અનામિકાને પત્રો · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 43

.

પ્રિય અનામિકા,

ઉત્તર ધ્રુવની હિમશિલાઓ વિશે મીડિયાના રિપોર્ટસ ચિંતાજનક છે. હિમાલય અને હિમાલયની નદીઓ વિશેની તારી ભીતિ વ્યાજબી છે. અનામિકા! હિમાલયનું નામ લેતાં મારા મનપ્રદેશ પર સંસ્કૃત સાહિત્યનાં સર્જનો ઊમટે છે.

આગળના એક પત્રમાં તને કવિકુલગુરુ ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ ની વાત કરી હતી. આજે ફરી સંસ્કૃત સાહિત્ય પર નજર નાખીશું?

હિમાલયની વાત કરીએ તો મહાકવિ કાલિદાસનાં ‘મેઘદૂત’ અને ‘કુમારસંભવમ્’ તો પ્રથમ હરોળમાં જ હોય ને! મેઘદૂતમાં રામગિરિ પર્વત પર બેઠેલો યક્ષ હતો તો હિમાલયનો નિવાસી. હિમાલયની અલકાનગરીના રાજવી કુબેર અને કુબેરના ચિત્રરથ બાગનો રક્ષક તે આપણો ભગ્નહૃદયી યક્ષ. મેઘદૂત એટલે હૃદયના તારોને ઝણઝણાવી જતી કથા.

અનામિકા! હિમાલયની યાદ અપાવતી કાલિદાસની અન્ય કૃતિ તે કુમારસંભવ.

સાહિત્યનાં વિવિધ રસોમાં તરબોળ કુમારસંભવની કથા પરાકાષ્ઠાએ રૌદ્ર રસ અને વીર રસ દ્વારા રોમાંચ પ્રેરે છે.

પર્વતરાજ હિમાલયનાં લગ્ન મેનકા સાથે થયાં હતાં. મેનકાના ગર્ભમાં પ્રજાપિતા દક્ષની દુહિતા સતીએ પ્રવેશ કર્યો.. તું જાણે છે, અનામિકા, કે પૂર્વજન્મમાં દક્ષપુત્રી સતી ભગવાન શિવજીનાં ધર્મપત્ની હતાં. આ જન્મમાં સતીજી પર્વતરાજનાં પુત્રી તરીકે અવતર્યાં, તેથી પાર્વતી કહેવાયાં. નારદ મુનિએ પાર્વતીજી આ જન્મમાં પણ ભગવાન શંકરનાં અર્ધાંગિની બનશે તેવી ભવિષ્યવાણી કરી. યૌવના પાર્વતીજી તપમાં લીન મહાદેવ શંકરની સેવામાં રત થયાં.

તે સમયે તારકાસુર નામક મહાબલી રાક્ષસ સર્વત્ર મહાત્રાસ વર્તાવી રહ્યો હતો. તારકાસુરથી ત્રસ્ત, ભયભીત દેવરાજ ઇંદ્રને બ્રહ્માજીએ સૂચન કર્યું કે ભગવાન શંકર વિવાહ કરે અને તેમનો જે કુમાર (પુત્ર) સંભવે, તે મહાપરાક્રમી કુમાર જ તારકાસુરનો વધ કરી શકશે. દેવરાજ ઇંદ્રના અનુરોધથી કામદેવ તથા ઋતુરાજ વસંતની લીલાથી  શિવજીના તપમાં ભંગ થયો. તપભંગ થવાથી કોપિત મહાદેવનું ત્રીજું નેત્ર ખુલ્યું અને તેમાંથી પ્રગટેલ ક્રોધાગ્નિમાં કામદેવ ભસ્મીભૂત થયા. પણ સાથે જ, શિવજીને પાર્વતીજી પર અનુરક્તિ જાગી.

ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ થયો. પાર્વતીજીએ પરમ વીર, તેજસ્વી પુત્ર કાર્તિકેયને જન્મ આપ્યો. યુવાવસ્થામાં મહા વીર કાર્તિકેય દેવોના સૈન્યના સેનાપતિ બન્યા. કાર્તિકેયની નિશ્રામાં દેવસેનાએ દૈત્યો પર આક્રમણ કર્યું. ભીષણ યુદ્ધ થયું.

સ્વયં કાર્તિકેય અને તારકાસુર વચ્ચે મહાસંગ્રામ થયો. ભારે શૌર્ય દાખવી કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો.

અધર્મ, અનીતિનો પરાજય થયો. સંસારમાં પુનઃ ધર્મની સ્થાપના થઈ. અનામિકા! મહાકવિ કાલિદાસના કુમારસંભવની ગાથા તારી ડાયરીમાં ટપકાવી લેજે.

સસ્નેહ આશીર્વાદ.

.

3 thoughts on “અનામિકાને પત્ર: 43

  1. આભાર, દિનકરભાઈ! ચિરાગભાઈ! અનામિકા પરના વિષયવૈવિધ્યને આપ માણતા રહો છો, તે મારા માટે ખુશીની વાત છે. આપના જેવા ગુણીજનોને લીધે પ્રેરણા મળતી રહી છે. સૌ કદરદાન વાચકોને ધન્યવાદ.
    ,,, હરીશ દવે અમદાવાદ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s