અનામિકાને પત્રો · મીડિયા/ સમાચાર/રિપોર · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1702-2 

.

પ્રિય અનામિકા,

અવકાશ સંશોધન ક્ષેત્રની સંસ્થાઓ – ભારતની ઇસરો તથા અમેરિકાની નાસા – છેલ્લા દસ દિવસોમાં વિશ્વમાં છવાઈ ગઈ છે. ઇસરો દ્વારા અવકાશમાં એક જ રોકેટથી, એક સાથે 104 સેટેલાઇટ લોંચ થયાના સમાચાર તાજા છે. ત્યાં તાજેતરમાં અમેરિકાની નાસા સંસ્થાએ આપણા સૂર્યમંડળની બહાર એક્ઝોપ્લેનેટ સિસ્ટમ ‘ટ્રેપિસ્ટ-1’ની આસપાસ પૃથ્વી જેવાં સાત ગ્રહોની વિક્રમી શોધ કરીને વિશ્વનાં ટીવી તથા પ્રિંટ મીડિયાને ચમકાવી દીધાં છે.

સ્પેસ રિસર્ચ તથા સ્પેસ પ્રોગ્રામ્સની અગત્યતા આટલી બધી કેમ? અનામિકા! તારા સંશયાત્મક પ્રશ્નો હું આવકારું છું. બુદ્ધિ હશે ત્યાં ઊંડો વિચાર હશે; ઊંડી વિચારશક્તિ હશે ત્યાં પ્રશ્નો હશે જ.

ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન ઇસરોના વિકાસ પાછળ ભારતીય અવકાશ વિજ્ઞાનના પિતા ગણાતા ડૉ. વિક્રમ સારાભાઈની પ્રેરણા અને દીર્ઘદ્રષ્ટિ છે. ઇસરો હવે સ્પેસ રિસર્ચ ઉપરાંત સ્પેસ સાયન્સના વ્યાવહારિક અને વ્યાવસાયિક ઉપયોગોમાં કાઠું કાઢી રહી છે. ઇસરોએ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ PSLV – C37 ની મદદથી વિવિધ દેશોના 104 સેટેલાઇટ એક સાથે લૉંચ કરી વિશ્વવિક્રમ બનાવ્યો તે આનું જ્વલંત ઉદાહરણ છે.

વિશ્વમાં ગ્લોબલાઇઝેશન સાથે માહિતીની રાક્ષસી ભૂખ વધતી જાય છે. પ્રત્યેક રાષ્ટ્રના વિકાસમાં સંચારસેવા અને માહિતીની અર્ત્થપૂર્ણ આપલે મહત્ત્વપૂર્ણ બનેલ છે. વળી દુનિયાભરનાં આર્થિક, વ્યાવસાયિક અને અન્ય બહુવિધ ક્ષેત્રો વચ્ચે કમ્યુનિકેશન કનેક્ટિવિટીનું સાતત્ય જરૂરી છે. ઇંટરનેટ અને વાયરલેસ ટેકનોલોજી ગ્લોબલ ઇકોનોમીનો આધારસ્તંભ છે. તે બંનેને ક્ષમતાપૂર્વક કાર્યરત રાખવા અવકાશી સેટેલાઇટસની ઉપયોગિતા વધતી જાય છે. તું જાણતી જ હોઇશ, અનામિકા, કે સેટેલાઇટનો ઉપયોગ કમ્યુનિકેશન સેવાઓ, લેંડ રિસોર્સ સર્વે, વોટર રિસોર્સ મેનેજમેંટ, એગ્રીકલ્ચર, મિલિટરી અને અન્ય રિમોટ સેંસિંગ હેતુઓ માટે થાય છે. આવા માનવસર્જિત ઉપગ્રહો – સેટેલાઇટને અવકાશમાં લોંચ કરવાની આધારભૂત ટેકનોલોજી ગણ્યા-ગાંઠ્યા દેશો પાસે છે. પણ તે દેશોની સરખામણીમાં ભારતે કૃત્રિમ ઉપગ્રહો – મેનમેઇડ સેટેલાઇટ લૉંચ કરવાની વિશ્વસનીય અને ઇકનોમિકલ ટેકનોલોજી વિકસાવી છે. ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરો – ના વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ લોંચમાં માસ્ટરી મેળવી છે. ભારત તેનો વ્યાપારી ધોરણે ઉપયોગ કરી આગળ વધી રહ્યું છે. તેથી ભારત અત્યારે આપણા જ દેશના લોંચિંગ સ્ટેશન પરથી અન્ય દેશોના સેટેલાઇટ લૉંચ કરી આપીને કીમતી વિદેશી હુંડિયામણ કમાઈ રહ્યું છે.

અમેરિકા અને ભારત સહિત અન્ય અગ્રણી દેશો વિવિધ હેતુઓથી સ્પેસ પ્રોગ્રામ્સ ચલાવી રહ્યા છે. તેમાંનો એક ઉદ્દેશ પૃથ્વીની ઉત્પત્તિનાં રહસ્યો ઉકેલીને વિજ્ઞાનનાં કેટલાંક ક્ષેત્રોમાં પ્રગતિ સાધવાનો પણ છે.  અમેરિકાની અવકાશ સંસ્થા નાસા અનેકવિધ સ્પેસ મિશન દ્વારા સમગ્ર બ્રહ્માંડના ખૂણાઓ ફંફોસી રહી છે.

