અનામિકાને પત્રો · ખંડ: યુરોપ · વિષય: પરિચય · વિષય: વિજ્ઞાન · વિષય: સમાચાર

અનામિકાને પત્ર: 1706

.

પ્રિય અનામિકા,

કુશળતા ચાહું છું.

તારી મિત્ર ઑસ્ટ્રિયાની મુલાકાતે જવાની છે, તે તેનું સદભાગ્ય!

ઑસ્ટ્રિયાનું નામ પડે અને કુદરત આપણી આંખ આગળ બેઠી થાય! ઑસ્ટ્રિયા એટલે પ્રકૃતિની ખૂબસૂરતી!

બસ, આટલું વિચારો અને તમારી આંતરચેતના જગાડવા એક પછી એક દ્રશ્યો હાજર થાય! ઑસ્ટ્રિયા એટલે મનમોહક આલ્પ્સ! ઑસ્ટ્રિયા એટલે ડાન્યુબ ! વિયેના અને સાલ્ઝબર્ગ ઊડીને સામે આવીને બેસે! અને પછી તો, અનામિકા, મોઝાર્ટ અને સ્ટ્રૉસ અને સાથીદારો તમને કર્ણમધુર સૂરોથી તરબોળ કરી દે! તો પછી જૂલી એન્ડ્રૂઝની અવિસ્મરણીય અદાકારીવાળી ફિલ્મ ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ ને તો કેમ ભૂલાય?  હા, ઑસ્ટ્રિયાની વાત થાય ત્યારે હીટલરને ભૂલી જવો સારો! બીજા વિશ્વયુદ્ધને યાદ ન કરીએ તે જ સારું. બાકી, ઑસ્ટ્રિયા તો યુરોપનું મોતી!

એક વણમાગી સલાહ આપું? અનામિકા! તારી મિત્રને કહેજે કે તેણે બે દિવસ માટે પણ ફ્રાન્સ – સ્વિટ્ઝર્લેન્ડની સરહદ પર વિશ્વવિખ્યાત રિસર્ચ સંસ્થા સર્નની મુલાકાતે જવું જોઈએ. વિજ્ઞાનપ્રેમી અધ્યાત્મમાર્ગીઓ માટે  સર્ન આધુનિક યાત્રાધામ છે. સર્ન વિશ્વની આધુનિકતમ વૈજ્ઞાનિક સંશોધન સંસ્થા અને પ્રયોગશાળા છે,  જ્યાં બહુવિધ ક્ષેત્રોમાં રીસર્ચ ચાલી રહી છે. ફિઝિક્સના અદ્યતન પ્રયોગો અહીં થાય છે. પાર્ટિકલ ફિઝિક્સના એક્સ્પરિમેન્ટ્સ તો  સાચે જ ‘માઇન્ડ-બૉગલિંગ’ છે. આ વાતો વિચારતાં, મારે મન તો સર્ન દુનિયાના કોઈ પણ પવિત્ર તીર્થધામ કરતાં જરા યે ઊતરતું નથી! અને મહત્ત્વની વાત એ કે સર્ન યાત્રિકોને, આપણા જેવા જિજ્ઞાસુઓને પ્રેમથી આવકારે છે.

સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા કેવી અદભુત છે! આલ્બર્ટ આઇન્સ્ટાઇનની  યુનિવર્સની યાત્રા કરાવતી થિયરી ઑફ રીલેટિવિટી રોમાંચક; તો નાનકડા એટમની યાત્રા કરાવતી ક્વૉન્ટમ મિકેનિક્સ થિયરી એવી જ આકર્ષક. અનામિકા! તું સ્કૂલમાં ભણતી બાળકી હતી ત્યારે તને સાયન્સમાં ફન્ડામેન્ટલ પાર્ટિકલ્સ ઑફ મેટર શીખવ્યા હતા: પ્રોટોન, ન્યુટ્રોન અને  ઇલેક્ટ્રોન.  આજે પાર્ટિકલ ફિઝિક્સના કંસેપ્ટ્સ કેવા બદલાઈ ગયા! મેટર પાર્ટિકલ્સ અને ફૉર્સ પાર્ટિકલ્સ …. વાત ક્વૉર્ટ્ઝ અને લેપ્ટોનથી બોઝોન સુધી પહોંચી ગઈ. ફર્મિઓન્સ …  અપ અને ડાઉન ક્વૉર્ટ્ઝ. ઇલેક્ટ્રોન અને ન્યુટ્રીનો … વાત ચાલતી જ રહે છે….

