અનામિકાને પત્રો · ખંડ: આફ્રિકા · ખંડ: ઉત્તર અમેરિકા · ખંડ: યુરોપ · વિષય: ઈતિહાસ · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1207

.

.

પ્રિય અનામિકા,

મારી ડાયરીમાં તાજેતરની કેટલીક નોટ્સ પર નજર નાખતો હતો ત્યાં ગત નવમી મેની એક નોંધ આંખે ચડી: “ આજે વહેલી સવારે કોમ્પ્યુટર પર ઇંટરનેટ કનેક્ટ કર્યું કે ‘ગુગલ’ સર્ચના હોમ પેઇજ પર હોવર્ડ કાર્ટર પ્રગટ (!) થયેલ જોયા! ગુગલ પોતાના મેઇન સર્ચ બાર પર ઇંગ્લેંડના હોવર્ડ કાર્ટરને સ્મરે તે એક વિદ્વાન સંશોધકને – પ્રસિદ્ધ બ્રિટીશ આર્કિયોલોજીસ્ટને ઉચિત અંજલિ લેખાય.”

અનામિકા! તારા અભ્યાસકાળમાં એક સ્કૂલ પ્રવાસમાં તેં વડોદરાના પેલેસ મ્યુઝિયમ ઉપરાંત કમાટી બાગના વિખ્યાત મ્યુઝિયમની મુલાકાત પણ લીધી હતી, યાદ છે? તેં કલા-કારીગરી-ઇતિહાસ વિષયક અસંખ્ય પ્રાચીન નમૂનાઓ જોયેલા. સંસ્કારનગરી વડોદરાના મ્યુઝિયમમાં તેં આફ્રિકન મમી જોયાની પણ વાત કરી હતી. તે સમયે મેં તને આફ્રિકા ખંડના ઉત્તરમાં સ્થિત પ્રાચીન દેશ ઇજિપ્તની નાઇલ નદીના કિનારાની સંસ્કૃતિની વાતો કરી હતી. અનામિકા! અતિ પ્રાચીન સભ્યતાઓમાં નાઇલ નદીના તટની ઇજિપ્શિયન સંસ્કૃતિનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન કાળમાં ઇજિપ્ત દેશ મિસર કે મિસ્ર તરીકે પણ ઓળખાતો, તેથી નાઇલની સંસ્કૃતિ મિસર કે મિસ્રની સંસ્કૃતિ તરીકે પણ જાણીતી છે.

ઇજિપ્ત એટલે પિરામિડોનો દેશ. ફેરો (Pharoah ફેરોહ)નો દેશ. પ્રાચીન ઇજિપ્તમાં રાજાઓ ફેરો કહેવાતા. ફેરો જ્યારે મૃત્યુ પામે ત્યારે ભારે દોરદમામથી તેમની દફનવિધિ કરાતી. વિવિધ રસાયણો-પદાર્થો  ભરી, લેપ લગાડી, જીલેટીન જેવા ચીકણા રેઝિનયુક્ત આવરણમાં મૃતદેહને જાળવી રખાતો. મમીના નામે ઓળખાતા આવા મૃતદેહને કબરમાં મૂકી આસપાસ ખાસ ઇમારત ચણાતી. આવી ઇમારતો  પિરામિડના નામથી ઓળખાય છે. ઇજિપ્તના પિરામિડોમાંથી ત્રણ- સાડા ત્રણ હજાર વર્ષથી સચવાયેલા કેટલાંક મમી (માનવ મૃતદેહ) મળ્યાં છે. અનામિકા! પ્રાચીન ઇજિપ્તમાં વિકસેલ નાઇલ નદીની સભ્યતામાં ‘મૃત્યુ પછીના જીવન’ની માન્યતાને વિશેષ સ્થાન હતું. તેથી મૃત રાજાની કબરને સુખ-સગવડો-ભોગવિલાસનાં સાધનો ઉપરાંત સોના-ચાંદી-ઝર-ઝવેરાત તો શું – શસ્ત્રોથી ભરી દેવાતી. હદ તો ત્યારે થતી જ્યારે મૃત રાજાની સેવામાં તેમની કબરમાં જીવતાં નોકર-ચાકર અને સૈનિકોને પણ ધકેલી દેવાતાં. આ જીવતાં માનવીઓની આસપાસ પિરામિડ ચણી લેવામાં આવતા! રાજા સાથે સેવકો પણ હંમેશ માટે પિરામિડમાં ખામોશ થઇ જતા. ત્રણ હજારથી વધારે વર્ષોથી ઇજિપ્તની ધરતી પર નાઇલ-સભ્યતાનાં પ્રતીક પિરામિડો ઊભા છે.

