અનામિકાને પત્રો · યોગાનંદજી · યોગોદા સત્સંગ સંઘ

અનામિકાને પત્ર: 19

***

પ્રિય અનામિકા,

યોગોદા સત્સંગ સંઘ વિશેની તારી પૃચ્છા મારા માટે પ્રાથમિકતા બને છે.

ક્રિયાયોગ વિશે તારા મિત્રોમાં તું દિલચશ્પી જગાવી શકી તે સરસ વાત છે.

ક્રિયાયોગ પ્રતિષ્ઠિત કર્યો હૈડાખાનવાળા બાબાજીએ. બાબાજીના શિષ્ય લાહિરી મહાશય. લાહિરી મહાશયના શિષ્ય યુક્તેશ્વરજી.

યુક્તેશ્વરજી સિદ્ધહસ્ત લેખક હતા. વિદ્વાન હતા. પાંચ ભાષાઓના જાણકાર હતા – બંગાળી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને ફ્રેંચ. યુક્તેશ્વરજીનો આશ્રમ કલકત્તાથી અઢારેક કિલોમીટર દૂર સિરામપોર ખાતે હતો.

યોગાનંદજી (પૂર્વાશ્રમમાં મુકુંદ) હતા યુક્તેશ્વરજીના શિષ્ય.

અનામિકા! આગળના એક પત્રમાં મેં શ્રી “મ”નો ઉલ્લેખ કર્યો હતો. શ્રી “મ” અર્થાત મહેન્દ્રનાથ ગુપ્ત – શ્રી રામકૃષ્ણ પરમહંસના અનન્ય ભક્ત. બાળપણમાં મુકુંદજીના અધ્યાત્મિક વિકાસ પર શ્રી “મ”નો સારો એવો પ્રભાવ હતો. યુવાન વયે મુકુંદજી મહાયોગી યુક્તેશ્વરજીના સંપર્કમાં આવ્યા. મુકુંદજી સંન્યાસ-દીક્ષા મળતાં યોગાનંદજી કહેવાયા.

1920માં યોગાનંદજી અમેરિકા પહોંચ્યા. પાંચ વર્ષ સુધી અમેરિકાના વિવિધ નગરોમાં યોગનો પ્રચાર કર્યો. 1925માં લોસ એંજેલિસમાં તેમણે આશ્રમ સ્થાપ્યો. માર્ચ 7, 1952ના રોજ યોગાનંદજીએ મહાસમાધિ લીધી. વીસ દિવસ સુધી તેમના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવ્યો.

તારી માહિતી સાચી છે …. યોગાનંદજીના પાર્થિવ દેહમાં વીસ દિવસ સુધી વિકૃતિ નહોતી દેખાઈ તે જાણીતી હકીકત છે. સ્વામી યોગાનંદજીના દેહત્યાગ પછી પાર્થિવ શરીર અંગેની વાતો તારા વિદેશી મિત્રો માટે કૂતુહલનો વિષય બને તેમાં શી નવાઈ!

આને ચમત્કાર ગણવો કે અસાધારણ વિરલ ઘટના ગણવી કે આપણી ઈન્દ્રિયશક્તિની મર્યાદાની બહારની ઘટના ગણવી?

જે સર્વવિદિત છે તે જ સત્ય તેમ આપણે માનીએ છીએ. જે ઈન્દ્રિયગમ્ય જ્ઞાનની બહાર હોય, આપણી વૈજ્ઞાનિક માન્યતામાં બંધબેસતી ન હોય તે દરેક ઘટનાને આપણે અસ્વીકાર્ય ચમત્કાર ગણવાની મૂર્ખામી કરી બેસીએ છીએ. પછી આવા સમજ બહારના “ચમત્કારો” શક્ય જ નથી તેવો હોબાળો મચાવીએ છીએ, તેમને અંધશ્રદ્ધામાં ખપાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણા બુદ્ધિવાદનો જય જયકાર કરીએ છીએ …

તેના કારણે આપણે અવ્યક્ત જગતનાં ઈન્દ્રિયાતીત રહસ્યોને પામવાની તક ચૂકીએ છીએ. અરે! વિજ્ઞાન પ્રેરિત નવીન વિચારોને ધુત્કારી બેસીએ છીએ!! આપણે ચાર સદી પહેલાં કોપર્નિકસ અને ગેલિલિઓ સાથે શું વર્તાવ કર્યો? બહુજન સમાજમાં પ્રચલિત માન્યતાઓથી તેમના વિચારો જુદા પડ્યા અને આપણે તેમને પારાવાર માનસિક યાતનાઓ આપી. શું આ સુસંસ્કૃત બુદ્ધિવાદનું લક્ષણ છે?

આપણે ભૂલી જઈએ છીએ કે છેલ્લા બે હજાર વર્ષના ઈતિહાસમાં પ્રત્યેક તબક્કે વિજ્ઞાનની ઘણી ખરી માન્યતાઓ વખતોવખત બદલાતી રહી છે. જો અર્થહીન, તર્કહીન રૂઢિચુસ્ત સામાજિક અને ધાર્મિક માન્યતાઓને જડતાથી વળગી રહેવામાં મૂર્ખામી છે, તો વર્તમાન વૈજ્ઞાનિક માન્યતાઓને તેમજ સિદ્ધાંતોને અંતિમ, અચલ, સનાતન સત્ય માની લેવામાં પણ મહામૂર્ખામી છે. વિજ્ઞાન પ્રતિપાદિત તથ્યોને સ્થળ અને કાળની મર્યાદાઓ છે તે પણ સમજવું જરૂરી છે.

ડાહ્યો માણસ તો વિતંડાવાદથી દૂર રહી નીરક્ષીર વિવેકે સત્યને પારખી લેશે. બુદ્ધિમાન મનુષ્યે સત્યના પ્રસાર અર્થે પ્રયત્નો કરવા પરંતુ હીણી ચર્ચા અને વ્યર્થ વિવાદોથી દૂર જ રહેવું.

તું પણ એ જ રસ્તે ધપજે!

સસ્નેહ આશીર્વાદ!

***

3 thoughts on “અનામિકાને પત્ર: 19

  1. બાબાજી એ હૈડાખાન બાબા જ હતા? ઇંટરનેટ પર અલગ-અલગ વાતો વાંચવા મળે છે કે બન્ને એક જ નથી.

    યોગાનંદજીનો અંતિમ ફોટો બાબાજીના ચહેરા સાથે સામ્ય ધરાવે છે.

    Like

  2. ડાહ્યો માણસ તો વિતંડાવાદથી દૂર રહી નીરક્ષીર વિવેકે સત્યને પારખી લેશે. બુદ્ધિમાન મનુષ્યે સત્યના પ્રસાર અર્થે પ્રયત્નો કરવા પરંતુ હીણી ચર્ચા અને વ્યર્થ વિવાદોથી દૂર જ રહેવું.

    તમે બહુ સરસ રીતે વસ્તુને લોકો સામે મૂકી આપો છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s