અનામિકાને પત્રો · વિષય: ચિંતન/ફિલોસોફી · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1606

.

પ્રિય અનામિકા,

સાંપ્રત સમાજની ઘટનાઓ પર તમારા મિત્ર-સમુદાયની વિચાર-ગોષ્ઠિ મને ગમે છે. ગહન અવલોકન, પૃથક્કરણ, તારણ, ચિંતન અને વિચાર-વિનિમય થકી જ્ઞાનવૃદ્ધિ એ વિચારશીલ વર્ગનું આગવું લક્ષણ છે.

બ્રેક્ઝિટનાં રિઝલ્ટ પર તારા મિત્રોના પ્રત્યાઘાતો મેં ધ્યાનથી વાંચ્યા છે. રાજકારણ તથા લોકમાનસ બંને અત્યંત જટિલ છે. યુરોપિયન યુનિયનમાં થતો ખળભળાટ તેની સાબિતી છે.

એક જમાનાના બે સુપર પાવરના ‘શીત યુદ્ધ’ની ઠંડી થયેલી રાખમાં નવાં ભૂત સળવળી રહ્યાં છે. અમેરિકાને જગત કાજીપદ છોડવું નથી. રશિયાની બાપુશાહી જોઈ? રજવાડાં ગયાં, પણ મૂછે તાલ દેવાની તલપ કેમ છૂટે? યુક્રેનને ડારતો રશિયાનો ડોળો બીજા કોને પજવશે? આખલે આખલા લડે અને ડાઘિયાઓ ઘુઘવાટા કરે; આમાં બિચારાં મગતરાં શું કરે? ભેગાં થયેલાં મૂંઝાય છે; નોખાં થવું કે ભેળાં જ રહેવું? કોની સાથે રહેવું, કોની સાથે કેટલું હળવું અને કોનાથી કેટલું છેટું રહેવું? અનામિકા! બ્રિટન હોય કે જર્મની હોય, સૌને આવા પ્રશ્નો મૂંઝવે છે. આ બધાંને કારણે યુરોપિયન યુનિયનની ગત શી થશે તે કોને ખબર! આપણા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ભારે મજબૂત છે, કદાવર છે, તો યે આપણા દેશને પડતી લપડાકો ઓછી નથી. અમેરિકાની સેનેટ હોય, એલન મસ્કની ટેસ્લા હોય કે નેપાળ જેવો દેશ હોય; બધાં જ લુઢકતા લોટા જેવાં છે. પ્રધાનમંત્રીની પૂંઠ ફરે કે હવાની રૂખ ફરે; બસ, લોટો તો જે બાજુ ગબડવું હશે તે બાજુ જ ગબડશે. આમાં મોદી સાહેબની કાબેલિયત કે નિષ્ઠાભર્યા પ્રયત્નો પર શંકા કરવાની વાત જ નથી. એક યોદ્ધો જ્યારે એક સાથે પચાસ મોરચા પર યુદ્ધ ખેલશે, તો બે-પાંચમાં પછડાટ પણ ખાશે! તેમાં શી નવાઈ!

અનામિકા! હવે સવાલ વિશ્વના રાજકારણ તથા અર્થકારણના પ્રવાહોને કેવી રીતે ટેકલ કરવા તેનો છે. દરેક દેશ માટે આ પ્રાણ-પ્રશ્ન બની રહ્યો છે. તાજેતરમાં જર્મનીએ રશિયા સામે આકરાં પગલાં લેવાની અમેરિકા કે નેટોની વાતને જે રીતે ટાળી તે બતાવે છે કે યુરોપિયન યુનિયનનો આ શક્તિશાળી દેશ અમેરિકા, નેટો અને રશિયા વચ્ચે બેલેન્સિંગની કેવી અદભુત કવાયત કરી રહ્યો છે. અનામિકા! મને ‘મેરા નામ જોકર’નો રાજ કપૂર યાદ આવે છે- યે દુનિયા એક સર્કસ હૈ! ઔર સર્કસ મેં . . બડે કો ભી છોટે કો ભી… .. હીરોં સે જોકર બન જાના પડતા હૈ!

બીજો મુદ્દો ગ્લોબલાઇઝેશનનો ઊઠે છે. ગ્લોબલાઇઝેશન થકી દેશ-દેશ, પ્રજા-પ્રજા વચ્ચે સુમેળ સધાય, સંબંધો દ્રઢ થાય અને પરસ્પરનાં હિતો સાચવીને વિકાસ સાધવાનાં સંન્નિષ્ઠ પ્રયત્નો થાય. આ હેતુઓ સધાયા છે? ગ્લોબલાઇઝેશન જે હદ પર પહોંચ્યું છે, તે વિશ્વ માટે હિતાવહ છે? ગ્લોબલાઇઝેશનના વિરોધમાં ચણભણાટ થવા લાગ્યો છે. જો ગ્લોબલાઇઝેશનથી મોં ન જ ફેરવી શકાય તો પણ તેના વ્યાપ અને સ્વરૂપ વિશે કેટલાક દેશો હવે વિચારશે, તેવું તારા બે-ચાર મિત્રોએ કહ્યું છે તેમાં દમ તો છે.

અનામિકા! ‘નેટ-ન્યુટ્રાલિટી’ને કેવી રીતે મૂલવીશું? ગણી-ગાંઠી મહાકાય કંપનીઓ ઇન્ટરનેટ પર મનફાવતો કબજો જમાવશે તે સ્વીકારીશું? વિશ્વસમાજના સામુહિક વિકાસ માટે ઇન્ટરનેટનો વ્યાપ વધે તેની હું તરફેણ કરું છું. ઇંટરનેટની સકારાત્મક અને રચનાત્મક વાતો અને પ્રવૃત્તિઓ માનવસમાજનું કલ્યાણ કરશે તેમાં શંકા નથી. પરંતુ અસહિષ્ણુતા અને ઝેર ઓકતાં ખંડનાત્મક તત્ત્વો મતમતાંતર વધારશે અને બરબાદી જ નોતરશે. આજે તમે કાંઇક લખશો, અને પાંચ જણા અસંમત થઈ તમારા પર શાબ્દિક હુમલા કરશે. વિચારભેદ થતાંવેંત શિષ્ટાચાર કોરે મૂકી તમને અભદ્ર ભાષામાં ઉતારી પાડશે. તમને હલકી રીતે ચીતરશે. શું આ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે? શું નેટ-સ્વાતંત્ર્યના નામે ચાલતી આ અશિષ્ટતા સૌને ખૂંચતી નહીં હોય? કદાચ કોઇને ઉપાય સૂઝતો નથી. પાંચને દાબવા જતાં આખો સમુદાય ઘુંટાઈ મરશે. ચાલવા દો! આમ જ આપણે સૌ વિચારીએ છીએ ને?

તમે સૌ વિશ્વની આવતી કાલનાં પથદર્શક છો તે યાદ રાખશો.

સસ્નેહ આશીર્વાદ.

.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s