અનામિકાને પત્રો · વિષય: વિજ્ઞાન · વિષય: સાહિત્ય

અનામિકાને પત્ર: 1701

.

પ્રિય અનામિકા,

આજે સાહિત્ય અને વિજ્ઞાનના એક અનોખા સંબંધ પર વાત કરવી છે.

ઇંગ્લિશ લેખક લુઇસ કેરોલ (લુઇ કેરોલ)ને સૌ જાણે. લુઇસ કેરોલ તો આ અંગ્રેજ લેખકનું ઉપનામ; તેમનું સાચું નામ ચાર્લ્સ લ્યુટવિજ ડોડસન. સન 1865માં પ્રકાશિત લુઇસ કેરોલની “એલિસ ઇન વંડરલેંડ” વિશ્વવિખ્યાત બેસ્ટ-સેલર નવલકથા બની.

અનામિકા! લુઇસ કેરોલની એક અન્ય કૃતિ “થ્રુ ધ લુકિંગ ગ્લાસ” પણ લોકપ્રિય બની. વળી સમય વીત્યે આ કૃતિ વિજ્ઞાનમાં ઉત્ક્રાંતિના એક હાયપોથીસિસ સાથે જોડાઈ.

મઝાનો પ્રશ્ન એ છે કે ઉત્ક્રાંતિના હાયપોથીસિસને કેરોલની નવલકથા “થ્રુ ધ લુકિંગ ગ્લાસ” સાથે શું સંબંધ?

અહીં થોડી આડવાત કરીએ. એવું બને કે તમે ખૂબ દોડો, ખૂબ દોડો અને છતાં ત્યાંના ત્યાંના જ રહો? સમજીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રોની દોડ બંનેને પોતપોતાના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. પાકિસ્તાન અમેરિકા પાસેથી અદ્યતન મિસાઇલ્સ મેળવશે અને શસ્ત્રની દોડમાં ભારતથી આગળ નીકળશે, તો ભારત ચઢિયાતાં મિસાઇલ્સ બનાવી પોતાની સુપિરિયોરિટી પુન: સ્થાપિત કરશે. એટલે પાકિસ્તાન ઠેરનું ઠેર. હવે પાકિસ્તાન બીજાં શસ્ત્રો મેળવી ફરી આગળ નીકળશે, તો ભારત નવાં શસ્ત્રો ઉત્પાદિત કરી તેનાથી યે આગળ જશે … એટલે પાકિસ્તાન ઠેરનું ઠેર. આવી પ્રતિસ્પર્ધામાં તમે સતત દોડતાં જ રહો છો, છતાં હકીકતમાં તમારા જ સ્થાન પર રહો છો.

અનામિકા! આવી જ કાંઇક વાત કેરોલની કૃતિ “થ્રુ ધ લુકિંગ ગ્લાસ”માં છે. એક પાત્ર ‘રેડ ક્વિન’ કહે છે કે તમારે તમારું સ્થાન જાળવી રાખવા માટે સતત દોડ્યા જ કરવાનું રહે છે!

સંસારમાં પ્રત્યેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવવા જંગ ખેલ્યા કરે છે. તું જાણે છે, અનામિકા, કે સજીવો અનુકૂલન – એડૅપ્ટેશન અને ઍડોપ્શન જેવી યુક્તિ-પ્રયુક્તિઓથી અસ્તિત્વ ટકાવવા માટે ઉધમાતિયા કર્યા કરે છે. ભક્ષક હોય કે ભક્ષ્ય- બંને માટે આ જરૂરી છે. છતાં બંને પોતપોતાના સ્થાન પર જ રહે છે. હિંસક ભક્ષકથી બચવા ભક્ષ્ય પોતાના શરીરના રંગ-રૂપમાં એવો ફેરફાર કરશે કે ભક્ષક ઝટથી ઓળખી ન શકે. આમ, ભક્ષ્ય એક કદમ આગળ! તો હવે ભક્ષક પોતાની આંખો તેજ કરીને ભક્ષ્યને શોધી કાઢવાની શક્તિ મેળવી લેશે, એટલે બિચારું ભક્ષ્ય પાછું ઠેરના ઠેર. તમે દોડી દોડીને આગળ જાવ છો, છતાં તમારું સ્થાન તે જ રહે છે. આ વિડંબણા પર ઉત્ક્રાંતિનો એક હાયપોથીસિસ રચાયો છે. તેને રેડ ક્વિન હાયપોથીસિસ કહે છે. લુઇસ કેરોલની કૃતિ “થ્રુ ધ લુકિંગ ગ્લાસ”ના પાત્ર રેડ ક્વિનની ઉક્તિ પરથી ઇવોલ્યુશનના આ હાયપોથીસિસને રેડ ક્વિન હાયપોથીસિસ કહે છે. વિજ્ઞાન અને સાહિત્યની કેવી ગોઠડી!

અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ બિરાજશે તે ઘડીઓ આવી રહી છે. દુનિયાનું ભવિષ્ય ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર છે. સમાચાર છે કે ટ્રંપે જાહેરાત કરી છે કે ચીનની તાકાતને પહોંચી વળવા  અમેરિકાએ પોતાની અણુ શક્તિ વધારવી પડશે. હળવા શબ્દોમાં કહું તો ટ્રંપની જાહેરાતમાં પણ રેડ ક્વિન હાયપોથીસિસની ઝલક નથી?

સસ્નેહ આશીર્વાદ.

 

*** *** ** * ** ** **** *

અનામિકાને પત્ર: 1701 : રેડ ક્વિન હાયપોથીસિસ: પૂરક માહિતી

 

લુઇસ કેરોલ (લુઇ કેરોલ) – ચાર્લ્સ લ્યુટવિજ ડોડસન (Lewis Caroll – Charles Lutwidge Dodgson) :

English Author Lewis Caroll (1832 – 1898)

“એલિસ ઇન વંડરલેંડ”  (Alice’s Adventures in Wonderland / Alice in Wonderland)

“થ્રુ ધ લુકિંગ ગ્લાસ” (Through the Looking Glass)

રેડ ક્વિન હાયપોથીસિસ (Red Queen Hypothesis)

*** *** ** * ** ** **** * *** *** ** * **

*  ** * **  ** *** ** ** * *** *** ** *

પ્રિય વાચક મિત્ર!

હવે તદ્દન નવા પ્રકારની, એકદમ ટૂંકી, નવી જ રચનાઓ ગુજરાતી ભાષામાં!

માત્ર પંદર સેકંડની મુક્તપંચિકા અને … માત્ર બે મિનિટની લઘુલિકાઓ!

આપને મારી લઘુકથાઓ – લઘુલિકાઓ- વાંચવાની મઝા આવશે, અને મઝાની મુક્તપંચિકાઓ માણવાની પણ!

આપને મારા નવા બ્લૉગ “મુક્તપંચિકા અને લઘુલિકા”ની મુલાકાત લેવા નિમંત્રણ! આભાર.

 

*  ** * **  ** *** ** ** * *** *** ** *

 

One thought on “અનામિકાને પત્ર: 1701

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s