.
પ્રિય અનામિકા,
ઇટાલીના પ્રતિભાવાન કલાકાર લિયોનાર્ડો દ વિંચીના જીવનનાં કેટલાંક પાસાંઓ પર બે દિવસથી વિચારયાત્રા કરું છું. ડેન બ્રાઉનની નવલકથાઓ ‘એંજલ્સ એન્ડ ડીમન્સ’ અને ‘દ વિંચી કોડ’માં કલ્પના અને થ્રીલના રંગો ઉમેરાયા છે એવું માનીએ તો પણ લિયોનાર્ડો દ વિંચીનાં સર્જન સાથે રહસ્યમય કડીઓ જોડાયેલ છે, તેવું સૌને કેમ લાગ્યા કરે છે? વિંચીનું માત્ર ‘મોનાલિસા’ જ એનિગ્મેટિક નથી. આગળ જઈએ. ‘લાસ્ટ સપર’ જ નહીં, વિંચીનું ‘ધ વર્જિન ઓફ ધ રોક્સ’ પેઇન્ટિંગ પણ કેટલીક બાબતે અગમ્ય ન લાગે? પેરિસના લુવ્ર મ્યુઝિયમ અને લંડનની નેશનલ ગેલેરીનાં ‘વર્જિન ઓફ ધ રોક્સ’નાં બે સામ્યતા ધરાવતાં છતાં ભિન્ન પેઇન્ટિંગ્સનાં કેટલાંય પાસાં આજે ય કેવાં ભેદી લાગે છે! ક્યારેક ફરી તે વિષય પર વાત… આજે તો મને લિયોનાર્ડો દ વિંચીની બહુમુખી પ્રતિભા અને અપાર બુદ્ધિમત્તા પર મંથન કરવું છે.
યુરોપના ‘હાઇ રેનેસાં’ યુગના પ્રતિભાસંપન્ન વિંચીનાં કાર્યક્ષેત્રોને શબ્દની સીમામાં બાંધવા મુશ્કેલ. લિયોનાર્ડો દ વિંચીને માત્ર પેઇન્ટિંગમાં જ નહીં, શિલ્પકામ, વિજ્ઞાન, એનેટોમી, ગણિત, એન્જીનિયરિંગ, આર્કિટેક્ચર, ભૂસ્તર શાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, એસ્ટ્રોનોમી, સંગીત, સાહિત્ય, લેખન, ઇતિહાસ, કાર્ટોગ્રાફી જેવાં અનેકવિધ ક્ષેત્રોમાં રસ હતો. વિંચી એવા તો બુદ્ધિમાન હતા કે તેમણે એનેટોમી જેવા ગહન ક્ષેત્રોમાં પણ પાયાનું યોગદાન કરેલ છે.
આવી બહુમુખી પ્રતિભાઓ આજે વિરલ છે, અનામિકા, આમ છતાં પ્રતિભાવાન સર્જકો કે સંશોધકો પૃથ્વી પર ચમકતાં રહે છે. ન્યૂટન, આઇન્સ્ટાઇન અને ટૉમસ આલ્વા એડિસન પ્રથમ પંક્તિમાં જ બેસે. આજે બીજાં – જરા હટકે – સંશોધકો-મહાનુભાવોની વાત કરીએ. અનામિકા! વિશ્વપ્રસિદ્ધ નોબેલ એવોર્ડના ઇતિહાસમાં માત્ર ચાર નોબેલ પારિતોષિક વિજેતાઓ એવા છે જેમને બે બે વખત નોબેલ પ્રાઇઝ એનાયત થયાં છે: પોલેંડના મેડમ ક્યુરિ, અમેરિકાના રસાયણવિજ્ઞાની લિનસ પાઉલિંગ, અમેરિકાના ભૌતિકવિજ્ઞાની જોન બાર્ડિન તથા ઇંગ્લેંડના બાયોકેમિસ્ટ ફ્રેડરિક સેંગર.
મેડમ ક્યુરિ (Cuerie ક્યુરી કે ક્યુઅરિ) ને પ્રથમ વખત ફિઝિક્સ તથા બીજી વખત કેમિસ્ટ્રી માટે નોબેલ પ્રાઇઝ મળ્યું તો વૈજ્ઞાનિક લિનસ પાઉલિંગને કેમિસ્ટ્રી તથા વિશ્વશાંતિ (પીસ) એમ બે ક્ષ્રેત્રોમાં નોબેલ પ્રાઇઝ મળ્યું. જ્યારે જોન બાર્ડિનને ભૌતિકશાસ્ત્રમાં તથા ફ્રેડરિક સેંગરને રસાયણશાસ્ત્રમાં પોતપોતાના ક્ષેત્રમાં બબ્બે વખત નોબેલ પારિતોષિક મળ્યાં છે.
