અનામિકાને પત્રો · ખંડ: ઉત્તર અમેરિકા · મીડિયા/ સમાચાર/રિપોર · વિદેશમાં ગુજરાતી · વિષય: જીવનકથા · વિષય: પરિચય

અનામિકાને પત્ર: 1603

.

પ્રિય અનામિકા,

 તમારું મિત્રવર્તુળ રસપ્રદ ઈન્ટરએકશન્સ કરતું રહે છે. અમેરિકાની છેલ્લા પાંચ દાયકાની ત્વરિત પ્રગતિમાં ભારતીયોનું યોગદાન નોંધપાત્ર છે તે વાત નકારી ન શકાય. ‘સન માઈક્રોસિસ્ટમ્સ”ના સ્થાપક વિનોદ ખોસલા, ‘મ્યુ સિગ્મા’ના ધીરજ રાજારામ અને ‘5-અર એનર્જી’ (5-Hour ENERGY) ના મનોજ ભાર્ગવ વિષેની તમારી ચર્ચામાં મને રસ પડ્યો.

સેલિબ્રીટી, સફળતા તથા પ્રસિદ્ધિ ક્યારેક તો વિવાદ નોતરે જ છે! મનોજ ભાર્ગવ કે વિનોદ ખોસલાને ‘નંબરવન- રિચેસ્ટ ઇંડિયન-અમેરિકન’ની સ્પર્ધામાં રસ ન હોય, છતાં તેઓ વિવાદના શિકાર બનતાં રહે છે!

મનોજ ભાર્ગવનો જન્મ ઉત્તર પ્રદેશનાં લખનૌમાં એક સુખી બ્રાહ્મણ પરિવારમાં 1953માં થયો. તે ચૌદ વર્ષના હતા ત્યારે તેમના પિતાજીએ કુટુંબ સાથે અમેરિકા સ્થાયી થવાનો નિર્ણય કર્યો. ભાર્ગવ કુટુંબ 1967માં ફિલાડેલ્ફિયા (પેન્સિલ્વેનિયા, યુએસએ) માં સ્થાયી થયું. મનોજ ભાર્ગવે અમેરિકાની પ્રખ્યાત બોર્ડિંગ-સ્કૂલ હિલ સ્કૂલમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ પૂરો કર્યો અને પ્રિન્સટન (પ્રિન્સ્ટન) યુનિવર્સિટીમાં 1972માં એક વર્ષ અભ્યાસ કરી કોલેજ છોડી દીધી. વીસ વર્ષના યુવાન મનોજને અધ્યાત્મની ઝંખના થઈ. ભારત પાછા ફરી તેમણે મનની શાંતિ માટે આશ્રમોની મુલાકાત લીધી. હંસજી મહારાજના દિલ્હી સ્થિત હંસલોક આશ્રમમાં તેમનું મન વિશેષ ઠર્યું. દસ-બાર વર્ષ સુધી સંન્યાસી જેવું સાદું,સરળ આશ્રમજીવન અપનાવ્યું. પછી મનોજ ભાર્ગવ ફરી અમેરિકા સ્થાયી થયા. અનામિકા! એપલના સ્ટીવ જોબ્સ અને નીમ કરોલી બાબાની વાત યાદ આવે ને?

અમેરિકા પરત ફરી મનોજ ભાર્ગવે પ્લાસ્ટિક, પીવીસી, ફર્નિચર ઉદ્યોગમાં નાનાં-મોટાં કામકાજ કર્યાં. પછી તેમની નજર એનર્જી ડ્રિંક્સના માર્કેટ પર પડી. બસ, તેમણે એક વિશિષ્ટ પ્રકારનાં એનર્જી ડ્રિંક બનાવવાનો નિર્ધાર કર્યો. આમ, 2003માં ‘5-અર એનર્જી’ (5-Hour ENERGY) ડ્રિંકનો જન્મ થયો. મનોજ ભાર્ગવના ‘5-અર એનર્જી’ ડ્રિંકને શરૂઆતમાં ભારે જહેમત કરવી પડી. ત્યારે પેન્સિલ્વેનિયાની હેલ્થ-ફુડ સપ્લિમેંટ ચેઈન જનરલ ન્યુટ્રિશન કોર્પોરેશને (GNC) તેનાં દેશભરનાં સ્ટોર્સમાં મનોજ ભાર્ગવની બે ઔંસની ટચુકડી ‘5-અર એનર્જી’ બોટલને સ્થાન આપ્યું. બસ, ત્યાર પછી ‘5-અર એનર્જી’ (ફાઇવ-અર એનર્જી) ડ્રિંકનું વેચાણ કૂદકે ને ભૂસકે વધતું જ ગયું. મનોજ ભાર્ગવની ‘લિવિંગ એસેન્શિયલ્સ’ (ઇનોવેશન્સ વેંન્ચર્સ) (Living Essentials LLC – Innovations Ventures LLC) લાખો ડોલરનો બિઝનેસ કરતી થઈ ગઈ. 2012 સુધીમાં તો મનોજ ભાર્ગવ અમેરિકામાં પ્રથમ હરોળના ઇંડિયન બિલિયોનર બની ગયા. ‘5-અર એનર્જી’ (ફાઇવ-અર એનર્જી) ની બે ઔંસની ટચુકડી બોટલમાંથી બિલિયોનર! બે ઔંસ એટલે આશરે 60 મિલી (1 Oz = 29.57 ml)! મનોજ ભાર્ગવ માલામાલ થઈ ગયા!

