અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 54

.

પ્રિય અનામિકા,

આગલા પત્રના અનુસંધાને મીરતોલાના આશ્રમની વાત આગળ કરીએ. ઉત્તર ભારતમાં અલમોડા પાસે મીરતોલામાં “ઉત્તર વૃંદાવન આશ્રમ” સ્થાપી શ્રી યશોદામા અને તેમનાં શિષ્ય શ્રી કૃષ્ણપ્રેમ ભક્તિમય જીવન ગાળવા લાગ્યા.

શ્રી યશોદામા (મોનિકાદેવી તથા ડો. ચક્રવર્તી)નાં સૌથી નાનાં પુત્રી લલિતા સુશિક્ષિત હતાં, ઘણો સમય યુરોપમાં ઇંગ્લેંડ અને ફ્રાંસ રહેલાં, સારી રીતે ફ્રેંચ જાણતાં. તેમણે પણ સંસાર ત્યજી માતાના આશ્રમમાં શરણ લીધું.

શ્રી કૃષ્ણપ્રેમના એક ખાસ અંગ્રેજ મિત્ર ડોકટર એલેક્ઝાંડર બાહોશ સર્જન હતાં. લખનૌના ખ્યાતનામ તબીબ હતા. શ્રી કૃષ્ણપ્રેમને પગલે. ડોકટર એલેક્ઝાંડર પણ સંન્યાસી બન્યા અને સ્વામી હરિદાસજી નામ ધારણ કરી યશોદામાના શિષ્ય બની ઉત્તર વૃંદાવન આશ્રમમાં સ્થાયી થયા. પાછળથી અન્ય એક અંગ્રેજ યુવાન પણ શ્રી કૃષ્ણપ્રેમથી પ્રભાવિત થયા; ઇંગ્લેંડ છોડી ભારત આવ્યા અને સ્વામી માધવ આશિષ નામ ધારણ કરી  મીરતોલા ઉત્તર વૃંદાવન આશ્રમમાં નિવાસી થયા. સૌના સહયોગથી મીરતોલા-અલમોડાનો ઉત્તર વૃંદાવન આશ્રમ હિંદુસ્તાન બહાર પણ નામના પામ્યો.

અનામિકા! યશોદા માએ  1944માં સમાધિ લીધી. તે પછી ટૂંક સમયમાં લલિતાજી અને સ્વામી હરિદાસજી પણ સ્વર્ગવાસી થયાં. 1965માં 67 વર્ષની ઉંમરે શ્રી કૃષ્ણપ્રેમ પણ સ્વર્ગે સિધાવ્યા. સ્વામી માધવ આશિષની નિશ્રામાં ઉત્તર વૃંદાવન આશ્રમની પ્રવૃત્તિઓ ફૂલીફાલી અને ભારત સરકારે 1992માં સ્વામી માધવ આશિષને પદ્મશ્રીના એવોર્ડથી સન્માન્યા. 1997માં સ્વામી માધવ આશિષ સ્વર્ગવાસ પામ્યા.

યશોદામા અને શ્રી કૃષ્ણપ્રેમના ભક્તિમાર્ગને તેમના ગુણાનુરાગી સહયાત્રી અને મહાયોગી મહર્ષિ અરવિંદના શિષ્ય દિલીપકુમાર રાય અને ઇંદિરાદેવીએ કેવી રીતે પ્રતિષ્ઠિત કર્યો તેની વાત પણ ક્યારેક આલેખીશું. . . . . . ..  સસ્નેહ આશીર્વાદ.

6 thoughts on “અનામિકાને પત્ર: 54

  1. પ્રિય વાચકમિત્રો,

    દીપાવલિની શુભકામનાઓ અને સમૃદ્ધિપૂર્ણ નૂતન વર્ષ માટેશુભેચ્છાઓ!
    અનિવાર્ય કારણોસર બ્લોગિંગ-પ્રવૃત્તિમાં અનિયમિતતા થઈ અને તેની આપને સૂચના ન પાઠવી શક્યો તે બદલ આપની ક્ષમા પ્રાર્થું છું.
    આપના પ્રેમભર્યા પ્રતિભાવો બદલ ધન્યવાદ.. . . હરીશ દવે અમદાવાદ

    Like

Leave a comment