અનામિકાને પત્રો · માઈકલ ફેરેડે

અનામિકાને પત્ર: 20

.

પ્રિય અનામિકા!

કુદરતનો કેર ધરતીને ધમરોળી રહ્યો છે. શું પૂર્વ કે શું પશ્ચિમ – વાતાવરણના અસાધારણ પલટા સર્વત્ર તબાહી સર્જી રહ્યા છે. માનવજીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. જે વિજ્ઞાને માનવીને અન્ય જીવો પર અબાધિત સર્વોપરિતા બક્ષી છે, તે જ વિજ્ઞાન પ્રકૃતિના બળ સામે વામણું જણાય છે.

એક રાતનો પાવર કટ તમારા પ્રવાસમાં તમને કેવો પરેશાન કરી ગયો!

ઈલેક્ટ્રીસીટીની મહત્તા આપણા મગજમાં ઝબકે અને બે નામ રોશન થઈ ઊઠે.- માઈકલ ફેરેડે અને થોમસ આલ્વા એડીસન. આવા કેટલાક વૈજ્ઞાનિકો, તેમના બુદ્ધિવાદનો ઢંઢેરો પીટ્યા સિવાય, વિજ્ઞાનને સમૃદ્ધિ બક્ષતા ગયા છે અને સંસ્કૃતિના વિકાસની નવી દિશાઓ ખોલતા ગયા છે.

અનામિકા! મેં તને ફેરેડેના નિયમો શીખવ્યા હતા, યાદ આવે છે? એક ગરીબ બસ્તીમાં રહેતા લુહારનો દીકરો દુનિયાને વિજ્ઞાનના ઉપકારક સિદ્ધાંતો આપી જાય તે પ્રેરણાદાયી કહાણી કહેવાય.

મહાનુભાવોના જીવનમાં નાનકડી વ્યક્તિઓ અને નાનકડી ઘટનાઓ પણ કેવા પલટા લાવી શકે છે તે બાબત મને હંમેશા આશ્ચર્યમાં મૂકી દે છે.

અનામિકા! પ્રતિષ્ઠિત બ્રિટિશ વૈજ્ઞાનિક માઈકલ ફેરેડેની જીવન કથાનો એક અંશ આલેખું છું.

અઢારમી સદીનો છેલ્લો દશકો. ઈંગ્લેંડમાં લંડન શહેર પાસે, ટેમ્સ નદીને કિનારે એક ગ્રામ્યવિસ્તાર. એક  નિર્ધન લુહાર કુટુંબમાં માઈકલ ફેરેડેનો જન્મ. માઈકલને મૂછના દોરા ફૂટે ત્યાં તો તેના પિતાનું અવસાન થયું.

યુવાન માઈકલ એક બુક-બાઈન્ડરને ત્યાં નોકરી કરે. તેનો માલિક ભારે દયાળુ. માઈકલની ઉત્સુકતા જોઈને તેને વિશેષ વાચન-અભ્યાસ-મનન માટે પ્રેરતો રહે. તે જમાનામાં તત્વજ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે અછડતી ભેદરેખા હતી. માઈકલનો વિજ્ઞાન-ફિલોસોફીનો રસ જોઈને માલિક તેને આવાં પ્રવચન માટેની ટિકિટો લાવી આપે. માઈકલ હોંશે હોંશે તેમાં હાજરી આપે.

એક દિવસ  દુકાને એક ગ્રાહક માઈકલને ઉદાર ભાવે લંડન (ઈંગ્લેંડ) ના સુપ્રસિદ્ધ રોયલ ઈન્સ્ટીટ્યુશનના ચાર પ્રવચનોની શ્રેણીની  ટિકિટો આપી ગયો. “કોઈ મોટા વૈજ્ઞાનિક”ના પ્રવચનો છે તેવી માઈકલને જાણ. પહેલા જ પ્રવચનથી માઈકલને ભારે રસ પડ્યો. શ્રેણીને અંતે માઈકલે તે વૈજ્ઞાનિકને એક મનનીય પત્ર લખ્યો. પત્ર લખવાની નાનકડી ઘટનાએ એક ઈતિહાસ સર્જી દીધો!

તે હતું 1812નું વર્ષ. ડિસેમ્બર મહિનો. ક્રિસમસ સંધ્યા પર માઈકલને એક પત્ર મળ્યો. રોયલ ઈન્સ્ટીટ્યુશનના વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિક સર હંફ્રી ડેવી એ માઈકલને આમંત્રણ આપ્યું હતું! જોતજોતામાં નરી મુફલિસીનો શિકાર માઈકલ ફેરેડે મહિને 100 શિલિંગના ઈજ્જતદાર પગારથી સર હંફ્રી ડેવીના મદદનીશ વૈજ્ઞાનિક તરીકે જોડાઈ ગયો.

ફરી પ્રશ્નો ઊઠે: માઈકલનું જીવન પલટાવનાર પરિબળ કયું? માઈકલની બુદ્ધિશક્તિ કે માલિકનો સદભાવ કે એક અજાણ્યા ગ્રાહક -એ ગ્રાહક કે જેનું નામ ક્યાંય લખાયેલું નથી- ની ઉદારતા?

આવા પ્રશ્નોના ઉત્તર કદી સરળ નથી હોતા. તે અનુત્તર રહે તેમાં જ જીવનની મુગ્ધતા પણ છે, મહત્તા પણ.

જીવનના ભીતરી સૌંદર્યને પામવા બુદ્ધિનો ઉપયોગ વિવેકથી થાય તે ઈચ્છનીય છે. …  સસ્નેહ આશીર્વાદ.

2 thoughts on “અનામિકાને પત્ર: 20

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s