.
.
પ્રિય અનામિકા,
ચાર્લિ ચેપ્લિનની વાત આગળ ચલાવું છું.
ગયા પત્રમાં તને જણાવ્યું તેમ ટ્રેમ્પની વેશભૂષા અને વિદૂષકવેડા દર્શકોને એવાં ગમ્યાં કે અમેરિકન પ્રજા ચાર્લિ ચેપ્લિન પાછળ ગાંડી બની ! જેમ જેમ ચેપ્લિનની લોક્પ્રિયતા વધતી ગઇ તેમ તેમ અમેરિકાની ફિલ્મ પ્રોડક્ષન કંપનીઓ પણ તેમની પાછળ દોડતી થઇ. સ્ટેજ કલાકાર ચેપ્લિનનો અઠવાડિક પગાર 50 ડોલર હતો જે 1914ના અરસામાં કીસ્ટોનમાં 150 ડોલર તથા 1915માં Essanay Studios સાથેના કોન્ટ્રાક્ટમાં 1250 ડોલર થયો. 1916માં મ્યુચ્યુઅલ ફિલ્મ કોર્પોરેશન સાથે તેમનો અઠવાડિક પગાર અધધ કહેવાય તેવો દસ હજાર ડોલર થયો !
અનામિકા! આ દરમ્યાન એક્ટર – ડાયરેક્ટર ચાર્લિ ચેપ્લિન હોલિવુડમાં પોતાના ફિલ્મ સ્ટુડિયો સાથે સિનેમા જગતમાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પડ્યા. વળી ડગ્લાસ ફેરબેન્ક્સ અને ગ્રીફીથ જેવા ખ્યાતનામ સાથી મિત્રો સાથે યુનાઇટેડ આર્ટિસ્ટ્સ નામની ફિલ્મ કંપની પણ બનાવી. 1921માં ચેપ્લિનની ફિલ્મ ધ કિડ (The Kid : 1921)માં તેમની સાથે બાળ કલાકાર જેમ્સ કુગનની અદાકારીએ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી. તેમની ફિલ્મો હવે યુરોપ અને દક્ષિણ અમેરિકા સહિત વિશ્વના કેટલાય દેશોમાં ધૂમ મચાવવા લાગી. 1925માં ચેપ્લિનની સુપર હીટ ફિલ્મ ધ ગોલ્ડરશ આવી. દુનિયા આખી હોલિવુડના આ મહાન કોમેડિયન એક્ટર પર આફરીન થઇ ગઇ. અનામિકા! તને નવાઇ લાગશે કે ચેપ્લિનને ધ કિડ ફિલ્મમાં દસ લાખ ડોલર અને ગોલ્ડરશમાં વીસ લાખ ડોલરની અંગત કમાણી થઇ. તું કહીશ કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ, ખરું ને !
આબાલવૃદ્ધને જકડી રાખતી ધમાચકડીવાળી કોમેડી ધ સર્કસ (1928) પછી 1931માં સીટી લાઇટ્સ ફિલ્મમાં ચેપ્લિનની પ્રેમકહાણી દર્શકોને ભાવવિભોર કરી ગઇ. ઇતિહાસ યાદ છે ને, અનામિકા? 1931માં બ્રિટીશ શાસન સામે હિંદુસ્તાનમાં સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલતો હતો, તે સમયે મહાત્મા ગાંધી લંડનની ગોળમેજી પરિષદ (Round Table Conference) માં હાજરી આપવા ઇંગ્લેન્ડ ગયા હતા. 22 સપ્ટેમ્બર 1931ના રોજ ઇંગ્લેન્ડમાં લંડન ખાતે એક હિંદુસ્તાની ડોક્ટરને ઘેર ગાંધીજી અને ચાર્લિ ચેપ્લિનની મુલાકાત થઇ. કહે છે કે ગાંધી બાપુની વિચારસરણીની ચેપ્લિન પર ઊંડી અસર થઇ. ગાંધીજીના વિચારોનો પ્રભાવ ચેપ્લિનની ફિલ્મ મોડર્ન ટાઇમ્સ (Modern Times : 1936) માં ઝલકે છે. મોડર્ન ટાઇમ્સમાં ટ્રેમ્પના રોલમાં, તે કોસ્ચ્યુમમાં ચેપ્લિનનો આખરી અભિનય.
અનામિકા ! તે સમયે બોલતી ફિલ્મો – ટોકિઝ ફિલ્મ્સ (બોલપટ) નો આરંભ થઇ ગયો હતો. મોડર્ન ટાઇમ્સમાં સાઉન્ડ છે, ચેપ્લિને ગાયેલું અર્થવિહોંણું રમૂજી ગીત પણ છે. પરંતુ તેમાં પાત્રોના પોતાના અવાજમાં સંવાદો નથી તેથી તેને સાયલેન્ટ ફિલ્મ ગણવામાં આવે છે. સાચું પૂછો તો ચેપ્લિનનું તે ગીત મારા વિદ્યાર્થીઓ ફરી ફરીને જુએ છે. ખૂબ મઝા આવે છે તેમને.
