.
પ્રિય અનામિકા,
શ્રી અરવિંદની કિશોરાવસ્થાથી યુવાવસ્થાની જીવનયાત્રા પર આપણે દ્રષ્ટિપાત કરી રહ્યા છીએ.
બારેક વર્ષની ઉંમરે શ્રી અરવિંદ લંડન પહોંચ્યા અને તેમણે સેંટ પૉલ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. અહીં શ્રી અરવિંદનો અભ્યાસ અંગ્રેજી, ફ્રેંચ, લેટિન ઉપરાંત ગ્રીક, ઇટાલિયન અને જર્મન ભાષામાં પણ વિસ્તર્યો. આ વર્ષોમાં પિતા તરફથી આર્થિક સહાય જરા અનિયમિત થતાં તેમને ભારે હાડમારીઓ ભોગવવી પડી. ક્યારેક કડકડતી ઠંડીથી બચવા તેમની પાસે ઓવરકોટ ન હોય તો ક્યારેક એક ટંકનું ભોજન પણ જતું કરવું પડે તેવી સ્થિતિ આવી જતી.
અનામિકા! આવા સંજોગોમાં શ્રી અરવિંદને ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજની સ્કોલરશીપ મળી.
કિંગ્સ કોલેજમાં ભણતાં શ્રી અરવિંદની આંખોમાં ઇટાલીનો મેઝિની તથા ફ્રાંસની જોન ઓફ આર્ક વસતાં! યુવાન અરવિંદની સમક્ષ ફ્રેંચ અને અમેરિકન ક્રાંતિના દ્રશ્યો તરવરતાં રહેતાં!
પોતાની માતૃભૂમિ – હિંદુસ્તાનની ધરતીની સ્વતંત્રતા માટે શ્રી અરવિંદનું મન વિચારોથી ઊભરાઈ જાતું!
લંડન-નિવાસ દરમ્યાન શ્રી અરવિંદ ઇંગ્લેન્ડના પ્રવાસે આવેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને મળ્યા. અનામિકા! ગુજરાતના પ્રતિષ્ઠિત વડોદરા રાજ્યની સેવામાં જોડાવાનું મહારાજા સયાજીરાવ ગાયકવાડનું આમંત્રણ શ્રી અરવિંદને રુચિકર લાગ્યું અને તેમણે સ્વીકાર્યું પણ ખરું.
શ્રી અરવિંદ 1893ના ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડથી હિંદુસ્તાન જવા સ્ટીમર દ્વારા નીકળ્યા. દુર્ભાગ્યવશ સમાચારની આપલેમાં ગેરસમજના લીધે તેમની સ્ટીમર રસ્તામાં ડૂબી ગઈ હોવાના ખોટા સમાચાર તેમના પિતાને મળ્યા. શ્રી અરવિંદના પિતા આઘાત સહન ન કરી શક્યા અને પુત્રના સ્વદેશાગમન પહેલાં જ મૃત્યુ પામ્યા.
નસીબની બીજી કરુણતા એ કે શ્રી અરવિંદના માતાની માનસિક સ્થિતિ ઠીક રહેતી ન હતી. ક્યારેક સ્નેહી-પરિચિતોને ઓળખવા જેટલી સુધબુધ પણ તેમનામાં ન રહેતી!!
અનામિકા! શ્રી અરવિંદ સ્વદેશ આવ્યા તો ખરા. પરંતુ બાળપણમાં ખોયેલા માતા-પિતાને શ્રી અરવિંદ ફરી ક્યારે ય અસલ સ્વરૂપમાં પામી ન શક્યા! આ કેવી વિધિની વક્રતા!
સ્ટીમરથી સમુદ્રમાર્ગે મુંબઈ આવેલા શ્રી અરવિંદ ટ્રેઇન દ્વારા સીધા જ વડોદરા (ગુજરાત) પહોંચ્યા.
આમ, ઇંગ્લેંડથી માતૃભૂમિ હિંદુસ્તાન આવેલા મહાયોગી શ્રી અરવિંદનું પ્રથમ કાર્યક્ષેત્ર ગુજરાત બન્યું. અનામિકા! આ પત્રો વાંચીને શ્રી અરવિંદના જીવન ઘડતર વિશે તારી જિજ્ઞાસા જરૂર સંતોષાશે. અહીં-ત્યાં સર્વત્ર ઠંડી કાતિલ છે. સાચવજો.
સસ્નેહ આશીર્વાદ.
* * ઇન્ટરનેટ પર ગુજરાતી ભાષાની સર્વપ્રથમ પત્રશ્રેણી ‘અનામિકાને પત્રો’ આપ હરીશ દવે દ્વારા પ્રકાશિત “અનામિકા” બ્લોગ (https://gujarat2.wordpress.com) પર વાંચી રહ્યાછો. આપ “અનામિકા” બ્લોગનું યુઆરએલ/ વેબએડ્રેસ ચકાસી લેશો? ધન્યવાદ. * * * *
* * * *
very good but i want to download the autobiography of shri arvind in gujarati can you just guide me
thanks
kishor d adhia
LikeLike