.
પ્રિય અનામિકા,
એલેક્ઝાંડર ધ ગ્રેટના આખરી ‘વિલ’ વિષે ફરી વાતો વહેતી થઈ છે. કહે છે કે મૃત્યુ અગાઉ આ વિશ્વવિજેતાએ પોતાનાં સ્વપ્નાં, પોતાની આખરી ઇચ્છાઓ વિશે ‘ટેસ્ટામેન્ટ’ કે ‘વિલ’ તૈયાર કર્યું હતું. એલેક્ઝાંડરનું આ કહેવાતું વિલ મળી આવ્યાના સમાચાર મીડિયામાં ચમક્યા છે.
દુનિયાને જીતવાનાં સ્વપ્નાં જોનારા યુરોપના બે વીર યોદ્ધાઓને આપણે મહાન વિજેતા તરીકે નવાજીએ છીએ: એલેક્ઝાંડર ધ ગ્રેટ અને નેપોલિયન બોનાપાર્ટ.
મેસેડોન (પ્રાચીન ગ્રીસ) નો રાજવી એલેક્ઝાંડર ધ ગ્રેટ; ફ્રાન્સનો રાજવી નેપોલિયન બોનાપાર્ટ.
આશરે અઢી હજાર વર્ષ પહેલાં ગ્રીસમાં નાનાં-મોટાં નગરરાજ્યો હતાં ત્યારે ત્યાં મેસિડોનિયાનું નાનકડું રાજ્ય હતું.
ઇસા પૂર્વે ચોથી સદીમાં ફિલિપ બીજા નામના શક્તિશાળી રાજવીએ મેસેડોનિયાનું મજબૂત સામ્રાજ્ય ઊભું કર્યું. ઈપૂ 359માં ગાદીએ બેઠેલા ફિલિપ બીજાએ આસપાસનાં નગરરાજ્યોને નમાવ્યાં. સમગ્ર ગ્રીસનાં નગરરાજ્યો નામશેષ થતાં મેસેડોન પાવરફુલ કિંગ્ડમ બન્યું.
રાજવી ફિલિપ બીજા અને રાણી ઓલિમ્પિયાઝનો પુત્ર તે એલેક્ઝાંડર થર્ડ.
એલેક્ઝાંડરનો જન્મ મેસેડોનની તે સમયની રાજધાની પેલ્લામાં ઇપૂ 356માં થયો હતો. અનામિકા! તેર વર્ષની ઉંમરે યુવરાજ એલેક્ઝાંડર પ્રખર વિદ્વાન એરિસ્ટોટલ દ્વારા પ્રશિક્ષિત થયો. મહાન ગ્રીક ફિલોસોફર સોક્રેટિસના સમર્થ શિષ્ય પ્લેટોના શિષ્ય તે એરિસ્ટોટલ. એરિસ્ટોટલે એલેક્ઝાંડરને ફિલોસોફી અને વિજ્ઞાન ઉપરાંત ગ્રીક પોએટ્રીનો અભ્યાસ કરાવ્યો. એલેક્ઝાંડર ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’ની શૌર્યગાથાઓથી ખૂબ પ્રભાવિત થયો.
ઇપૂ 336માં ફિલિપ બીજાની પુત્રી પ્રિન્સેસ ક્લિયોપેટ્રાનાં લગ્ન મેસેડોનિયાની પ્રાચીન રાજધાની આઇગાઇ (આઇગૈ)માં હતાં. ત્યારે પોતાના જ એક અંગરક્ષકે ફિલિપ બીજાની હત્યા કરી. પિતાની હત્યા થતાં યુવરાજ એલેક્ઝાંડર થર્ડ મેસેડોનિયાના સમ્રાટ તરીકે સત્તામાં આવ્યો. આઇગાઇમાં જ એલેક્ઝાંડરનો રાજ્યાભિષેક થયો.
ઇપૂ 336માં મેસેડોનિયાની ગાદી પર આવવાની સાથે સિકંદર દુનિયા જીતવા નીકળી પડ્યો. તું જાણે છે, અનામિકા, કે સિકંદર પાસે બુસેફેલસ નામનો એક જાતવાન ઘોડો હતો. બુસેફેલસે વર્ષો સુધી યુદ્ધોમાં સિકંદરનો સાથ નિભાવ્યો. પર્શિયાને વીંધી તે પૂર્વમાં હિંદુસ્તાન તરફ વિજયકૂચ કરતો ગયો. સિકંદરે યુરોપમાં ગ્રીસથી એશિયા માઇનોર, સિરિયા, ઉત્તર આફ્રિકા, પર્શિયા, ગાંધાર (અફઘાનિસ્તાન-પાકિસ્તાન) સહિત તમામ પ્રદેશો જીત્યા. ઉત્તર આફ્રિકામાં જીત મેળવી ઇજિપ્તના દરિયા કિનારે એલેક્ઝાંડરે વિજયસ્મૃતિ રૂપે એલેક્ઝાંડ્રિયા નગર વસાવ્યું. દસ વર્ષની વિજય કૂચ પછી તેણે હિંદુસ્તાનના દરવાજે દસ્તક દીધી. સિકંદરે ઇપૂ 326માં ઉત્તરી હિંદુસ્તાનના પ્રાચીન પંજાબના રાજા પોરસને જેલમ કિનારે હરાવ્યો. દસ વર્ષ સુધી યુદ્ધો લડેલું તેનું લશ્કર હવે એવું થાક્યું હતું કે સિકંદરે સ્વદેશ ભણી પાછા ફરવાની કૂચ આરંભી. તને ખબર હશે, અનામિકા, કે કમભાગ્યે તે વતન પાછો ન પહોંચી શક્યો. વળતી યાત્રામાં, રસ્તામાં બેબિલોન (ઇરાક) માં, ઇપૂ 323માં મહાન યોદ્ધા એલેક્ઝાંડર ધ ગ્રેટનું અકાળ અવસાન થયું.
તેર વર્ષના શાસનકાળમાં એલેક્ઝાંડરે ગ્રીસથી લઈ હિંદુસ્તાનના ઉત્તરી હિસ્સા સુધીની દુનિયા જીતી. તે સમયે જ્ઞાત વિશ્વના મોટા ભાગના વિસ્તાર પર વિજય મેળવતાં એલેક્ઝાંડરને વિશ્વવિજેતા તરીકે નામના મળી હતી. મિલિટરી અને પોલિટિક્સ બંને ક્ષેત્રોમાં કાબેલ વિશ્વવિજેતા સિકંદરને ઇતિહાસમાં એલેક્ઝાંડર ધ ગ્રેટ કહેવામાં આવે છે.
કરુણતા કેવી, અનામિકા, કે એલેક્ઝાંડર ધ ગ્રેટનું મહાન મેસેડોનિયન સામ્રાજ્ય તેના મૃત્યુ પછી છિન્નભિન્ન થઈ ગયું!
ઇતિહાસ આપણને ઘણું શીખવી જાય છે.
સસ્નેહ આશીર્વાદ.
* ** *** * **
અનામિકાને પત્ર: 1702 : એલેક્ઝાંડર ધ ગ્રેટ: પૂરક માહિતી
મેસેડોનિયા (મેસેડોન) : Macedonia (Macedon)
સિકંદર – એલેક્ઝાંડર ધ ગ્રેટ: Alexander The Great (356-323 BC)
એરિસ્ટોટલ – સિકંદરના ગુરુ: Aristotle – Teacher of Alexander the Great
આઇગાઇ / આઇગૈ : Aigai
* ** *** * ** * ** *** * ** * ** *** * **
5 thoughts on “અનામિકાને પત્ર: 1702”