અનામિકાને પત્રો · કે. આસિફ · ફિલ્મ સિનેમા · મોગલ-એ-આઝમ / મુઘલ-એ-આઝમ

અનામિકાને પત્ર: 21

.
પ્રિય અનામિકા!

“મોગલ-એ-આઝમ” (મુઘલ-એ-આઝમ કે Mughal-E-Aajham) વિશે તારો પત્ર મને વારંવાર વાંચવો ગમ્યો. આ ફિલ્મની રંગીન પ્રિન્ટ અને બ્લેક-એન્ડ-વ્હાઈટ પ્રિન્ટની ખૂબીઓને તેં સરસથી અવલોકી છે. આવી દ્રષ્ટિ ખીલવવા બદલ અભિનંદન! તારા કેટલાક મિત્રોએ આ ક્લાસિક હિન્દી ફિલ્મ પ્રથમ જ વખત જોઈ અને તેઓ પ્રભાવિત થયાં તે વાત આનંદ આપે છે.

અનામિકા! “મોગલ-એ-આઝમ”ની નિર્માણ કહાણી પરીકથા જેવી જ રોચક છે.  “મોગલ-એ-આઝમ”ના મહાન સર્જક કે. આસિફના જીવનનાં કેટલાં પાસાં વણકહ્યાં-શાં રહ્યાં છે!

ઉત્તરપ્રદેશમાં જન્મેલ કે. આસિફ નાની ઉંમરે નસીબ અજમાવવા મુંબઈ આવી પહોંચ્યા. મુંબઈમાં તેમણે દરજીકામ કરવા દાદરમાં ટેઈલર-શોપ ખોલી.

વાત છે 1940ની આસપાસની.

ત્યારે હિન્દી સિનેમાના મશહૂર ફિલ્મ સંગીતકાર નૌશાદ અલી સાહેબના સંઘર્ષના દિવસો હતા. એકવીસેક વર્ષના યુવાન નૌશાદ સાહેબ ત્યારે દાદરના બ્રોડવે સિનેમાની સામે એક નાનકડી ખોલીમાં રહેતા.

આ જ અરસામાં પાછળથી પ્રસિદ્ધિ પામનાર અભિનેતા પ્રેમ અદીબ તથા તેનો ખલનાયક મિત્ર જીવન તે સમયે હજી ફિલ્મ લાઈનમાં પગદંડો જમાવવા મહેનત કરી રહ્યા હતા. બંને મિત્રો દાદરમાં એક હોટેલ ચલાવતા.

અનામિકા! મઝાની વાત એ કે આ નાનકડી હોટેલ કેટકેટલાનું તકદીર બદલી ગઈ! બે એક વર્ષોમાં પ્રેમ અદીબ વિજય ભટ્ટની “રામરાજ્ય” ફિલ્મમાં ભગવાન શ્રી રામનો રોલ કરી હિંદી સિનેમામાં ઈતિહાસ રચી ગયા! (પ્રકાશ પિક્ચર્સ નિર્મિત અને વિજય ભટ્ટ દિગ્દર્શિત રામરાજ્ય ફિલ્મમાં લક્ષ્મણનો રોલ આપણા ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત દેસાઈએ કરેલો. હજુ છએક મહિના પહેલાં 99 વર્ષે તેમનું અવસાન થયું. રામરાજ્યમાં સીતાજી તરીકે વર્તમાન ફિલ્મ અભિનેત્રી કાજોલના નાનીજી શોભના સમર્થ હતાં) અહીંથી જ જીવનને ખલનાયકની દીર્ઘ કારકિર્દી ઘડવાની તક મળી.

યોગાનુયોગ એવો, અનામિકા, કે આ જ હોટેલ પર નૌશાદ સાહેબ જમવા જતા; આ જ હોટેલ પર સોળ વર્ષના કે. આસિફ પણ જમવા જતા. સમય જતાં  નૌશાદ અલી  હિંદી  ફિલ્મસંગીત ક્ષેત્રે  બેતાજ   બાદશાહ બન્યા.

પણ આજે આપણે આસિફ સાહેબની વાત કરીએ. રાત્રે હોટેલ પર એકઠા થયેલા મિત્રો અવનવી આપવીતી કહેતા. ફિલ્મનિર્માણની વાત નીકળે ત્યારે કે. આસિફ કહેતા, “શું આજકાલની ફિલ્મો! મને જો તક મળે તો હું સારામાં સારી ફિલ્મ બનાવીને દુનિયાને બતાવીશ કે શ્રેષ્ઠ ફિલ્મ કોને કહેવાય!” મિત્રો મજાક કરતા ત્યારે યુવાન આસિફ કહેતા: એક દિવસ મોટામાં મોટા સ્ટાર્સને મારી ફિલ્મમાં ડાયરેક્ટ કરીશ! મિત્રો હસતા, ત્યારે આસિફ સાહેબ ફિલ્મનિર્માણનાં સ્વપ્નાંમાં ખોવાઈ જતા.

બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું, તે અરસામાં કે. આસિફની પ્રથમ ફિલ્મ આવી: ફૂલ. પણ રે નસીબ! ફિલ્મથી સફળતા જોજનો દૂર રહી! પણ દ્રઢનિશ્ચયી આસિફ શ્રેષ્ઠ ફિલ્મનિર્માણના ધ્યેયને વળગી રહ્યા.

