.
પ્રિય અનામિકા,
મેનહટન, ન્યૂ યૉર્કના ભરચક વિસ્તાર ચેલ્સીમાં થયેલ બોંબ ધડાકાઓએ અમેરિકાને આંચકા આપ્યા છે.
અમેરિકાનાં પ્રેસિડેન્ટપદ માટે ઇલેક્શન ડેટ 8 નવેમ્બર આવી પહોંચી છે; હિલેરી ક્લિન્ટન – ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રમુખપદ માટેનો જંગ ચરમ સીમા પર છે. વળી શ્વેત-અશ્વેત વચ્ચે વકરી રહેલ વંશવાદ-રેસિઝમ ચિંતાજનક સમસ્યા છે, ત્યારે આતંકવાદના આ બિહામણા રૂપે અમેરિકાને ધ્રુજાવી દીધું છે. અહીં અમારે કાશ્મીરના ઉરીમાં મિલિટરી કેમ્પ પર થયેલ નિર્મમ આતંકવાદી હુમલાએ દેશભરમાં રોષની લાગણી ફેલાવી છે.
ન્યૂ યૉર્કના ચેલ્સી વિસ્તાર પરથી મને ઇંગ્લેન્ડના લંડનના ચેલ્સી વિસ્તારની યાદ આવી ગઈ. સાઉથવેસ્ટ લંડનમાં કેન્સિંગ્ટન પેલેસ તથા હાઇડ પાર્કની દક્ષિણે, થેમ્સ નદીના કિનારે ચેલ્સીનો આલીશાન વિસ્તાર છે. ચેલ્સીમાં રૉયલ હૉસ્પિટલ રોડ પર યુકેના આર્મ્ડ ફૉર્સિસના રિટાયર્ડ પેન્શનર્સ માટેની રૉયલ હૉસ્પિટલ આવેલ છે. હકીકતમાં તે નિવૃત્ત આર્મી સ્ટાફ માટે એક હૉસ્ટેલની ગરજ સારે છે. લંડનની આ રૉયલ હૉસ્પિટલ ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલા (1566-1625)એ બંધાવી હતી. અનામિકા! તેં કદાચ શેખર કપૂરની ફિલ્મ ‘એલિઝાબેથ’ જોયેલ છે. મેં તને ક્યારેક યુનાઇટેડ કિંગ્ડમના ઇતિહાસની વાતો કહી છે. ઇંગ્લેન્ડનો ઇતિહાસ વર્ણવતા મારા અગાઉના એક પત્રમાં તને ક્વિન એલિઝાબેથ પહેલી (1533-1603)ના સમયના કાવાદાવા વિશે લખ્યું હતું. ક્વિન એલિઝાબેથ પહેલી અપુત્ર મૃત્યુ પામતાં 1603માં રાજા જેમ્સ પહેલાએ ઇંગ્લેન્ડની ગાદી સંભાળી હતી. રૉયલ હૉસ્પિટલ ઇંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાની ભેટ.
યુકેથી હવે આપણે અમેરિકાના ન્યૂ યૉર્કના ચેલ્સી વિસ્તારમાં પહોંચીએ. હડસન નદીના કિનારે, મેનહટનના વૈભવી પ્રૉજેક્ટ હડસન યાર્ડસની સમીપ ચેલ્સી વિસ્તાર છે. તું જાણે છે, અનામિકા, કે અમેરિકા 1776માં ઇંગ્લેન્ડની હકૂમતથી સ્વતંત્ર થઈ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) બન્યું. તેના બે દાયકા પહેલાં એક બ્રિટીશ મેજર થોમસ મૂરે મેનહટનમાં જમીન ખરીદી. થોમસ મૂર મૂળ તો ઇંગ્લેન્ડના વતની. લંડનની ચેલ્સી રૉયલ હૉસ્પિટલના નામ પરથી પરથી થોમસ મૂરે મેનહટનના પોતાના વિસ્તારને ચેલ્સી તરીકે વિકસાવ્યો. અનામિકા! એક ‘જાહેર રહસ્ય’ની વાત કહું? બીજા વિશ્વયુદ્ધ સમયે અમેરિકાએ જાપાનના હીરોશિમા અને નાગાસાકી પર બે પરમાણુ બોંબ ફેંકેલા.આ માટે અમેરિકાએ અતિ ગુપ્ત યોજના મેનહટન પ્રૉજેક્ટ અંતર્ગત એટમ બોંબ બનાવવાની તૈયારીઓ કરેલી. આ મેનહટન પ્રૉજેક્ટ માટે ન્યુક્લિયર બોંબ બનાવવા યુરેનિયમ ચેલ્સી વિસ્તારમાં છુપાવવામાં આવેલું.
મેનહટનના હડસન યાર્ડસમાં થોમસ હીધરવિકના સ્ટેર-કેસ સ્ટ્રક્ચર વેસલના તારા ફોટોગ્રાફ્સ મને ખૂબ ગમ્યા. ધન્યવાદ.
સસ્નેહ આશીર્વાદ.
.
Very informative post… we feel as we are present at that place……thanks for sharing..
LikeLike