અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: પરિચય · સંગીત/ચિત્ર/લલિતકલા

અનામિકાને પત્ર: 30

.

પ્રિય અનામિકા,

અમૃતા શેરગીલની સુંદર તસ્વીર મોકલવા બદલ આભાર.

મારા સીધા સાદા ઘરના ડ્રોઈંગ રૂમમાં મુખ્ય દિવાલ પર એક નાનકડું પેઈન્ટિંગ છે. બે ત્રણ વર્ષથી તે ચિત્ર દિવાલ પર છે. આગંતુકોની નજર તેના પરથી આરામથી ફિસલી જાય છે. માંડ દસ-વીસ આંખો તેના પર ચોંટી શકી હશે.

પણ તાજેતરમાં મારો એક ભત્રીજો ત્રણેક વર્ષ પછી મારે ત્યાં આવ્યો- આવતાં વેંત પેઈન્ટિંગ સામે થીજી ગયો. મારી સામે ફરી સસ્મિત બોલ્યો – “ઈમ્પ્રેશનિઝમ? ”

મારો આ ભત્રીજો ફાઈન આર્ટસની ડિગ્રી સાથે એનિમેશનની દુનિયામાં ઊભરતી પ્રતિભા છે. ઈન્દોરમાં તે કારકિર્દી કંડારી રહ્યો છે. કાર્ટૂન – એનિમેશનના ફિલ્ડમાં તેની માસ્ટરી છે. તે પેઈન્ટિંગ પારખી ગયો.

હા, તે પેઈન્ટિંગ “ઈમ્પ્રેશનિઝમ” ના પ્રણેતા મોને (Claude Monet 1840-1926) નું છે. મોનેની પ્રખ્યાત વોટરલિલિ સિરિઝ નું ચિત્ર છે. સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રિન્ટ થઈ તૈયાર થયું છે. યુરોપના પ્રવાસેથી પાછા ફરતા મારા એક કલાચાહક બાળ-મિત્ર મારા માટે લેતા આવ્યા છે. આભાર એ મિત્રનો!

કલાક્ષેત્રનો રસ જીવનપોષક હોય છે.

અનામિકા! સ્કૂલના અભ્યાસ દરમ્યાન મેં વડોદરાની બરોડા જુનિયર ચેમ્બર દ્વારા યોજિત એક રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાં સર્ટિફીકેટ મેળવ્યું ત્યારથી આજ સુધી ચિત્રકલામાં મારો રસ જળવાઈ રહ્યો છે. સ્કૂલમાં “સાહિત્ય પાઠાવલિ” તથા સ્વ. ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિના ઈતિહાસમાં પણ સુંદર ચિત્રો રહેતાં. પાઠ્યપુસ્તકોએ ચિત્રકલા અને શિલ્પકલાને માણતાં શીખવ્યું.

વડોદરા હું દસેક વર્ષ રહ્યો. સમય મળ્યે હું કોઈ એક મ્યુઝિયમ પહોંચી જતો. મેં કલાકો વડોદરા સયાજી બાગ મ્યુઝિયમ અને પેલેસ મ્યુઝિયમના ચિત્રો અને શિલ્પકૃતિઓ સામે ગુજાર્યા છે.

સચિત્ર પાઠ્યપુસ્તકોના કારણે માઈકલએંજેલો (Michelangelo 1475 – 1564) , રાફેલ (Raphael 1483 – 1520) અને લિયોનાર્ડો દ વિન્ચી (વિન્શી) (Leonardo da Vinci 1452 – 1519) પર બાળપણથી ખૂબ પ્રેમ. પણ પાબ્લો પિકાસો (Pablo Picasso 1881 -1973) માં મને સાધારણ રસ પડ્યો. મારી કલાદ્રષ્ટિની મર્યાદા કે ઊણપ પણ હોઈ શકે.

પૉલ સિઝાન (સિઝન્ન) (Paul Cezanne 1839 – 1906) અને વિન્સેન્ટ વાન ગો ( વિન્સેન્ટ વાન ગોઘ Vincent Van Gogh 1853 – 1890) સ્વીકાર્ય, પણ પિકાસો નહીં.

અનામિકા! ઈમ્પ્રેશનિઝમ (Impressionism) મુવમેન્ટ ફ્રાંસમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રચલિત થઈ.

સિઝાન અને રેનોર (Pierre Auguste Renoir) સાથે મોનેએ તેના પ્રસારમાં યોગદાન આપ્યું. સિઝાન જેવા ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટરની પાયાની માન્યતા કંઈક એવી કે કુદરતમાં પ્રકૃતિતત્વોનું સ્વરૂપ ભૌમિતિક આકારોમાંથી પ્રગટ થાય છે. ઈમ્પ્રેશનિસ્ટ માત્ર રંગોના લસરકાઓથી પ્રકાશની અવનવી અસરો ઊભી કરી કોઈ સબ્જેક્ટની ઝલક મેળવે છે.

પિકાસોએ વળી ભૌમિતિક આકારોમાં ચોરસ અને લંબચોરસ જેવા આકારોને પ્રાધાન્ય આપી પેઈન્ટ કરવાનું શરૂ કર્યું. પિકાસોની ચિત્રકલા-શૈલી ક્યુબિઝમ (Cubism) ને નામે ઓળખાઈ.

અનામિકા! અમૃતા શેરગીલ પર એક અતિ સુંદર સચિત્ર પુસ્તક થોડો સમય પહેલાં મેં જોયું હતું. પ્રકાશનની વિગતો યાદ નથી. ધ્યાનમાં આવશે તો તને જરૂર મોકલીશ. સસ્નેહ આશીર્વાદ.

.

One thought on “અનામિકાને પત્ર: 30

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s