*
.
પ્રિય અનામિકા,
અમદાવાદના નાટ્યગૃહ “જયશંકર સુંદરી હૉલ” ના સમાચાર અમેરિકા તમારા સુધી પહોંચ્યા તે વાતથી મને શરમ સાથે વ્યથા થાય છે.
ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિઓની -થિયેટ્રીકલ એક્ટિવિટીઝની ઉપેક્ષાનો ચિતાર જયશંકર સુંદરી હૉલની કરુણ દુર્દશા પરથી મળે!
એક જમાનામાં અમદાવાદમાં ટાઉન હૉલ, પ્રેમાભાઈ હૉલ, ટાગોર હૉલ, જયશંકર સુંદરી હૉલ, ઠાકોરભાઈ દેસાઈ હૉલ,… પ્રત્યેકનું સ્થાન હતું. અમે નાનાં હતાં, ત્યારે અમારી શાળાનો વાર્ષિકોત્સવ અમદાવાદમાં ટાઉન હૉલમાં ઉજવાતો.. કેવું સરસ! શાળાજીવનથી વિદ્યાર્થીને સંગીત- નૃત્ય- નાટ્ય-લલિતકલા પ્રવૃત્તિઓ સાથે સાંકળવો તે દૂરદર્શિતાભર્યું શિક્ષણ. અનામિકા! આજે ગુજરાતમાં, અમદાવાદમાં એક પછી એક હૉલની રોશની બુઝાતી જાય છે તે ગુજરાતી રંગભૂમિની કરુણતા નથી?
કવિ નાટ્યકાર દલપતરામના “લક્ષ્મી” કે “સ્ત્રીસંભાષણ” જેવાં નાટકો વિશે ગુજરાતમાં બહુ ઓછા જાણતા હશે. નગીનદાસ મારફતિયા કે રણછોડભાઈ ઉદયરામ દવેનાં નામથી કેટલાં ગુજરાતી પરિચિત હશે?
ગુજરાતી ભાષાની રંગભૂમિનો પાયો નાખનાર વાઘજી ઓઝા – મૂળજી ઓઝા તથા ડાહ્યાભાઈ ધોળશાજીને ગુજરાતની નવી પેઢી ઓળખશે ખરી?
એક આશ્વાસન છે -ચાલો, જયશંકર સુંદરી હૉલની અવગતિના સમાચાર સાથે યુવાન ગુજરાતીઓ “જયશંકર સુંદરી કોણ?” આવા પ્રશ્નો કરતાં તો થયાં.
અનામિકા! જયશંકર ‘સુંદરી’નું મૂળ નામ જયશંકર ભૂદરદાસ ભોજક.
ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાસે વિસનગરમાં 1889માં જયશંકર ભોજકનો જન્મ. માત્ર નવ વર્ષની કુમળી વયે જયશંકર મુંબઈમાં ‘પારસી-ઉર્દુ નાટક મંડળી’માં જોડાયા, પણ ટૂંક સમયમાં પારસી કંપની છોડી ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ માં જોડાયા.
1901માં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ‘સૌભાગ્યસુંદરી’ નામક નાટક તૈયાર કર્યું. તેમાં સુંદરી તરીકે મુખ્ય સ્ત્રી પાત્રમાં માત્ર બાર વર્ષના જયશંકરનો અભિનય લાજવાબ હતો.
જયશંકર ભારે ચાપચીપથી આકર્ષક ઢબે સાડી પહેરતા, સ્ત્રીસહજ હાવભાવથી અભિનય કરતા, મદીલાં ગીતો ગાતા; શૃંગારરસ એવો તો જન્માવતા કે પ્રેક્ષકો તેમના પર ઓળઘોળ થઈ જતાં.
અનામિકા! તને નવાઈ લાગશે કે ‘સૌભાગ્યસુંદરી’ નાટકમાં ચાળીસથી વધુ ગીતો હતાં. તેમાં સત્તરેક ગીતો જયશંકર ગાતા.
અભિનયમાં ઓતપ્રોત થઈ જયશંકર ‘સુંદરી’ ના પાત્રને એવું ભજવતા રહ્યા કે લોકો હવે તેમને જયશંકર ભોજકના બદલે જયશંકર ‘સુંદરી’ તરીકે ઓળખવા લાગ્યા.
‘સૌભાગ્યસુંદરી’ નાટકને સમગ્ર ગુજરાતી સમાજમાં સાર્વત્રિક આવકાર મળ્યો. આજે કોઈ માની ન શકે, અનામિકા, કે તે જમાનામાં માત્ર ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં તે નાટકના દોઢસોથી વધુ શો થયા. જયશંકર ‘સુંદરી’ સાથે બાપુલાલ નાયક નામના સહ-કલાકારની જોડી ખૂબ જામી. તે પછી 1904માં ‘કામલતા’ નાટકમાં પણ જયશંકર ‘સુંદરી’ અને બાપુલાલની જોડીએ નાટકને ચાર ચાંદ લગાવી દીધા! ‘કામલતા’ નાટક મુંબઈના ગેઈટી થિયેટરમાં ભજવાયેલું.
વીસેક વર્ષ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં કામ કરી જયશંકર સુંદરી ‘આર્ય સુબોધ નાટક મંડળી’માં બે-ત્રણ વર્ષ રહ્યા; વળી પાછા મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાઈ નાટકો કરતા રહ્યા.
ગુજરાતી સ્ટેજ પર અભિનયનાં ઓજસ પાથરી જયશંકર સુંદરીએ 1932માં ગુજરાતી થિયેટરને રામ રામ કર્યા.
અનામિકા! આપણા સદભાગ્યની વાત કે ગુજરાતમાં નાટ્યપ્રવૃત્તિને નવલો ઓપ આપવાનું નક્કર કામ જયશંકર સુંદરીએ નિવૃત્તિ પછી પણ કર્મઠતાથી કર્યું.
ગુજરાતને, ગુજરાતી રંગભૂમિને જયશંકર સુંદરીએ બક્ષેલાં નવલાં નજરાણાંની વાત હવે પછીના પત્રમાં …. સપ્રેમ આશીર્વાદ.
* * *
6 thoughts on “અનામિકાને પત્ર: 35”