અનામિકાને પત્રો · ક્રાઈમ એન્ડ પનિશમેન · દોસ્તોયેવ્સ્કી/દોસ્

અનામિકાને પત્ર: 17

પ્રિય અનામિકા,

ત્યાંનું હવામાન સુધરી રહ્યું હોવાનું જાણી રાહત થાય છે. અતિશય ઠંડી અને ભારે બરફવર્ષા સહન કર્યાં પછી રાબેતા મુજબના જીવનમાં ગોઠવાવું તમને સારું જ લાગે ને! ચિ. અમરની સાઈબેરિયા સાથેની સરખામણીની વાત રમૂજ આપી ગઈ. તેં વળી એક ડગલું આગળ વધી મહાન રશિયન લેખક દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) ને યાદ કર્યા.

રશિયન સાહિત્યમાં ફિયોદોર દોસ્તોયેવ્સ્કી (દોસ્તોવ્સ્કી) તથા તેની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટનાં ખાસ સ્થાન છે.

અનામિકા! દોસ્તોયેવ્સ્કીની અમર કૃતિ ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વિશે તારે જાણવું છે ને?

દોસ્તોયેવ્સ્કીની નવલકથા ક્રાઈમ એન્ડ પનિશમેન્ટનો નાયક છે રાસ્કોલ્નિકોવ. આપણે તેને રાસ્કો તરીકે ઓળખીશું? તેની નાયિકા છે સોનિયા.

રાસ્કો સાચા રૂપમાં ઈન્સાન છે. નીતિવાન છે. સાફ હૃદયનો છે. અન્યને મદદરુપ થવા તત્પર રહે છે. પરંતુ તેની આર્થિક મર્યાદાઓ તેને કનડે છે. મજબૂરીમાં એક શાહુકાર વૃદ્ધા પાસેથી તે ઋણ લે છે. પાછળથી  તેને ખબર પડે છે કે તે વૃદ્ધા તો નિર્દોષ જરૂરિયાતમંદ લોકોને પીડતી શોષણખોર શાહુકાર છે. રાસ્કોને વૃદ્ધાના કરતૂતો પર ઘૃણા થાય છે અને તે આવેશમાં આવી કોઈને ખબર ન પડે તેમ વૃદ્ધાને મારી નાખે છે.

રાસ્કોએ ખૂન કરતાં તો કરી નાખ્યું …. પણ હવે? તેને પશ્ચાત્તાપ થાય છે. તે મનમાં પોતાને દોષિત સમજી અપરાધવૃત્તિથી દુ:ખી થાય છે. એક તરફ તેને હીન ભાવનાથી ગ્લાનિ થાય છે, તો બીજી તરફ તે પોતે સમાજના ભલા માટે ખૂન કર્યું હોવાનું વિચારી મનને મનાવવા પ્રયત્ન કરે છે.

રાસ્કોની પ્રિયતમા સોનિયા અઢારેક વર્ષની પ્રેમાળ યૌવના છે. તેના દારૂડિયા પિતા દુનિયા છોડી ગયા છે. વિધવા સાવકી મા ટી.બી.ની અસાધ્ય બીમારીમાં સબડે છે. સાવકી મા અને તેની બે પુત્રીઓની જવાબદારી સોનિયા પર છે. મજબૂર સોનિયા શરીર વેચી ઘર ચલાવે છે.

સોનિયા ભલે વેશ્યા રહી, પરંતુ તેનામાં નારી સહજ ઋજુતા છે. તેનું હૃદય સ્નેહસ્નિગ્ધ છે. તે ઊલટતા અંતરે રાસ્કોને ચાહે છે. ક્ષતવિક્ષત જીવનપ્રવાહમાં પણ તેણે ઈશ્વર પર શ્રદ્ધા ટકાવી રાખી છે. રાસ્કોને ભગવાનના અસ્તિત્વમાં નામ પૂરતોયે વિશ્વાસ નથી.

સોનિયા રાસ્કોને સમજાવે છે કે પ્રભુ પર ભરોસો રાખી તેણે પોલિસ સમક્ષ જઈ ખૂનના ગુનાનો એકરાર કરી લેવો જોઈએ. રાસ્કો તેની વાત સ્વીકારવા તૈયાર નથી. રાસ્કો દલીલ કરે છે કે પોલિસ તેને ગિરફ્તાર કરી લેશે, પછી સોનિયાનું શું? તેના કુટુંબનું શું? શું તેની સાવકી બહેનો પણ મજબૂરીમાં સોનિયાનો જ માર્ગ નહીં અપનાવે? વ્યથિત સોનિયાને ઈશ્વરની સંભાળ પર વિશ્વાસ છે. રાસ્કોની અશ્રદ્ધા સોનિયાને વ્યથિત કરે છે.છતાં આવા સંવાદો ચાલતા રહે છે ……

સોનિયાની ઊંડી સમજદારી માટે રાસ્કોને પણ માન છે. એક દિવસ તે સોનિયા આગળ અચાનક જ ઝૂકી પડે છે, તેના પગ ચૂમી લે છે. ક્ષોભિત સોનિયાને તે સભાનતાથી કહે છે કે મેં તને નમન નથી કર્યું, પરંતુ સદા યાતનાત્રસ્ત માનવજાતિને મેં નમન કર્યું છે. કેવી સુંદર વાત! અનામિકા! દિલમાં ઊતરી જાય તેવી વાત છેને?