હિંદુસ્તાનના ફિલ્મ ઈતિહાસમાં બેનમૂન ભવ્ય ઐતિહાસિક ફિલ્મ “મોગલ-એ-આઝમ” ના નિર્માણમાં તેમણે જીવનનાં કીમતી વર્ષો ખર્ચી નાખ્યાં. રાતદિવસ એક કરી તેમણે ગજબની ફિલ્મ બનાવી. યુવાવયે જોયેલું મહાન સ્વપ્ન ચાલીસ વર્ષ પછી પૂરું થયું! મુંબઈના આલીશાન મરાઠા મંદિરમાં તેનો શાનદાર પ્રીમિયર શો યોજાયો.

કે. આસિફની “મોગલ-એ-આઝમ” (મુઘલ-એ-આઝમ કે Mughal-E-Aajham) 1960ની પાંચમી ઓગસ્ટે દેશભરનાં પ્રમુખ થિયેટરોમાં રજૂ થઈ. આસિફસાહેબના આ મહાન સર્જનને ભારતભરમાં અભૂતપૂર્વ આવકાર મળ્યો. એક અનોખો ઈતિહાસ રચી જનાર આ ફિલ્મ આજે પણ દેશ-વિદેશમાં એટલી જ લોકપ્રિય રહી છે.

અનામિકા! સ્વપ્નદ્રષ્ટા શું ન કરી શકે? જો સ્વપ્નસેવન સાથે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન, સંકલ્પશક્તિ અને અપાર ખંત ભળે તો સ્વપ્નસિદ્ધિ અચૂક મળે જ! સસ્નેહ આશીર્વાદ.

5 thoughts on “અનામિકાને પત્ર: 21

 1. તમે આ ફીલ્મજગતની આવી ને આટલી બધી વાતો જાણો છો એ જાણીને આનંદ-આશ્ચર્યનો પાર ન રહ્યો.
  આવી વાતો તમે ધારો તો નેટજગતને પીરસીને ઈતીહાસ રચી શકો.

  સુરેશભાઈએ જે સારસ્વતો અંગે કર્યું તેવું જ મહાન કાર્ય આ અને આવી અનેક બાબતો રજુ કરીને તમે કરી શકો તેમ છો. અભીનંદન આપવા કરતાંય વધુ તો ઉઘરાણી કરીશ !!

  Like

 2. શ્રી હરીશભાઈ, આપની સાથે પરિચય નથી, પણ આજે આ વાંચતાં બે હકીકતદોષો પ્રત્યે ધ્યાન ગયું છે એની તરફ ધ્યાન દોરું છું. તમારો ઈ-મેલ મારી પાસે નથી, નહીં તો મેલ જ કરત.
  – પ્રકાશ પિક્ચર્સની ફિલ્મ ‘રામરાજ્ય’માં લક્ષ્મણનો રોલ ‘ચંદ્રકાન્ત દેસાઈ’ નહીં, પણ ઉમાકાન્ત દેસાઈએ કરેલો.
  – બીજી વાત મુઘલ એ આઝમ અંગેની છે. તમે લખ્યું છે કે ‘યુવાવયે જોયેલું મહાન સ્વપ્ન ચાલીસ વર્ષ પછી પૂરું થયું.’ આ શી રીતે બને? તેમની પહેલી ફિલ્મ ‘ફૂલ’ ૧૯૪૫માં આવેલી અને મુઘલે આઝમ ૧૯૬૦માં રિલીઝ થઈ. ૪૮ વરસની ઉંમરે ૧૯૭૧માં એમનું અવસાન થયું.
  એટલે જો તમારો ઈશારો મુઘલેઆઝમના લંબાયેલા નિર્માણકાળનો હોય તો એ બહુ બહુ તો દસ-બાર વરસનો છે. અલબત્ત, એ ઓછો ન કહેવાય.
  પણ ચાલીસ વરસવાળી વાત એક પણ રીતે બેસતી નથી.
  આ બન્ને હકીકતદોષો સુધારી લેવા વિનંતી.

  Like

  1. આભાર બીરેનભાઈ. ‘રામરાજ્ય’ ફિલ્મના હકીકત દોષને ધ્યાન પર લાવવા માટે આપનો હૃદયપૂર્વક આભાર. ‘રામરાજ્ય’ ફિલ્મમાં લક્ષ્મણનો રોલ સન્માનનીય ગુજરાતી કલાકાર સ્વ. ઉમાકાન્ત દેસાઈએ કરેલો… જો હું ભૂલતો ના હોઉં તો ચીમનભાઈની ફિલ્મ ‘સ્ટેશન માસ્ટર’ (પ્રેમ અદીબ હીરો, મ્યુ: નૌશાદ) માં પણ સ્વ. ઉમાકાન્ત દેસાઈએ કામ કરેલું.
   બીરેનભાઈ! 1960માં રજૂ થયેલ ‘મુઘલ-એ-આઝમ’ કે ‘મોગલ-એ-આઝમ’ના કે. આસિફ (1924-71) ના સંદર્ભમાં મારી રજૂઆત સુધારવી જરૂરી છે. આ ફિલ્મના નિર્માણમાં આસિફને લગભગ દશકો લાગી ગયો હતો તે સાચી વાત. પરંતુ મારો ઇશારો આસિફના ‘મહાન ફિલ્મ’ બનાવવાના સ્વપ્ન તરફ હતો. સોળેક વર્ષની યુવાન વયે ‘દુનિયા જોતી રહે તેવી શ્રેષ્ઠ ફિલ્મ’ બનાવવાનું આસિફ સાહેબનું સ્વપ્ન 1960માં પૂરું થયું, ત્યારે તેમની ઉંમર છત્રીસેક વર્ષની જ હતી! (ચાળીસ વર્ષની વાત ભૂલ ભરેલી)
   ધન્યવાદ! બીરેનભાઈ. અને ક્ષમાયાચના, વાચકમિત્રો!
   આપ સૌના પ્રતિભાવો મારા માટે કીમતી છે. – હરીશ દવે

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s