે દીકરીના લગ્ન પછી તેમને પુત્ર પણ મળી ગયો. બન્નેની દીકરીઓ બહુ જ ઉચ્ચ શિક્ષણ પામેલી છે અને ઘણા સારા પગારથી એક્ઝીક્યુટીવ નોકરી પણ કરે છે.
ધીમે ધીમે સમાજમાં સદીઓથી ઘર કરી ગયેલા ખોટા ખયાલો દૂર થવા માંડ્યા છે તે નવી આશાઓ જન્માવે છે.
LikeLike
ખૂબ સુંદર.
દીકરી એટલે દીકરી કે દીકરી વહાલનો દરિયો જેવા સુંદર પુસ્તકો લખાય છે અને તેને સરસ પ્રતિભાવ પણ મળે છે.પણ એ બધુ સિંધુમાં બિંદુ જેટલુ જ ને?
LikeLike
દીકરી એટલે લક્ષ્મી…
સરસ…
LikeLike
…પણ એ બિંદુ જ સિંધુ બનવાનું કારણ પણ બનશે ને નીલમઆંટી!!
મારા સાસરે મારા પતિ સાથે તેઓ ચાર ભાઇઓ હોવા છતાં પણ ઘરમાં એકેય દીકરી નથી… બધાય ને એક એક દીકરો જ છે… અને બધા કુટુંબમાં એક દીકરી હોવા માટે તરસે છે… વર્ષોથી! મારો વિશાલ આવ્યો ત્યારે ય મારા પતિ સહિત ઘરના બધાય ને લક્ષ્મી આવવાની જ આશા હતી… પણ હવે લક્ષ્મીજી કાંઇ એટલા સસ્તામાં નથી આવતા… એટલે એમની વેલ્યુ પણ ઘણી વધી ગઇ છે! હરીશકાકાની imbalance in sex-ratio ની વાત સાવ સાચી છે!! અમારી જ્ઞાતિમાં પણ પરણવા લાયક છોકરાઓની લાંબી લાંબી લાઇનો લાગી છે પરંતુ છોકરીનો જ અભાવ છે. 🙂 ગમે તે હોય, પણ વર્ષોથી/સદીઓથી ‘શક્તિ’ની કરેલી ઉપેક્ષાની સજા આજે સમાજ ભોગવી રહ્યો છે!
LikeLike
દીકરી વીના માવતરનું જીવન અધુરું..
અમીષા શાહ અને સંજય વૈદ્ય સંપાદીત ‘થેન્ક્યુ પપ્પા’ પુસ્તકમાં ગુજરાતની ૪૬ દીકરીઓએ પોતાના પીતા વીશે લખ્યું છે વાંચતાં આ વાત સાવ સાચી લાગે..
ધન્યવાદ..
..ઉત્તમ..મધુ..સુરત..
LikeLike