.
પ્રિય અનામિકા,
તમારા વૈજ્ઞાનિક મિત્રોમાં થતી ગ્રેવિટેશનલ વેવ્ઝ વિશેની ચર્ચા રસભરી બની છે.
એસ્ટ્રોફિઝિક્સ અને રેડિયો એસ્ટ્રોનોમીના ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિથી બ્રહ્માંડનાં રહસ્યો ખુલતાં જાય છે. સો વર્ષ અગાઉ આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા પ્રકાશિત ‘જનરલ થિયરી ઓફ રિલેટિવિટી’માં સૂચિત ગ્રેવિટેશનલ વેવ્ઝની પ્રાયોગિક સાબિતી મળી ચૂકી છે.
અમેરિકામાં ‘લિગો ઑબ્ઝર્વેટરીઝ’નાં લેસર ઇન્ટરફેરોમીટરથી આશ્ચર્યકારક પરિણામો મળ્યાં છે. લિગો પ્રોજેક્ટના વૈજ્ઞાનિકોએ 2015માં આપણા સૂર્યમંડળથી 130 કરોડ પ્રકાશ વર્ષ દૂર બે બ્લેક હોલની અથડામણથી સર્જાયેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ ‘શોધી’ કાઢ્યાં હતાં. અનામિકા! તું સમજી શકીશ કે ગ્રેવિટેશનલ વેવ્ઝની આ ‘શોધ’ રેડિયો એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સની મોટી સિદ્ધિ છે. સ્વાભાવિક છે કે લિગો પ્રૉજેક્ટની વૈજ્ઞાનિક-ત્રિપુટી – ડૉ. રેઇનર વાઇસ, ડૉ કિપ થોર્ન તથા ડૉ. બેરી બેરિશ – ને 2017નું ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું.
આ પછી તો ઑગસ્ટ 2017માં બે ન્યૂટોન સ્ટાર્સની અથડામણથી ઉદભવેલાં ગ્રેવિટેશનલ વેવ્ઝ પણ લિગો – વર્ગોનાં લેસર ઇન્ટરફેરોમીટરથી પરખી શકાયાં છે. અનામિકા! ન્યૂટોન સ્ટાર તથા બ્લેક હોલની સમજ માટે આપણે ભારતીય – અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ ડૉ. સુબ્રમણ્યન ચંદ્રશેખરને યાદ કરવા ઘટે. રામન ઇફેક્ટ માટે જગવિખ્યાત થયેલા નોબેલ પ્રાઇઝ વિજેતા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રામન ( સર સી વી રામન) તે ડૉ. સુબ્રમણ્યન ચંદ્રશેખરના કાકા થાય. તારા (સ્ટાર) ના સ્ટ્રક્ચર અને જીવનચક્રને લગતાં અદભુત સંશોધનોએ ડૉ. સુબ્રમણ્યન ચંદ્રશેખરને પ્રસિદ્ધિ અપાવી.
ડૉ. સુબ્રમણ્યન ચંદ્રશેખરનો જન્મ 1910માં તત્કાલીન બ્રિટીશ ઇન્ડિયાના લાહોર (હાલ પાકિસ્તાન) માં થયો હતો. તેમના કાકા સર સી. વી. રામનની માફક ચંદ્રશેખરની પણ મેધાશક્તિ પ્રખર હતી. મદ્રાસની પ્રેસિડેન્સિ કોલેજમાં અભ્યાસ કરી વીસ વર્ષની વયે ચંદ્રશેખર ઇંગ્લેંડ ગયા. 1933માં ચંદ્રશેખરે ઇંગ્લેન્ડની વિશ્વપ્રસિદ્ધ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું.
ડૉ. ચંદ્રશેખર તેમનાં ‘ચંદ્રશેખર લિમિટ’ના રિસર્ચ પેપરના લીધે ખૂબ પ્રસિદ્ધ થયા. દુ:ખની વાત એ, અનામિકા, કે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે ડૉ. ચંદ્રશેખરે એસ્ટ્રોફિઝિક્સમાં મહત્ત્વનાં સંશોધનો તો કર્યાં, પરંતુ તેમનાં સંશોધનોને અન્ય વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી અવગણ્યાં. તે જમાનામાં સ્ટારના જીવન ચક્ર તથા ન્યૂટ્રોન સ્ટાર અને બ્લેક હોલ વિશે સંશયો હતા. તે સમયે એમ મનાતું હતું કે વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર એ તારાના જીવનનો છેલ્લો તબક્કો છે. ‘ચંદ્રશેખર લિમિટ’ વ્હાઇટ ડ્વાર્ફ સ્ટારની સ્ટેબિલિટી લિમિટ સૂચવે છે. ‘ચંદ્રશેખર લિમિટ’ના રિસર્ચ પેપરમાં ડૉ. ચંદ્રશેખરે સાબિત કર્યું કે જો વ્હાઇટ ડ્વાર્ફ સ્ટારનું દળ / માસ (maas) સૂર્યના માસ કરતાં 1.44 ગણા કરતાં ઓછું હશે તો તે તારો વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર રહેશે. પરંતુ જે વ્હાઇટ ડ્વાર્ફ સ્ટારનું દળ સૂર્યના 1.44 ગણા કરતાં વધારે હશે તે આગળ જતાં ‘સુપરનોવા’ તરીકે વિસ્ફોટ પામશે. યુવાન ભારતીય એસ્ટ્રોફિઝિસિસ્ટ ચંદ્રશેખરની આ વાતને તે સમયે કેમ્બ્રિજ યુનિવર્સિટીના જ વૈજ્ઞાનિકોએ હસી કાઢી હતી. આજે વ્હાઇટ ડ્વાર્ફ સ્ટારની સ્ટેબિલિટી માટે 1.4ની લિમિટને સ્વીકારવામાં આવી છે. સૂર્યના માસ (solar mass) કરતાં 1.4 ગણાથી વધારે માસ ધરાવતો વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર સ્ટેબલ રહી શકે નહીં. આજે આપણે જાણીએ છીએ કે ‘ચંદ્રશેખર લિમિટ’થી જંગી મોટો વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર ભવિષ્યમાં સુપરનોવા વિસ્ફોટ પામશે; અંતે ન્યૂટ્રોન સ્ટાર કે બ્લેક હોલ બનશે. તે સમયે આવી કલ્પના કરવી પણ અઘરી હતી, ત્યારે ડૉ. ચંદ્રશેખરે વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર પછીના સ્ટારના જીવનચક્રનો વિચાર આપ્યો હતો.
છવ્વીસ વર્ષની ઉંમરે ડૉ. સુબ્રમણ્યન ચંદ્રશેખર અમેરિકા ગયા. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ શિકાગોમાં ફેકલ્ટી તરીકે તેમની નિમણૂક થઈ. 1953માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા. અનામિકા! એ પણ કેવી કરુણતા કે 1930ના અરસામાં સ્ટારના સ્ટ્રક્ચર તથા લાઇફ સાયકલ પર સંશોધન કરનાર ડૉ. સુબ્રમણ્યન ચંદ્રશેખરને છેક 1983માં નોબેલ પ્રાઇઝ મળ્યું! 1995માં આ મહાન ઇન્ડિયન–અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ અવસાન પામ્યા.
આશા છે, આ માહિતી તું વિદ્યાર્થીઓની સાયન્સ ક્લબમાં પણ આપી શકીશ.
સસ્નેહ આશીર્વાદ.
*** *** ** * ** ** **** * ** *** *** * * ** * * *** **** * **** * *** * *
3 thoughts on “અનામિકાને પત્ર: 1710”