.
પ્રિય અનામિકા,
વિશ્વમાં ધૂંધવાતી અશાંતિ વિષે તમારા ગ્રુપની ચર્ચાએ મારું ધ્યાન ખેંચ્યું છે. ભારત અને ચીન ડોકલામ મુદ્દે શાણપણ બતાવી રસ્તો શોધવા તૈયાર થયા છે તે ખુશીની વાત. સીરિયા- ઇરાકના પ્રદેશોમાં આતંકવાદને નાથવામાં સફળતા ય આવકારદાયક. પરંતુ આજે ઉત્તર કોરિયાએ ફરી અમેરિકાને છંછેડ્યું છે. ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલ ફાયર કરી, જાપાનની ઉપરથી ઉડાડી પેસિફિક ઓશનમાં મોકલ્યું તે મૂર્ખામીભર્યું દુ:સાહસ છે. દક્ષિણ કોરિયા અને જાપાન ભડકી ઊઠ્યાં તે સ્વાભાવિક છે. પણ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિભાવ કેવા હશે? ચિંતાની વાત એ છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ પાસે હવે વિકલ્પો ખૂટતા જાય છે. વિશ્વશાંતિ માટે આ સારા અણસાર નથી.
કોઈ પણ યુદ્ધ માનવસમાજ માટે યાતનાકારક છે; દેશ અને દુનિયા માટે પારાવાર સમસ્યાઓ ઊભી કરે છે. તેમાંયે વિશ્વયુદ્ધ તો માનવજાત અને ધરતી માટે વિનાશની અમંગળ નિશાની છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં કારમો પરાજય પામેલ જર્મની હારના ઝખમો સહેતું રહ્યું. પણ હિટલરની આગેવાની નીચે જર્મનીએ વિશ્વને બીજા વિશ્વયુદ્ધમાં હોમી દીધું! વીસમી સદીના ચાર દાયકાના ટૂંકા ગાળામાં, બબ્બે વિનાશક વિશ્વયુદ્ધોની સંહારશક્તિ જોઈ ચૂકેલી માનવજાત આજે કોઈ યુદ્ધને ન જ આવકારે. અનામિકા! આપણે ખરેખર ઇચ્છીએ કે હવે કદી યુદ્ધ થાય જ નહીં. પરંતુ સ્વાર્થી સંકુચિત દ્રષ્ટિ, સત્તાલોલુપતા વિસ્તારવાદી નીતિઓ અને પોતાને અધિક શક્તિમાન સિદ્ધ કરવાના નશામાં કેટલાક શાસનકર્તાઓ અંધ બને છે. તેમને ઘર્ષણ સિવાય બીજો કોઈ માર્ગ ખપતો નથી. આવા સ્વકેંદ્રી નેતાઓ દેશ-દેશને યુદ્ધમાં જોતરે છે.
તમારા મિત્રોએ જોયું છે કે વર્તમાનમાં અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા માટે ઉત્તર કોરિયા મુસીબતની બલા બની રહ્યું છે. રાજકારણની આંટીઘૂંટીઓ અને સત્તાના આટાપાટાઓએ અહીં ભારે સંકુલ પરિસ્થિતિ ઊભી કરી છે. ઉત્તર કોરિયા પોતાના પાડોશી દેશ દક્ષિણ કોરિયાને રગદોળવા તાકાત એકઠી કરી રહ્યું છે. ઉત્તર કોરિયા જે ગતિથી પરમાણુ શક્તિ વિકસાવી રહ્યું છે, તે વિશ્વશાંતિ માટે ખતરો જ છે. યુએસએના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કોરિયાના ન્યુક્લિયર પાવરને નાથવા માગે છે, પણ નોર્થ કોરિયાના શાસક કિમ જોં અન (કિમ જોં ઉન / કિમ જોન્ગ ઉન) અમેરિકન પ્રેસિડેન્ટને ગાંઠતા નથી. સાઉથ કોરિયા અને જાપાન પર મહેરબાન રહી, અમેરિકા પ્રશાંત મહાસાગર (પેસિફિક ઓશન) માં પોતાનો પ્રભાવ ટકાવી રાખવા માગે છે. પેસિફિક ઓશનમાં અમેરિકાની આણ સામે પ્રતિસ્પર્ધી ચીન છે. અહીં અમેરિકા-ચીન સામસામે છે. વળી ચીનને નજીકના દેશ નોર્થ કોરિયા સાથે ગાઢા વ્યાપારી-આર્થિક સંબંધો છે. આમ છતાં ચીનને નોર્થ કોરિયાની તાકાત વધે તેમાં રસ નથી. નોર્થ કોરિયા જો સાઉથ કોરિયાને હડપી જાય તો નોર્થ કોરિયા ઠેઠ ચીનના સીમાડે પહોંચી જાય. સમજાય તેવી વાત છે, અનામિકા,કે ચીનને પોતાની સરહદ પર નોર્થ કોરિયા જેવી મુસીબતની બલા જોઈતી નથી.
નોર્થ કોરિયાને ખૂબ ધમકાવી લીધા પછી અમેરિકા હવે ફૂંકી ફૂંકીને કદમ રાખી રહ્યું છે, કારણ કે નોર્થ કોરિયાએ અમેરિકાનાં શહેરો પર પરમાણુશસ્ત્રોથી હુમલો કરી શકાય તેવાં દૂર અંતરનાં, શક્તિશાળી ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ તાજેતરમાં વિકસાવ્યાં છે. આવા સંજોગોમાં જો યુદ્ધ ફાટી નીકળે તો અમેરિકા અને નોર્થ કોરિયા બંને પરમાણુ શસ્ત્રો – ન્યુક્લિયર વેપન્સનાં ઉપયોગ કરી શકે! જો યુદ્ધ વ્યાપક બને, તો વિશ્વયુદ્ધનો ખતરો ઊભો થાય. આ વિશ્વયુદ્ધ પરમાણુ યુદ્ધ હશે તેમાં શંકા નથી. તે પૃથ્વી પર અકલ્પનીય વિનાશ નોતરશે! આવું યુદ્ધ કોઈને જોઈતું નથી; નોર્થ કોરિયાને નહીં, અમેરિકાને તો નહીં જ. યુદ્ધ છેડવું જ નથી, તો આ સ્થિતિનો ઉકેલ શી રીતે લાવવો? શું આ ‘ગેઇમ ઓફ ચિકન’ની સ્થિતિ છે? અનામિકા! તમે સવિસ્તર ચર્ચા કરી ઉકેલ વિશે વિચારશો. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલ કરી યોગ્ય નિરાકરણ લાવે તેવું આપણે ઇચ્છીએ.
સસ્નેહ આશીર્વાદ.
** ** ** ** ** ** **
અનામિકાને પત્ર: 1708 : નોર્થ કોરિયા – અમેરિકા પરમાણુયુદ્ધ કે વિશ્વયુદ્ધ ટાળશે?
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ / પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રંપ: President Donald Trump, USA:
નોર્થ કોરિયાના શાસક કિમ જોં અન (કિમ જોં ઉન/ કિમ જોન્ગ ઉન) : Kim Jong Un, North Korea
ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ: Inter Continental Ballistic Missile (ICBM)
પહેલું / પ્રથમ વિશ્વયુદ્ધ (1914 – 18): First World war / WW I (1914 – 1918)
બીજું / દ્વિતીય વિશ્વયુદ્ધ (1939 – 45): Second World War / WW II (1939 – 1945)
‘ગેઇમ ઑફ ચિકન’: Game of Chicken
** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** ** **
One thought on “અનામિકાને પત્ર: 1708”