અનામિકાને પત્રો · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન

અનામિકાને પત્ર: 1208

 

.

.

પ્રિય અનામિકા,

 

વેસ્ટ ઇન્ડિઝ ટાપુસમૂહના તારા સમુદ્રપ્રવાસની વાતો રસપ્રદ લાગી. થોર હાયરડાલ – કોનટિકીને યાદ કરી તેં મને વિચાર કરવા પ્રેર્યો છે. ચાલ, સમુદ્રપ્રવાસ માટે આવશ્યક સાધન ક્રોનોમીટરની વાત તને કરું.

સદીઓથી સમુદ્રપ્રવાસ માનવજાત માટે ભારે પડકારરૂપ રહ્યો છે. દુનિયાની વિવિધ જાતિઓના નાનામોટા જૂથોના સ્થળાંતરમાં દરિયાઈ મુસાફરીનું આગવું સ્થાન રહ્યું છે. વાઇકિંગ લોકોના દરિયાઈ સાહસો કે આક્રમક દુસ્સાહસોનો ઇતિહાસ સાક્ષી છે. છેલ્લા પાંચસો છસો વર્ષમાં સમુદ્ર માર્ગનું મહત્ત્વ ખાસ્સું વધતું ચાલ્યું. તું જાણે છે, અનામિકા, કે યુરોપમાં સામ્રાજ્યવાદની હોડમાં સોળમી સદીથી વીસમી સદી પર્યંત સામ્રાજ્યોના તકદીર બદલવામાં તેમજ વ્યાપાર-વ્યવસાયના વિસ્તારમાં સમુદ્ર પરનું પ્રભુત્વ નિર્ણાયક પરિબળ બની  રહ્યું.

સદીઓ સુધી વહાણવટીઓને સમુદ્રપ્રવાસમાં સમય અને દિશા સૂચન માટે આકાશમાં તારાઓની ગતિ અને સ્થાન મદદરૂપ થતાં. તે સિવાય માનવ નિર્મિત સાધનમાં હોકાયંત્ર અને સેક્સ્ટન્ટનો ઉપયોગ થતો. પરંતુ વહાણ દ્વારા કપાયેલ અંતર તથા વહાણ ક્યાં પહોંચ્યું છે તેના નિશ્ચિત સ્થાન અને અક્ષાંશ-રેખાંશ વિષે સચોટ અને ચોક્કસ માહિતી આપતું કોઈ પ્રમાણભૂત યંત્ર ન હતું. તેથી જ તો હિન્દુસ્તાનની શોધમાં નીકળેલો સ્પેનિશ સાહસિક ક્રિસ્ટોફર કોલંબસ યુરોપના સ્પેનથી અમેરિકા પહોંચી ગયો હતો! યુરોપના વૈજ્ઞાનિકો આવા મરીન ક્રોનોમીટર (Marine Chronometer) યંત્રની શોધ માટે પ્રયત્નશીલ રહેતાં. તને નવાઇ લાગશે, અનામિકા! ઇંગ્લેંડમાં બ્રિટીશ પાર્લામેન્ટ દ્વારા આ શોધ માટે વીસ હજાર પાઉંડનું માતબર ઇનામ જાહેર કરાયું હતું. આજના હિસાબે આ ઇનામની રકમ આશરે ત્રીસ લાખ પાઉંડ થાય !

અઢારમી સદીનો સમય. ઇંગ્લેંડમાં એક સુથારનો બુદ્ધિશાળી પુત્ર જહોન હેરિસન (John Harrison  1693 – 1776) કિશોર વયે સુથારી કામ કરતાં કરતાં ઘડિયાળ બનાવતો થયો. માનવજાતનું સદભાગ્ય, અનામિકા , કે ત્રણસો વર્ષ પહેલાં જહોન હેરિસનના હાથે બનેલાં મોટાં ઘડિયાળ આજે પણ ઇંગ્લેંડના વિવિધ શહેરોનાં મ્યુઝિયમોમાં સચવાયેલાં છે! જહોન હેરિસનને સમુદ્રપ્રવાસ માટે અક્ષાંશ-રેખાંશની માહિતી આપી શકે તેવા યંત્રોમાં રસ પડ્યો અને તેમણે મરીન ક્રોનોમીટર બનાવવા શરૂ કર્યાં. હેરિસન પોતાનાં યંત્રોની ઊણપો શોધી, વારંવાર સુધારા કરતાં જઇને નવાં નવાં મોડેલ બનાવતા રહ્યા. ત્રીસ વર્ષની અથાક જહેમત પછી તેમણે ભારે ચોકસાઈથી પરિણામ આપતું સફળ ક્રોનોમીટર બનાવ્યું. તેમણે બ્રિટીશ પાર્લામેન્ટ સમક્ષ વીસ હજાર પાઉંડના ઇનામ પર પોતાનો દાવો રજૂ કર્યો. વિદ્વાનો-સત્તાધીશોના વાદ-વિવાદ અને ભારે ખેંચતાણ પછી ઇંગ્લેંડના રાજા જ્યોર્જ ત્રીજાએ જહોન હેરિસનની શોધને ઇનામ-પાત્ર ગણી. અનામિકા! કરુણતા તો જો ! હેરિસનને ઇનામની રકમ ન એક સાથે ચૂકવાઇ, ન તો પૂરેપરી! થોડી રકમ તો જતી કરવી જ પડી! ત્યારે તેમની ઉંમરના આઠ દશકા વીતી ગયા હતા. જે વર્ષમાં અમેરિકામાં ડિકલેરેશન ઓફ ઇંડિપેન્ડન્સ સાથે સ્વાતંત્ર્યસંગ્રામની શરૂઆત થઇ તે જ વર્ષ -1776-માં જહોન હેરિસનનું અવસાન થયું. જી હા,  ઇંગ્લેંડના વિચક્ષણ શોધક જહોન  હેરિસન 1776માં  83 વર્ષની ઉંમરે દુનિયા છોડી ગયા. કહેવાય છે કે મહાન સાહસિક-શોધક-પ્રવાસી અંગ્રેજ કેપ્ટન જેમ્સ કૂક (Captain James Cook  1728-1789 ) જહોન હેરિસનના ક્રોનોમીટરનો ઉપયોગ કરનાર પ્રથમ વિશ્વપ્રવાસી હતો. જહોન હેરિસનના મરીન ક્રોનોમીટરની મદદથી દરિયાઇ મુસાફરી સલામત, ચોકસાઈ ભરી તેમજ સરળ બની.

 

અનામિકા! ભવિષ્યમાં સમુદ્ર પ્રવાસ કરે ત્યારે જહોન હેરિસનના મરીન ક્રોનોમીટરને જરૂર યાદ રાખજે.

 

સસ્નેહ આશીર્વાદ

 

 

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s