વિશ્વ સામે અત્યારે વધતી માનવવસ્તી, પૃથ્વીના ઘટતા જતા રિસોર્સીઝ અને પ્રદુષિત થતી પૃથ્વી મોટા પડકાર છે. માનવજાતને રહેવાલાયક ગ્રહ તરીકે પૃથ્વીના વિકલ્પમાં અન્ય પ્લેનેટ શોધવો જરૂરી બન્યો છે. અમેરિકા જેવા દેશો સ્પેસ એક્સ્પ્લોરેશનથી માનવજીવન સંભવી શકે તેવા ગ્રહોની શોધમાં છે. અનામિકા! કેવી ખુશીની વાત કે નાસાનાં સ્પેસ મિશન આપણા સૌરમંડળ (સૂર્યમંડળ – સોલર સિસ્ટમ) ની બહાર એક્ઝોપ્લેનેટ સિસ્ટમને ખોજવામાં સફળ થયાં છે. નાસાએ ‘નેચર’ મેગેઝિનના ફેબ્રુઆરી,2017ના એક અંકમાં સાત પ્લેનેટ ધરાવતી ટ્રેપિસ્ટ – 1 (ટ્રેપ્પિસ્ટ-1) એક્ઝોપ્લેનેટ સિસ્ટમની શોધની જાહેરાત કરી છે. આ સમાચાર ઘણાં અગત્યનાં છે.

અનામિકા! ટ્રેપિસ્ટ એક રૉબોટિક ટેલિસ્કોપ છે જ્યારે ટ્રેપિસ્ટ-1 આપણા સૌરમંડળની બહારનો (પૃથ્વીથી લગભગ 40 પ્રકાશવર્ષ અંતરે) એક તારો છે. નાસાએ ટ્રેપિસ્ટ ટેલિસ્કોપ, સ્પિટ્ઝર સ્પેસ ટેલિસ્કોપ અને અન્ય કેટલાંક ટેલિસ્કોપની મદદથી  આ વામન-તારા (ડ્વાર્ફ સ્ટાર) ટ્રેપિસ્ટ-1 ની આસપાસ સાત પ્લેનેટ શોધી કાઢ્યાં છે. અનામિકા! પ્રશ્ન એ થાય કે છેલ્લાં પચ્ચીસ વર્ષમાં સાડા ત્રણ હજાર ગ્રહો આપણા સૌરમંડળની બહાર શોધી કઢાયાં છે. તો નાસાની ટ્રેપિસ્ટ-1 એક્ઝોપ્લેનેટ સિસ્ટમનું મહત્ત્વ શું? પહેલી વાત તો એ, અનામિકા, કે ટ્રેપિસ્ટ – 1 પૃથ્વીની નજીક ગણી શકાય. બીજું,  ટ્રેપિસ્ટ – 1 ના ગ્રહો લગભગ પૃથ્વીના જેટલું કદ ધરાવે છે. આ ગ્રહો ખડકાળ જણાય છે. વળી તેમાંના કેટલાક ગ્રહોનું તાપમાન સમધાત હોવાની શક્યતા છે. અહીં પાણી હોવાની પ્રબળ શક્યતા છે. ટ્રેપિસ્ટ – 1 ના આવા એક્ઝોપ્લેનેટ પર જીવન વિકસી શકવાની સંભાવનાઓ ઘણી છે.

આમ, ટ્રેપિસ્ટ-1 એક્ઝોપ્લેનેટ સિસ્ટમ માનવજીવનના વસવાટ માટેના વૈકલ્પિક ગ્રહ તરીકે હાલ તો આશાસ્પદ જણાય છે. કદાચ આમ ન થાય તો પણ અન્ય ગ્રહો પર ક્યાંક તો જીવન હશે, તેવો આશાવાદ હવે મજબૂત થયો છે. અનામિકા! આખરે, માનવજીવન આશાઓને સહારે તો આગળ વધે છે! તમારા મિત્રવર્તુળમાં આ વિશે ચર્ચા કરશો.

સસ્નેહ આશીર્વાદ.

 

* ** *** * **  * ** *** * ** ** * ** * *** * ** *** * **

અનામિકાને પત્ર: 1702-2 : ટ્રેપિસ્ટ-1 એક્ઝોપ્લેનેટ સિસ્ટમ

 

  • નેચરમેગેઝિન (ફેબ્રુઆરી, 2017) માં નાસા (અમેરિકા)ટ્રેપિસ્ટ-1 એક્ઝોપ્લેનેટ સિસ્ટમના સાત ગ્રહો શોધ્યાની જાહેરાત કરી
  • પૃથ્વીથી 40 પ્રકાશવર્ષ દૂર આવેલ તારા ટ્રેપિસ્ટ – 1 ના સૂર્યમંડળમાં સાત ગ્રહો
  • ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન – ઇંડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરો
  • Indian Space Research Organisation – ISRO : Department of Space, Government of India
  • પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ PSLV – C37
  • નાસા / નેસા (નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, યુએસએ)
  • ટ્રેપિસ્ટ (ટ્રેપ્પિસ્ટ) ટેલિસ્કોપ, ચિલી, દક્ષિણ અમેરિકા: TRAPPIST, Chile, South America
  • શક્તિશાળી ટેલિસ્કોપ ટ્રેપિસ્ટ (ટ્રેપ્પિસ્ટ) તથા સ્પિટ્ઝર (સ્પિટઝર) દ્વારા ટ્રેપિસ્ટ-1એક્ઝોપ્લેનેટ સિસ્ટમ શોધાઈ (અન્ય ટેલિસ્કોપ /ઓબ્ઝર્વેટરીની મદદ પણ લેવાઈ)

* ** *** * **  * ** *** * ** ** * ** * *** * ** *** * **

2 thoughts on “અનામિકાને પત્ર: 1702-2 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s