અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી

અનામિકાને પત્ર: 39

.

પ્રિય અનામિકા,

નેશનલ જ્યોગ્રાફિકના પ્રોજેક્ટ પર તારી મિત્રનું યોગદાન મને ગમ્યું.

આફ્રિકાના અંધારા ખૂણાઓમાં આજે પણ લગભગ આદિમ અવસ્થામાં કેટલીક પ્રજાતિઓ વસી રહી છે. તેમની માહિતી દુનિયા સમક્ષ મૂકવી તે અભિનંદનીય યોજના છે.

પ્રશ્ન તે પછી ઉદભવે છે. તે જાતિ-પ્રજાતિઓનો ઉત્કર્ષ શી રીતે કરવો? કયા ક્ષેત્રોમાં કેટલા સ્તર સુધી સુધી કરવો?

આ સંવેદનશીલ પ્રશ્નો છે. તેમનો ઉકેલ આસાન નથી.

સંસ્કૃતિના વિકાસના પાયામાં પ્રાકૃત અવસ્થામાં થતું ગુણાત્મક પરિવર્તન છે. જે પ્રકૃતિગત છે, તેમાં યોગ્ય ક્રિયા-પ્રક્રિયા દ્વારા પરિવર્તન કરવું તે વિકાસનો એક તબક્કો છે.

જે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુણાત્મક પરિવર્તન કરવામાં આવે છે તેને આપણે સંસ્કારથી ઓળખીએ છીએ.

લોહ તત્ત્વ જમીનમાં કાચા લોખંડના ખનીજ સ્વરૂપે સ્થિત છે. તેને ખોદી કાઢી તેના પર વિવિધ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તે પછી શુદ્ધિકરણ કરાતાં છેવટે લોખંડ ધાતુ રૂપે મળે છે. આ થઈ ધાતુસંસ્કારની વાત. શું માનવજીવનને, માનવસભ્યતાને આ વાત લાગુ નથી પડતી?

જંગલમાં ભટકતો કે ગુફાવાસી આદિ માનવ પ્રાકૃત અવસ્થામાં હતો. તે અસ્તિત્વ ટકાવવા કેટલીયે અવસ્થાઓમાં અગણિત સમસ્યાઓ સાથે સંઘર્ષ કરતો રહ્યો. તેનામાં, તેની જીવન પદ્ધતિઓમાં હજારો વર્ષ સુધી ઉત્તરોત્તર પરિવર્તન થતાં રહ્યાં.

ગુણાત્મક પરિવર્તનોથી બાહ્ય અને આંતરિક જીવન વિકાસ પામતું રહ્યું. તેનામાં સંસ્કાર સંચિત થતાં રહ્યાં. હજારો વર્ષો પછી અર્વાચીન માનવી જન્મ્યો.

આમ, સંસ્કાર પ્રાકૃતને સંસ્કૃત બનાવે છે. ફળસ્વરૂપે સભ્યતા, સંસ્કૃતિ ઉદભવે છે.

આવું વિચારું છું ત્યારે બે મુદ્દા મને મહત્ત્વના જણાય છે: પ્રથમ તો, સંસ્કૃતિના ઉચ્ચ સ્તર સુધીની યાત્રા દીર્ઘ હોવા ઉપરાંત ભારે કસોટીરૂપ હોય છે. બીજો મુદ્દો એ કે સંસ્કાર માનવીનું આભૂષણ છે. સંસ્કાર જીવનનું સૌંદર્ય છે.

તારી મિત્ર નેશનલ જ્યોગ્રાફિકના પ્રોજેક્ટ દ્વારા માનવસંસ્કાર અને માનવસંસ્કૃતિના સંવર્ધનમાં બહુમૂલું યોગદાન આપી રહી છે. તેને મારાં અભિનંદન કહેજે. તમારી સૌની પ્રગતિ અર્થે પ્રાર્થું છું. સપ્રેમ આશીર્વાદ.

.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s