સોનિયા રાસ્કોને પ્રેમથી સમજાવે છે, તેને હૂંફ આપે છે. સોનિયાની ખૂબ વિનવણી પછી રાસ્કો પોલિસસ્ટેશને જઈ ખૂનનો એકરાર કરે છે.

રાસ્કોને સાઈબેરિયાની આઠ વર્ષની કાળા પાણીની સજા થાય છે. સાઈબેરિયાના અતિ ઠંડા બર્ફીલા વેરાન પ્રદેશમાં રાસ્કોની સાથે સોનિયા પણ જાય છે.   રાસ્કો જેલમાં અન્ય કેદીઓ સાથે રહી સજા ભોગવે છે; પાસેના ગામમાં રહી સોનિયા સીવણકામથી નિર્વાહ ચલાવે છે.

રાસ્કોને ક્યારેક મનોમંથન જાગે છે: ગુનો કબૂલીને મેં ભૂલ તો નથી કરી? બીજા સેંકડો ગુનેગારો સમાજમાં ખુલ્લેઆમ ફરી રહ્યા હોય, ત્યારે મારે શા માટે સાચું બોલવાની આકરી સજા ભોગવવાની??

તેની હતાશામાં સોનિયા તેના દિલને મક્કમતા અર્પતી રહે છે. તે પ્રસંગોપાત રાસ્કોને મળતી રહે છે. રાસ્કો સાથે અન્ય દર્દીઓની પણ સંભાળ લેતી રહે છે.

સૌ કેદીઓ સોનિયાને માતા સમાન ગણે છે અને નાની માના આદરભર્યા સંબોધનથી વંદન કરે છે. તેણે સૌનાં હૃદય જીત્યાં છે. સૌનો પ્રેમ જીત્યો છે.

એક વર્ષ વીતી ગયું છે.

રાસ્કોને હવે સોનિયાની જીવનદ્રષ્ટિ ગળે ઊતરે છે. તેને લાગે છે કે પોતાના નિરર્થક મતને વળગી રહી એકલાઅટૂલા થઈ એકલપેટા જીવવું તે મૃત્યુ છે; ભર્યો ભર્યો પ્રેમ  જ જીવન છે.

તેને સમજાય છે કે તેનું જીવન મૃત્યુનું સૂચક છે, સોનિયા સ્વયં જીવનનું પ્રતીક છે.

અનામિકા! નવલકથાનું અંતિમ દ્રશ્ય વાચકને સ્પર્શી જાય છે. ખુશનુમા પ્રભાત છે. નદીકિનારો છે. જેલના કામે આવેલા રાસ્કોનું પ્રિયતમા સાથે અનાયાસે મિલન થાય છે. દૂર સંગીતના સૂર રેલાઈ રહ્યા છે. બે આત્માના દ્વૈતભાવને મિટાવવા માટે આથી વિશેષ શું જોઈએ? રાસ્કો સોનિયાની ગોદમાં માથું ઝુકાવી રડી પડે છે … સોનિયાની આંખોમાંથી આંસૂની ધાર ચાલી જાય છે …… રાસ્કોને વિશ્વાસ છે: હવે બાકીની સાત વર્ષની સજા આરામથી કપાઈ જશે!

અનામિકા! હવે તો મારી પાસે પણ શબ્દો નથી, બેટા! જીવનદ્રષ્ટિ ખીલવજો! . . . . .  સસ્નેહ આશીર્વાદ. .

6 thoughts on “અનામિકાને પત્ર: 17

 1. તમારા આ પત્રો બહુ જ મઝાના હોય છે. જોકે તમારો હેતુ એક નવા માધ્યમથી-પત્રથી-અવનવીન વાતો કરવાનો છે, જે સુપેરે સાર્થક થાય જ છે. પણ રહી રહીને એમ થાય છે કે આ પત્રો સાહિત્યિક રચના પણ કેમ ન બનાવાય ? તમારી પાસે એક શૈલી તો છે જ.

  ઇન્દુને લખાયેલા પત્રો મેં વાંચ્યા નથી. પણ એ નેરેશન જ હોવા જોઈએ. અનામિકાને લખાયલા પત્રો સાહિત્યિક બની શકે….વળી મેં વળતા મળેલા જવાબો પણ વાંચ્યા નથી,હોય તો સૂચવશો.

  ખૂબ સુંદર માહિતીસભર પત્રો છે. લીમડાને છાંયે જે અનુભવ ઉનાળામાં થાય તે અહીં થાય છે !

  Like

 2. પોતાના નિરર્થક મતને વળગી રહી એકલાઅટૂલા થઈ એકલપેટા જીવવું તે મૃત્યુ છે; ભર્યો ભર્યો પ્રેમ જ જીવન છે.

  કેવી સરસ વાત.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s