.
પ્રિય અનામિકા,
તમારા મિત્રવર્તુળમાં ઇંગ્લિશ લિટરેચર પર બૌદ્ધિક ચર્ચા ચાલે છે તે સારી વાત છે, પરંતુ તમે તેને ઇંગ્લેન્ડના ઇતિહાસના સંદર્ભમાં સમજો તો ચર્ચા વિશેષ રસપ્રદ બનશે તેમ મને લાગે છે.
સભ્યતા અને સંસ્કૃતિના વિકાસને સમજવા સર્જન ક્ષેત્રોના વિકાસને સમજવો આવશ્યક છે. આ કામ તમે લાયબ્રેરીની મુલાકાત લીધા પછી વધારે સારી રીતે કરી શકો. પહેલાં તો તમે ઇંગ્લેન્ડ (ઇંગ્લન્ડ)ના ઇતિહાસને જાણો. બ્રિટીશ ઇતિહાસના સંદર્ભમાં તમે છેલ્લાં પાંચસો-છસો વર્ષના ઇંગ્લિશ લિટરેચરના વિકાસને વધારે સારી રીતે સમજી શકશો. પછી અંગ્રેજી સાહિત્યના ઇતિહાસનાં પુસ્તકોની મદદથી તમે ઇંગ્લિશ લિટરેચરનો વિશેષ પરિચય કેળવી શકશો.
જો તારે ઇંગ્લિશ લિટરેચરની અતિસંક્ષિપ્ત રૂપરેખા તૈયાર કરવી હોય તો હું તને થોડા મુદ્દા જણાવું. અનામિકા! તેમાં તું આવશ્યકતા અને સમયની અનુકૂળતા અનુસાર સુધારા-વધારા કરી વિસ્તૃત નોટ્સ તૈયાર કરી શકીશ.
હાલ તમે મધ્યકાલીન યુગના જ્યોફ્રી ચોસર (1343-1400) થી પ્રારંભ કરી શકો. તમે જ્યોફ્રી ચોસરની ‘કેન્ટરબરી ટેલ્સ’થી પરિચિત હશો જ. ઇંગ્લેન્ડની ગાદી પર ટ્યુડર રાજવંશના ઉદય અગાઉ ‘કેન્ટરબરી ટેલ્સ’ નોંધપાત્ર સર્જન ગણાય. તેથી જ તો ચોસરને અંગ્રેજી સાહિત્યના જનક તરીકે નવાજવામાં આવે છે.
ઇંગ્લેન્ડની ગાદી પર 1485માં હેન્રી સાતમાએ સત્તા સંભાળતાં ટ્યુડર વંશનું શાસન શરૂ થયું. આ વંશના પાછલા શાસકોએ સત્તા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. જાતજાતના રાજકીય દાવપેચ અને કાવાદાવાઓથી રંગાયેલ ટ્યુડર શાસન ઇંગ્લેન્ડના ઇતિહાસમાં નોખું તરી આવે છે. શેક્સપિયરની કેટલીક કૃતિઓ પર તેની અસર દેખાય છે ને?
ટ્યુડર વંશની છેલ્લી રાજ્યકર્તા ક્વિન એલિઝાબેથ પહેલીનું 1603માં અવસાન થયું; સાથે ટ્યુડર વંશનો અંત થયો. ટ્યુડર શાસનના સર્જકોમાં શેક્સપિયર, એડમંડ સ્પેન્સર, સર વૉલ્ટર રેલે વગેરેને તમે સમાવી શકો.
સ્ટુઅર્ટ વંશનું શાસન 1603માં જેમ્સ પ્રથમના ગાદીનશીન થતાં શરૂ થયું. સ્ટુઅર્ટ વંશનું શાસન રાજકીય ઉથલપાથલવાળું રહ્યું. સન 1700 સુધીમાં સ્ટુઅર્ટ લિટરેચરના નોંધપાત્ર સર્જકોમાં સર ફ્રાન્સિસ બેકન, બેન જોન્સન, જોન મિલ્ટન વગેરેને સ્થાન આપી શકાય.
અઢારમી સદીના અંગ્રેજ સર્જકોમાં એલેક્ઝાંડર પોપ, જોનાથન સ્વિફ્ટ, ડેનિયલ ડેફો, ડૉ સેમ્યુઅલ જોન્સન અને અન્ય સર્જકોનાં નામ મૂકી શકાય. ત્યાર પછીના સમયગાળામાં રોમેંટિક સર્જકોમાં વિલિયમ વર્ડ્સવર્થ, બાયરન, શેલી, કીટ્સ, વૉલ્ટર સ્કોટ અને જેઇન ઑસ્ટિન સહિત અન્ય સર્જકો આવે.
વિશ્વવિખ્યાત રાજ્યકર્તા મહારાણી વિક્ટોરિયા (1819-1901) એ 63 વર્ષ સાત મહિના (1837-1901) જેવા લાંબા સમય માટે ગ્રેટ બ્રિટન પર શાસન કર્યું. તું જાણે છે, અનામિકા, કે વિક્ટોરિયન યુગના ઇંગ્લિશ લિટરેચરના સર્જક તરીકે પ્રથમ પંક્તિમાં આલ્ફ્રેડ ટેનિસનને મૂકી શકાય. સાથે એલિઝાબેથ બેરેટ અને રોબર્ટ બ્રાઉનિંગને યાદ કરવા પડે. વિક્ટોરિયન યુગના અન્ય સર્જકોમાં કાર્લાઇલ, ચાર્લ્સ ડાર્વિન, રસ્કિન, જોન સ્ટુઅર્ટ મિલ, બ્રોન્ટે સિસ્ટર્સ (ત્રણ બહેનો- ચાર્લોટ, એમિલી તથા એન બ્રોન્ટે), ચાર્લ્સ ડિકન્સ, ઇલિયટ વગેરે આવે. વિક્ટોરિયન યુગની સંધ્યાએ થોમસ હાર્ડી, ઑસ્કાર વાઇલ્ડ, જ્યોર્જ બર્નાર્ડ શૉ, આર એલ સ્ટીવન્સન, રુડ્યાર્ડ કિપ્લિંગ વગેરે ઊભરતા સર્જકો હતા.
આ પછી વીસમી – એકવીસમી સદીના ઇંગ્લિશ સાહિત્યકારોથી તો તમે ખૂબ પરિચિત છો. છેલ્લા બસો વર્ષના ઇંગ્લિશ લિટરેચરનું તમે ખાસ્સું અધ્યયન કર્યું છે.
અંગ્રેજી સાહિત્ય મહાસાગર છે! આ તો થોડા જ સાહિત્ય સર્જકોની યાદી છે. તેમાં પણ બીજા ઘણા મોટા સર્જકોને પણ સમાવ્યા નથી. તમે હવે વિસ્તૃત નોટ્સ તૈયાર કરશો. વિશેષ માહિતી જોઇતી હશે તો હું આપીશ.
માનવ સંસ્કૃતિનું સંવર્ધન કરતા રહેશો!
સસ્નેહ આશીર્વાદ.
.
Sundar Blog
LikeLike