.
*
પ્રિય અનામિકા,
વેલેંટાઇન ડેની તારી અનોખી ઉજવણીના ફોટોગ્રાફ્સ જોઇ ખુશી થઈ. અડધી રાત્રે, હિંમત કરી બહાર નીકળી પ્રિય સ્નેહીને દરવાજે ચૂપચાપ કાર્ડ મૂકવાનો રોમાંચ તો માણવા જેવો હોય !
તમારા બ્રિટીશ મિત્ર-પરિવારનો ગુજરાતી રંગભૂમિ અને જયશંકર ‘સુંદરી’ પ્રત્યેનો પ્રેમ ખરેખર કાબિલે-તારીફ.
હું નાટ્યશાસ્ત્ર કે નાટ્યતત્વોનો નિષ્ણાત નથી. પરંતુ પ્રવીણ જોશીનું ‘સંતુ રંગીલી’ હોય કે કાંતિ મડિયાનું ‘અમે બરફનાં પંખી’ – તેમાંથી નાટ્યકલા પ્રગટતી મને દેખાઇ છે. મંચ પર પાત્રની સ્થિતિ અને ગતિ, તેમાંથી ઉપસતાં દ્રશ્યો, પાત્ર-પાત્ર વચ્ચે અને પાત્ર-પ્રેક્ષકો વચ્ચે સંબંધસેતુ જોડવો અને રંગમંચ પર નાટકની કથાના પ્રવાહમાં પ્રેક્ષકોને સાથે રાખવા- કેવી મઝાની કલા!
આવી કલાનો ઉપયોગ તમે ફિલ્મોમાં પણ નથી જોતા? અનામિકા! તારી સાથે ક્યારેક તો હોલિવુડની ‘સાઉંડ ઓફ મ્યુઝિક’, ‘ફિડલર ઓન ધ રૂફ’ કે અમોલ પાલેકરની ક્લાસિક ‘થોડા-સા રૂમાની હો જાય‘ની વાતો થઈ હશે.
થોડી આડી વાતે ચડી ગયો, પણ જયશંકર ‘સુંદરી’એ આવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી ગુજરાતી રંગભૂમિ માટે પાયાનું કામ કર્યું. જશવંત ઠાકર અને જયશંકરના ચીલા અલગ પડ્યા પછી પણ બંનેએ પોતપોતાની સંસ્થાઓ દ્વારા ગુજરાતી નાટકોને લોકપ્રિય કરવા અથાગ પ્રયત્નો કર્યા.
રમણભાઈ નીલકંઠનું ‘રાઈનો પર્વત’, મહાકવિ ભાસનું ‘ઉરુભંગ’, રસિકલાલ પરીખનું ‘મેનાગુર્જરી’ અને કવિ દલપતરામનું ‘મિથ્યાભિમાન’ – જયશંકર ‘સુંદરી’ ના જાનદાર નિર્દેશનમાં ‘નટમંડળ’ના તમામ નાટ્યપ્રયોગો ગુજરાતી રંગભૂમિનાં યાદગાર સંભારણાં બની રહ્યાં.
‘મિથ્યાભિમાન’માં રતાંધળા જીવરામ ભટ્ટના પાત્રમાં પ્રાણસુખ નાયકનો અદભુત અભિનય હતો.
અનામિકા! ‘મેનાગુર્જરી’ નાટક દ્વારા જયશંકર ‘સુંદરી’ને જે લોકપ્રિયતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માન મળ્યાં તે ગુજરાતના રંગભૂમિના ઇતિહાસમાં અવિસ્મરણીય છે.
બાસઠ-ત્રેસઠ વર્ષની ઉંમરે ‘મેનાગુર્જરી’ જેવા સંગીતમય નાટકની રજૂઆત દિગ્દર્શક જયશંકર માટે પડકારરૂપ હતી. ‘સુંદરી’એ અકલ્પ્ય સફળતા મેળવી. મેનાના પાત્રમાં દીનાબહેન ગાંધી (પાછળથી દીનાબહેન પાઠક – સુપ્રિયા પાઠક અને રત્ના પાઠકના માતા) ના બેમિસાલ અભિનયને કૈલાસ પંડ્યા, પ્રાણસુખ નાયક, અરવિંદ પાઠક, પ્રભાબહેન પાઠક, અનસૂયાબહેન સૂતરિયા વગેરે કલાકારોએ ઓર દીપાવ્યો. અરે! કેટલાક પ્રયોગોમાં મેનાના પિતાનું પાત્ર જયશંકરે સ્વયં ભજવ્યું!
સંગીત-નૃત્ય મઢ્યા ‘મેનાગુર્જરી’ને ગુજરાતી દર્શકોએ ઉષ્માભર્યો આવકાર આપ્યો. અનામિકા! ‘મેનાગુર્જરી’ના 65 સફળ પ્રયોગો જયશંકર ‘સુંદરી’ની સિદ્ધિઓમાં યશકલગીરૂપ બન્યા.
જયશંકર ‘સુંદરી’ને રાજ્ય કક્ષાએ રણજિતરામ સુવર્ણચંદ્રકથી અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા. જયશંકર ‘સુંદરી’ની રંગભૂમિની સેવાઓની નોંધ રાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ અને 1971માં જયશંકર ‘સુંદરી’ને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ના ખિતાબથી સન્માવવામાં આવ્યા.
1975માં ગુજરાતના આ મહાન કલાકાર અને નાટ્યશાસ્ત્ર-વિશારદ જયશંકર ‘સુંદરી’નો સ્વર્ગવાસ થયો. ગુજરાત સરકાર દ્વારા સ્મરણાંજલિ રૂપે 1976માં તેમનું કાયમી સ્મારક બાંધવાનું નક્કી થયું અને અમદાવાદમાં ‘જયશંકર સુંદરી નાટ્યગૃહ’ બાંધવામાં આવ્યું.
આજે જયશંકર સુંદરી હૉલની દુર્દશા માટે અમદાવાદ અને ગુજરાત જવાબદાર નથી? અમદાવાદમાં, ગુજરાતમાં રંગભૂમિની પ્રવૃત્તિઓ મોળી પડી ગઈ છે. કોઈ ગુજરાતી જાગશે?
અનામિકા! ગુજરાતી રંગભૂમિ માટે તું જરૂર પ્રાર્થના કરજે. સસ્નેહ આશીર્વાદ.
* * *
One thought on “અનામિકાને પત્ર: 37”