.
પ્રિય અનામિકા,
તારી વાત સાચી છે. કોણ જાણે કેમ, ધરતી પર અમંગળની એંધાણીઓ વરતાઈ રહી છે.
તે સિરિયાનો પ્રશ્ન હોય કે અમેરિકા-નોર્થ કોરિયા વચ્ચે ધૂંધવાતો અગ્નિ હોય કે ભારતના કાશ્મીરની સળગતી સમસ્યા હોય! માનવજાતને ખતરાઓ ઓછા થતા જ નથી! આ બધા મુદ્દાઓનો કોઈ ઉકેલ જ નહીં હોય? કે પછી પરિસ્થિતિ ચરમ સીમાએ પહોંચી કોઈ મહાવિસ્ફોટ જ તેનું નિરાકરણ લાવશે? તે ય લાવી શકશે? પ્રશ્નોની વણઝાર છે!
અમેરિકાના નેવલ ફ્લીટનાં જહાજોની કોરિયન પેનિન્સ્યુલા પ્રતિ ગતિવિધિ ચિંતાજનક છે. સાઉથ કોરિયા સામે નોર્થ કોરિયાએ પણ પોતે સામનો કરવા સજ્જ હોવાની બૂમરાણ મચાવી છે. અનામિકા! કોરિયન પેનિન્સ્યુલા પ્રદેશમાં આ માત્ર તાકાતનું પ્રદર્શન છે કે યુદ્ધનાં પડઘમ વાગી રહ્યાં છે- કાંઈ કળી શકાતું નથી. ‘યુએસએસ કાર્લ વિન્સન’ (CVN-70) ની કોરિયા તરફની મુવમેન્ટ હળવાશથી ન લેવાય. અમેરિકાનું નિમિટ્ઝ વર્ગનું સુપર કેરિયર ‘કાર્લ વિન્સન’ પચીસેક વર્ષથી અમેરિકન નૌકા કાફલામાં છે. આશરે એક લાખ ટનનું આ જંગી ‘કાર્લ વિન્સન’ યુદ્ધ જહાજ ન્યુક્લિયર પાવરથી ચાલે છે. હજારેક ફૂટની લંબાઈના એરક્રાફ્ટ કેરિયર કાર્લ વિન્સન પર નેવું જેટલાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર્સ રહી શકે છે. કોરિયન પેનિન્સ્યુલા પ્રદેશ ભણી જતા કાર્લ વિન્સન સાથે અમેરિકાનાં બીજાં ત્રણ જહાજો પણ છે- ‘વેન મેયર’ અને ‘માઇકલ મરફી’ નામનાં બે ડિસ્ટ્રોયર તથા ‘લેઇક ચેમ્પ્લેઇન’ નામક ગાઇડેડ મિસાઇલ ક્રુઝર. શંકા તો એવી પણ ચર્ચામાં છે કે અમેરિકાનાં આ યુદ્ધ જહાજો ઉત્તર કોરિયાના બેલિસ્ટિક મિસાઇલ્સનો પ્રતિરોધ કરવા સક્ષમ છે?
નોર્થ કોરિયા અણુ અખતરા અને મિસાઇલ ટેસ્ટના સાચા-ખોટા દાવાઓ કરતું રહ્યું છે. જરૂર પડે ઉત્તર કોરિયા અમેરિકા કે તેનાં સાથી દેશો દક્ષિણ કોરિયા – જાપાન પર અણુ હુમલો પણ કરી શકે તેવી ચેતવણી ઉત્તર કોરિયાના સરમુખત્યાર પ્રમુખ કિમ જોં ઉન (કિમ જોન્ગ ઉન) આપ્યા કરે છે. તું જાણે છે, અનામિકા, કે અમેરિકાની અવગણના કરવાના નોર્થ કોરિયાના “હુ કેર્સ” જેવા વલણ સામે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ધીરજ ખૂટતી જાય છે. વિશ્વમાં નોર્થ કોરિયાને સાથ આપતો એક માત્ર દેશ ચીન છે, ચીનને યુદ્ધમાં કોઈ રસ નથી. મને-કમને તેણે નોર્થ કોરિયાને સાથ આપવો પડે તેવી સ્થિતિ છે, પરંતુ તેને તેવી સ્થિતિ ટાળવી જ છે. ચીનનો રસ એ છે કે તેણે સાઉથ ચાઇના સી પર એકહથ્થુ વર્ચસ્વ રાખવું છે. અમેરિકાને તે પરવડે તેમ નથી. અમેરિકાને સી ઑફ જાપાન અને ફિલિપાઇન સી સહિત પેસિફિક મહાસાગર પર એકચક્રી સત્તા જોઈએ છે. આ સંજોગોમાં અમેરિકાની ઈચ્છા નોર્થ કોરિયાને દબાવીને રાખવાની છે.
અમેરિકાના પ્રમુખપદે નિયુક્ત થયા પછી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ માટે અગ્નિપરીક્ષાની ઘડી છે. નોર્થ કોરિયાના યુવાન પ્રેસિડેન્ટ કિમ જોં ઉન (કિમ જોન્ગ ઉન) મનસ્વી નિર્ણયો માટે જાણીતા છે. કદાચ તેમની કેટલીક વાતો માત્ર બણગાં જ હોય છે. તું કહે છે, અનામિકા, કે અમેરિકા સામે નોર્થ કોરિયાની શી વિસાત? ડર તાકાતનો નથી, ડર નોર્થ કોરિયાના પ્રમુખના નાદાન દિમાગના તરંગી નિર્ણયોનો છે. નોર્થ કોરિયાના દાવાઓને નજર અંદાઝ તો ન જ કરાય. નોર્થ કોરિયા ક્યાંક મરણિયા થઈને અણુશસ્ત્રનો ઉપયોગ કરી બેસે, તો આખું વિશ્વ અણુયુદ્ધની ઝપટમાં આવે!
અમેરિકા-જાપાન-સાઉથ કોરિયાનાં યુદ્ધ જહાજો નોર્થ કોરિયાને તાકમાં લઈ તૈયાર છે. એક એક દિવસ નવી ચિંતાઓ ઊભી કરે છે. અનામિકા! શાસકોની મનગઢંત, સ્વચ્છંદી નીતિઓ દુનિયા સામે ખતરો ઊભો કરે તે વાત જ નિંદનીય છે. હવે શુંથશે? આપણે પ્રાર્થીએ કે કોઈક રસ્તો નીકળે અને બધું થાળે પડે!
સસ્નેહ આશીર્વાદ.
*** * *** *** ** * *** * ** ** ** ** ** ** * ** **
અનામિકાને પત્ર:1704 : અમેરિકા-નોર્થ કોરિયા યુદ્ધની કગારે: પૂરક માહિતી
ઉત્તર કોરિયા – દક્ષિણ કોરિયા: North Korea – South Korea
યુએસએસ કાર્લ વિન્સન – USS Carl Vinson (CVN-70)
અમેરિકાનું નૌકાદળ – US Navy
નિમિટ્ઝ વર્ગનું સુપરકેરિયર – Nimitz class super-carrier
*** * *** *** ** * *** * ** ** ** ** ** ** * ** **
One thought on “અનામિકાને પત્ર: 1704”