.
પ્રિય અનામિકા,
કરવટ બદલતા ઇતિહાસ પર તારા વિચારો મેં વાંચ્યા.
વિશ્વના પટ પર દિન-પ્રતિ-દિન નવી નવી રેખાઓ અંકાઈ રહી છે. આટલી ત્વરાથી આવી ઘટનાઓ બનતી રહી હોય તેવું ઇતિહાસમાં બહુ ઓછી વાર બન્યું હશે.
અમેરિકા, રશિયા, ચીન, જાપાન કે યુરોપનો કોઈ દેશ હોય; દરેકને ભારત સાથે હાથ મિલાવવા ગમે છે. હેતુ સ્વાર્થ સાધવાનો હોય તોયે ભલે. ગ્લોબલાઈઝેશનના પગલે દુનિયાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. તું સમજી શકે છે, અનામિકા, કે ગુગલ, માઇક્રોસોફ્ટ કે ફેસબુકને અમથો જ ભારત પર પ્રેમ નથી ઊભરાતો. ભારતીય પ્રધાનમંત્રીએ ફેસબુકના માર્ક ઝકરબર્ગને આપેલી ઝપ્પી તો વાઇરલ થઈ, પણ તેથી ય વધુ તરંગો ઝકરબર્ગના ભારતીય મંદિરની મુલાકાતની વાતે સર્જ્યાં.
ફેસબુકના સર્વેસર્વા ઝકરબર્ગનો ગર્ભિત ઇશારો ઉત્તરાખંડના નીમ કરોલી બાબાના કૈંચી આશ્રમ તરફ હતો તે સૌ કોઇ જાણે છે. અમેરિકામાં 2007-8ના ‘ગ્રેટ રિસેશન’થી ચિંતિત માર્ક ઝકરબર્ગને ‘એપલ’ના સ્ટીવ જોબ્સની સલાહ મળી કે ભારતમાં અધ્યાત્મ માર્ગે શાંતિ શોધ; નીમ કરોલી બાબાના આશ્રમમાં શાંતિનો અનુભવ કર. માર્ક ઝકરબર્ગ 2008માં ભારત આવ્યો. સ્ટીવ જોબ્સના સૂચન અનુસાર ઝકરબર્ગ ઉત્તરાખંડમાં નૈનીતાલ પાસે કૈંચીમાં નીમ કરોલી બાબાના આશ્રમ “કૈંચી ધામ” પહોંચ્યો. તેના કહેવા અનુસાર આશ્રમમાં રહેવાથી તેના મનને સંતાપતી સમસ્યાઓનું સમાધાન થયું.
અનામિકા! આજકાલ નીમ કરોલી બાબાની વાતો મીડિયામાં રોજ ચમકવા લાગી છે. પણ 1970 અગાઉ બાબા પ્રસિદ્ધિથી દૂર હતા. વિશ્વને નીમ કરોલી બાબાની મહત્તા સમજાવનાર અમેરિકન સેલિબ્રિટિઝમાં રિચાર્ડ આલ્પર્ટ, ભગવાનદાસ અને લેરિ બ્રિલિયંટ મોખરે આવે. સેલિબ્રિટિ હોય, નામધારી હોય તો સાથે વિવાદો પણ હોઇ શકે તે વાત યાદ રાખીને તેમના જીવન પર નજર રાખવી.
અમેરિકાના સાયકોલોજિસ્ટ ડૉ. રિચાર્ડ આલ્પર્ટને વિવાદ સાથે જૂની દોસ્તી. આલ્પર્ટનો જન્મ એક સુપ્રતિષ્ઠિત શ્રીમંત કુટુંબમાં. જન્મે યહુદી (જ્યુઇશ) પરંતુ યુવાન આલ્પર્ટ ઇશ્વરના અસ્તિત્વ પ્રત્યે પાક્કા શંકિત. પોતાને નાસ્તિક () ગણાવે. અમેરિકાની અગ્રગણ્ય સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીના વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવીને ડૉ. રિચાર્ડ આલ્પર્ટ વિશ્વવિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપક થયા. એક અન્ય ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડૉ. તિમોથી લિયરી તેમના સહ-અધ્યાપક બન્યા. તેં કદાચ વાંચ્યું હશે, અનામિકા, કે રિચાર્ડ આલ્પર્ટ અને તિમોથી લિયરીએ સાયકેડેલિક એક્સપિરિયંસીસ ( Psychedelic experiences ) અને મનોવિકૃતકારી ડ્રગ્સ ( જેવી કે psilocybin, LSD )ની અસરોના અભ્યાસ માટે હાર્વર્ડમાં વિદ્યાર્થીઓ પર પ્રયોગો કર્યા. સાયકેડેલિક અનુભવોના તેમના સંશોધનો પર ગંભીર વિવાદો જન્મ્યા. હાર્વર્ડ યુનિવર્સિટીએ રિચાર્ડ આલ્પર્ટ અને તિમોથી લિયરીની હકાલપટ્ટી કરી.
આલ્પર્ટને હવે પૂર્વના અધ્યાત્મવાદની ઝંખના જાગી. તેમને ભારતીય અધ્યાત્મદ્રષ્ટિમાં તીવ્ર રસ જાગ્યો. આલ્પર્ટ 1967માં ભારતની મુલાકાતે આવ્યા. ભારતના સાધુ-સંતો-યોગીઓના સંપર્ક હેતુ તેમણે ભ્રમણ કર્યું. એક અમેરિકન મિત્ર ભગવાનદાસ (મૂળ નામ કે. માઇકલ રિગ્સ)ના સૂચનથી આલ્પર્ટ નીમ કરોલી બાબાના કૈંચી આશ્રમે આવ્યા.
નીમ કરોલી બાબા મહારાજજી કે નીબ કરોડી બાબાના નામે પણ ઓળખાતા. નીમ કરોલી બાબાના સત્સંગમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ડોક્ટરેટ પદવીધારક અને અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના સાયકોલોજીસ્ટ રિચાર્ડ આલ્પર્ટનું જીવન પલટાઇ ગયું. તેમણે બાબાને ગુરુપદે સ્થાપ્યા. એક સમયના નાસ્તિક આલ્પર્ટ ગુરુને સમર્પિત થયા. હવે રિચાર્ડ આલ્પર્ટ ‘રામ દાસ’ નામથી નીમ કરોલી બાબાના શિષ્ય બન્યા.
આજે આટલી વાત …. વિશેષ વાત પછીના પત્રમાં.
સસ્નેહ આશીર્વાદ.
6 thoughts on “અનામિકાને પત્ર: 1501”