અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ

અનામિકાને પત્ર: 44

.

પ્રિય અનામિકા,

અમેરિકાને થથરાવી દેતા હરિકેન ગુસ્તાવના સમાચાર કેવી ઉત્તેજના ફેલાવી ગયા છે! જો કે આ ઝંઝાવાત વિશે હજી સ્પષ્ટ ચિત્ર નથી, પણ ચિંતાજનક નહીં હોય તેવો આશાવાદ પણ છે. અહીં બિહારમાં કોસી નદી અકથ્ય તારાજી સર્જી રહી છે. કોસીનું તાંડવ ભારતીય અર્થતંત્રને રોળી નાખશે.

પૃથ્વીના અમંગળની નિશાનીઓ તરફ હવે આંખો મીંચવા જેવી નથી. નોસ્ટ્રાડેમસ અને માયા સંસ્કૃતિનાં વિનાશક સંકેતો મીડિયામાં ચમક્યા કરે છે.

મારા પત્ર પછી તમારા મિત્રવર્તુળમાં  તમે માયા સંસ્કૃતિ પર ચર્ચા કરી તે આનંદની વાત. ચર્ચાના તાંતણા વળી લેટિન અમેરિકાના હોન્ડુરાસનાં જંગલોમાં ભટકતા જહોન લોઇડ સ્ટિફન્સ તથા ગ્રીક સંસ્કૃતિના, હોમરના ટ્રોયના આશિક હાઇનરિશ શ્લિમેન (હેઇન્રિશ શ્લીમાન Heinrich Schliemann 1822-1890) સુધી પહોંચ્યા! વાહ! પણ મને સાચો સંતોષ ત્યારે મળ્યો, અનામિકા, જ્યારે તેં પ્લિની ધ યંગર વિશે પૃચ્છા કરી.

હજી ગયા અઠવાડિયે મારા ક્લિપિંગ્સ-ડાયરી-નોટ્સના ખજાનાને ફંફોસતાં 24 ઓગસ્ટના પોમ્પિની ભયાવહ કહાણી હાથ લાગી હતી અને મન ગમગીનીમાં ડૂબી ગયું હતું.

ઈસુની સર્વપ્રથમ શતાબ્દીની વાત.

યુરોપના ઇટાલી દેશની ગિરિતળેટીનું નગર પોમ્પિ. રોમન સામ્રાજ્યના ઉદય સાથે ફૂલી-ફાલી રહ્યું હતું.

રોમના સમ્રાટ ઓક્ટેવિયસ ઓગસ્ટસ (63 BC – 14 AD) ના સુવર્ણયુગમાં પોમ્પિની સમૃદ્ધિ ટોચે પહોંચી હતી. ઓગસ્ટ્સના અવસાનને હજી માંડ 75 વર્ષ પૂરાં થયાં હતાં.

24 ઓગસ્ટ, ઈ.સ. 79નો તે ગોઝારો દિન.  હજારો વર્ષોથી સુપ્ત વિસુવિયસ જ્વાળામુખી અચાનક ફાટ્યો, આગની જ્વાળાઓ ઓકાવા લાગી અને લાવાના રેલા નીકળ્યા.

ખુશહાલીમાં કિલ્લોલતું પોમ્પિ વિસુવિયસમાં ભરખાઈ ગયું. તેની પાસેનું બીજું નગર હર્ક્યુલેનિયમ પણ તબાહ થઈ ગયું. પોમ્પિ જે હાલતમાં લાવા અને રાખના ખડકો વચ્ચે દબાઈ ગયું, તે જ હાલતમાં આજે સચવાઈ રહ્યું છે. માનવો, પદાર્થો, ચીજ-વસ્તુઓ, ઇમારતો … જે  જે સ્થિતિમાં હતાં તે જ સ્થિતિમાં આજે આપણને અવશેષરૂપે મળી આવે છે. કાંઈક કામ કરતાં, બેઠેલાં, સૂતેલાં માનવ અવશેષો જ્વાળામુખીની વેગીલી વિનાશકતાની વાતો કહે છે. પોમ્પિનાં ખંડેરો હોનારતનો તાદ્રશ ચિતાર આપે છે.

પોમ્પિની વાત પ્લિની ધ યંગરના ઉલ્લેખ વિના અપૂર્ણ જ લેખાય.

અનામિકા! પ્લિની ધ યંગર તે સમયના ઇટાલીનો એક લેખક અને કાનૂનવિદ. પ્લિની ધ યંગરનાં દુર્લભ લખાણોમાં રોમન શાસનની, પોમ્પિની, વિસુવિયસના કાળતાંડવની વાતો જાણવા મળે છે. તેમના કાકા પ્લિની ધ એલ્ડર રોમન શાસનમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા. પ્લિની ધ એલ્ડરને પ્રકૃતિ, પ્રાકૃતિક ઘટનાઓ અને ફિલોસોફીમાં ઊંડો રસ. વિસુવિયસ ફાટવાના દિને પ્લિની ધ એલ્ડર પોમ્પિમાં હતા. કહે છે કે જ્વાળામુખીની અસરોનો અભ્યાસ કરતાં અને કમભાગી લોકોને મદદ કરતાં કરતાં પ્લિની ધ એલ્ડર શહીદીને વર્યા. પોમ્પિના દુર્ઘટના સ્થળથી દૂર રહી પ્લિની ધ યંગરે વિસુવિયસ વિસ્ફોટને નજરે નિહાળ્યો. તેમનાં લખાણોમાંથી  વિસુવિયસના જ્વાળામુખીએ નોતરેલા પોમ્પિના સર્વનાશનો દારૂણ ચિતાર મળે છે.

અનામિકા! પ્રકૃતિમાતા ક્યારેક જ રોષે ભરાય છે, પણ જ્યારે તેમ થાય છે ત્યારે માનવીની કહેવાતી પ્રગતિ, શક્તિઓ અને સિદ્ધિઓના ધજાગરા ઉડાડી દે છે. માનવજાત આ પાઠ હંમેશા યાદ રાખી શકે તો સારું!

અનામિકા! મા ધરતીના, કુદરતના, માનવસભ્યતાના સંવર્ધન અર્થે સદા પ્રયત્નશીલ રહેશો સસ્નેહ આશીર્વાદ. 

.

One thought on “અનામિકાને પત્ર: 44

  1. ઈતીહાસ મારો બહુ જ પ્રીય વીષય .. હમણાં જ ઓક્ટેવીયન સીઝર – પહેલા રોમન સમ્રાટ, જુલીયસ સીઝર , અંઠની અને ક્લીયોપેટ્રાની માહીતી આપતી ચોપડીઓ વાંચી.
    યુરોપની સંસ્કૃતીનું એક અનુકરણ કરવા જેવું પાસું , દસ્તાવેજી કરણ છે. આપણા દેશના ઈતીહાસની બહુ ઓછી માહીતી આમ સંગ્રાહીત થયેલી છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s