મનોજ ભાર્ગવના કહેવા પ્રમાણે ‘5-અર એનર્જી’માં કેફિન, વિટામિન ‘બી-કોમ્પ્લેક્સ’ તથા અન્ય ઘટકો છે જે ત્વરિત તાજગી આપે છે. તેમના દાવાઓ વિષે તેમજ ‘5-અર એનર્જી’ની અસર, સાઈડ ઇફેક્ટ્સ, ફોર્મ્યુલા અને ઘટકોનાં પ્રમાણ વિષે ઘણા પ્રશ્નો ઊઠ્યા છે. ‘5-અર એનર્જી’ની કંપની-વેબસાઈટ પર વિસ્તૃત માહિતી છે તે ડૉક્ટરની મદદથી જાણવી-સમજવી જરૂરી છે. ડોકટરની સલાહ વિના મન કે શરીરને પ્રભાવિત કરતી હોય તેવી કોઈ પણ પ્રોડક્ટ કદી વાપરવી જ નહીં.

મનોજ ભાર્ગવ પોતાના કોમ્પિટીટર્સને પછાડી શકે છે તે તેમની સફળતા છે. અમેરિકાના એનર્જી ડ્રિંક માર્કેટમાં કેટલાક પેટા વિભાગોમાં ‘5-અર એનર્જી’નો હિસ્સો 80 થી 90 % સુધી પહોંચે તે સિદ્ધિ ગણાય! અનામિકા! એક સુખદ વાત એ છે કે મનોજ ભાર્ગવ ઝાકમઝાળ પ્રસિદ્ધિથી દૂર રહે છે અને લો પ્રોફાઈલ જીવન જીવે છે. સફળતાનો નશો તેમને ચડતો નથી. ઓછી આવશ્યકતાઓ સાથે તેમનું અંગત જીવન સાદગીભર્યું છે.

માનવતાવાદી હોવાને નાતે મનોજ ભાર્ગવ પોતાની આવકનો મોટો હિસ્સો દાન કરતા રહે છે. વિશ્વને સતાવતી સ્વાસ્થ્ય, એનર્જી અને સ્વચ્છ પેય જળની સમસ્યાઓના સમાધાન માટે સરળ ટેકનોલોજી શોધવામાં તેમને રસ છે. મનોજ ભાર્ગવ ભારત સરકારને ગ્રામ્યવિસ્તારો માટે દસ હજાર સ્ટેટિક સાયકલ્સ આપશે જેની બેટરી એક કલાક ચાર્જ થયા પછી અંતરિયાળ ગામડામાં 24 કલાક સુધી પ્રકાશ આપશે!

ભારતની ભાગ્યરેખા બદલવામાં અમેરિકા સ્થિત ઇંડિયન-અમેરિકન્સ અને ભારતીય એનઆરઆઈ કીમતી ફાળો આપી રહ્યા છે. અનામિકા! મનોજ ભાર્ગવ પણ પોતાની નિષ્ઠામાં અડગ રહે, નીતિનો માર્ગ ન ચૂકે તથા સક્સેસ, ફેઈમ અને પાવરના નશાને પચાવતા રહે તો ભારતની તકદીર બદલવામાં સહયોગ આપી શકે! આ વિષે તમે તમારા સ્ટડીગ્રુપમાં ચર્ચા કરશો.

અમેરિકાના પ્રેસિડેંટની ચૂંટણીનો જંગ હિલેરી ક્લિન્ટન વિરુદ્ધ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થશે તે હવે સ્પષ્ટ થતું જાય છે ત્યારે ભારતીય સમુદાય કઈ તરફ ઢળશે? વિચારવા જેવું છે.

 સસ્નેહ આશીર્વાદ.

.

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s