1939માં બીજું વિશ્વયુદ્ધ (Second World War 1939-45) શરૂ થતાં જર્મનીના સરમુખત્યાર હિટલર તથા ઇટાલીના તાનાશાહ મુસોલિનીની આંધળી સ્વાર્થી ખતરનાક સામ્રાજ્યવાદી નીતિઓ ચેપ્લિનને અકળાવી ગઇ. અવિચારી સરમુખત્યારોના યુદ્ધખોર માનસને તેમણે સફળતાથી રૂપેરી પડે ઢાળ્યું. પરિણામે આપણને ચેપ્લિનની મઝાની કોમેડી ટોકી ફિલ્મ ધ ગ્રેટ ડિક્ટેટર (The Great Dictator : 1940) મળી. અનામિકા! તમે સૌ મિત્રો સાથે મળીને ધ ગ્રેટ ડિક્ટેટર જોશો ત્યારે જરૂરથી પેટ પકડીને હસશો! ત્યાર પછીની તેમની ફિલ્મ્સ વિશાળ પ્રેક્ષકવર્ગને પ્રભાવિત કરવામાં ઊણી ઉતરતી ગઇ. 1967માં ચેપ્લિનની છેલ્લી ફિલ્મ અ કાઉંટેસ ફ્રોમ હોંગકોંગ (A Countess From Hong Kong : 1967) આવી, જેમાં માર્લોન બ્રાન્ડો (ગોડ ફાધર ફેઇમ) અને સોફિયા લોરેન જેવા હોલિવુડના શ્રેષ્ઠ કલાકારોએ અભિનય આપ્યો.
અનામિકા! બહુ ઓછાને ખબર છે કે આજે આપણે ચેપ્લિનની જે ફિલ્મો જોઇએ છીએ, તેમાંથી મોટા ભાગની ફિલ્મો પુન: સંપાદિત થઇ છે; ઘણી ફિલ્મ્સમાં મ્યુઝિક ખુદ ચેપ્લિન દ્વારા પાછળથી ઉમેરવામાં આવ્યું છે.
કોમેડી કિંગ ચાર્લિ ચેપ્લિન અમેરિકામાં ફિલ્મનિર્માણ ક્ષેત્રે કેટલાક ઓસ્કાર જીત્યા, એકેડેમી તરફથી ખાસ લાઇફ ટાઇમ એવોર્ડ પામ્યા અને ઇંગ્લેન્ડમાં ક્વિન એલિઝાબેથ દ્વારા નાઇટહૂડથી સન્માનિત પણ થયા; આમ છતાં તેમના અંગત જીવનમાં ટ્રેજેડી ઓછી ન હતી. બાળપણ તો રઝળપાટમાં વીત્યું. પ્રેમસંબંધો ટક્યા નહીં. દુ:ખની વાત તો એ, અનામિકા, કે અમેરિકા જેવા દેશમાં પણ રાજકારણના આટાપાટાઓ વચ્ચે તેમના વિચારો પર વિવાદો ઊભા થયા અને અમેરિકા છોડી ચેપ્લિન વર્ષો સુધી યુરોપમાં સ્વિટ્ઝરલેન્ડ જઇ વસ્યા. તેમનાં પ્રથમ ત્રણ લગ્નજીવન અલ્પજીવી નીવડ્યાં. ચેપ્લિનનાં ચોથાં અને આખરી લગ્ન ચોપન વર્ષની ઉંમરે પ્રસિદ્ધ સાહિત્યકાર યુજીન ઓ’નિલનાં અઢાર વર્ષીય પુત્રી ઊના ઓ’નિલ સાથે થયાં. પ્રેમાળ પત્ની ઊનાએ તેમને આઠ બાળકો આપ્યાં, તેમનાં દાંપત્યજીવનમાં આનંદ રેડ્યો અને ચેપ્લિનના મૃત્યુ સુધી પ્રેમભર્યો સાથ નિભાવ્યો. 1977ની ક્રિસ્ટમસના આરંભે 25 ડિસેમ્બર નાતાલના દિવસે સ્વિટ્ઝરલેન્ડમાં ચાર્લિ ચેપ્લિન ફાની દુનિયા છોડી ગયા.
અનામિકા! જે જમાનામાં મિકી માઉસ કે ટોમ એન્ડ જેરી તો શું લોરેલ – હાર્ડીની જોડી પણ ન હતી ત્યારે ચાર્લિ ચેપ્લિન ચલચિત્ર જગતમાં આવ્યા. ત્યારથી આજ સુધી બાળકોથી લઇને વૃદ્ધો સુધી સૌનેં તેમની ફિલ્મો હસાવતી જ રહી છે. મનોરંજનની દુનિયાના આ બેતાજ બાદશાહને સાદર સલામ!
સસ્નેહ આશીર્વાદ.
* ** *
One thought on “અનામિકાને પત્ર: 1202”