અનામિકા! ઇંગ્લેંડમાં જન્મેલ હોવર્ડ કાર્ટરને પુરાતત્ત્વવિદ્યામાં દિલચશ્પી હતી. 17 વર્ષની ઉંમરે તો હોવર્ડ કાર્ટરને મનપસંદ આર્કિયોલોજીના ક્ષેત્રમાં કામ પણ મળી ગયું. જોતજોતામાં ઇજિપ્તની ભૂમિ પર પ્રાચીન નાઇલ સંસ્કૃતિના અવશેષોના અભ્યાસમાં તેમનું મોટું નામ થઇ ગયું. અંગ્રેજ સંશોધક-પુરાતત્ત્વશાસ્ત્રી હોવર્ડ કાર્ટરને પ્રાચીન ઇજિપ્તના બાર- ચૌદ વર્ષના  બાળ રાજા તુતનખામનની કબર શોધવામાં વિશેષ રસ હતો. પિરામિડ પર વર્ષો સુધી મહેનત કર્યા પછી હોવર્ડ કાર્ટરને 1922માં  સફળતા મળી. અનામિકા! દુનિયા દંગ રહી ગઇ જ્યારે તુતનખામનના પિરામિડમાંથી કીમતી રત્નો, પૂતળાંઓ, વસ્ત્રો-આભૂષણો, શસ્ત્રો, દારૂનાં પાત્રો, રાચરચીલું, સંગીતનાં સાધનો, અન્ય આમોદ-પ્રમોદનાં સાધનો- અસંખ્ય અવનવી ચીજવસ્તુઓનો અમૂલ્ય ખજાનો કાર્ટરને હાથ લાગ્યો. આ ખજાનામાં અદભુત ખોજ તો ફેરો તુતનખામનનો સચવાઇ રહેલો મૃતદેહ પણ હતો. કાર્ટરને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી તેમજ અમેરિકા અને અન્ય દેશોમાં તેમનાં વ્યાખ્યાનો યોજાયાં  1939માં હોવર્ડ કાર્ટરનું અવસાન થયું.

ખરી અટપટી વાતો 3300 વર્ષ પુરાણા તુતનખામનના મમી સાથે સંકળાયેલી છે. હોવર્ડ કાર્ટરને મમી તો મળ્યું પરંતુ તે મમી બાકીના સંશોધકો- આર્કિયોલોજીસ્ટ અને ઇતિહાસકારો માટે સમસ્યા બની ગયું. વિવાદ એ ઊઠ્યો, અનામિકા, કે નાનકડા ફેરોનું મૃત્યુનું કારણ શું હશે? 1925માં કાર્ટરને તુતનખામનના મમીનો અભ્યાસ કરવાની પરવાનગી મળી. બાળ રાજા તુતનખામનના નાનકડા મમીને ફરતે રેઝિનયુક્ત આવરણ એવું તો સખત થઇ ગયું હતું કે  બ્રિટીશ તબીબ ડો. ડગ્લાસ ડેરી ખાસ્સી જહેમત કર્યા પછી મૃતદેહનું અધૂરું-પધૂરું વિચ્છેદન (પોસ્ટમોર્ટમ) કરી શક્યા. મમીનો વિગતે અભ્યાસ કરવા વિદેશથી મગાવાયેલ એક્સ-રે મશીન ખપમાં ન આવી શક્યું! વર્ષો પછી 1969માં હેરિસનની આગેવાની નીચે બ્રિટીશ ટીમે ફરી એક્સ રે તપાસ કરી. તેમની તપાસમાં છાતીનું પાંજરું (રિબ-કેઇજ) ગાયબ હતું, ખોપરીના પોલાણમાં હાડકાંના બે નાનકડા ટુકડાઓ હતા. 2002માં અમેરિકાના ડો. ટોડ ગ્રેએ 1969ની એક્સ રે પ્લેટ્સનો પુન: અભ્યાસ કર્યો. બધા તબીબો – સંશોધકોના મત બદલાતા ગયા. તુતનખામનના મૃત્યુનું કારણ શું ? ખૂની હુમલો કે અકસ્માત ?  ભારે હથિયારથી માથા પર હુમલો થતાં તુતનખામનનું ખૂન થયું હશે ? કે મમીની જાળવણીમાં ફેરોની છાતીનું પાંજરું કાઢી લેવાયું હશે કે શિકારે નીકળેલ રાજાના રથને અકસ્માત નડ્યો હશે કે બાળ રાજા ગતિશીલ રથમાંથી પડી જતાં ઇજાગ્રસ્ત થઇ  મૃત્યુ પામેલ હશે ? આજ સુધી આ રહસ્ય ઊકલી નથી શકાયું.

ગુગલ સર્ચ પર હોવર્ડ કાર્ટરની હાજરી ફરી પુરાણી ચર્ચા તાજી કરશે.

પ્રાચીન સંસ્કૃતિઓની વાતો ક્યારેય સમાપ્ત થતી નથી.

સસ્નેહ આશીર્વાદ

.

*  * * *  *

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s