આ પછી હવે તો સર્નની ભેટ : હિગ્સ બોઝોન. આ ‘ગોડ પાર્ટિકલ (!)’ કહેવાતા હિગ્સ બોઝોન (હિગ્સ બોસોન)ને પામવામાં સર્નના એલએચસીનો ફાળો છે. વિશ્વનું સૌથી મોટું અને સૌથી વધારે શક્તિશાળી પાર્ટિકલ એક્સિલરેટર સર્નનું લાર્જ હેડ્રોન કોલાઇડર (એલએચસી) છે. 27 કિમી લંબાઇ ધરાવતા આ જંગી,કોમ્પ્લેક્સ લાર્જ હેડ્રોન કોલાઇડરની મદદથી સર્ન ખાતે 2012માં હિગ્સ બોઝોન ડિટેક્ટ થઈ શક્યો. અનામિકા! આવા અદભુત વૈજ્ઞાનિક પ્રયોગો જ્યાં થતા હોય અને સૂક્ષ્મ જગતનાં રહસ્યો જ્યાં ખુલતાં હોય તે સ્થળ યાત્રાધામ જ ગણાય ને!

ગુજરાતનાં અંતરિયાળ ગામડાં જોવાની મને તક મળી છે. નાનકડાં ગામડાંઓએ પ્રગતિ ઘણી કરી છે. શાળાઓ સુધી કમ્પ્યુટર – ઇન્ટરનેટ પહોંચી રહ્યાં છે. શિક્ષકોએ શિક્ષણનું સ્તર સુધારવા પ્રયત્નો પણ ઘણા કર્યા છે. તો હરણફાળ ભરતી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા આપણા વિદ્યાર્થીઓ સજ્જ કેમ ન હોય? જો અમદાવાદનો ચૌદ વર્ષનો વિદ્યાર્થી હર્ષવર્ધન ઝાલા પોતાની શોધ માટે  વિશ્વકક્ષાનો ‘હીરો એવોર્ડ’ જીતી શકે, તો અન્ય ગુજરાતી વિદ્યાર્થીઓ શા માટે પાછળ રહે? તું કદાચ જાણતી હોઇશ, અનામિકા, કે હીરો એવોર્ડ ગુગલના સહકાર અને ચૌદ નોબેલ પ્રાઇઝ વિજેતાઓના સહયોગથી સંચાલિત અમેરિકાની પીસજામ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. આ વિશ્વપ્રતિષ્ઠિત હીરો એવોર્ડ જીતનાર  હર્ષવર્ધન ઝાલા પ્રથમ ભારતીય છે.

ગુજરાતનાં શાળા-કોલેજોના શિક્ષકો – પ્રોફેસર્સ – સંચાલકો આ વાંચીને વિદ્યાર્થીઓને નવા વિચારો, નવા પ્રયોગો, નવા રસ્તે ચાલવાની પ્રેરણા આપે તેવી મારી ઇચ્છા છે. અનામિકા! તું પણ તારા મિત્રોમાં આ વાત ચર્ચજે.

સસ્નેહ આશીર્વાદ.

 

** ** ** ** ** ** **

અનામિકાને પત્ર: 1706 : વિજ્ઞાનની હરણફાળ- સર્ન અને પાર્ટિકલ ફિઝિક્સ : અગત્યના મુદ્દા

ઑસ્ટ્રિયા, યુરોપ : Austria, Europe

સર્ન : CERN

લાર્જ હેડ્રોન કોલાઇડર / લાર્જ હેડ્રન કોલાઇડર (એલએચસી) : Large Hadron Collider (LHC)

પાર્ટિકલ એક્સિલરેટર : Particle accelerator

હિગ્સ બોઝોન/ હિગ્સ બોસોન : Higgs Boson

હીરો એવોર્ડ : Hero Award

હર્ષવર્ધન ઝાલા : Harshavardhan Jhala

** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **

 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s