.
પ્રિય અનામિકા,
અમેરિકામાં પ્રેસિડેન્ટની ચૂંટણી પૂર્વેની પ્રાયમરીઝ ગરમાવો લાવી રહી છે. હવે તો ‘સુપર ટ્યુઝડે’ આવી પહોંચ્યો છે. પ્રાયમરીઝમાં ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે હિલેરી ક્લિંટન અને રીપબ્લિકન ઉમેદવાર તરીકે ડોનાલ્ડ ટ્રંપ અત્યારે તો પ્રમુખપદની રેસમાં આગળ લાગે છે.
તમારા મિત્રવર્તુળે બનાવેલ સ્ટડીગ્રુપ ખરેખર આવકારદાયક પગલું છે. ગ્રુપના કેટલાક મેમ્બર્સ ‘વોટ્સએપ’ પર અને ઈ-મેઈલ દ્વારા મારી સાથે ચર્ચા કરતા રહે છે તે મને ગમે છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે હિલેરી ક્લિંટન કે ડોનાલ્ડ ટ્રંપ? ‘સુપર ટ્યુઝડે’નાં પરિણામો ઘણા સંકેતો આપશે. અનામિકા! અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી પર તમારા ગ્રુપની ચર્ચા વિચાર માગી લે છે. આઉટસ્પોકન હોવાને લીધે અવિવેકી અને એરોગંટ જણાતા ડોનાલ્ડ ટ્રંપ ઘણાને રેશિયલ વિચારધારા અને યુદ્ધખોર માનસના પ્રતિનિધિ જેવા લાગે છે. આમ છતાં પ્રાયમરીઝમાં તેમનો દેખાવ આશ્ચર્યજનક રીતે અસરકારક રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રંપની રંગભેદ-જાતિભેદની વિચારધારા ક્યારેક હદ વટાવી જાય છે. વાલ્ડોસ્ટા યુનિવર્સિટી (વીએસયુ– જ્યોર્જિયા)માં ડોનાલ્ડ ટ્રંપના પ્રવચન અગાઉ ત્રીસેક અશ્વેત વિદ્યાર્થીઓની યુનિવર્સિટી કેમ્પસમાંથી થયેલ હકાલપટ્ટી એક ઉદાહરણ છે. તું જાણે છે, અનામિકા, કે છેક 1963 સુધી વાલ્ડોસ્ટા યુનિવર્સિટી ‘વ્હાઈટ્સ ઓન્લી’ યુનિવર્સિટી કેમ્પસ માટે જાણીતી હતી. અશ્વેત વિદ્યાર્થીઓની હકાલપટ્ટીનો આવો જ બનાવ ડોનાલ્ડ ટ્રંપની રેડફોર્ડ યુનિવર્સિટી (રિચમંડ) ની રેલીમાં પણ બન્યો. કુ ક્લક્સ ક્લાન (Ku Klux Klan) અંગે ટ્રંપના પ્રત્યાઘાત ગળે ઉતરે તેવા લાગે છે?
ડોનાલ્ડ ટ્રંપ યુદ્ધનીતિઓને ઓર ચગાવશે? તાજેતરના ભૂતકાળમાં અમેરિકાના પ્રેસિડેન્ટ્સને યુદ્ધની નીતિઓ સાથે વિશેષ પ્રેમ રહ્યો છે. રોનાલ્ડ રેગન, રિચાર્ડ નિક્સન, જ્યોર્જ એચ. ડબલ્યુ. બુશ (સિનિયર) અને જ્યોર્જ ડબલ્યુ. બુશ (જુનિયર)ની નીતિઓ આપણે જાણીએ છીએ. તેનાથી પણ પાછળ જઈએ તો પ્રેસિડેન્ટ ફ્રેંકલિન ડી. રૂઝવેલ્ટ અને હેરી ટ્રુમેન યાદ આવે. આમાંથી કેટલાકને વિવશ થઈ યુદ્ધવિષયક નિર્ણયો લેવા પડ્યા હતા તે ય સાચી વાત. બીજા વિશ્વયુદ્ધ (1939-1945) વખતે જાપાન પર ફેંકાયેલ એટમ બોંબનાં મૂળ અમેરિકાના 32મા પ્રેસિડેન્ટ ફ્રેંકલિન રૂઝવેલ્ટના ‘મેનહટન પ્રોજેક્ટ’માં હતાં. મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને સપ્ટેમ્બર 1939માં અમેરિકન પ્રેસિડેંટ રૂઝવેલ્ટને પત્ર લખી પરમાણુ શક્તિના સંભવિત વિનાશક દુરૂપયોગ સામે ચેતવ્યા હતા. આમ છતાં પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ એટમ બોંબ માટે ‘મેનહટન પ્રોજેક્ટ’માં આગળ વધ્યા હતા. કહેવાય છે કે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટના વાઈસ પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેનને પણ આ પરમાણુ બોંબ વિકસાવનાર ‘મેનહટન પ્રોજેક્ટ’ની જાણ ન હતી. 12 એપ્રિલ 1945ના રોજ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ અચાનક તેમની ઓફિસમાં મૃત્યુ પામ્યા. તરત વાઈસ પ્રેસિડેન્ટ ટ્રુમેન અમેરિકાના તેત્રીસમા પ્રમુખ તરીકે વરાયા. 24 એપ્રિલ 1945ના દિને પ્રેસિડેન્ટ ટ્રુમેનને ‘મેનહટન પ્રોજેક્ટ’ની વિગતો આપવામાં આવી. તું જાણે છે, અનામિકા, કે પ્રેસિડેન્ટ હેરી ટ્રુમેનના આદેશ પછી ઑગસ્ટમાં જાપાનના હીરોશિમા અને નાગાસાકી શહેરો પર એટમ બોંબ ફેંકાયા અને ટૂંકમાં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો.
અમેરિકાના પ્રેસિડેન્ટના નિર્ણયો સમગ્ર વિશ્વના રાજકીય અને આર્થિક વાતાવરણને પ્રભાવિત કરે છે. તેથી જ અમેરિકન પ્રમુખની ચૂંટણી પર સૌ મીટ માંડી બેઠાં છે.
ઝિકા વાઈરસના ભયના કારણે તારી મિત્ર જુલિયા બ્રાઝિલ ન જઈ શકી તે વાત જાણી. તમે મિત્રોએ ઉત્તર કોરિયાના હાઈડ્રોજન બોંબના પ્રયોગ પર અને બેલિસ્ટિક મિસાઈલના પ્રયોગ પર રસપ્રદ ચર્ચા કરી. તમે સૌ તો વિશ્વની આવતી કાલ નિર્માણ કરશો ને!
સસ્નેહ આશીર્વાદ.
.
2 thoughts on “અનામિકાને પત્ર: 1602”