.
પ્રિય અનામિકા,
તમારા મિત્રવર્તુળમાં શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ પર મુદ્દા ઊઠ્યા તે સ્વાભાવિક છે. કેટલીક આંટીઘૂંટીઓ સમજમાં ન આવી ને? આ પ્રકારની ફિલ્મનો સાચો આસ્વાદ માણવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ સમજવો જરૂરી છે.
બીજી એક વાત કહું? શેક્સપિયરની રાજકીય કાવતરાસભર લોહિયાળ ટ્રેજેડિઝની પાર્શ્વભુમિકા સમજવા ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જોઇએ.
આઠમા-નવમા ધોરણમાં ભારત અને વિશ્વનો ઇતિહાસ ભણતાં ભણતાં ઇંગ્લિશ ઇતિહાસમાં મને વિશેષ રસ પડ્યો.. ‘મેગ્ના કાર્ટા’ અને ‘હેબિયસ કોર્પસ એક્ટ’ની વાતો દિલમાં ઊતરી ગઈ. લગભગ તે અરસામાં ઇંગ્લેન્ડના રાજા આઠમા એડવર્ડની ગાદીત્યાગની કથા ‘The King’s Story’ વાંચી.
પછી ઇંગ્લેન્ડના ઇતિહાસમાં ડૂબકી મારી વિવિધ રાજ્યકર્તાઓનો પરિચય મેળવ્યો. હેન્રી છઠ્ઠાથી લઈ ક્વિન મેરી તેમજ એલિઝાબેથ પ્રથમથી લઈ ઓલિવર ક્રોમવેલ અને ચાર્લ્સ બીજા સુધીના શાસનના રાજકીય દાવપેચ અને કાવતરાઓને પિછાણ્યા. અનામિકા! મને તો લાગે છે, શેક્સપિયરને રાજકીય કાવાદાવાઓની ટ્રેજેડિઝની પ્રેરણા ઇંગ્લિશ ઇતિહાસમાંથી જ મળી હશે.
આધુનિક પ્રજાતંત્રના મહત્વની દ્રષ્ટિથી જોઇએ તો મેગ્ના કાર્ટા લોકતંત્રની બુનિયાદનું સૌ પ્રથમ ઐતિહાસિક લીગલ ચાર્ટર ગણાય.
મેગ્ના કાર્ટા પર ઇસ 1215માં ઇંગ્લેન્ડના રાજા જહોનના દસ્તખત થતાં રાજાની નિરંકુશ, મનસ્વી સત્તાઓ પર નિયંત્રણ આવ્યાં. સાથે જ ઉમરાવોને અને સામાન્ય પ્રજાવર્ગને થોડે અંશે પાયાના કાનૂની અધિકાર મળ્યા. અમર્યાદ રાજાશાહીના જમાનામાં મેગ્ના કાર્ટાએ કાયદાથી સંરક્ષિત પ્રજાતાંત્રિક શાસનના વિચારોનાં બીજ રોપ્યાં. મેગ્ના કાર્ટા ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારત સહિત અન્ય લોકતાંત્રિક દેશોના બંધારણ માટે પ્રેરણારૂપ દસ્તાવેજ બન્યો છે.
અનામિકા! રાજા હેન્રી છઠ્ઠો 1422માં માત્ર એક વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડની ગાદીએ બેઠો!!! ફ્રાંસ સાથે સંઘર્ષમાં ઉતર્યો. ત્રીસ-બત્રીસ વર્ષની ઉંમરે ઉન્માદી અવસ્થાનો શિકાર બનતાં આંતરિક રાજકીય ખટપટનો ભોગ બન્યો.
1461માં તેને પદભ્રષ્ટ કરી એડવર્ડ ચોથો ગાદીએ આવ્યો. આઠ-નવ વર્ષમાં વળી તે સત્તાભ્રષ્ટ અને ફરી હેન્રી છઠ્ઠો રાજા! તું માની શકીશ, અનામિકા, કે એકાદ વર્ષમાં તો રાજકીય ખેલનો ભોગ બની રાજા હેન્રી છઠ્ઠો ટાવર ઓફ લંડનમાં કેદ થયો અને 1471માં મૃત્યુ પામ્યો!
ટ્યુડર વંશના આપખુદ રાજા હેન્રી સાતમાને ફ્રાંસ ભાગવું પડ્યું અને યુદ્ધ ખેલી રિચાર્ડ ત્રીજા પાસેથી ઇંગ્લેન્ડની ગાદી ઝૂંટવવી પડી! અનામિકા! આજે અહીં અટકું?
શેષ વાતો આવતા પત્રમાં …. સસ્નેહ આશીર્વાદ.
.
5 thoughts on “અનામિકાને પત્ર: 48”