.
પ્રિય અનામિકા,
હમણાં હું યુએન ટ્રિબ્યુનલના ચુકાદાથી ચીનને પડેલી લપડાકની અસરો પર વિચારી રહ્યો હતો. દક્ષિણ ચાઇના સાગર (સાઉથ ચાઇના સી) પર ચીનના દાવા અંગે યુનાઇટેડ નેશન્સની ઇંટરનેશનલ ટ્રિબ્યુનલનો ફેંસલો ચીનની વિરુદ્ધમાં આવ્યો છે.
નાના-મોટા અઢીસો જેટલા ટાપુઓ ધરાવતા 35 લાખ સ્ક્વેર કિલોમીટરના દક્ષિણ ચાઇના સાગર (સાઉથ ચાઇના સી) પર ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ, કંબોડિયા દેશો આવેલા છે. અમેરિકાના પેસિફિક મહાસાગર પરના પ્રભુત્વને બેલેંસ કરવા ચીનને સાઉથ ચાઇના પર પોતાની આણ રાખવી છે, જે ફિલિપાઇન્સને માન્ય નથી. સાઉથ ચાઇના સી પરના ચીનના દાવાને નકારી કાઢતો ધ હેગની ઇંટરનેશનલ ટ્રિબ્યુનલનો આ ચુકાદો વમળો પેદા કરશે. કદાચ ફિલિપાઇન્સ, ભારત અને અમેરિકા જેટલા હરખાશે તેનાથી વધુ ચીન સમસમી ઊઠશે. ચુકાદાને માન્ય ન રાખવાની ચીનની જાહેરાત પછી હજી ઘણાં રાજકીય દાવપેચ અને મિલિટરી પેંતરા ખેલાશે. તમે તમારા ગ્રુપમાં તેની ચર્ચા કરશો અને મને માહિતગાર કરશો તેવી અપેક્ષા છે.
અનામિકા! તારા મિત્રની બહેન લિગો સાયંટિફિક કોલૅબરેશન (LSC) સંચાલિત લિગો ઓબ્ઝર્વેટરીના ગ્રેવિટેશનલ વેવ્ઝ ડિટેક્શન પ્રોગ્રામની ટીમ મેમ્બર હતી તે વાત તેણે મને જણાવી. મને ખૂબ ખુશી થઈ. વળી તે લિગો પ્રોજેક્ટના ટીમ મેમ્બર તરીકે ‘સ્પેશિયલ બ્રેકથ્રુ પ્રાઇઝ ઇન ફન્ડામેન્ટલ ફિઝિક્સ’માં હિસ્સેદાર બની તે ઑર ખુશીની વાત. એક બુદ્ધિજીવી તરીકે, આધુનિક માનવ સંસ્કૃતિના સભ્ય તરીકે મને અને તમને સૌને ગ્રેવિટેશનલ વેવ્ઝનાં સંશોધનોમાં રસ હોવો જ જોઇએ.
અમેરિકાના લિગો સાયન્ટિફિક કોલેબરેશનના નેજા નીચે શોધાયેલ ગ્રેવિટેશનલ વેવ્ઝ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનની રીસર્ચને સપોર્ટ કરે છે. અનામિકા! સો વર્ષ અગાઉ જનરલ થિયરી ઑફ રીલેટિવિટીમાં આઇન્સ્ટાઇને કેટલાંક પ્રીડિક્શન કરેલાં તે સાબિત થયાં છે. વળી ગ્રેવિટેશનલ વેવ ડિટેક્શન દૂર સુદૂર બ્રહ્માંડમાં બનતી કોસ્મિક ઘટનાઓ સમજવામાં આપણને ઉપયોગી થશે તેમ જ ફિઝિક્સ, એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સ જેવા ક્ષેત્રોમાં સંશોધનો પ્રેરશે.
વિશેષ નોંધનીય વાત એ પણ છે કે છેલ્લાં થોડાં વર્ષોથી ભારત સરકારે લિગો પ્રોજેક્ટમાં રસ લેવો ચાલુ કર્યો હતો. પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સત્તા સંભાળ્યા પછી ભારતમાં ગ્રેવિટેશનલ વેવ્ઝ પર સંશોધનોને ઉત્તેજન મળે તેવાં ઉજળા સંજોગો ઊભા થયા. માર્ચ 2016માં તો પ્રાઇમ મિનિસ્ટર મોદીજીનાં ત્વરિત નિર્ણયોને લીધે અમેરિકા અને ભારત વચ્ચે મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેંડિંગ (એમઓયુ) પર દસ્તખત થયા. આ એમઓયુ હેઠળ અમેરિકા ભારતને એડવાન્સ્ડ ગ્રેવિટેશનલ વેવ ડિટેક્ટર ભારતની ધરતી પર જ સ્થાપવામાં મદદ કરશે.
લિગો સાયંટિફિક કોલૅબરેશન સાથે ભારતની અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓ જોડાવા લાગી છે. તેમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રીસર્ચ (TIFR મુંબઇ), ઇન્સ્ટિટ્યૂટ ઑફ પ્લાઝમા રીસર્ચ (IPR ગાંધીનગર), આઇઆઇટી (IIT ગાંધીનગર), સીએએમઆઇ (CMI ચેન્નાઇ), આરઆરસીએટી (RRCAT ઇંદોર) વગેરેનો સમાવેશથાય છે. આ બધી ભારતીય સંશોધન સંસ્થાઓનાં વૈજ્ઞાનિકોને વિશ્વફલક પર ચમકવાની કેવીસુંદર તક સાંપડશે!
તને એક અગત્યની વાત કહું, અનામિકા? અમેરિકામાં લિગો સાયંટિફિક કોલૅબરેશનના પ્રણેતાઓ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીના રોનાલ્ડ ડ્રેવર અને કિપ થોર્ન (Caltech) તથા એમઆઇટીના રેઇનર વેઇઝ (MIT) ને એસ્ટ્રોનોમી, એસ્ટ્રોફિઝિક્સ અને કોસ્મોલોજી જેવાં ક્ષેત્રોમાં નોંધપાત્ર સંશોધન માટે પ્રતિષ્ઠિત કાવલી પ્રાઇઝ, શાવ (શૉ) પ્રાઇઝ અને ગ્રુબર પ્રાઇઝ મળી ચુક્યાં છે. હોંગકોંગના સિનેમા/ ટીવી ઉદ્યોગના શહેનશાહ આર. આર. શાવ (શૉ – Run Run Shaw) દ્વારા સ્થાપિત શાવ (શૉ) પ્રાઇઝને પૂર્વનું ‘નોબેલ પ્રાઇઝ’ (Nobel of the East) કહેવામાં આવે છે. આપણે આશા રાખીએ કે આપણા દેશમાં પણ સંશોધનોની તકો વધે અને કાલે ઊઠીને ભારતના વૈજ્ઞાનિકો પણ વિશ્વભરમાં આજ કરતાં ય વધારે પ્રતિષ્ઠા અને સન્માન પામે!
ભારતનું ભાવિ ઉજ્જ્વળ બનો એવી મંગલ કામના!
સસ્નેહ આશીર્વાદ.
.
3 thoughts on “અનામિકાને પત્ર: 1607”