.
પ્રિય અનામિકા,
અમેરિકાના સાયકોલોજીસ્ટ ડૉ રિચાર્ડ આલ્પર્ટ કૈંચીમાં રામ દાસ નામ ધારણ કરી નીમ કરોલી બાબાના શિષ્ય બન્યા તે વાત મેં તને ગયા પત્રમાં કરી.
નીમ કરોલી બાબાની ગુરુકૃપા રામ દાસ પર એવી વરસતી રહી કે અધ્યાત્મમાર્ગે તેમની પ્રગતિ થવા લાગી. તેમણે પોતાના જીવનપરિવર્તનના અનુભવો-વિચારો વ્યક્ત કરતું અને અધ્યાત્મ-યોગમાર્ગના સાધકોને માર્ગદર્શન આપતું એક પુસ્તક લખ્યું. રામ દાસનું પુસ્તક 1971માં “બિ હિયર નાઉ” (Be Here Now) નામથી પ્રસિદ્ધ થયું. અનામિકા! તું કદાચ જાણતી હોઇશ કે પશ્ચિમના જિજ્ઞાસુઓમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું. વળી રામ દાસના પુસ્તક ‘બી હિયર નાઉ’ને કારણે નીમ કરોલી બાબા જેવા ગુરુ અને ભગવાન દાસ જેવા સાધક પ્રકાશમાં આવ્યા. આ પછી નીમ કરોલી બાબાના આશ્રમે સાધકો વધવા લાગ્યા.
ફરી આપણે અમેરિકા સ્ટીવ જોબ્સ પાસે પહોંચીએ. 1973-74માં યુવાન સ્ટીવ જોબ્સ કોમ્પ્યુટર ફિલ્ડમાં કારકિર્દી માટે પ્રયત્નો કરી રહ્યો હતો. ઓરેગોનની રીડ કોલેજમાં એક સેમેસ્ટર અભ્યાસ કરી તેણે કોલેજ છોડી દીધી. પછી તે અટારી (Atari Inc) નામક કોમ્પ્યુટર ક્ષેત્રની કંપનીમાં જોડાયો, પરંતુ તેનું મન જીવનમાં કંઇક વિશેષ ઝંખતું હતું.
રામ દાસના પુસ્તક ‘બી હિયર નાઉ’એ તેના મનને અધ્યાત્મવાદ તરફ વાળ્યું હતું. સ્ટીવ જોબ્સની સ્કૂલની એક ગર્લફ્રેન્ડ ક્રિસાન્ન બ્રેન્નાન (Chrisann Brennan) ભારતની મુલાકાત લઈ અમેરિકા પાછી ફરી ત્યારે તેને મળવા આવી. બ્રેન્નાને સ્ટીવને ભારતના નીમ કરોલી બાબાની વાત કરી. સ્ટીવ જોબ્સ અને તેના મિત્ર ડેનિયલ કોત્કે (Daniel Kottke) એ ભારત આવવાનો નિર્ધાર કર્યો.
1974ના એપ્રિલમાં સ્ટીવ જોબ્સ પોતાના મિત્ર કોત્કે સાથે ભારતની રાજધાની દિલ્હી આવ્યો. ત્યાંથી બંને મિત્રો હરિદ્વારના કુંભ મેળામાં આવ્યા. અનામિકા! ખૂબ ઉત્સાહ અને આશા સાથે માત્ર ઓગણીસ વર્ષનો સ્ટીવ જોબ્સ નૈનીતાલ પાસે કૈંચીના નીમ કરોલી બાબાના આશ્રમે પહોંચ્યો. ત્યારે તેને દુ:ખદ સમાચાર મળ્યા કે બાબા તો 1973ના સપ્ટેમ્બરમાં સ્વર્ગે સિધાવ્યા હતા. અમેરિકા પાછા ફરી બે જ વર્ષમાં સ્ટીવ જોબ્સે સ્ટીવ વોઝનિઆકના સહયોગથી કોમ્પ્યુટર કંપની ‘એપલ’ની સ્થાપના કરી.
અનામિકા! ગયા પત્રમાં મેં તને પ્રખ્યાત સોશિયલ નેટવર્કીંગ સાઈટ ફેસબુક (Facebook) ના સ્થાપક-સીઈઓ માર્ક ઝકરબર્ગ (ઝુકરબર્ગ)ની વાત કરી હતી. 2004માં જ્યારે ફેસબુક લોંચ થઈ ત્યારે માર્ક ઝકરબર્ગ હજી વીસ વર્ષનો પણ ન હતો. 2008માં અમેરિકામાં મંદીનું મોજું ફરી વળ્યું ત્યારે ઝકરબર્ગ ચિંતામાં આવી ગયો. તેણે તેના માર્ગદર્શક-મિત્ર એપલના સ્ટીવ જોબ્સનો સંપર્ક કર્યો. સ્ટીવ જોબ્સે ઝકરબર્ગને નીમ કરોલી બાબાના આશ્રમે જવાની સલાહ આપી. ભારત આવી ઝકરબર્ગ કૈંચી ધામ આશ્રમમાં બે દિવસ રહ્યો હતો. ભારતના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સપ્ટેમ્બર 2015માં ફેસબુકના હેડ ક્વાર્ટર મેન્લો પાર્ક (કેલિફોર્નિઆ) ખાતે સીઈઓ ઝકરબર્ગને મળ્યા ત્યારે ઝકરબર્ગે જાતે નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત તરફ ઇશારો કર્યો હતો.
નીમ કરોલી બાબા પ્રત્યે શ્રદ્ધા રાખનાર અન્ય સેલિબ્રિટિઝમાં અમેરિકન મ્યુઝિશિયન્સ અને ભારતીય ભક્તિમાર્ગના ઉપાસક કીર્તનકાર ક્રિશ્ના દાસ અને જઇ ઉત્તલ., અમેરિકામાં ભક્તિમાર્ગના યોગી-પ્રશિક્ષક ભગવાનદાસ, હોલિવુડની એક્ટ્રેસ જુલિયા રોબર્ટસ આદિનો સમાવેશ થાય છે. તને જાણીને ખુશી થશે, અનામિકા, કે નીમ કરોલી બાબાનો આશ્રમ અમેરિકામાં ન્યુ મેક્સિકો સ્ટેટમાં તાઓસ ખાતે પણ છે.
ઠંડી વધતી જાય છે. સાચવીને રહેશો.
સસ્નેહ આશીર્વાદ.
* *
દેશની આવી ઘની વાતો ગુજરાતીઓ ને તો શું .. દેશને ય ખબર નથી. આવું વધારે લખાવુ જોઇએ..
LikeLike