.
પ્રિય અનામિકા,
તમારા ગ્રુપના ત્રણ-ચાર સભ્યો યોગના અભ્યાસાર્થે ભારત આવી રહ્યા છે તે ખુશીની વાત છે.
યોગ, પ્રાણાયામ, ચક્રો, નાડીશાસ્ત્ર અને કુંડલિની તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા કરશે. કુંડલિની જાગૃતિ કોઈ બચ્ચાના ખેલ નથી. આ બધા વિષય કોઈ નિષ્ણાતની હાજરીમાં જ સમજવા, ચર્ચવા અને પ્રેક્ટિસમાં ઉતારવા. કોઈ સમર્થ યોગ-ગુરુજીના માર્ગદર્શનમાં જ યોગાભ્યાસ કરવો. ગુરુ વિના ઘણા માર્ગથી ભટકી જાય છે! હા, થોડા મૂળભૂત મુદ્દા સમજીને આગળ વધશો તો ભવિષ્યમાં યોગનાં પાસાંઓને તમે કદાચ સરળતાથી સમજી શકશો.
સુષુમ્ણા, ઇડા અને પિંગળા વિષેની તમારી ગૂંચવણ સ્વાભાવિક છે. નાડીશાસ્ત્ર ઉચ્ચ સ્તરનો વિષય છે. તમારે યોગશાસ્ત્ર સાથે તંત્ર અને અન્ય શાસ્ત્રો પર પણ નજર નાખવી પડે! શાસ્ત્રભેદ, વિચારભેદ અને મતમતાંતરો ઘણાં છે. તેનાથી દૂર રહી આજે તમારી જિજ્ઞાસા સંતોષવા ત્રણ-ચાર પાયાના મુદ્દાઓ વિષે તદ્દન સરળ સમજૂતિ આપીશ.
તમે ભૌતિક શરીર, સૂક્ષ્મ શરીર અને સાત ચક્રો વિષે વાંચ્યું છે. અપાર્થિવ સૂક્ષ્મ શરીરની શક્તિ પ્રાણ છે. જીવન પ્રાણના આધારે ટકે છે. પ્રાણ વાઇટલ ફૉર્સ છે, પ્રાણ જીવન શક્તિ છે. પ્રાણ સૂક્ષ્મ એનર્જી બોડીની જીવનધારક – જીવનપોષક વાઇટલ શક્તિ છે.
શરીરમાં નિર્ધારિત માર્ગે જ પ્રાણનું વહન થાય છે. પ્રાણને વહન કરનાર માર્ગ – ચેનલ – ને નાડી કહે છે. અનામિકા! નાડી જ્ઞાનતંતુ નથી, નાડી રક્તવાહિની પણ નથી. નાડી ભૌતિક શરીરનો ભાગ નથી. નાડી પ્રાણને વહન કરતી સૂક્ષ્મ ચેનલ છે. સૂક્ષ્મ શરીર 72,000 નાડીઓ ધરાવે છે. સૂક્ષ્મ શરીરની મુખ્ય નાડી સુષુમ્ણા છે જે ભૌતિક શરીરની કરોડરજ્જુ (મેરુ દંડ કે સ્પાઇનલ કૉર્ડ) ને અનુરૂપ છે. સુષુમ્ણાની આસપાસ ઇડા અને પિંગળા બે મહત્વની નાડીઓ છે. કરોડરજ્જુને તમે સુષુમ્ણા સમજો, તો તેની ડાબી બાજુ ઇડા અને જમણી બાજુ પિંગળા નાડી છે. ઇડા અને પિંગળા બંને નાડીઓ સુષુમ્ણાની આસપાસ વીંટળાયેલ છે. સુષુમ્ણા, ઇડા અને પિંગળા ત્રણ મહત્ત્વની નાડીઓ નીચે મૂલાધાર ચક્ર- લિંગને – સંલગ્ન છે.
સુષુમ્ણા પ્રાણના વહનની મધ્યસ્થ ચેનલ છે. પિંગળા તેની જમણી બાજુની ચેનલ છે, જ્યારે ઇડા ડાબી બાજુની ચેનલ છે.
મેરુ દંડની જમણી બાજુની પિંગળા નાડીને સૂર્યનાડી પણ કહે છે જ્યારે ડાબે રહેલ ઇડા નાડીને ચંદ્રનાડી પણ કહે છે.
પિંગળા જમણા નસકોરા સાથે અને ઇડા ડાબા નસકોરા સાથે સંબંધિત છે. પરંતુ નસકોરાથી શ્વાસ લેવાની દેહધાર્મિક ક્રિયા અને નસકોરામાં ઇડા-પિંગળાથી પ્રાણ ચાલવાની ક્રિયા બંને ભિન્ન છે તે ધ્યાન રાખશો.
સ્વર-નાડીશાસ્ત્ર વૈજ્ઞાનિક વિષય છે. પિંગળા નાડી (સૂર્યનાડી)નો સંબંધ સૂર્યથી હોવાથી ઉષ્ણતા અને પુરૂષત્વની દ્યોતક છે. ઇડાનાડી (ચંદ્રનાડી) નો સંબંધ ચંદ્રથી હોવાથી શીતલતા અને સ્ત્રીત્વની દ્યોતક છે. પિંગળા શિવની, જ્યારે ઇડા શક્તિની સૂચક છે.
સામાન્ય રીતે જીવનની વિવિધ ક્રિયા-પ્રક્રિયાઓ દરમ્યાન બહુધા ઇડા તથા પિંગળા ભાગ ભજવતી રહે છે. જ્યારે પ્રાણ સુષુમ્ણામાંથી વહે છે, ત્યારે મન શાંત થાય છે. બહિર્મુખી મન નિર્મળ અને શાંત થવાથી, પ્રત્યાહારથી અધ્યાત્મમાર્ગી સાધક અંતર્મુખી થવા સજ્જ થાય છે. છેવટે તે સમાધિને પામી શકે છે. અનામિકા! સ્થિતપ્રજ્ઞ યોગીએ સુષુમ્ણાથી પ્રાણનું વહન થાય તેની કાળજી લેવી. આ માટે પ્રથમ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર કાબૂ મેળવવા પ્રાણાયામનો શાસ્ત્રીય અભ્યાસ સમર્થ ગુરુની દેખરેખમાં જ કરવો. તંત્રશાસ્ત્ર સમજવા ઉચ્ચ સ્તરનો અભ્યાસ આવશ્યક છે. કુંડલિની જાગૃતિ અંગે જ્ઞાન હોય તો પણ પત્રમાં વ્યક્ત ન કરવું જોઇએ. આ પત્રનો ઉદ્દેશ વિષયની આછી સમજ આપવાનો છે, માર્ગદર્શનનો નથી. વૈજ્ઞાનિક અભિગમ વિના પ્રાણાયામ કે યોગનો અભ્યાસ ખતરનાક પરિણામો નોતરી શકે છે.
એક ખૂબ ગહન વિષયને સરળ શબ્દોમાં સમજાવવા પ્રયત્ન કર્યો છે, જે અપૂર્ણ છે. તેથી ગુરુજી પાસે બધાં પાસાંઓને ઊંડાણથી સમજશો અને પછી જ આગળ વધશો.
સસ્નેહ આશીર્વાદ.
** * * * *