જોન બાર્ડિનને ફિઝિક્સમાં – ટ્રાંઝિસ્ટર તથા સુપરકંડક્ટિવિટી- બે ટોપિક્સ પર રિસર્ચમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે 1956 તથા 1972માં એમ બે વખત નોબેલ પ્રાઇઝ મળ્યાં છે. આમ, જોન બાર્ડિન એક જ ક્ષેત્ર ફિઝિક્સમાં બે નોબેલ પ્રાઇઝ મેળવનાર પ્રથમ મહાનુભાવ બન્યા. અનામિકા! મોલિક્યુલર બાયોલોજીમાં અભૂતપૂર્વ સંશોધનોથી મેડિકલ સાયન્સ અને જેનેટિક્સને નવી દિશા બતાવનાર ફ્રેડરિક સેંગર યાદ છે ને?
કેમ્બ્રિજ યુનિવર્સિટી (યુકે) ના બાયોકેમિસ્ટ ફ્રેડરિક સેંગરનાં સંશોધનો એમિનો એસિડની શૃંખલા ધરાવતા પ્રોટીનના મૉલેક્યૂલ (મોલિક્યુલ Molecule) અને ઇન્સ્યૂલિન ( ઇંસ્યુલિન Insulin )નાં બંધારણ પર કેંદ્રિત થયાં. ફ્રેડરિક સેંગરની ઇન્સ્યૂલિન પરની રીસર્ચથી પ્રોટીનના બાયો મૉલેક્યૂલમાં રહેલ એમિનો એસિડની સિક્વન્સનો ક્રમ નિર્ધારિત થઈ શક્યો અને ઇન્સ્યૂલિનનું બંધારણ નક્કી થયું. ફ્રેડરિક સેંગરને આ રીસર્ચ બદલ 1958માં કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઇઝ મળ્યું. ત્યાર બાદ સેંગરે ન્યુક્લિઇક એસિડ – ડીએનએ તથા આરએનએ- નાં નાઈટ્રોજીન બેઇસની સિક્વન્સિંગ પર સંશોધન કર્યાં. અનામિકા! ડીએનએ પર ન્યુક્લિઓટાઇડનો ક્રમ નિર્ધાર કરવા માટે ‘ડાઇડિઓક્સિ’ ટેકનિક અથવા ‘સેંગર મેથડ’ તરીકે ઓળખાતી ફ્રેડરિક સેંગરની ડીએનએ સિક્વન્સિંગ પદ્ધતિથી જીનોમનાં ભેદ ઉકેલવાનું સરળ બન્યું; જીનોમિક્સ તથા જેનેટિક્સમાં નવાં દ્વાર ખુલ્યાં. ફ્રેડરિક સેંગરને ‘સેંગર મેથડ’ દ્વારા ડીએનએ સિક્વન્સિંગમાં વિશિષ્ટ યોગદાન માટે 1980માં કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઈઝ મળ્યું. આમ, ફ્રેડરિક સેંગર એક જ ક્ષેત્રમાં બે નોબેલ પ્રાઇઝ મેળવનાર બીજા મહાનુભાવ બન્યા.
આ થઈ મનુષ્યની અપાર બુદ્ધિમત્તાની વાત. અનામિકા! પ્રશ્નો હવે ઊઠે છે જ્યારે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સ આપણા જીવનમાં વ્યાપ્ત થઈ રહી છે (કે આપણા અસ્તિત્વને ભરડામાં લઈ રહી છે? શ… શ . ચૂપ. ગુગલ બધું સાંભળે છે!!!).
બાર્ડિન અને સેંગર જેવા વિરલ તારલાઓની બુદ્ધિમત્તાની મહત્તા ભવિષ્યમાં રહેશે ખરી? રહેશે જ, તો પણ કેટલી રહેશે? ગુગલ, એપલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, ડેગ કિટ્લૉસ અને અન્ય જ્યારે આર્ટિફિશિયલ ઇંટેલિજન્સને નવી ચકરાવી દેતી ઊંચાઇઓ પર લઈ જવા સજ્જ છે, ત્યારે વ્યક્તિગત બુદ્ધિપ્રતિભા કેવી રીતે અને કેટલી પાંગરશે તે ચિંતાનો વિષય છે. તમે સૌ મિત્રો આ વિષે વિચારશો.
સસ્નેહ આશીર્વાદ.
.
2 thoughts on “અનામિકાને પત્ર: 1605”